Exclusive interview with Dr Jaydev Dhamelia of Candor IVF Center Surat diamond city 437-1
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

Estimated reading time: 10 minutes

  • સૌરાષ્ટ્રના ગામડાના એક શરમાળ છોકરો એ આજે સુરતમાં મોટું નામ કરી દીધું છે
  • ગામમાં ગુજરાતી માધ્યમમાં ભણ્યા અને રાજકોટમાં MBBS કર્યું
  • સુરતમાં 2008માં રાધા હોસ્પિટલમાં પ્રેક્ટિસ શરૂ કરી, આજે આખા ગુજરાતમાં 15 બ્રાન્ચ છે
  • માત્ર 43 વર્ષની ઉંમરે મોટી સફળતા મેળવી છે, અત્યાર સુધીમાં 10000 સફળ ડિલિવરી કરાવી

DIAMOND CITY NEWS, SURAT

સંતાન વિહોણી મહિલા જ્યારે IVF દ્વારા માતા બને છે ત્યારે તેની અને તેના પરિવારની ખુશીનું વર્ણન શબ્દોમાં કરવું ખરેખર મુશ્કેલ છે. આ ખુશી એટલી ગહન, એટલી ઊંડી અને એટલી પવિત્ર હોય છે કે તે ફક્ત અનુભવનાર જ તેની તીવ્રતા સમજી શકે છે.

વર્ષોથી ખાલી રહેલું ઘર અચાનક એક નાનકડા શિશુના રડવાથી, હસવાથી અને નાના-નાના પગલાંના અવાજથી ગુંજી ઊઠે છે. જે મહિલા દરરોજ સવારે ઊઠીને ખાલી પથારી જોઈને ચૂપચાપ આંસુ પીતી હતી, તે જ આજે પોતાના બાળકને ગોદમાં લઈને આનંદના આંસુથી ભીંજાય છે.

તેની આંખોમાં ફક્ત પ્રેમ જ નહીં, પણ એક અજીબ પ્રકારનો ગર્વ અને આભાર પણ ઝલકે છે – “હું માતા બની… આખરે હું માતા બની!” આ ખુશી એટલે જીવનની સૌથી મીઠી સફળતા – એક એવી જીત જેને કોઈ પૈસો, પદ કે સંપત્તિ આપી શકે નહીં.

IVFથી મળેલું માતૃત્વ અને પિતૃત્વનો અનુભવ એટલો અમૂલ્ય હોય છે કે તે પરિવારના દરેક સભ્યના જીવનને સદા માટે પ્રકાશમય બનાવી દે છે.

તમને થશે કે આજે હું IVF પર લખી રહ્યો છું કે શું? ના IVF પર નથી લખી રહ્યો, પરંતુ ડાયમંડ સિટીની વ્યક્તિ વિશેષ કોલમમાં સુરતની Candor IVF Centerના ડૉ. જયદેવ ધામેલિયાની સફળ સ્ટોરી વિશે વાત કરવાનો છું.

સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં અને સાવ સામાન્ય પરિવારમાં જન્મેલાં ડો. જયદેવે અત્યાર સુધીમાં 10,000 સફળ ડિલિવરી કરાવી છે અને સુરતમાં મોટા IVF તબીબોમાં તેમનું નામ સુમાર છે. માત્ર 43 વર્ષની વયે તેમણે અદભુત સફળતા હાંસલ કરી છે.

Exclusive interview with Dr Jaydev Dhamelia of Candor IVF Center Surat diamond city 437-2

જીવનની કોઈપણ પરિસ્થિતિમાં, આપણી પાસે ત્રણ વિકલ્પો હંમેશા હોય છે :

  • કાં તો આપણે સ્થિતિને બદલી નાખીએ
  • અથવા તેનો સ્વીકાર કરી લઈએ
  • અને નહીં તો તેને છોડી દઈએ

ડો. જયદેવ ધામેલિયાએ સ્થિતિને બદલી નાંખી, બાળપણમાં સાવ શરમાળ સ્વભાવ ધરાવતા ડો. જયદેવના સપના હતા હીરાના બિઝનેસમાં જઇને મોટી કમાણી કરવી, પરંતુ નિયતિને કઇંક બીજું જ મંજૂર હતું.

જ્યારે મેડિકલ લાઇનમાં જવાનું તો સપનેય વિચાર્યું નહોતું, પરંતુ છેલ્લી 10 મિનિટમાં લીધેલા એ નિર્ણયે તેમની જિંદગી બદલી નાંખી.

જો તમારા કાર્યો બીજાઓને વધુ સ્વપ્ન જોવા, વધુ શીખવા, વધુ કરવા અને વધુ બનવા માટે પ્રેરણા આપે છે, તો તમે એક સફળ વ્યક્તિ છો એ વાત ડો. જયદેવે સાબિત કરી છે.

તેમના બાળપણથી માંડીને સફળતાના શિખર સુધીની તેમની જર્ની વિશે તમને માંડીને વાત કરું.

ડો. જયદેવનો જન્મ ભાવનગર જિલ્લાના હળમતિયા ગામમાં સાવ સામાન્ય પરિવારમાં થયો હતો. પિતા રત્નકલાકાર હતા અને માતા સીવણનું કામ કરતા હતા.

જયદેવ ગામની સરકારી ગુજરાતી માધ્યમ શાળામાં ધો. 1 થી 10 ભણ્યા. તે વખતે સૌરાષ્ટ્રના મોટા ભાગના ગામડાઓમાં માત્ર ડાયમંડની જ વાત થતી હતી, કારણ કે સૌરાષ્ટ્રથી સુરત આવીને લોકો ખૂબ કમાતા અને સૌરાષ્ટ્રમાં વટ મારતા હતા.

જયદેવનું પણ બાળપણમાં સપનું હતું કે, હીરાના ધંધામાં પોતાની કારકિર્દી બનાવવી છે, પરંતુ નસીબ તેમને મેડિકલ ફિલ્ડમાં લઇ ગયું. નાના હતા ત્યારે બિલકુલ શરમાળ હતા. તેમને ગુરુકુળમાં ભણવા જવું હતું, પરંતુ પ્રવેશ ન મળી શક્યો.

એ પછી એવી શાળામાં પ્રવેશ મળ્યો જયાં પ્રવેશ મળવો શ્રાપ ગણાતો હતો. ન શાળાની બારીના ઠેકાણા કે ન તો વિદ્યાર્થીઓને ભણવામાં કોઇ રસ. જોકે, ભણવામાં મારો પહેલો નંબર આવતો.

ડો. જયદેવે કહ્યું કે, તે વખતે સગાં સંબંધીઓ કહેતા કે થોડું અંગ્રેજી શીખી લે તો તને એન્ટવર્પ હીરા ખરીદી કરવા માટે લઇ જઇએ. ભણતી વખતે તેમની પાસે ધોરણ 10 અને 12 વખતે સમય હતો, તો તેમણે પિતા સાથે હીરામાં ઘાટનું કામ પણ શીખી લીધું હતું. આ કામ તેમને જિંદગીને ઘાટ આપવામાં ઘણું કામ લાગ્યું.

તેમને આર્ટ્સ અને કોમર્સ લાઇન બિલકુલ નહોતી ગમતી, સાયન્સ પર બહુ પ્રેમ હતો એવું પણ નહોતું, પરંતુ સાયન્સમાં જવા સિવાય તેમની પાસે વિકલ્પ નહોતો.

એ સમયે IT કમ્પ્યુટર લાઇનમાં જબરદસ્ત ક્રેઝ હતો એટલે મેં પણ એન્જિનિયર બનવાનું વિચારેલું, પણ તે એડમિશન ન મળ્યું એટલે MBBSમાં જવાનું વિચાર્યું.

પણ નક્કી કરી લીધું હતું કે ભાવનગર તો MBBS કરવું જ નથી છેલ્લી 10 મિનિટમાં નક્કી કર્યું અને રાજકોટમાં MBBSમાં પ્રવેશ મળી ગયો.

ડો, જયદેવે કહ્યું કે, મેં મારા પિતાને જાણ કરી કે, મને મેડિકલમાં એડમિશન મળી ગયું છે. પિતા સાવ ભોળા અને દુનિયાદારીથી બિલકુલ અજાણ હતા. તેમને એવું લાગ્યું કે મને કોઇ મેડિકલ સ્ટોરમાં જોબ મળી ગઇ છે.

સુરતમાં 2008માં આવ્યો અને રાધા હોસ્પિટલમાં પ્રેક્ટિસ શરૂ કરી

મેડિકલનું ભણવાનું પુરું થયું પછી સુરત આવી ગયો અને અહીં નંદલાલ દુધાતની રાધા હોસ્પિટલમાં પ્રેક્ટિસ શરૂ કરી. અહીંથી મારી સફળતાના પગલાં મંડાયા.

નંદલાલ દુધાતને અમેરિકા જવાનું હતું એટલે રાધા હોસ્પિટલની જવાબદારી મને સોંપીને ગયા. દીલથી મહેનત કરી અને થોડા વર્ષોમાં તો એક ડાયમંડ ફેક્ટરીને IVF હોસ્પિટલમાં કન્વર્ટ કરી નાંખી. આજે ગુજરાતભરમાં મારી 15 હોસ્પિટલ ચાલે છે.

Exclusive interview with Dr Jaydev Dhamelia of Candor IVF Center Surat diamond city 437-4

પત્ની અને બે દીકરીઓના આગમનથી લક્ષ્મીની મહેરબાની વધી

ઘણા લોકોની જિંદગીમાં એવું બનતું હોય છે કે, પત્નીના પગલાથી અથવા દીકરીના આગમનથી સડસડાટ સફળતા મળતી હોય છે.

ડો. જયદેવની જિંદગીમાં પણ એવું બન્યું તેમની પત્ની જુહીના પગલાં પડ્યા અને પરિવારમાં બે લક્ષ્મી સમાન દીકરીઓના આગમન થયા પછી સફળતા અને લક્ષ્મી બંને સાથે આવ્યા. પત્ની જુહી ડેન્ટિસ્ટ છે.

અમેરિકા ઓર્થોપેડિકનું ભણવા જવું હતું, પરંતુ પૈસા હતા નહીં એટલે ગાયનેકમાં ગયો

ફોર્ડ મોટરના સ્થાપક હેનરી ફોર્ડે એક વખત કહેલું કે, જ્યારે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું હોય તેવું લાગે, ત્યારે યાદ રાખો કે વિમાન પવનની વિરુદ્ધ ઉડાન ભરે છે, તેની સાથે નહીં.

ડો. જયદેવને અમેરિકા જઇને ઓર્થોપેડિકમાં અભ્યાસ કરવો હતો, પરંતુ અહીં પણ નાણાકીય મુશ્કેલી સામે આવી ગઇ. 20 વર્ષ પહેલા IVF વિશે કોઇ ખાસ્સું જાણતું નહોતું, પરંતુ કોઈકે કહ્યું હતું કે, ભવિષ્યમાં IVFનો જ જમાનો હશે. એટલે ગાયનેકની શાખામાં એડમિશન લઇ લીધું.

જ્યારે માતાને ફોન કર્યો કે મેં ગાયનેકમાં એડમિશન લીધું છે તો તેઓ ખુશ થવાને બદલે રડવા માંડ્યા. રડતાં રડતાં માતાએ કહ્યું કે, તો તારે હવે રાત્રે ઉજાગરા કરવા પડશે.

ગમે ત્યારે પેશન્ટની ડિલિવરી આવે તો ગાયનેકે અડધી રાત્રે દોડવું પડે. મારો ધ્યેય ક્લીયર હતો એટલે અહીં પણ મેં સખત મહેનત કરી, 2 વર્ષમાં 56 દિવસ તો હું ન્હાયો જ નહોતો અને 10 કિલો વજન ઘટી ગયું હતું. પણ આટલે સુધી પહોંચ્યો તેમાં ઘણા લોકોની મદદ કામ લાગી.

Exclusive interview with Dr Jaydev Dhamelia of Candor IVF Center Surat diamond city 437-3

જિંદગીમાં મોટો બદલાવ લાવવામાં પુસ્તકો અને લેન્ડમાર્ક ફોરમનો પણ ફાળો રહ્યો

તમે જ્યારે મેડિકલ ફિલ્ડમાં અભ્યાસ કરો ત્યારે એ એક મેડિટેશન અને આધ્યાત્મથી કમ નથી હોતું. એટલી સખત મહેનત કર્યા પછી જિંદગીમાં એક સંયમ, શિસ્ત, આત્મવિશ્વાસ અને સારી આદતો આવી જાય.

આ સારી આદતોએ મને પુસ્તકો વાંચવાનો શોખીન બનાવ્યો. અત્યાર સુધીમાં મેં મોટીવેશન, ફિલોસોફીના 1000થી વધારે પુસ્તકો વાંચ્યા છે. જર્મન ફિલોસોફી મને વધારે પસંદ આવતી હતી.

મહાત્મા ગાંધીના સત્યના પ્રયોગો પુસ્તકે મને સત્યનો માર્ગ બતાવ્યો તો સરદાર વલ્લભભાઇ પટેલના પુસ્તકે મને મજબુત મનોબળ પુરું પાડ્યું. પણ ભરપૂર આત્મવિશ્વાસ મને લેન્ડમાર્ક ફોરમ નામના પ્રોગામથી મળ્યો. આ એક અમેરિકન પ્રોગામ છે જે તમારી આખી વિચારધારા બદલી નાંખે છે. 3 દિવસના પ્રોગામના 25,000 રૂપિયા થાય, પરંતુ એ જિંદગીની મહામૂલી બનાવી દે છે.

લેન્ડમાર્ક ફોરમ પ્રોગામ નહોતો કર્યો તે પહેલા હું થોડો એરોગન્ટ હતો. હું જ સાચો એવી મગજમાં રાય રાખીને ફરતો અને જરા જરામાં સ્ટાફને છુટો કરી દેતો. પરંતુ આ પ્રોગામ કર્યા પછી મારામાં મોટો બદલાવ આવી ગયો.

એવી ખબર પડી કે સફળતા કર્મચારીઓ પર આધાર રાખે છે. મારા માટે, મારા કર્મચારીઓને જાણવું અને તેમની સાથે જોડાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આજે મારો સ્ટાફ છોડીને જતો નથી, હું બધાને સાથે રાખીને ચાલુ છું, તેને કારણે આજે મારી પાસે એક મજબુત ટીમ બની ગઇ છે. જેમ મારી માતાને શંકા હતી કે મારે ઉજાગરા કરવા પડશે તેવી રીતે મારે ઉજાગરા કરવા પડતા નથી. બધી સિસ્ટમ બરાબર ગોઠવાઈ ગઇ છે.

માત્ર હોસ્પિટલના સંચાલન માટે જ આ પ્રોગામ ઉપયોગી બન્યો એવું નથી, પણ આજે અમારું સંયુક્ત ફેમિલી છે, તે પણ તેને જ આભારી છે.

મારો પરિવાર, મારા નાનાભાઇનો પરિવાર, માતા-પિતા બધા એક સાથે સુરતમાં રહી છે, પરંતુ ક્યારેય કોઇ મતભેદ કે ઝઘડા થતા નથી, કારણ કે ભાઇ અને તેના પત્નીએ પણ લેન્ડમાર્ક ફોરમ પ્રોગામ કરેલો છે.

અત્યારે આ પ્રોગામનો હું ઇન્ટ્રોડકશન લીડર છું અને આને કારણે અનેક લોકોની જિંદગીમાં મોટો બદલાવ લાવવામાં નિમિત્ત બન્યો છું તેની મને ખુશી છે.

પરિવારમાં ખુશી લાવવાનું કામ ભગવાને મને સોંપ્યું એટલે જિંદગી સાર્થક થઇ ગઇ…

હું શાંતિથી બેસીને વિચારું છું તો મને એમ થાય છે કે, કોઇ અન્ય બિઝનેસ કે લાઇનમાં ગયો હોત તો કદાચ રૂપિયા તો મળી જતે, પરંતુ ડોક્ટર બન્યા પછી પરિવારોના ચહેરા પર જે ખુશી જોવા મળે છે તે નહીં મળતે. મારી જિંદગીનું આ અહોભાગ્ય છે કે મને લોકોને ખુશી આપવાનું કામ મળ્યું છે.

એક નિ:સંતાન દંપતી જ્યારે અમારી હોસ્પિટલે આવે ત્યારે તેમના મનમાં શંકા હોય છે કે બાળક થશે કે નહીં થાય. પરંતુ જ્યારે તેમની સફળતા પૂર્વક ડિલિવરી થાય છે ત્યારે માતા અને પરિવારના લોકોના ચહેરા પર જે ખુશી હોય છે તે જ મારી સૌથી મોટી કમાણી છે.

તેમના દિલમાંથી આપોઆપ આશીર્વચન નીકળી જાય છે. તેમના ચહેરા પર આનંદની લહેર જોવું છું ત્યારે લાગે કે જિંદગી ખરેખર સાર્થક છે. અત્યાર સુધી મારી હોસ્પિટલમાં 10,000 સફળ ડિલિવરીઓ થઇ છે.

ભવિષ્યમાં સ્તર કેન્સર માટે વિના મૂલ્યે હોસ્પિટલ શરૂ કરવાની યોજના છે

ડો. જયદેવે કહ્યું કે, ભવિષ્યની બિઝનેસની યોજનાઓ તો ચાલતી રહેશે, પરંતુ ઈશ્વરે મારી ત્રેવડ કરતા વધારે આપ્યું છે તો ભવિષ્યમાં આખા ભારતમાં સ્તન કેન્સર માટેની 100 હોસ્પિટલો ખોલવાની ઇચ્છા છે અને એ બિઝનેસ માટે નહીં, બિલકુલ વિના મૂલ્યે હશે.

સુરતમાં આ મિત્રની મદદ મને બહુ કામ આવી

કોઇ પણ માણસ માત્ર મહેનતને કારણે જ સફળ થતો નથી, પરંતુ તમારા સફળતાના રસ્તામાં અનેક લોકો એવા હોય છે જે તમને સીધી કે આડકતરી રીતે મદદરૂપ બનતા હોય છે. કોઇ આર્થિક રીતે મદદ કરે તો કોઇ શબ્દોથી.

મારા ભણવામાં કેટલાંક સંબંધીઓએ આર્થિક મદદ કરી તો સુરતમાં હોસ્પિટલમાં આગળ લઇ જવામાં મિત્ર ડો. કલ્પેશ લાઠીયાએ ખૂબ મદદ કરી, તેમનો આ ઉપકાર હું જિંદગીભર ન ભૂલી શકું.

Exclusive interview with Dr Jaydev Dhamelia of Candor IVF Center Surat diamond city 437-5

કોરોના લોકડાઉન વખતે હોસ્પિટલ ચલાવતાં ફીણ આવી ગયા હતા

જ્યારે આખી દુનિયામાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે લોકડાઉનને કારણે હોસ્પિટલ ચલાવતાં ફીણ આવી ગયા હતા. એ જબરદસ્ત સંઘર્ષના દિવસો હતા, EMI ભરવાના પણ ફાંફા પડતા હતા, પરંતુ સ્ટાફના અને પરિવારના સહકારને કારણે એ મુશ્કેલીના દિવસો પણ પસાર થઇ ગયા.

ગુજરાતી માધ્યમમાં ભણેલા અને MBBSમાં અંગ્રેજી આવી ગયું, પણ બેડો પાર કરી દીધો

ડો. જયદેવ ઉચ્ચતર માધ્યમિક સુધી તો ગુજરાતી માધ્મમાં ભણ્યા અને MBBSમાં તો અંગ્રેજી આવી ગયું. તે વખતે બધા સ્કોલર વિદ્યાર્થીઓ હતા, તો મનમાં થતુ હતું કે બધાની સામે આપણો ગજ કેવી રીતે વાગશે?

અંગ્રેજીના બધા પુસ્તકો ગોખી નાંખ્યાં અને ગોખી નાંખવામાં મને સારી ફાવટ હતી. ખબર હતી કે મહેનત કરવી પડશે, કારણ કે પિતા પાસે તો પૈસા હતા નહીં કે મોજ મજા કરીએ. એટલે દિવસ રાત વાંચતો અને જ્યારે બીજો નંબર આવ્યો ત્યારે આત્મવિશ્વાસ વધી ગયો.

ડો. જયદેવની આ અણમોલ સલાહ અનેક યુવાનોની જિંદગી બદલી નાંખશે

ડો. જયદેવને અમે કહ્યું કે, તમારી જિંદગીના અનુભવા નિચોડમાંથી જે સોનું નીકળ્યું છે તેના વિશે આજની યુવા પેઢી અને યંગ એન્ટરપ્રિન્યોરને શું સલાહ આપશો?

તેમણે કહ્યું કે, જિંદગીને ધ્યેય (GOAL) ન બનાવો પણ મિશન બનાવો અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એ મિશન ચાલુ રાખો. સત્યનો સાથ છોડશો નહીં.

જ્યાં તરત, સરસ અને મફત મળતું હોય એ કામ બિલકુલ કરશો નહીં. એ લાંબુ ટકશે નહીં. સફળતા મેળવવા માટે સૌથી મહત્ત્વનો ગુણ શિસ્તનો છે. યુવાનોએ શિસ્ત કેળવતા શીખવું પડશે.

વર્ક લાઇફ બૅલેન્સ જેવું કશું હોતું નથી. તમને ગમે તેવું કામ કરો અને બીજાની જિંદગીને કામ લાગે તેવું કામ કરો તો આપોઆપ વર્ક લાઇફ બૅલેન્સ થઇ જશે. જિંદગીમાં એક ગુરુ કરવો પણ જરૂરી છે, એટલે જ કહેવાયું છે કે ગુરુ વિના જ્ઞાન નહીં.

ડો. જયદેવ ધામેલિયાએ અંતે કહ્યું કે, જો કોઇ સંજોગોમાં મને ફરી માનવજીવન મળે તો હું લીડર બનવાનું પસંદ કરીશ જેથી અનેકની જિંદગી રોશન થઇ શકે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant