DIAMOND CITY NEWS, SURAT
ભારતના જેમ એન્ડ જ્વેલરી (હીરા-ઝવેરાત) ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા અને નિકાસકારોની મુશ્કેલીઓ દૂર કરવા માટે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ ભારતીય રિઝર્વ બેંક (RBI) સમક્ષ મહત્વની રજૂઆતો કરી છે. કાઉન્સિલે મધ્યસ્થ બેંકને બેન્કિંગ અને રેગ્યુલેટરી નિયમોમાં શ્રેણીબદ્ધ સુધારા કરવા વિનંતી કરી છે, જેથી નિકાસકારોને વર્કિંગ કેપિટલ મેળવવામાં સરળતા રહે, કમ્પ્લાયન્સ સંબંધિત અડચણો દૂર થાય અને બેન્કિંગ પ્રક્રિયાઓ ઝડપી બને.
મુંબઈ સ્થિત આરબીઆઈ સેન્ટ્રલ ઓફિસ ખાતે ૨૫ જૂન ૨૦૨૬ ના રોજ આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા, ડેપ્યુટી ગવર્નર રોહિત જૈન અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વિવિધ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને ટ્રેડ બોડીઝની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં GJEPC ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રાયે કાઉન્સિલ વતી દરખાસ્તો રજૂ કરી હતી. આ ડેલિગેશનમાં બેન્કિંગ, ઇન્સ્યોરન્સ એન્ડ ટેક્સેશન કમિટી (BITC) ના કન્વીનર મિતલ દોશી અને ટ્રેડ, પોલિસી એન્ડ પ્રોજેક્ટ્સના મેનેજર સુધીર પાટીલ પણ સામેલ હતા.
કાઉન્સિલ દ્વારા આરબીઆઈ સમક્ષ કરાયેલી મુખ્ય માંગણીઓ:
- સોનાની આયાત માટે એડવાન્સ પેમેન્ટ: નિકાસકારોને કાચો માલ સરળતાથી મળી રહે તે માટે OECD અને LBMA માન્ય સપ્લાયર્સ પાસેથી સોનાની આયાત કરવા માટે માન્ય નિકાસકારો, SEZ યુનિટ્સ અને ઉત્પાદકોને $૫,૦૦,૦૦૦ (૫ લાખ યુએસ ડોલર) સુધીનું એડવાન્સ રેમિટન્સ મોકલવાની છૂટ આપવા વિનંતી કરાઈ છે. આ ઉપરાંત જ્વેલરી માઉન્ટિંગ્સ અને કમ્પોનન્ટ્સની આયાત માટે પણ એડવાન્સ પેમેન્ટની મંજૂરી માગી છે.
- MSME માટે ઊંચા બેન્કિંગ ચાર્જીસ પર નિયંત્રણ: નાના અને મધ્યમ (MSME) નિકાસકારો પર બેંકો દ્વારા વસૂલવામાં આવતા મનસ્વી અને અપ્રમાણસર ઊંચા સર્વિસ ચાર્જ પર અંકુશ લાવવા આરબીઆઈ બેંકોને યોગ્ય માર્ગદર્શન આપે તેવી માંગ કરાઈ છે, કારણ કે આ ચાર્જિસના કારણે નાના વેપારીઓનો ટ્રાન્ઝેક્શન કોસ્ટ વધી જાય છે.
- SEZ માટે પેમેન્ટની મુદત ૧૨ મહિના કરવાની માંગ: સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) ના યુનિટ્સ માટે નિકાસની રકમ (Export Proceeds) પરત લાવવાની મુદત ૯ મહિનાથી વધારીને ફરી ૧૨ મહિના કરવા ભારપૂર્વક જણાવાયું છે. હીરા ઉદ્યોગમાં ક્રેડિટ સાયકલ લાંબી હોવાથી મુદત ટૂંકી કરવાથી ભારત, યુએઈ (UAE), હોંગકોંગ અને થાઈલેન્ડ જેવા હરીફ દેશો સામે પછાત પડી શકે છે.
- ઓનલાઈન જ્વેલરી એક્સપોર્ટ અને રિટર્ન પોલિસી: ઈ-કોમર્સ દ્વારા થતી જ્વેલરી નિકાસ ઝડપથી વધી રહી છે, ત્યારે વિદેશથી પરત આવતા (Returned Goods) માલ માટે સ્પષ્ટ ઓપરેશનલ ગાઈડલાઈન બનાવવાની માંગ કરાઈ છે. ઘણીવાર ઓછી કિંમતના કારણે માલ ભારત પરત લાવવાને બદલે વિદેશના વેરહાઉસમાં જ રખાય છે, તેવા કિસ્સામાં વિદેશી ગ્રાહકોને રિફંડ આપવાના નિયમો સરળ અને સમાન હોવા જોઈએ.
- ડિજિટલ સિસ્ટમનું એકીકરણ: IDPMS અને EDPMS સિસ્ટમમાં જૂની એન્ટ્રીઓના કારણે નિકાસકારોને ક્રેડિટ મેળવવામાં પડતી તકલીફોના નિવારણ માટે RBI, DGFT અને કસ્ટમ્સની ડિજિટલ સિસ્ટમને એકબીજા સાથે સાંકળવા (ઇન્ટીગ્રેટ કરવા) દરખાસ્ત મૂકાઈ છે. આ ઉપરાંત ₹૧૦ લાખ સુધીના શિપિંગ બિલના નિકાલ માટેની ગાઈડલાઈનનું તમામ બેંકો સમાન રીતે પાલન કરે તે જરૂરી છે.
- ગોલ્ડ મેટલ લોન (GML) માટે અલગ માળખું: સ્થાનિક વપરાશ માટેના સોના અને નિકાસ ઉત્પાદન માટેના સોના વચ્ચે સ્પષ્ટ તફાવત રાખીને, એક્સપોર્ટ-લિંક્ડ ગોલ્ડ મેટલ લોન માટે એક અલગ અને સરળ રેગ્યુલેટરી ફ્રેમવર્ક બનાવવાની ભલામણ કરાઈ છે.
GJEPCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રાયે જણાવ્યું હતું કે, “દેશના અર્થતંત્રમાં અને રોજગારીમાં જેમ એન્ડ જ્વેલરી સેક્ટરનું યોગદાન ઘણું મોટું છે. જો બેન્કિંગ નિયમોમાં નિકાસકારો સાનુકૂળતા પૂર્વક કામ કરી શકશે, તો વૈશ્વિક બજારમાં ભારતની પકડ વધુ મજબૂત થશે અને ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટવાથી નાના વેપારીઓને મોટો ફાયદો થશે.”
આરબીઆઈનો સકારાત્મક અભિગમ અને આગામી સુધારા
બેઠક દરમિયાન આરબીઆઈના અધિકારીઓએ નિકાસકારોની સુવિધા માટે લેવાયેલા તાજેતરના પગલાંની માહિતી આપી હતી. જેમાં નિકાસ પ્રક્રિયાઓનું સરળીકરણ, વિદેશી વેરહાઉસ માટે ઉદાર નિયમો અને ભારતીય રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપારના સેટલમેન્ટને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.
આરબીઆઈએ ખાસ નોંધ્યું હતું કે સુધારેલા FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) નિયમો ૧ ઓક્ટોબર ૨૦૨૬ થી અમલમાં આવી રહ્યા છે, જે વેપારને વધુ વેગ આપશે. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ રેગ્યુલેશને MSMEs માટે વ્યાજ સબવેન્શન સ્કીમ, લોઅર રિસ્ક વેઇટ્સ અને બેન્કિંગ ચાર્જિસ વ્યાજબી રાખવા અંગેની વિવિધ લોન સુવિધાઓ અને પ્રોત્સાહનો વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. આરબીઆઈના આ હકારાત્મક વલણથી સુરત અને મુંબઈના ડાયમંડ એન્ડ જ્વેલરી ઉદ્યોગકારોમાં આશાની નવી કિરણ જાગી છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















