Exclusive interview with Babu Jirawala diamond city 435-1
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ તાજેતરમાં સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં રહ્યું હતું. તેનું કારણ એવું હતું કે, સુરતના એક ઉદ્યોગકારે ગામના ખેડૂતોને દેવા મુક્ત કરી દીધા. આ ઉદ્યોગકારના માતાએ દુનિયા છોડતા પહેલા તેમના દીકરાઓને કહેલું કે મારું જે ભેગું કરેલું ધન છે તે જો તમને જરૂર ન હોય તો કોઇ સારા કામમાં વાપરજો.

દીકરાઓએ માતાને આપેલું વચન પાળ્યું અને જીરા ગામના 300 ખેડૂતોની 90 લાખ રૂપિયાની લોનની રકમ એક સાથે બેંકમાં ભરી દીધી અને બેંકે બધા ખેડૂતોને નો ડ્યુ સર્ટિફિકેટ પણ આપી દીધું. આ વાત સોશિયલ મીડિયામાં પ્રસરી અને લોકોએ સુરતના આ ઉદ્યોગકારની કામગીરીની સરાહના કરી. સુરતના એ ઉદ્યોગકારનું નામ છે બાબુ ચોડવાડિયા (જીરાવાળા).

  • બાળપણમાં પરિવારની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે ભણવાનુ છોડી દેવું પડ્યું
  • 5 ધોરણ પુરું કરીને મુસ્લિમ પરિવાર સાથે મુંબઇ ગયા અને પછી સુરત આવીને હીરા ઘસ્યા
  • નસીબ તેમને ડાયમંડમાંથી રીઅલ એસ્ટેટ બિઝનેસમાં લઇ ગયું
  • રેવેન્યુ વિભાગનું નોલેજ એટલું છે કે વકીલો અને બિલ્ડરો અટવાય તો બાબુલાલની સલાહ લેવા આવે

એક સમય એવો પણ હતો કે દિવાળીના ટાંકેણે ગજવામાં માત્ર 5 રૂપિયા જ હતા

Exclusive interview with Babu Jirawala diamond city 435-7

આજના જમાનામાં દીકરાઓ માતા-પિતાની સંપત્તિ મેળવવા માટે કોર્ટના દરવાજા સુધી પહોંચી જતા હોય છે એવા સમયે બાબુ જીરાવાળા અને તેમના મોટા ભાઇએ સંમતિથી માતાની સંપત્તિ ખેડુતોના દેવા માટે વાપરી એ નાની વાત નથી.

આજે કોઇને પણ જીવ ન ચાલે 90 લાખ રૂપિયા જેવી રકમ કોઇને આપી દેવાનો. બાબુભાઇ એટલા પણ ધનવાન નથી કે તેમને 90 લાખ રૂપિયા જતા કરવામાં ફરક ન પડે. પરંતુ તેમણે માતાને આપેલું વચન પાળ્યું.

આવા પરોપકારી અને દિલાવર વ્યક્તિ વિશે લખવું જોઇએ એવું અમને લાગ્યું એટલે આ વખતે ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની વ્યક્તિ વિશેષ કોલમમાં બાબુ જીરાવાળા વિશે વાત કરીશું.

ગુજરાતના અમરેલી જિલ્લાના નાનકડા ગામ જીરામાંથી નીકળીને સુરતના ઉદ્યોગનગરીમાં એક મોટા વેપારી તરીકે ઉભા થનારા બાબુભાઈ જીરાવાળાનું જીવન એક જીવંત પ્રેરણા છે. તેમની વાર્તા માત્ર સફળતાની નથી, પરંતુ તેની પાછળ છુપાયેલી મહેનત, સંયમ, માતાના આશીર્વાદ અને સમાજ પ્રત્યેની અનન્ય દયાળુતાની પણ છે.

તાજેતરમાં, તેમણે તેમની માતાની પુણ્યતિથિ પર રૂપિયા ૯૦ લાખનું દાન આપીને જીરા ગામના 300 ખેડૂત પરિવારોના ત્રણ દાયકાથી ચાલતા દેવાને ચૂકવી દીધા. આ કાર્ય એટલું હૃદયસ્પર્શી હતું કે ખેડૂતોની આંખોમાં આનંદના આંસુ આવી ગયા અને આખા દેશમાં તેમની પ્રશંસા ગુંજવા લાગી.

