Mining Union Protests Planned Layoffs of More Than 1,200 Workers at Venetia Mine
ચિત્ર : ગેબોરોન, બોત્સ્વાનામાં ડી બીયર્સનું ગ્લોબલ સાઇટહોલ્ડર સેલ્સ ઓફિસ. (સૌજન્ય : બેન પેરી/આર્મરી ફિલ્મ્સ/ડી બીયર્સ)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

દક્ષિણ આફ્રિકાના હીરા ક્ષેત્રમાં એક મોટો આંચકો આપતા, વિશ્વપ્રસિદ્ધ હીરા કંપની ‘ડી બીયર્સ’ એ પોતાની પ્રખ્યાત ‘વેનેશિયા‘ (Venetia) માઇન ખાતે આગામી બે વર્ષ માટે ઉત્પાદન સંપૂર્ણપણે સ્થગિત કરવાની યોજના ઘડી છે. કંપનીના આ નિર્ણયને કારણે કુલ ૧,૨૧૪ જેટલા કર્મચારીઓની છટણી (Layoffs) થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ પગલા સામે દક્ષિણ આફ્રિકાના અગ્રણી મજૂર સંગઠન ‘નેશનલ યુનિયન ઓફ માઇનવર્કર્સ‘ (NUM) એ સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે અને કંપનીના વલણની તીવ્ર ટીકા કરી છે.

યુનિયન દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, વેનેશિયા હીરાની ખાણમાં કામ કરતા ૧,૧૩૪ કાયમી કર્મચારીઓ અને ‘ડી બીયર્સ સાઇટહોલ્ડર સેલ્સ સાઉથ આફ્રિકા’ ના ૮૦ કર્મચારીઓની આજીવિકા પર આ નિર્ણયની સીધી અને ગંભીર અસર પડશે.

યુનિયનનો આક્ષેપ : “કામદારો યુઝ એન્ડ થ્રોનું સાધન નથી”

નેશનલ યુનિયન ઓફ માઇનવર્કર્સના ડાયમંડ સેક્ટરના ચીફ નેગોશિયેટર માસિબુલેલે નાકી એ કંપનીના અચાનક લેવાયેલા નિર્ણય સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે : “જ્યારે પણ કંપનીઓ આર્થિક દબાણ કે મંદીનો સામનો કરે છે, ત્યારે કામદારોને નકામી વસ્તુની જેમ ફેંકી શકાય નહીં. ડી બીયર્સ વૈશ્વિક હીરા બજારમાં ચાલી રહેલા પડકારો અને મંદીથી લાંબા સમયથી વાકેફ હતી. તેથી આ સ્થિતિને ‘અચાનક આવેલી કટોકટી‘ તરીકે દર્શાવવી એ તદ્દન ખોટું અને અપ્રમાણિક છે. સેક્શન ૧૮૯A (Section 189A) હેઠળ નોટિસ આપતા પહેલાં જ કંપનીએ કામદારો અને તેમના યુનિયન સાથે પારદર્શક રીતે ચર્ચા કરવાની જરૂર હતી.”

નોકરીઓ બચાવવા માટે યુનિયને સૂચવેલા વિકલ્પો

દક્ષિણ આફ્રિકાના શ્રમ સંબંધિત કાયદા (Labor Relations Act) ના સેક્શન ૧૮૯A હેઠળ ચાલતી સલાહ-મસલત પ્રક્રિયાનો મુખ્ય હેતુ છટણી પર અંતિમ મહોર મારવાનો નથી, પરંતુ નોકરીઓ બચાવવાના વિકલ્પો શોધવાનો છે. યુનિયને સ્પષ્ટ કર્યું છે કે ડી બીયર્સ અને DBSSSA એ કામદારોને છૂટા કરવાના બદલે અન્ય વ્યવહારુ વિકલ્પો પર વિચાર કરવો જોઈએ, જેમાં નીચે મુજબના મુદ્દાઓ સામેલ છે:

  1. એક્ઝિક્યુટિવ અને મેનેજમેન્ટ ખર્ચની સમીક્ષા: ઉચ્ચ અધિકારીઓના પગાર અને ભથ્થાંમાં કાપ મૂકવો.
  2. રી-ટ્રેનિંગ અને અપસ્કિલિંગ: કામદારોને અન્ય ટેકનિકલ કૌશલ્યો શીખવીને અન્ય વિભાગોમાં સમાવવા.
  3. બિનજરૂરી ખર્ચાઓ પર રોક: કંપનીના અન્ય બિન-જરૂરી ઓપરેશનલ ખર્ચાઓ ઘટાડવા.

ભવિષ્યની લડતની તૈયારી

ગ્લોબલ ડાયમંડ માર્કેટમાં કૃત્રિમ (લેબ-ગ્રોન) હીરાનો વધતો પ્રભાવ અને કુદરતી હીરાની ઘટેલી માંગને કારણે ડી બીયર્સ હાલ મોટા આર્થિક દબાણ હેઠળ છે. તેમ છતાં, NUM યુનિયને સ્પષ્ટ ચીમકી આપી છે કે તેઓ પોતાના સભ્યોના હિતોનું રક્ષણ કરવા માટે કાનૂની, સંગઠનાત્મક અને સમૂહ વાટાઘાટો (Collective Bargaining) ના તમામ માધ્યમોનો ઉપયોગ કરશે અને આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેશે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant