DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક સ્તરે કોમોડિટીઝ વેપારના સૌથી મોટા કેન્દ્ર એવા ‘દુબઈ મલ્ટી કોમોડિટીઝ સેન્ટર’ (DMCC) અને બોત્સ્વાના મર્કેન્ટાઈલ એક્સચેન્જના ઓપરેટર ‘બોત્સ્વાના સ્ટોક એક્સચેન્જ ગ્રૂપ’ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
સિંગાપોર ખાતે આયોજિત ૪૧મી ‘વર્લ્ડ ડાયમંડ કોંગ્રેસ’ દરમિયાન આ ઐતિહાસિક ડીલને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ કરારનો મુખ્ય હેતુ બોત્સ્વાનાના ઉભરતા કોમોડિટી બજારને દુબઈના આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ, ફાઇનાન્સ અને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમ સાથે જોડીને વૈશ્વિક સ્તરે આફ્રિકાની પકડ મજબૂત કરવાનો છે.
આ ભાગીદારી હેઠળ દુબઈ અને ગેબોરોન (બોત્સ્વાનાની રાજધાની) વચ્ચે આફ્રિકાનો સર્વપ્રથમ ‘સિસ્ટર-હબ ટ્રેડિંગ કોરિડોર’ સ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ બોત્સ્વાનાના આર્થિક વૈવિધ્યીકરણના એજન્ડાને મજબૂત બનાવશે અને તેની નિકાસની વૈશ્વિક પહોંચ અને બજાર મૂલ્યમાં મોટો વધારો કરશે. આ કરારના ભાગરૂપે આગામી સમયમાં દુબઈના DMCC કોમોડિટી ઇકોસિસ્ટમની અંદર બોત્સ્વાનાનું એક સમર્પિત અને ફિઝિકલ (ભૌતિક) સેન્ટર પણ ઊભું કરવામાં આવશે.
હીરા ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર સાબિત થશે આ ડીલ
આ આંતરરાષ્ટ્રીય કરાર હેઠળ બોત્સ્વાનાના મૂળ સંસાધનો જેવા કે કિંમતી હીરા (Diamonds), તાંબુ (Copper), કોલસો (Coal), સોડા એશ, ક્રિટિકલ મિનરલ્સ તેમજ બીફ અને કૃષિ પેદાશોના આંતરરાષ્ટ્રીય વેપારને વેગ આપવામાં આવશે. આ માટે બંને દેશો માર્કેટ એક્સેસ, ટ્રેડ ફાઇનાન્સ, લોજિસ્ટિક્સ, અદ્યતન વૉલ્ટિંગ (Vaulting) સુવિધાઓ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં નજીકથી કામ કરશે.
આ કરારની પ્રથમ અને સૌથી મોટી પહેલ હેઠળ બોત્સ્વાનાની સત્તાવાર ‘ઓકાવેન્ગો ડાયમંડ કંપની’ (ODC) અને ‘દુબઈ ડાયમંડ એક્સચેન્જ’ (DDE) ને સંયુક્ત ડાયમંડ ટેન્ડર્સ (Diamond Tenders) દ્વારા સીધા એકબીજા સાથે જોડવામાં આવશે.આનાથી બોત્સ્વાનાના હીરા ઉત્પાદન અને દુબઈના ખરીદદારો વચ્ચે એક સીધો કોમર્શિયલ લિંક ઊભો થશે.
આ સંયુક્ત કોમર્શિયલ ટેન્ડર્સની શરૂઆત વર્ષ ૨૦૨૬ ના અંત સુધીમાં થાય તેવી પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત, વેપારને વધુ સરળ બનાવવા માટે બંને સંસ્થાઓ DMCC ના ડિજિટલ ફાઇનાન્સિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને ‘DMCC FinX’ પ્લેટફોર્મના ઉપયોગ પર સંશોધન કરશે, જેથી ટ્રેડ ફાઇનાન્સની સુવિધા ગતિશીલ બની શકે.
આ વ્યૂહાત્મક ભાગીદારી અંગે સંતોષ વ્યક્ત કરતા મહાનુભાવોએ જણાવ્યું હતું કે : “આ ભાગીદારી બોત્સ્વાનાની ખનિજ અને વ્યાપક કોમોડિટી સંસાધનોમાંથી મહત્તમ મૂલ્ય મેળવવાની દિશામાં એક મોટું અને નિર્ણાયક કદમ છે. દુબઈ સાથેનું આ જોડાણ અમારા વિશ્વકક્ષાના સંસાધનોને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડવા માટે જરૂરી મજબૂત માળખું પૂરું પાડશે.” – બોગલો જોય કેનેવેન્ડો, ખનિજ અને ઉર્જા મંત્રી, બોત્સ્વાના
“બોત્સ્વાનાની ઉત્પાદન ક્ષમતા અને દુબઈની વિશ્વકક્ષાની લોજિસ્ટિક્સ તથા ફાઇનાન્સ સિસ્ટમના સુમેળથી વૈશ્વિક વેપારમાં રોકાણની વિપુલ અને અભૂતપૂર્વ તકો ઊભી થશે.” – અહેમદ બિન સુલેયમ, એક્ઝિક્યુટિવ ચેરપર્સન અને સીઇઓ, DMCC
“એક અગ્રણી કોમોડિટી ઉત્પાદક તરીકે બોત્સ્વાના માટે આ એક પરિવર્તનકારી માઈલસ્ટોન છે. આ કરાર ‘બોત્સ્વાના મર્કેન્ટાઈલ એક્સચેન્જ’ ને વૈશ્વિક મંચ પર એક શક્તિશાળી પ્લેયર તરીકે સ્થાપિત કરવાની અમારી મહત્વકાંક્ષાને નવી ઊંચાઈ આપશે.” – નિયો મૂકી, ચેરપર્સન, બોત્સ્વાના સ્ટોક એક્સચેન્જ (BSE).
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