બાબુભાઈ જીરાવાળાનું જીવન જુઓ તો એક સામાન્ય બાળકથી લઈને ઉદ્યોગપતિ સુધીની યાત્રા  જોવા મળે છે, જેમાં મુશ્કેલીઓના તોફાનો આવ્યા, પણ તેમની અટલ ઇચ્છાશક્તિએ તેમને જીતી લીધી.

તેમની લાઇફ સ્ટોરી કહે છે કે સફળતા માત્ર પૈસા કમાવવામાં નથી, પરંતુ તેને વહેંચીને અન્યોના જીવનને પ્રકાશિત કરવામાં છે, “સફળતા એ તમારા સપનાઓને પૂરા કરવાની નહીં, પરંતુ અન્યોના સપનાઓને પણ જોડવાની કળા છે.’ – આ ઉક્તિ તેમના જીવનને સંક્ષિપ્તમાં વ્યક્ત કરે છે.

બાબુ જીરાવાળાનો જન્મ જીરા ગામમાં થયો હતો. તેમના પરિવારમાં માતા-પિતા બે ભાઇ અને બે બહેનો. પિતા અને માતા બંને ખેતી કરતા હતા, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. મોટા ભાઇ ભણવાનું છોડીને હીરાનું શીખવા મુંબઇ ચાલી ગયા.

બાબુભાઇને ભણવામાં રસ હતો, પરંતુ ભણવાનો ખર્ચ પરિવાર ઉઠાવી શકે તેવી સ્થિતિ નહોતી. એક વાર ગામનો મુસ્લિમ પરિવાર મુંબઇથી આવ્યો તો તેની સાથે બાબુભાઇ મુંબઇ ગયા અને મોટા ભાઇની સાથે 2 વર્ષ હીરા ઘસવાનું કામ શીખ્યા.

જ્યારે ગામ છોડ્યું ત્યારે તેઓ 5મા ધોરણમાં હતા અને માત્ર 11 વર્ષની ઉંમર હતી.

એ પછી બહેનોના લગ્ન લેવાના હતા એટલે સુરત આવી ગયા, કારણકે સુરતમાં કારખાનાના માલિકો કારીગરોને એડવાન્સ પગાર આપતા એવું ચલણ હતું. એટલે એડવાન્સ લઇને બહેનોના લગ્ન કરાવ્યા અને ત્યારથી સુરત તેમની કર્મભૂમિ બની ગઇ. સુરતે તેમને ઘડ્યા, ટીપ્યા અને જિંદગીમાં એક સારા વ્યક્તિ તરીકે ચમકાવ્યા.

  • Exclusive interview with Babu Jirawala diamond city 435-2
  • Exclusive interview with Babu Jirawala diamond city 435-3
  • Exclusive interview with Babu Jirawala diamond city 435-4

સુરતમાં રત્નકલાકાર સંઘનો આ રીતે પાયો નંખાયો

બાબુ જીરાવાળા મૂળ દયાનો જીવ જ્યારે સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા હતા ત્યારે તેમણે જોયું કે માલિકો કારીગરોને એડવાન્સ રકમ તો આપે પણ તેમનું એ પછી શોષણ બહું કરે, કારીગરોને તેમના કામનું મૂલ્ય નહોતું મળતું. આ બધી વાતથી બાબુભાઇ વ્યથિત હતા. તેમણે 1991માં સુરતમાં તેમના દશેક મિત્રો સાથે મળીને રત્નકલાકાર સંઘની સ્થાપના કરી અને ટ્રસ્ટ તરીકે રચના કરી.

1998માં તેમણે રત્નકલાકારો માટે ભાવ વધારા માટે મોટું આંદોલન પણ કર્યું અને વરાછા વિસ્તારમાં કરફ્યુ મુકાઇ ગયો હતો એટલું મોટું એ આંદોલન હતું. પરંતુ બાબુ ભાઇ હવે એક લીડર બની ગયા હતા એટલે ડાયમંડ કંપનીના માલિકાએ તેમને કામ આપવાનું બંધ કરી દીધું. રત્નકલાકારો માટેની લડાઇ તેમનું આ મોટું બલિદાન હતું. તેમણે વર્ષો સુધી રત્નકલાકારોના પ્રશ્નોને લડત આપી હતી.

એ પછી તેમણે ગેસના બાટલા વેચવા, સરણ વેચવા એવા અનેક પરચૂરણ કામ કરી જોયા, પરંતુ તેમને મજા ન આવી.

જિંદગીનો યાદગાર પ્રસંગ એ છે કે રત્નકલાકારો માટે વેકેશનમાં બસ શરૂ કરાવી

બાબુલાલે કહ્યુ કે, મારી જિંદગીનો સૌથી ખુશીનો અને યાદગાર પ્રસંગ એ છે કે, સુરતમાં સૌરાષ્ટ્રથી આવીને લાખો લોકો વસેલા છે, પરંતુ જ્યારે દિવાળીના વેકેશનમાં તેમને ગામ જવાનું હોય ત્યારે લક્ઝરી વાળા તકનો લાભ લઇને ઉઘાડી લૂંટ કરતા હતા. 1992માં મેં ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ, કલેકટર સાથે ચર્ચા કરીને રત્નકલાકારો માટે સરકારી બસ દિવાળી વેકેશન માટે શરૂ કરાવી. બહુ લડત પણ આપી, પરંતુ આજે રત્નકલાકારો માટે દિવાળીના વેકેશનમાં ગામડે જવા માટે સરકારી બસનો વિકલ્પ પણ છે.

એક સોસાયટીના પ્લોટની લડતમાં  લોકોને મદદ કરી અને નસીબ બદલાઈ ગયું

વરાછા વિસ્તારની સોસાયટી ભગવતીનગરમાં પ્લોટને મુદે લડત ચાલતી હતી તે વખતે ત્યાના રહીશોને બાબુભાઇએ મદદ કરી અને જીત અપાવી. આ તેમની જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ હતો. રહીશોએ બાબુભાઇને કહ્યું કે, તમે અમને આટલી મદદ કરી છે તો અમે તમને એક પ્લોટ ભેટમાં આપીએ. તે વખતે પ્લોટની કિંમત સવા લાખ રૂપિયા હતી. બાબુભાઇએ પ્લોટ  મફતમાં લેવાનો ઇન્કાર કર્યો અને સોસાયટીના લોકોને કહ્યું કે, જો તમારે આપવુ જ હોય તો તમારા બધાના બાંધકામનું  કામ મને આપો. એ કામ મને મળી ગયું અને તે વખતે હું 3 લાખ રૂપિયા કમાયો.

આજે રેવેન્યુ વિશે એટલું જ્ઞાન મેળવી લીધું છે કે વકીલો પણ સલાહ લેવા આવે છે

બાબુભાઇનો પહેલેથી સ્વભાવ રહ્યો છે કે ભલે 5 ચોપડી જ ભણ્યા છે, પરંતુ જેમાં પડે તેમાં ઉંડુ જ્ઞાન મેળવીને જ ઝંપે. રેવેન્યુમાં પણ તેમણે એટલું જ્ઞાન  મેળવ્યું કે અટપટા કેસોમાં વકીલો કે મોટા બિલ્ડર્સ પણ તેમની સલાહ લેવા આવે કે બાબુલાલ કોઇ રસ્તો કાઢી આપો.

જિંદગીમાં ડગલેને પગલે સંબંધો કામ લાગ્યા, સંબંધોને કારણે સફળ થયો

ચાહે પુસ્તકના સ્વરૂપમાં હોય, ચાહે ગુરુ કે શિક્ષકના સ્વરૂપમાં હોય કે પછી પ્રેમના સ્વરૂપમાં હોય, સૌથી શ્રેષ્ઠ સંબંધ એ છે જે જીવનને અધિક સાર્થક અને મૂલ્યવાન બનાવે. જીવન ક્યારેય પરફેક્ટ નથી હોતું, પણ આપણે તેને પરફેક્શન તરફ લઈ જવા માટે પ્રયત્નશીલ હોઈએ છીએ. આપણી હંમેશાં એ ચાહ હોય છે કે આપણું જીવન સકારાત્મક બને, પ્રગતિશીલ બને, અને અર્થપૂર્ણ બને. એમાં અલગ અલગ સંબંધોની ભૂમિકા મહત્વની હોય છે. સંબંધો કેવળ મેળમેળાપ નથી. તે જીવનને સમૃદ્ધ કરવાની કોશિશ છે. આપણે કોઈને કેવળ મળતા નથી, મેળવીએ પણ છીએ.

