DIAMOND CITY NEWS, SURAT
વિશ્વના અગ્રણી હીરા અને જ્વેલરી વેપાર કેન્દ્રોમાં અગ્રગણ્ય સ્થાન ધરાવતા સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની જેમોલોજિકલ લેબોરેટરીનો શુભારંભ થયો છે. ICA GemLab India દ્વારા લાલ દરવાજા સ્થિત એક્સલેન્ટ બિઝનેસ હબ ખાતે આ અદ્યતન લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સુવિધા ઉપલબ્ધ થવાથી હીરા ઉત્પાદકો, હોલસેલર્સ, વેપારીઓ, રિટેલર્સ, જ્વેલરી બ્રાન્ડ્સ, ડિઝાઇનર્સ તેમજ સામાન્ય ગ્રાહકોને હીરા, રંગીન રત્નો અને આભૂષણોની ગુણવત્તા તપાસવા માટે વૈશ્વિક કક્ષાના રિપોર્ટ સરળતાથી મળી રહેશે.
આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં કલામંદિર જ્વેલર્સના સહ-સ્થાપક મિલન શાહ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ICA GemLab Global ના મેનેજિંગ ડિરેક્ટર અમીરા ડબલ્યુ. હટ્ટા, મુખ્ય સંશોધન વૈજ્ઞાનિક ડૉ. ડીટમાર શ્વાર્ઝ તથા હીરા-જ્વેલરી ઉદ્યોગના જાણીતા અગ્રણીઓ અને પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.
ભારતીય બજાર માટે મહત્વપૂર્ણ પગલું
સુરતમાં ICA GemLab ની શરૂઆત એ ભારતમાં સંસ્થાના વિસ્તારનું એક અતિ મહત્વપૂર્ણ સોપાન છે. સંસ્થાનું મુખ્ય મથક બેંગકોકમાં આવેલું છે અને દુબઈ તથા હોંગકોંગ જેવા વૈશ્વિક કેન્દ્રોમાં પણ તે કાર્યરત છે. ભારતમાં આ પ્રથમ સુવિધા હોવાથી હવે સ્થાનિક વેપારીઓએ રત્નો અને હીરાની ચકાસણી માટે અન્ય શહેરો કે વિદેશ પર નિર્ભર રહેવું નહીં પડે.
ICA GemLab India ના ડિરેક્ટર કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “વિશ્વના હીરા અને રત્નોના ઉત્પાદનમાં ભારત કેન્દ્રીય સ્થાન ધરાવે છે અને સુરત તેનો આત્મા છે. અમારો મુખ્ય હેતુ ઉત્પાદકોથી લઈને સામાન્ય ગ્રાહકો સુધી આંતરરાષ્ટ્રીય સ્તરની ચકાસણી પદ્ધતિઓ અને વિશ્વસનીય રિપોર્ટિંગ ધોરણો પહોંચાડવાનો છે, જેથી વેપારીઓ અને ગ્રાહકો સચોટ માહિતી સાથે યોગ્ય નિર્ણય લઈ શકે.”
તેમજ ICA GemLab Global ના મેનેજિંગ ડિરેક્ટર અમીરા હટ્ટાએ ઉમેર્યું હતું કે, ભારત વૈશ્વિક રત્ન અને આભૂષણ ક્ષેત્રનું અત્યંત મહત્વનું બજાર છે અને સુરતમાં આ લેબ શરૂ થવાથી અમારી તપાસ સુવિધાઓ સીધી સ્થાનિક બજાર અને વેપારીઓને ઉપલબ્ધ બનશે.
ડાયમંડ અને જ્વેલરી માટે મળશે ૩ વિશિષ્ટ રિપોર્ટ
સુરતની આ અદ્યતન લેબોરેટરીમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના રિપોર્ટ જારી કરવામાં આવશે :
- ડાયમંડ રિપોર્ટ
- રંગીન રત્નોનો રિપોર્ટ
- જ્વેલરી રિપોર્ટ
આ રિપોર્ટના માધ્યમથી હીરો કુદરતી છે કે સિન્થેટિક, તેની સચોટ ઓળખ મળી શકશે. આ ઉપરાંત રત્નો અને દાગીનાઓની ગુણવત્તા સંબંધિત વિગતવાર વૈજ્ઞાનિક માહિતી પણ પૂરી પાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ICA GemLab એ એક સંપૂર્ણ સ્વતંત્ર જેમોલોજિકલ લેબોરેટરી છે, જે ઇન્ટરનેશનલ કલર્ડ જેમસ્ટોન એસોસિયેશન (ICA) સાથે સંલગ્ન છે. વિશ્વભરના કેન્દ્રોમાં જે સમાન અને ઉચ્ચ વ્યાવસાયિક ધોરણો અમલમાં છે, તે જ આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓનું પાલન સુરતની આ લેબોરેટરીમાં પણ કરવામાં આવશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















