Interview with jignesh bhavsar director of sgl lab surat-1
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

ડાયમંડ વિશે કશું જાણતા નહોતા આજે ડાયમંડ લેબનું સફળ સંચાલન કરે છે.

  • દક્ષિણ ગુજરાતના કઠોર ગામમાં 1થી 12 ધોરણ ગુજરાતી માધ્યમમાં ભણ્યા
  • કોલેજમાં ભણતા ભણતા જોબ કરી
  • અંકલેશ્વરમાં પેપર મીલ નાંખી એમાં મોટું નુકસાન ગયું એ પછી 3 વર્ષ મુશ્કેલી વેઠી

આપણે જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે દિવાલો પર આવા સુવાક્યો જોવા મળતા”સંઘર્ષ વિના સિદ્ધિ શક્ય નથી સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય, જે સંઘર્ષમાં પણ હિંમત રાખે છે, તે ક્યારેય હારતો નથી.

આ વાત આજે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે વ્યક્તિ વિશેષમાં આ વખતે એવા વ્યક્તિની વાત કરવી છે કે જેઓ સામાન્ય પરિવારમાં જન્મયા, ખૂબ ભણ્યા, સફળતાની સીડીઓ પણ ચઢ્યા પછી પડ્યા અને વર્ષો સુધી સંઘર્ષ કરીને પાછા ઉપર પણ આવ્યા. સોનુ પણ ત્યારે જ ઝળકે છે જ્યારે વારંવાર ટિપાઈ છે.

સફળતા પછી નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો પણ તેમણે હિંમત, નીતિ અને પ્રમાણિકતા ન છોડી. જિંદગીના 3 વર્ષ એવા કપરા રહ્યા કે નાની યાદ આવી ગઇ, પરિવારનો સાથ, પરિવારના સંસ્કારોએ તેમને ફરી ઉપર આવવામાં મદદ કરી.

જે વ્યક્તિ ડાયમંડનો ડ જાણતી નહોતી એ આજે ડાયમંડ લેબોરેટરીનું સફળતાથી સંચાલન કરે છે. આજે એમની પાસે બધુ જ છે જે એક સુખી સંપન્ન પરિવાર પાસે હોય.

અમે વાત કરી રહ્યા છીએ ડાયમંડ ઉદ્યોગમાં સૌથી મોખરાની ડાયમંડ લેબમાં સ્થાન ધરાવતી SGL લેબ સુરતના સંચાલક શ્રી જિગ્નેશ ભાવસારની. ડાયમંડ સિટીની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં આ વખતે જિગ્નેશ ભાવસારની જર્ની વિશે વાત કરીશુ.

જિગ્નેશભાઇને અમે જ્યારે મળવા ગયા ત્યારે તેમણે એમની જિંદગી વિશે માંડીને વાત કરી. તેમને મળ્યા પછી એવું લાગ્યું કે He Is A Gem Of A Person. સાવ સરળ અને સીધાસાદા માણસ, કોઇ બનાવટ નથી, વાત અને કામમાં પણ પ્રમાણિકતા.

તેમના પત્ની ડિમ્પલબેન પણ બેઠા હતા. જ્યારે જિગ્નેશભાઇની જર્નીની વાત ચાલતી હતી ત્યારે ડિમ્પલબેનની આંખોમાંથી આંસુ સરી પડ્યા. જિંદગીના એ સંઘર્ષના દિવસો યાદ આવી જતા તેમની આંખો ભરાઇ આવી હતી. પત્ની ડિમ્પલબેને જિગ્નેશભાઇને મુશ્કેલીના સમયમાં ખૂબ સાથ આપ્યો.

જિગ્નેશ ભાવસારનો જન્મ આમ તો મુંબઇમાં 24 ઓક્ટોબર 1974માં થયો હતો, પણ તેઓ જ્યારે 1 વર્ષના હતા ત્યારે પિતા દક્ષિણ ગુજરાતના કઠોર ગામમાં રહેવા આવી ગયા હતા.