આપણે સમજદાર બનવું હોય છે, આપણે સમસ્યાઓનો સામનો કરવો હોય છે, આપણે માર્ગદર્શન જોઈતું હોય છે, આપણને માન સન્માનની ચાહના હોય છે. અને એટલા માટે આપણે જીવનમાં અલગ અલગ સ્વરૂપે સંબંધો કેળવીએ છીએ. વસ્તુ સાથે હોય કે વ્યક્તિ સાથે, જે સંબંધ આપણા જીવનને હેતુલક્ષી અને પ્રગતિશીલ બનાવે તે આપણા માટે શ્રેષ્ઠ સાબિત થાય છે. સંબંધો શિલ્પકારની છીણી જેવા હોય છે; તે આપણને પથ્થરમાંથી પ્રતિમા તરફ લઈ જાય છે. જીવનમાં આવી છીણીઓ સાથે સંબંધ રાખવો.

  • Exclusive interview with Babu Jirawala diamond city 435-4
  • Exclusive interview with Babu Jirawala diamond city 435-5
  • Exclusive interview with Babu Jirawala diamond city 435-6

ભાજપની ટિકીટ પર કોર્પોટેરટ પણ બન્યા

લોકોની સમાજ સેવા કરવાને કારણે ભાજપે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં 2010માં ટિકીટ આપી અને 2010થી 2015 સુધી કોર્પોરેટર પણ રહ્યા. પરંતુ તેમને લોકો એક રાજકીય નેતાને બદલે સામાજિક નેતા તરીકે વધારે ઓળખતા હતા.

રિઅલ એસ્ટેટ અને  ટેક્સટાઇલના બિઝનેસમાં વધારે ઉજળા બન્યા

બાબુલાલ રિઅલ એસ્ટેટના બિઝનેસની સાથે 2012માં  ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ પડ્યા. તેઓ 7 મિત્રો સાથે બે ડાઇંગ મીલો ચલાવે છે અને રચના અર્બન કો.ઓ. ક્રેડીટ સોસાયટી પણ ચલાવે છે.

સોશિયલ મીડિયાની જાહોજલાલીથી અંજાઇને રાતોરાત કમાવાવાના સપના ન જોતા

આજની પેઢીને શું સંદેશો આપશો? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે, હું યુવાનોને કહેવા માગું છું કે, સોશિયલ મીડિયાની જાહોજલાલીથી અંજાઇને રાતોરાત કરોડપતિ બનવાના સપના ન જોતા. સફળતા હંમેશા ધીરજ અને મહેનતથી જ મળે છે. બીજું કે હંમેશા જીવનમાં નૈતિક મૂલ્યોનું ભાથું સાથે રાખજો. સફળતા માટે આત્મવિશ્વાસ રાખવો જરૂરી છે અને આત્મવિશ્વાસ તમને જ્ઞાનના માધ્યમથી મળશે. જિંદગીમાં પડકારો તો અનેક આવશે, પરંતુ નાસીપાસ થયા વગર આગળ વધતા રહેજો, કુદરત જ તમને રસ્તો બતાવશે. બીજું મારે યુવાનોને એ કહેવું છે કે જ્યારે 2 સફળ માણસો વાત કરતા હોય તો તેમને ધ્યાનથી સાંભળજો. વચ્ચે કશું બોલતા નહી, પરંતુ તેમની વાતોમાંથી તમને સફળતાના રસ્તા મળશે.

એક સમય એવો હતો કે દિવાળીના સમયે ગજવામાં માત્ર 5 રૂપિયા હતા

આટલી સફળતાની ટોચે પહોંચ્યા પણ એ પહેલા બાબુલાલે અનેક સંઘર્ષોનો પણ સામનો કરવો પડ્યો છતા હિંમત નહોતા હાર્યા. એક સમય એવો પણ આવેલો કે દિવાળીના સમયે ગજવામાં માત્ર 5 રૂપિયા હતા. કોઇ મળવા આવે તો શું આપવું તેની પણ ચિંતા થતી હતી. જ્યારે ગામડે જવાનું થયું ત્યારે ચીમનભાઇ દુધાત પાસેથી 100 રૂપિયા ઉછીના લઇને ગયો અને બસના 80 રૂપિયાની ટિકીટ ખર્ચીને 20 રૂપિયા સાચવી રાખ્યા હતા.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant