લેબગ્રોન માટે 7 કરોડની રકમથી કશું ન થાય, ગુજરાત સરકારે માત્ર કરવા ખાતર જાહેરાત કરી

ગુજરાત સરકારે સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવાની જાહેરાત કરી અને તેના માટે 7 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા, તેનાથી ઉદ્યોગને શું ફાયદો થશે?

Industry reaction rajesh shah diamond city issue 405-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઈએ 2 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું તેમાં લેબગ્રોન ડાયમંડ માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવા માટે 7 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી. ગયા વર્ષે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જ્યારે બજેટ રજૂ કર્યું હતું ત્યારે તેમણે પણ લેબગ્રોન ડાયમંડ માટે 242.96 કરોડ રૂપિયા 5 વર્ષ માટે IIT મદ્રાસને રિસર્ચ માટે ફાળવવાની જાહેરાત કરી હતી.

હવે સવાલ એ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જાહેરાત તો કરે છે. પરંતુ લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગના મોટાભાગના લોકોને તો ખબર જ નથી હોતી કે, આ ફંડનો સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને ફાયદો કેવી રીતે મળશે?  સુરત તો લેબગ્રોન ડાયમંડનું દુનિયાભરનું સેન્ટર છે.

ડાયમંડ સિટી ન્યૂઝ પેપરે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને સવાલ પૂછ્યો હતો કે ગુજરાત સરકારે સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવાની જાહેરાત કરી છે અને તેના માટે 7 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, તેનાથી ઉદ્યોગને શું ફાયદો થશે?

તો મોટાભાગના ઉદ્યોગકારોએ કહ્યું કે, લેબગ્રોન ડાયમંડ માટે 7 કરોડ રૂપિયાથી કશું ન થાય. એવું લાગે છે કે સરકારે માત્ર કરવા ખાતર જાહેરાત કરી દીધી છે. લેબગ્રોન ડાયમંડના મશીન જ કરોડો રૂપિયાના આવે છે.

કેટલાંક ઉદ્યોગકારોએ એમ પણ કહ્યું કે, જો સરકાર ખરેખર લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને મદદ કરવા માંગતી હોય તો. ઉદ્યોગના ઍસોસિયેશન કે અગ્રણી ઉદ્યોગકારો સાથે ચર્ચા કરીને બજેટમાં રજૂઆત કરવી જોઇએ. ઉદ્યોગના લોકોને ખરેખર શું જોઇએ છે એ જાણ્યા વગર જ સરકાર રજૂઆત કરી દે છે.

 સુરતના ડાયમંડ ઉદ્યોગની વાત કરીએ તો નેચરલ ડાયમંડ કટિંગ એન્ડ પોલીશીંગમાં સુરતનો ડાયમંડ ઉદ્યોગ દુનિયામાં નંબર વન છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ઉદ્યોગ સરકારની મદદ વગર આપ બળે ઊભો થયો છે અને લાખો લોકોને રોજગારી પુરી પાડે છે.

એવી જ રીતે સુરતે લેબગ્રોન ડાયમંડમાં પણ આપ બળે કાઠું કાઢ્યું છે. આજે દુનિયાભરમાં સુરતનો લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ અવ્વલ નંબર પર છે. લેબગ્રોન ડાયમંડને કારણે રત્નકલાકારોને મોટા પાયે રોજગારી પણ મળી રહી છે. કેટલાંક ઉદ્યોગકારે કહ્યું કે, ઉદ્યોગમાં ઘણા બધા લોકોને ખબર નથી કે, ગયા વર્ષે નાણાં મંત્રીએ જે 246 કરોડ રૂપિયા લેબગ્રોન ડાયમંડ માટે ફાળવવાની જાહેરાત કરી તેમાં આગળ શું થયું?

ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઈએ લેબગ્રોન ડાયમંડ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવાની જાહેરાત કરી, જેમાં 7 કરોડ રૂપિયા ફાળવાશે એવું કહ્યું, આ સેન્ટરમાં એકેડેમિક, રિસર્ચ, ટ્રેનિંગ, ગ્રેડીંગ, રેટિંગ, સર્ટિફિકેશન જેવા કામો થશે.

લેબગ્રોન ડાયમંડ માટે 7 કરોડ રૂપિયાની ફાળવણીનો કોઇ અર્થ નથી : ભાવેશ બગડિયા

લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગકાર ભાવેશ બગડિયાએ કહ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડ માટે માત્ર 7 કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો કોઇ અર્થ નથી. સરકારે જાહેર કરવી હતી તો મોટી રકમની જાહેરાત કરવી હતી. બીજું કે સરકારે વિસ્તૃત જાહેરાત કરવી જોઇએ, જેથી બધાને ખબર પડે. બગડિયાએ કહ્યું કે, સરકારે બજેટમાં લેબગ્રોન ડાયમંડ માટે જાહેરાત કરતા પહેલાં ઉદ્યોગકારો સાથે ચર્ચા કરવાની જરૂર હતી.

આ તો એજ્યુકેશન માટે ફાળવ્યા હોય તેવું લાગે છે : બકુલ લિંબાસિયા

બકુલ લિંબાસિયા લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગમાં એક મોટું નામ છે, તેમણે કહ્યું કે, 7 કરોડ રૂપિયા ફાળવવાથી કોઇ ફાયદો નહીં થાય. ગુજરાત સરકારે લેબગ્રોનના એજ્યુકેશન માટે રકમ ફાળવી હોય તેવું લાગે છે.

મોટા ઉદ્યોગકારો રસ લે તેવું સરકારે કરવું જોઇએ : સંજય ભાદાણી

લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગકાર સંજય ભાદાણીએ કહ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ માટે 7 કરોડની રકમ સાવ નજીવી છે. લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ મોટા ઉદ્યોગકારો ચલાવે છે અને મોટા ઉદ્યોગકારો રસ લે તેવું સરકારે કરવું જોઇએ, જેથી નાના ઉદ્યોગકારોને પણ ફાયદો થાય.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant