DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક હીરા વ્યાપારના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી રહેલા દુબઈએ વર્ષ 2025માં એક નવો ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. દુબઈ કસ્ટમ્સના સત્તાવાર આંકડાઓ ટાંકીને ‘દુબઈ મલ્ટી કોમોડિટીઝ સેન્ટર’ (DMCC) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, વર્ષ 2025 દરમિયાન દુબઈનો કુલ હીરા વેપાર ઓલ-ટાઇમ હાઈ સપાટીએ પહોંચીને $41.7 બિલિયન (આશરે ₹3.48 લાખ કરોડથી વધુ) નોંધાયો છે.
આ આંકડાએ વર્ષ 2011ના $40.9 બિલિયનના અગાઉના સર્વોચ્ચ રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. મૂલ્યની સાથે-સાથે જથ્થા (વોલ્યુમ)ની દ્રષ્ટિએ પણ વાર્ષિક ધોરણે 42.5% નો મોટો ઉછાળો જોવા મળ્યો છે અને કુલ 359.5 મિલિયન કેરેટ હીરાનો વેપાર થયો છે. દુબઈના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે એક જ વર્ષમાં હીરાના વ્યાપાર મૂલ્ય અને ભૌતિક જથ્થા બંનેમાં નવો રેકોર્ડ સર્જાયો હોય.
આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તતા ભૌગોલિક-રાજકીય તણાવ અને બદલાતા સમીકરણો વચ્ચે દુબઈનો કુલ ડાયમંડ ટ્રેડ વાર્ષિક ધોરણે 16.2% વધ્યો છે, જે વર્ષ 2024ના $35.8 બિલિયનની સરખામણીએ માત્ર એક જ વર્ષમાં $5.8 બિલિયનનો જંગી વધારો દર્શાવે છે. હીરા ઉપરાંત રંગીન રત્નો (Colored Gemstones) ના વેપારમાં પણ 48% નો જોરદાર વાર્ષિક ઉછાળો આવતા તે $1.1 બિલિયનની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.
કોરોના મહામારી બાદ દુબઈનો વ્યાપાર બમણો થયો
લાંબા ગાળાના આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2020 ની કોરોના મહામારી બાદથી દુબઈ થકી થતો કુલ હીરા વેપાર મૂલ્યની દ્રષ્ટિએ 139% અને જથ્થાની દ્રષ્ટિએ 100% (બમણો) વધ્યો છે. આ આંકડા પુરવાર કરે છે કે દુબઈ હવે હીરા ઉત્પાદક દેશો (આફ્રિકા), કટિંગ-પોલિશિંગ સેન્ટર્સ (ભારતનું સુરત) અને મુખ્ય ગ્રાહક બજારો (અમેરિકા અને ચીન) ને જોડતું વિશ્વનું સૌથી મજબૂત ગેટવે બની ગયું છે.
DMCCના એક્ઝિક્યુટિવ ચેરમેન અને CEO અહેમદ બિન સુલેયમનું સત્તાવાર નિવેદન : “દુબઈના આ લેટેસ્ટ આંકડા વિશ્વની સૌથી કનેક્ટેડ, પારદર્શક અને કાર્યક્ષમ કિંમતી રત્નોની ઇકોસિસ્ટમ બનાવવાની અમારી લાંબા ગાળાની વ્યૂહરચનાની સફળતા દર્શાવે છે. વર્ષ 2020 થી અત્યાર સુધીમાં અમારો કુલ વેપાર જથ્થામાં બમણો અને મૂલ્યમાં 140% વધ્યો છે. માત્ર નેચરલ પોલિશ્ડ હીરાના મૂલ્યમાં 246% ની વૃદ્ધિ થઈ છે. વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નિયમનકારી સ્પષ્ટતા અને ફાઇનાન્સની સરળ ઉપલબ્ધતાને કારણે અમે વૈશ્વિક ઉદ્યોગ માટે પ્રથમ પસંદગીનું પ્લેટફોર્મ બની રહેશે.”
કુદરતી હીરા (Natural Diamonds) આર્થિક કરોડરજ્જુ રહ્યા
તાજેતરના વર્ષોમાં કૃત્રિમ ઘરેણાં અને અન્ય કેટેગરીના વિસ્તરણ છતાં, કુદરતી હીરા (Natural Diamonds) દુબઈના હીરા બજારના આર્થિક પાયા અને ભવિષ્યના ગ્રોથ એન્જિન તરીકે અડીખમ રહ્યા છે.
- કુલ હિસ્સો : વર્ષ 2025માં થયેલા કુલ ટ્રેડિંગમાંથી $39.9 બિલિયનનો વેપાર માત્ર નેચરલ ડાયમંડમાં થયો હતો, જે કુલ મૂલ્યના 95.8% જેટલો મોટો હિસ્સો ધરાવે છે.
- રફ ડાયમંડની તેજી : વર્ષ દરમિયાન 205.2 મિલિયન કેરેટ કુદરતી કાચા (રફ) હીરાનો વેપાર થયો હતો, જે ઇતિહાસનો બીજો સૌથી મોટો જથ્થો છે અને વર્ષ 2024ની સરખામણીએ 34% નો વધારો દર્શાવે છે.
- પોલિશ્ડ માર્કેટમાં ધૂમ કમાણી : કુદરતી પોલિશ્ડ હીરાની કેટેગરીમાં વેપાર મૂલ્ય વર્ષ 2025માં વાર્ષિક 25% ના વધારા સાથે $18.7 બિલિયન પર પહોંચી ગયું છે. વર્ષ 2020 થી અત્યાર સુધીમાં નેચરલ પોલિશ્ડ ટ્રેડમાં મૂલ્યની દ્રષ્ટિએ 246% નો ધરખમ વધારો થયો છે, અને પ્રતિ કેરેટ સરેરાશ કિંમતમાં આશરે 8 થી 9 ગણો મોટો આર્થિક સુધારો નોંધાયો છે.
બજારનું વૈવિધ્યકરણ : લેબ-ગ્રોન અને ઈન્ડસ્ટ્રિયલ હીરાનો દબદબો
આ અહેવાલ દુબઈની કિંમતી રત્નોની ઇકોસિસ્ટમમાં થઈ રહેલા વૈવિધ્યકરણ પર પણ પ્રકાશ પાડે છે. કલર્ડ જેમસ્ટોન્સ (રંગીન રત્નો) ના વેપારમાં આયાત 68.8% અને રી-એક્સપોર્ટ (પુનઃ નિકાસ) 33.5% વધી છે, જે દર્શાવે છે કે સોર્સિંગ અને ડિસ્ટ્રિબ્યુશન બંને મોરચે મજબૂત પકડ બની છે. બીજી તરફ, કૃત્રિમ હીરા અને ઔદ્યોગિક હીરા પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે અને હવે તે દુબઈના કુલ ડાયમંડ કેરેટ વોલ્યુમમાં આશરે 39% જેટલો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.
DMCC દ્વારા સંચાલિત ‘દુબઈ ડાયમંડ એક્સચેન્જ’ (DDE), જે આ પ્રદેશની સૌથી મોટી હીરા ટેન્ડર સુવિધા છે, તે સુરક્ષિત લોજિસ્ટિક્સ, કસ્ટમ્સ સુવિધા, ફાઇનાન્સિયલ સર્વિસિસ, ગ્રેડિંગ અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી વૈશ્વિક હીરા ઉદ્યોગમાં ભારત સહિતના તમામ અગ્રણી દેશોના વેપારીઓ માટે સૌથી મોટું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. વૈશ્વિક નિયમો અને ટેરિફ વોર વચ્ચે દુબઈનો આ રેકોર્ડબ્રેક વેપાર સુરતના હીરા મેન્યુફેક્ચરર્સ માટે પણ નવી તકોના દ્વાર ખોલી રહ્યો છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















