Global Diamond Market Review
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT 

વૈશ્વિક હીરા બજારમાં હાલમાં મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યાં અમુક ખાસ કેટેગરીના પોલિશ્ડ હીરામાં ગ્રાહકોની માંગ નીકળતા સુધારો (રિકવરી) જોવા મળ્યો છે.

રેપાપોર્ટ (Rapaport) ના તાજેતરના માર્કેટ રિપોર્ટ અનુસાર, ૦.૩૦ થી ૦.૬૯ કેરેટના હીરાઓમાં, ખાસ કરીને ૦.૩૦ કેરેટ (VS ક્લેરિટી) સાઇઝમાં રિકવરી મજબૂત બની રહી છે. જોકે, ગ્લોબલ સપ્લાય ચેઇનમાં હજુ પણ વિસંગતતાઓ પ્રવર્તે છે.

વૈશ્વિક સમાચાર અને બજારના મુખ્ય પ્રવાહો

અમેરિકી બજારમાં હાલમાં સ્ટોક (ઇન્વેન્ટરી) ની મોટી અસમાનતા જોવા મળી રહી છે, જ્યાં કેટલીક કેટેગરીમાં માલનો ભરાવો છે તો કેટલીક શ્રેણીમાં ભારે અછત પ્રવર્તે છે. યુ.એસ. સરકાર દ્વારા લાદવામાં આવેલા ટેરિફના કારણે માલની મુક્ત હેરફેર અવરોધાઈ છે.

જે પોલિશ્ડ ટ્રેડર્સે આયાત જકાત ચૂકવી દીધી છે, તેમના માટે અમેરિકાથી માલ પુનઃ નિકાસ (Re-export) કરવો આર્થિક રીતે અશક્ય બન્યો છે. આ સિવાય, ભારતીય કંપનીઓની યુ.એસ. શાખાઓની સરખામણીએ સ્થાનિક અમેરિકન ડીલરો પોતાના માલના ભાવ વધુ ઊંચા રાખી રહ્યા છે.

બીજી તરફ, ૦.૦૧ કેરેટથી નાના હીરા (-2 કદ) ની ભારે માંગ જોવા મળી રહી છે. ઇટાલી ખાતે યોજાયેલા ‘વિસેન્ઝાઓરો’ (Vicenzaoro) શોમાં હાઇ-એન્ડ જ્વેલરીની સારી માંગ નોંધાઈ છે.

આ સાથે CIBJO એ કુદરતી ન હોય તેવા (ખાણમાંથી ન નીકળેલા) હીરા માટે કાયદેસર રીતે “સિન્થેટિક” શબ્દનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે. નાણાકીય ક્ષેત્રે, સિગ્નેટ જ્વેલર્સનું નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં વેચાણ ૦.૫% ઘટીને $૧.૫ અબજ રહ્યું હોવા છતાં, ધારણા કરતાં વધુ નફો નોંધાતા તેના શેરમાં મોટો ઉછાળો આવ્યો છે.

ફેન્સી શેપ ડાયમંડ્સનો ટ્રેન્ડ

ફેન્સી શેપ ડાયમંડ્સમાં ૨ કેરેટ અને તેથી મોટા સાઇઝના લોંગ શેપ્સ જેવા કે ઓવલ, માર્ક્વિઝ અને એમરાલ્ડ કટની સારો ઉપાડ છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતા માર્ક્વિઝ, લોંગ રેડિયન્ટ અને લોંગ કુશન હીરાની બજારમાં ભારે અછત વર્તાઈ રહી છે.

હાલમાં માર્ક્વિઝ એ સૌથી મોંઘો ફેન્સી શેપ બની ગયો છે. લોંગ કુશન શેપ ચોરસ (Square) કુશનની સરખામણીએ ૨૦% થી ૨૫% પ્રીમિયમ ભાવે વેચાઈ રહ્યા છે. લાંબા સમયની મંદી બાદ પ્રિન્સેસ કટ ડાયમંડ્સની માંગમાં આંશિક ચહલપહલ દેખાઈ છે, પરંતુ તેના ભાવ હજુ પણ નીચા સ્તરે છે.

એન્ટીક કટ્સ અને જૂની સ્ટાઇલો યુવા ગ્રાહકોમાં હોટ ફેવરિટ બની છે. યુ.એસ. માર્કેટમાં સારી ગુણવત્તા અને શેપ ધરાવતા D થી I કલર અને VS-SI ક્લેરિટીના લોંગ ઓવલ હીરાનું મજબૂત બજાર છે.

અત્યંત બારીક અને શ્રેષ્ઠ કટિંગ (Very well-cut) ધરાવતા ફેન્સી શેપ્સ મળવા મુશ્કેલ છે અને તે પ્રીમિયમ ભાવ મેળવી રહ્યા છે, જ્યારે ખરાબ પ્રોપોર્શન (Bad proportions) ધરાવતા હીરા બજારમાં અપ્રચલિત (Illiquid) બન્યા છે.

વિવિધ દેશોની બજાર સ્થિતિ

  • યુનાઇટેડ સ્ટેટ્સ (US) : લેબર ડે ની રજાઓને કારણે કામકાજના દિવસો ઓછા રહ્યા હતા. ફેશન અને બેઝલ-સેટ જ્વેલરી માટે કોન્ટ્રાક્ટ ઉત્પાદકો ઓર્ડર પૂરા કરવામાં વ્યસ્ત છે. ૧.૫૦ કેરેટ કે તેથી મોટા (D-H કલર, VS-SI ક્લેરિટી) રાઉન્ડ અને ફેન્સી ડાયમંડ્સમાં લગ્નસરાની માંગ સ્થિર છે. પીઅર, રેડિયન્ટ અને માર્ક્વિઝ જેવા લોંગ શેપ્સનું વેચાણ મજબૂત છે, જ્યારે એમરાલ્ડ કટની માંગ થોડી ધીમી પડી છે.
  • બેલ્જિયમ (એન્ટવર્પ) : વિસેન્ઝાઓરો પ્રદર્શનમાં બેલ્જિયન વેપારીઓની મજબૂત હાજરી રહી હતી, જે યુરોપિયન હાઇ-એન્ડ જ્વેલરી માર્કેટની સ્વસ્થ સ્થિતિ દર્શાવે છે. એન્ટવર્પમાં રફ અને પોલિશ્ડ બંને ક્ષેત્રે લેવાલી સુધરી છે. સ્મોલ ગુડ્સ, ખાસ કરીને ૦.૨૦ કેરેટથી નીચેના હીરા સારું પ્રદર્શન કરી રહ્યા છે. મોટા કદમાં ઓવલ અને માર્ક્વિઝ રફ સારા ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે ઓવરસપ્લાયના કારણે લોંગ કુશન થોડા નરમ પડ્યા છે.
  • ઇઝરાયેલ : સ્થાનિક વેપાર અત્યંત મંદ છે. ઇઝરાયેલી ડીલરો મુખ્યત્વે ભારતમાંથી ખરીદી કરીને યુ.એસ.માં વેચાણ કરી રહ્યા છે. આગામી તહેવારોની સિઝનને કારણે પ્રવૃત્તિઓ વધુ ધીમી પડવાની ધારણા છે.
  • ભારત : ધાર્મિક તહેવારો (ગણેશ ઉત્સવ વગેરે) ના કારણે બજારમાં કામકાજ શાંત છે, પરંતુ સ્થાનિક રિટેલર્સ અને નેશનલ ચેઇન સ્ટોર્સ તહેવારોની સિઝન માટે સ્ટોક પુનઃ ભરી રહ્યા છે. ૦.૩૦ થી ૦.૫૦ કેરેટ અને ૨ કેરેટથી મોટા રાઉન્ડ ડાયમંડ્સની ભારે માંગ છે, જેમાં ૦.૩૦ કેરેટની અછત સર્જાતા તે સૌથી હોટ કેટેગરી બની છે. સ્ટાર્સ અને મીલી સાઇઝના હીરામાં પણ ભારતીય બ્રાન્ડ્સની ખરીદી નીકળી છે. ઉત્પાદકોએ પ્રોડક્શનમાં મોટો કાપ મૂક્યો હોવાથી ૨ કેરેટ પ્લસ માલનો પુરવઠો ઘટ્યો છે, જેનાથી ભાવોને ટેકો મળ્યો છે.
  • હોંગકોંગ : આગામી ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા પ્રતિષ્ઠિત ‘જ્વેલરી એન્ડ જેમ વર્લ્ડ હોંગકોંગ’ (JGW) શોની તૈયારીઓમાં કંપનીઓ વ્યસ્ત હોવાથી બજાર શાંત છે. હાઇ-એન્ડ બાયર્સ વચ્ચે ૨ કેરેટ અને તેથી મોટા ફેન્સી શેપનું સક્રિય વેચાણ થઈ રહ્યું છે. ૧ કેરેટથી નીચેના નીચા કલર/ક્લેરિટીના હીરાનું વેચાણ નબળું છે, જ્યારે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ‘ફેન્સી પિંક’ અને ‘ફેન્સી ઇન્ટેન્સ યલો’ હીરા માટે પૂછપરછ ચાલુ છે. ચાઇનીઝ ખરીદદારો લૂઝ ડાયમંડ્સના બદલે ઊંચું માર્જિન આપતી ફિનિશ્ડ જ્વેલરી પસંદ કરી રહ્યા છે. ચીનના શનઝેન ઇન્ટરનેશનલ જ્વેલરી ફેરનું આયોજન થઈ રહ્યું છે, જ્યાં હાલ વેપાર શાંત છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant