DIAMOND CITY NEWS, SURAT
ભારતીય હીરા ઉદ્યોગ, ખાસ કરીને સુરતના હીરા કારીગરો અને નિકાસકારો માટે વર્ષ 2026-27 આશાસ્પદ સાબિત થવા જઈ રહ્યું છે.
રેટિંગ એજન્સી CRISIL (ક્રિસિલ) ના તાજેતરના અહેવાલ મુજબ, અમેરિકા દ્વારા હીરા પરની આયાત જકાત (Tariffs) માં આપવામાં આવેલી રાહતને કારણે ભારતીય ડાયમંડ કટર અને પોલિશર્સની આવકમાં 6% થી 7% નો નોંધપાત્ર વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
આવકમાં કરોડોનો વધારો થવાનો અંદાજ :
ભારતમાં એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષ 2027 માં, હીરા ક્ષેત્રની કુલ આવક વધીને $15.0 થી $15.5 બિલિયન (અંદાજે ₹1.25 લાખ કરોડથી વધુ) થવાની ધારણા છે.
ચાલુ નાણાકીય વર્ષમાં આ આંકડો $14.0 થી $14.8 બિલિયન વચ્ચે રહેવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વના 90% થી વધુ હીરાનું કટિંગ અને પોલિશિંગ ભારતમાં થાય છે અને આ ઉદ્યોગ પોતાની 80% આવક નિકાસ દ્વારા મેળવે છે.
નિકાસના સમીકરણોમાં મોટો ફેરફાર :
રિપોર્ટ અનુસાર, વર્ષ 2025 માં ભારતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 35% હતો, જે વર્ષ 2026 ના પ્રથમ નવ મહિનામાં ઘટીને માત્ર 16% રહી ગયો હતો.
અમેરિકાના કડક ટેરિફ નિયમોને કારણે ભારતીય વેપારીઓએ યુએઈ (UAE), હોંગકોંગ, થાઈલેન્ડ અને કેનેડા જેવા વૈકલ્પિક હબ શોધવા પડ્યા હતા. જોકે, હવે ટેરિફમાં રાહત મળતા અમેરિકામાં ડાયરેક્ટ એક્સપોર્ટ ફરી વેગ પકડશે.
CRISILના સીનિયર ડાયરેક્ટર રાહુલ ગુહાએ જણાવ્યું હતું કે, “અમેરિકી અર્થતંત્રમાં સુધારો અને વધતી જતી માથાદીઠ આવકને કારણે પોલિશ્ડ ડાયમંડના વોલ્યુમમાં 4% થી 6% નો વધારો જોવા મળી શકે છે.”
કુદરતી હીરા વિરુદ્ધ લેબ-ગ્રોન ડાયમંડ :
બજારના વલણો પર નજર કરીએ તો, 1.5 કેરેટથી મોટા કુદરતી હીરા (Natural Diamonds) ની માંગ સ્થિર રહી છે અને તેની પ્રીમિયમ કિંમતો જળવાઈ રહી છે. બીજી તરફ, નાના કદના કુદરતી હીરાને સિન્થેટિક અથવા લેબ-ગ્રોન ડાયમંડ તરફથી સખત સ્પર્ધા મળી રહી છે અને તે સતત પોતાનો માર્કેટ શેર ગુમાવી રહ્યા છે.
જોખમો અને સાવચેતી :
અહેવાલમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ (Middle East Conflict) આ તેજીના માર્ગમાં અવરોધ બની શકે છે. જોકે, હીરા ઉદ્યોગપતિઓએ હાલમાં ‘વેઇટ એન્ડ વોચ’ ની નીતિ અપનાવી છે.
કાચા હીરા (Rough Diamonds) ની ખરીદીમાં સાવચેતી રાખવાને કારણે ઇન્વેન્ટરી ઓછી છે, જેનાથી કંપનીઓ પર દેવાનું ભારણ ઘટ્યું છે અને તેમની નાણાકીય સ્થિતિ (Credit Profiles) મજબૂત થઈ છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