તેમના પરિવારમાં માતા-પિતા અને 6 ભાઇ બહેનોનો બહોળો પરિવાર હતો. 12માં ધોરણ સુધી કઠોરમાં ગુજરાતી માધ્યમમાં ભણ્યા, એ પછી ખોલવડ કોલેજમાં બી.કોમ. અને ભરુચની કોલેજમાંથી એમ.કોમ. કર્યું.

મિત્રો સાથે મળીને શેરબજારનું કામ શરૂ કર્યું

જિગ્નેશ ભણ્યા પછી 1992થી 2007 સુધીમાં તેમણે 2 જોબ કરી અને એ દરમિયાન 2003માં તેમણે 3 મિત્રો સાથે ભાગ્યોદય ઇન્વેસ્ટમેન્ટ નામથી શેરબજારની ઓફિસ શરૂ કરી.

નસીબે સાથ આપ્યો અને સારુ કમાયા પણ ખરા. પણ ભણતા ભણતા કરોડો રૂપિયા કમાવવાના સપના જોયા હતા એટલે એમાં આગળ વધવા માટે 2011માં અંકલેશ્વરમાં એક પેપર મીલ શરૂ કરી.

સાહસ હતું એટલે સારુ કમાઇશું એવી ધારણા હતી, પરંતુ ધાર્યું તો ધણીનું જ થાય છે. અંકલેશ્વરમાં પેપર મીલ શરૂ કરવાનો નિર્ણય ઊંધો પડી ગયો અને ભારે નુકસાની વેઠવી પડી અને 2013માં પેપર મીલ બંધ કરી દેવી પડી.

Interview with jignesh bhavsar director of sgl lab surat-3

વર્ષ 2019થી જિંદગીમાં સુખની શરૂઆત થઇ

એવું કહેવાય છે કે, કોઇ પણ દુખ કે મુશ્કેલી કાયમ રહેતા નથી, અંધકાર પછી પ્રકાશ આવે જ છે. જિગ્નેશભાઇની જિંદગીમાં પણ અંધકારમાંથી પ્રકાશનો દિવસ આવ્યો. એક દિવસ તેમના એક જૂના મિત્રે SGL લેબ સુરત બ્રાન્ચના ડિરેક્ટર સાથે પરિચય કરાવી, સુરતમાં SGL લેબની બ્રાન્ચની શરૂઆત કરાવી અને જિગ્નેશભાઇને જોડાવવાની પ્રપોઝલ આપી.

જિગ્નેશભાઇ માટે એ વખતે વિમાસણ એ હતી કે, તેમણે ક્યારેય ડાયમંડમાં કામ નહોતું કર્યું. તેમને ડાયમંડના ડ વિશે ખબર નહોતી. સાવ નવી જ લાઇન હતી. પરંતુ એ મિત્રને જિગ્નેશભાઇને મેનેજમેન્ટ ક્ષમતા, પ્રમાણિકતા, મહેનત કરવાની તાકાત વિશે ખબર હતી.

તેમણે જિગ્નેશભાઇને પ્રેરિત કર્યા અને ડાયમંડ લેબમાં જોડાવવા આગ્રહ કર્યો. એ રીતે જિગ્નેશભાઇને 2019માં સુરતમાં SGLના સંચાલનની જવાબદારી મળી. ઈશ્વરનો જ કોઇ સંકેત હશે એમ માનીને જિગ્નેશભાઇ પણ ખંતથી જોડાઈ ગયા.

SGLમાં જોડાયા પછી તેઓ અનેક બદલાવ લાવ્યા, જેમ કે ડાયમંડ પરીક્ષણ માટે અન્ય લેબમાં 3 થી 4 દિવસ લાગતાં હતા, તેમણે SGLમાં હીરાનું પરીક્ષણ 1 થી 2 દિવસમાં જ કરી આપવાનું શરૂ કર્યું અને સર્વિસને પ્રાયોરીટી આપી.

જિગ્નેશભાઇનો દાવો છે કે, આજે SGL દેશની સ્ટાન્ડર્ડ લેબોરેટરીઓમાં સેક્ન્ડ નંબરનું સ્થાન ધરાવે છે.

જિંદગીના એ 3 વર્ષ ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

જિંદગી બહુ સારી અને મજાની ચાલતી હતી, પરંતુ અંકલેશ્વરની પેપર મીલમાં મોટું નુકસાન થયું અને જિંદગી આખી બદલાઈ ગઇ. જિગ્નેશભાઇને ખબર નહોતી કે જિંદગી આટલી મોટી કસોટી લેશે.

તેમણે એ દિવસો યાદ કરતા કહ્યું કે, મારી જિંદગીના એ 3 વર્ષ ક્યારેય ભૂલાય તેવા નથી. જિંદગી આખી ઉપરથી નીચે આવી ગઇ હતી. એવું લાગતું હતું કે ભગવાન મારી આકરી કસોટી લઇ રહ્યો છે.

જ્યારે આ વાત ચાલતી હતી ત્યારે જિગ્નેશભાઇના પત્ની ડિમ્પલબેનની આંખોમાંથી આંસુ સરી પડ્યા, તેમણે આંખોમાં આંસુ સાથે વાત કરતા કહ્યું કે, જાણે અચાનક અમારી પર આભ તૂટી પડ્યું હતું, તે વખતે બે દીકરીઓ હેતા અને વૃશાલી નાના હતા.

જિગ્નેશ અંકલેશ્વરની ફેકટરીનું કામ પતાવવા સવારે નિકળતા ત્યારે દીકરીઓ સુતી હોય અને મોડી રાત્રે પાછા આવતા ત્યારે પણ દીકરીઓ સુતી હોય એટલે સંતાનોને મળી નહોતા શકતા.

ડિમ્પલબેન એ વાત સમજી ગયા હતા કે મુશ્કેલી આવી છે તો તેની સામે રડીને બેસી રહેવા કરતા તેનો સામનો કરવો જરૂરી છે. લગ્ન જીવનના 16 વર્ષ પછી તેમણે પતિને સાથ આપવા માટે એક શાળામાં ટીચર તરીકે નોકરી શરૂ કરી. જીવનને એકદમ સંયમિત કરી દીધું.

ડિમ્પલબેને કહ્યું કે, એવો પણ સમય હતો કે મારી દીકરીઓને વડા પાઉં ખાવા હોય તો તકીયા નીચે સાચવેલા 12 રૂપિયા આપીને તેમને કહેતી કે એક વડા પાઉંમાંથી બંને ખાઇ લેજો.

ડિમ્પલબેને કહ્યું કે, મને મારા પતિ પર પુરો વિશ્વાસ હતો, કારણ કે તેમણે જિંદગીમાં ક્યારેય કોઇનું અહિત કર્યું નહોતું, બલકે હંમેશા લોકોની મદદ કરી હતી.

પણ એ કપરા દિવસોએ ઘણું બધું શિખવાડ્યું, જિંદગીનો મહામૂલો અનુભવ આપ્યો, સાચા-ખોટાની પરખ કરાવી. હા, એટલું ખરું કે ઘણા બધા એવા મિત્રો-સ્વજનો પણ હતા જેમણે કપરા સમયમાંથી બહાર આવવા પુરો સહયોગ આપ્યો.

મારી મોટી દીકરી હેતાએ તો આ મુશ્કેલ દિવસો જોયા હતા એટલે આજે એ મુંબઈ MBA કરીને જોબ કરે છે, પરંતુ એને પૈસાનું મૂલ્ય બરાબર ખબર છે, હેતાને ખબર હતી કે કોઇની બર્થ ડેમાં જવું હોય તો ગિફ્ટ આપવાના પૈસા નહોતા તો મિત્રોની બર્થ-ડે પાર્ટીમાં જતી પણ નહોતી.

પરિવારને પૂછ્યા વગર કોઇ ડગલું પણ માંડતી નથી. હેતાને કેનેડા જવાની તક હતી, પરંતુ માતા-પિતાનો સાથ છોડવો નહોતો એટલે કેનેડા પણ ન ગઇ. નાની દીકરી વૃષાલીએ દુ:ખના દિવસો જોયા નથી, પરંતુ પરિવારના સંસ્કારો તેનામાં પણ છે. વૃષાલી ગાંધીનગરમાં PDPUમાં ભણે છે.

ડિમ્પલબેને કહ્યું કે, દીકરીઓ કોઇકવાર સવાલ કરતી હતી કે, મમ્મી, આપણે પ્રમાણિકતા પકડી રાખીએ છીએ એટલે પાછળ પડીએ છીએ, ચતુર માણસો ફટાફટ આગળ આવી જાય છે.

ત્યારે તેમને હું કહેતી કે, “બેટા, પ્રમાણિકતા એ જ સાચો વારસો છે. સફળતા મોડી આવે છે, પણ જ્યારે આવે છે ત્યારે તે કોઈ છીનવી શકાતું નથી. એમાં જે શૂકુન મળે છે એ દુનિયાની કોઇ વસ્તુમાંથી મળતું નથી. સફળતા મોડી આવે, પણ તે કાયમી હોય છે. અસત્યનો પાયો ક્યારેય મક્કમ નથી રહેતો. જે માણસ પ્રમાણિકતાને છોડે છે, તે પોતાના આત્માને જ વેંચી દે છે. સહન કરવું એ પ્રમાણિકતાની પરીક્ષા છે. જે પાસ થાય છે, તેને સ્વર્ગ પણ નમે છે.”

ભણતા હતા ત્યારથી જ ભારે મહેનત કરી હતી.

જિગ્નેશ ભણતા હતા ત્યારે જ તેમણે ભારે મહેનત કરવાનું શરૂ કરી દીધું હતું. કઠોરથી ભરૂચ ભણવા જવાનું, પાછા ભરૂચથી સુરત નોકરી કરવા આવવાનું અને સુરતથી પાછા ઘરે જવાનું, એમાં સવારથી રાત પડી જતી. એ મહેનત તેમને આગળ લઇ જવામાં ઘણી કામ લાગી.

તેમણે કહ્યું કે, આજે મે નિયમ બનાવ્યો છે કે, ગમે તેવું કામ હોય ઘરેથી પૂજા પાઠ કર્યા વગર બહાર નીકળવું નહીં. રાત્રે ગમે તેટલું મોડું થાય સવારે વહેલા ઉઠવાનું ફિક્સ છે. ખાવામાં પણ સાદા ખોરાક સિવાય ખાસ કશું ખાતા નથી. તેઓ દરરોજની કામગીરી માટે નિયમિત ડાયરી પણ લખતા રહે છે.

Interview with jignesh bhavsar director of sgl lab surat-2

પત્ની-દીકરીઓના પગલાં શુકનિયાળ રહ્યા…

જિગ્નેશભાઇએ કહ્યું કે, મારી જાતને હું ખૂબ નસીબદાર માનું છું, ભલે મને મુશ્કેલીઓ પડી, મોટા નુકસાન થયા, પરંતુ ઈશ્વરે પત્ની અને બે દીકરીઓ સ્વરૂપે લક્ષ્મી મારા ઘરે આપી.

લગ્ન થયા ત્યારે પત્નીના પગલાથી સારુ હતું, પહેલી દીકરીએ પણ ખુશી આપી હતી અને સૌથી નાની દીકરીના જન્મ પછી સફળતા ફુલ સ્પીડમાં આવી હતી. ફટાફટ ઘર ખરીદી શક્યા, કાર આવી ગઇ અને એક સારી જિંદગી નાની પુત્રીના જન્મ પછી આવી.

મુશ્કેલીમાં અનેક લોકોની મદદ મળી…

જિગ્નેશભાઇએ કહ્યું કે, મુશ્કેલી આવી તેમાં અનેક લોકોએ મદદ કરી ખાસ કરીને પરિવારના લોકોનો સધિયારો રહ્યો, મિત્રોએ મદદ કરી. ઉપરાંત જૈન સમાજનાં વિરાગ મુનિ મહારાજ કઠોરમાં વિહાર કરવા આવેલા અને મારા ઘરે ગોચરી લેવા આવેલા અને 5 મિનિટ રોકાયેલા. તેમના આશીર્વાદ મને ખૂબ ફળ્યા.

તેઓ કાળધર્મ પામ્યા છે, પરંતુ જ્યારે જીવીત હતા ત્યારે એવું બનતું કે, હું મુશ્કેલીમાં હોઉં એ જ સમયે તેમનો ફોન આવતો અને મને મુશ્કેલીનો હલ મળી જતો. આજે પણ મને એવું લાગે કે તેઓ મારી સાથે જ છે.

પુસ્તકોએ પણ ઘણી મદદ કરી. ઘરમાં મેં એક લાઈબ્રેરી બનાવી છે અને મારી દીકરીઓને પણ પુસ્તકો વાંચવામાં રસ છે. પિતાની ધાર્મિક વૃત્તિએ પણ મને તારવામાં મદદ કરી.

મારા પતિ હમેંશા લોકોની મદદ કરતા રહે છે.

ડિમ્પલબેને કહ્યું કે, મારા પતિના સ્વભાવની સૌથી સારી ક્વોલિટી એ છે કે કોઈને મદદ કરવાની હોય તો અડધી રાતે પણ દોડી જાય.

કોવિડ વખતે મને કોરોના થયો હતો, મારી માતાને પણ કોરોના થયો હતો, તો જિગ્નેશ મારી માતાને લઇને કામરેજ સુધી દોડ્યા હતા,10 ડોકટરોને બતાવ્યું હતું અને મારી માતાનું વજન માત્ર 30 કિલો હતું. આવા તો અનેક દાખલા છે.

જિંદગીમાં પૈસા ખૂબ જ જરૂરી છે, પરંતુ સંતોષ પણ રાખવો પડે

જિગ્નેશભાઇને અમે પૂછ્યું કે, તમારી જિંદગીના અનુભવોના નિચોડને આધારે આજની યુવા પેઢીને શું કહેશો? તેમણે કહ્યું કે, મારે યુવાનોને કહેવું છે કે, જિંદગીમાં પૈસા ખૂબ જરૂરી છે, પરંતુ સંતોષ રાખવો પણ એટલો જ જરૂરી છે.

તમે નિષ્ઠાથી કામ કરશો તો પૈસા આપોઆપ તમારી પાછળ આવશે. માતાપિતા, જીવનસાથી અને સંતાનો, આ બધા સંબંધો સમય માંગે છે. કારકિર્દી પાછળ દોડતા-દોડતા જે ક્ષણો ગુમાવીએ છીએ, તે પાછી મળતી નથી.

ડિમ્પલબેને પણ કહ્યું કે, મારે આજના યુવાનોને કહેવું છે કે, તકલીફના સમયે વિશ્વાસ ન ગુમાવતા અને એવું ક્યારેય ન વિચારતાં કે કોઇ જોતું નથી તો ખોટું કરીશું તો વાંધો નહીં. ખોટાની સજા મળશે જ અને પૂણ્ય કરશો તો સારા ફળ પણ મળશે એટલો વિશ્વાસ રાખજો.

માતાપિતા, જીવનસાથી અને સંતાનો, આ બધા સંબંધો સમય માંગે છે. કારકિર્દી પાછળ દોડતા-દોડતા જે ક્ષણો ગુમાવીએ છીએ, તે પાછી મળતી નથી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant