આજે ભારતમાં લેબગ્રોન-લેબગ્રોનની જે ચર્ચા ચાલે છે તેનો પાયો સુરતના બકુલ લિંબાસિયાએ નાંખેલો

આંખોમાં આત્મવિશ્વાસનો ગજબનો પાવર છે. જોતા જ ખબર પડી જાય કે આ માણસ દુનિયાથી નોખી માટીનો છે. શિસ્તમાં માનનારા બકુલભાઇ એટલા ધાર્મિક પણ છે.

Diamond-City-Vyakti-Vishesh-Bakul-Limbasiya-Article-Rajesh-Shah-issue-386-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં આ વખતે એક એવા વ્યક્તિની વાત કરવી છે જેમણે ડાયમંડ ઉદ્યોગમાં એક નવું ઇનોવેશન કરીને ઇતિહાસ રચી દીધો છે. ભારતમાં લેબગ્રોન ડાયમંડનો પાયો નાંખનારા ભથવારી ટેક્નોલોજીસના બકુલ લિંબાસિયાની સ્ટોરી અનેક યુવાનો અને બિઝનેસમાં આગળ વધનારા લોકો માટે પ્રેરણા પુરી પાડશે. તેમનું ડેડિકેશન અને કામ કરવાનું ઝનૂન એટલું છે કે ગમે તેટલી અડચણો તેમને હલાવી શકતી નથી. ટીમ ઇન્ડિયાના મહાન કિક્રેટર મહેન્દ્ર સિંહ ધોનીનું એક વાક્ય છે ‘જીદ કરો દુનિયા બદલો’. બકુલભાઇ પણ એવા જ છે, તેમણે વર્ષોની તપસ્યા અને મહેનત પછી ભારતને લેબગ્રોન ડાયમંડની એક અમૂલ્ય ભેટ આપી છે, જેને કારણે આજે અનેક લોકો તરી ગયા છે. તેમણે પણ જીદ પકડી હતી કે ગમે તે થાય નેચરલ ડાયમંડનો વિકલ્પ શોધી કાઢવો છે.

આજે દુનિયાભરમાં નેચરલ ડાયમંડના ઓપ્શન તરીકે લેબગ્રોન ડાયમંડની ચર્ચા છે, પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે લેબગ્રોન ડાયમંડનો પાયો સુરતના ટેક્નોક્રેટ બકુલ લિંબાસિયાએ નાખ્યો હતો. નવાઇની વાત એ છે કે તેઓ માત્ર 4 ચોપડી ભણેલા છે, પરંતુ તેમની કોઠાસૂઝ એટલી જબરદસ્ત છે કે તેમણે અનેક ઇનોવેશન કરીને તેમના કૌશલ્યનો પરિચય આપ્યો છે. લગભગ 19 વર્ષ પહેલાં બકુલભાઇએ લેબગ્રોન ડાયમંડનો પાયો નાખ્યો હતો અને આજે આ ઉદ્યોગ 10,000 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

સૌરાષ્ટ્રના અમરેલીમાં જન્મેલાં બકુલ લિંબાસિયાની વાત કરીએ તે પહેલાં ગોપાલ શાસ્ત્રીની એક પંક્તિ છે જે તેમને એકદમ બંધ બેસતી છે. ‘હોય જેને જળ ભરેલા વાદળની ઝંખના, તેણે ધોમ ધખતા તાપમાં તપવું પડે છે’ બકુલ લિંબાસિયાએ પણ જળ ભરેલા વાદળની ઝંખના રાખેલી પણ સાથે તેઓ ધોમ ધખતા તાપમાં તપ્યા પણ ખરા. જેમ સોનાને આગમાં તપાવ્યા પછી તેનો નિખાર આવે છે તેમ બકુલભાઇ પણ ટીપાયા અને નિખર્યા.

લેબગ્રોન ડાયમંડ માર્કેટમાંથી અમે સાંભળ્યું હતું કે ભારતમાં લેબગ્રોન ડાયમંડનો પાયો નાખનાર બકુલભાઇ લિંબાસિયા છે. અમે તેમની મુલાકાત કરી ત્યારે જોયું કે તેમની આંખોમાં આત્મવિશ્વાસનો ગજબનો પાવર છે. જોતા જ ખબર પડી જાય કે આ માણસ દુનિયાથી નોખી માટીનો છે. શિસ્તમાં માનનારા બકુલભાઇ એટલા ધાર્મિક પણ છે.

Diamond-City-Vyakti-Vishesh-Bakul-Limbasiya-Article-Rajesh-Shah-issue-386-2

બકુલભાઇ જબરદસ્ત શિવભક્ત છે…

બકુલભાઇના નજીકના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે બકુલ લિંબાસિયા શંકર ભગવાનના પરમ ભક્ત છે. ભારતનું કોઇ એવું શિવ મંદિર ન હોય જ્યાં બકુલભાઇ ગયા ન હોય. તેમને અડધી રાત્રે ઇચ્છા થાય કે શંકર દાદાના દર્શન કરવા જવું છે તો પછી એમાં બીજો કોઇ વિચાર આવે જ નહી, સીધી ગાડી કાઢે અને નીકળી જાય. હરિદ્વાર જવાની ઇચ્છા થાય તો હરિદ્વાર પહોંચી જાય, પછી ગમે તેટલું કામ હોય શિવ માટે સમય કાઢી લે…

અમે તેમની સાથે વાત માંડી કે લેબગ્રોન ડાયમંડનો પાયો કેવી રીતે નંખાયો?

તો તેમણે એક સરસ વાત કરી કે નેચરલ ડાયમંડનો વિકલ્પ હું ઘણા સમયથી શોધી રહ્યો હતો.. તમે જુઓ કે જેના પણ વિકલ્પ શોધાયા છે તે બિઝનેસ ચાલ્યો જ છે. જેમ કે નેચરલ કાપડની સામે મેન મેઇડ ફાઇબરની શોધ થઇ અને આજે મેન મેઇડ ફાઇબરનું 60 ટકા કરતા વધારે માર્કેટ છે. એ જ રીતે પહેલાં કુદરતી રીતે બાળકો પેદા થતા હતા, આજે IVF ટેક્નોલોજીથી પણ બાળકો પેદા થાય છે. આવા તો અનેક દાખલા છે.

બકુલભાઇએ કહ્યું કે, મારો પહેલેથી જ એવો સ્વભાવ છે કે કોઇની કોપી કરવાની નહી અને હટકે કામ કરવાનું અને તે પણ પોતાના કૌશલ્યથી. લિંબાસિયાએ માત્ર લેબગ્રોન ડાયમંડનો જ પાયો નાંખ્યો નથી, પરંતુ તેઓ ડાયમંડ ઉદ્યોગમાં જ્યારે ઘંટી પર ડાયમંડ કટિંગ પોલીશીંગનું કામ ચાલતું હતું ત્યારે ઘંટી પર જરૂરી એવી સરણની શોધ પણ તેમણે કરેલી, એ પછી રાઉન્ડર મશીન અને ગડર વીલનું ઇનોવેશન પણ બકુલભાઇએ કરેલું.

તમે વિચાર કરો કે માત્ર 4 ચોપડી ભણેલા માણસે એક વૈજ્ઞાનિક લેવલના કામ કરેલા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીના સમયમાં લોકોને આત્મનિર્ભરનું સૂત્ર આપેલું, પણ બકુલભાઇ એવા વ્યક્તિ છે જેઓ વર્ષો પહેલાં જ આત્મનિર્ભર બની ગયેલા અને સ્વદેશી પર પણ તેમનો ભાર રહેલો છે.

હવે વાત કરીએ કે ભારતમાં લેબગ્રોન ડાયમંડનો પાયો કેવી રીતે નંખાયો?

Diamond-City-Vyakti-Vishesh-Bakul-Limbasiya-Article-Rajesh-Shah-issue-386-3

બકુલભાઇએ કહ્યું કે લગભગ 1993ના સમય ગાળામાં હું રશિયા અને ચીનથી ડાયમંડ પાવડરનું કામ કરતો હતો. એક વખત એવું બન્યું કે પાવડર ડાયમંડના પ્રોસેસમાં ભુલથી એક માયનોર પાર્ટિકલ જોવા મળ્યો. તે વખતે એવું લાગ્યું કે આ પાર્ટિકલને જો મોટો કરી શકાય તો બિલકુલ ડાયમંડ બની શકે તેમ છે. વર્ષ 2002માં અમે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ શરૂ કર્યું અને પહેલું લેબગ્રોન ડાયમંડનું મશીન બનાવ્યું અને વર્ષ 2003-2004માં પહેલો લેબગ્રોન ડાયમંડ તૈયાર થયો, અમારી ખુશીનો પાર નહોતો, પરંતુ મુશ્કેલી એ હતી કે તે સમયે રીઅલ ડાયમંડની સરખામણીએ લેબગ્રોન ડાયમંડની કોસ્ટ પરવડે તેવી નહોતી. લેબગ્રોન ડાયમંડને કોમર્શિયલ કરવા માટે ફરી મહેનત કરી અને વર્ષ 2008માં અમે કોસ્ટ ઇફેક્ટીવ લેબગ્રોન ડાયમંડ લેબોરેટરીમાં ઉગાડવાની શરૂઆત કરી શક્યા અને વર્ષ 2010માં ફેકટરી શરૂ કર્યા પછી કોમર્શિયલ પ્રોડકશન ચાલુ થઇ શક્યું.

ઉઝબેકિસ્તાનનના 92 વર્ષના વૈજ્ઞાનિકે કહ્યું કેમિકલનો ઉપયોગ કરો, પછી બન્યા CVD

બકુલભાઇએ કહ્યું કે, શરૂઆતમાં અમે High Pressure High Temperature (HPHT) ડાયમંડ બનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ સદનસીબે ઉઝબેકીસ્તાનના એક 92 વર્ષના વૈજ્ઞાનિક સાથે મુલાકાત થઇ અને તેમણે કહ્યું કે, તમે લોકો કેમિકલનો ઉપયોગ કરીને ડાયમંડ બનાવો. એના માટે ક્લીન એનર્જિની જરૂર પડે. એ પછી અમે માઇક્રો પ્લાઝમા પર સ્ટડી શરૂ કરી અને Chemical Vapour Deposition(CVD) ડાયમંડ તૈયાર થઇ ગયા. HPHT ડાયમંડમાં હજુ ચીન મોખરે છે, પણ CVDમાં ભારત નંબર વન પર છે.

1992માં ચીન જતો ત્યારે અંગ્રેજીમાં વાત કરવા માટે ચિત્રોનો ઉપયોગ કરતો

બકુલભાઇએ કહ્યું કે, હું તો ઘણા સમયથી વિદેશોમાં ફરતો રહેતો હતો. 1992ના સમયમાં તો ચીનના લોકો અંગ્રેજીમાં વાત પણ નહોતા કરતા. પરંતુ મેં નક્કી કરેલું કે ભલે અંગ્રેજી ભાષા ન આવડતી હોય, મારું કામ અટકશે નહી. એ વખતે હું ચીનના લોકો સાથે ચિત્રો બતાવી બતાવીને તેમની સાથે કામ કરતો અને મારું કામ થઇ જતું હતું. બકુલભાઇ પાસેથી આ વાત શિખવા જેવી છે કે જો તમને અંગ્રેજી બોલતા નથી આવડતું તો પગ પર પગ ચઢાવીને બેસી ન જશો. અંગ્રેજી ભાષાની જાણકારી વગર પણ તમે ધારો તો તમારું કામ થઇ શકે છે.

ભલે 4 ચોપડી ભણ્યા છે, પરંતુ દુનિયાના વૈજ્ઞાનિકો સાથે બેસીને ચર્ચા કરી શકે છે

બકુલભાઇ લિંબાસિયા ભલે 4 ચોપડી ભણ્યા છે, પરંતુ તેમનામાં જ્ઞાન મેળવવાનો અને રિસર્ચ કરવાનો જુસ્સો એટલો બધો છે કે તેઓ દુનિયાના વૈજ્ઞાનિકો સાથે બેસીને ચર્ચા કરી શકે છે. અંગ્રેજી ભાષાનો અભાવ તેમને નડતો નથી.

લેબગ્રોન ડાયમંડ કાયમી માટે રહેશે, જ્વેલરી બિઝનેસમાં પણ શરૂઆત થઇ ગઇ છે

બકુલભાઇએ કહ્યું કે, હવે તો લેબગ્રોન ડાયમંડનો ઉપયોગ જ્વેલરી બનાવવા માટે પણ થઇ રહ્યો છે ત્યારે લેબગ્રોનનું માર્કેટ હજુ ઉંચાઇએ પહોંચશે. આ એવી પ્રોડક્ટ છે જે કાયમ માટે રહેવાની છે. રીઅલ ડાયમંડ માટે એવું કહેવાય છે હીરા સદા કે લિયે, તેવું લેબગ્રોનનું પણ છે.

શરૂઆત બકુલભાઇએ કરી એ પછી તેમની પાસેથી શીખીને અનેક લોકો ઉદ્યોગમાં પડ્યા

Diamond-City-Vyakti-Vishesh-Bakul-Limbasiya-Article-Rajesh-Shah-issue-386-4

બબકુલભાઇએ લેબગ્રોન ડાયમંડનો પાયો નાંખ્યો પછી તેમની ભથવારી ટેક્નોલોજી અનેક ઉદ્યોગકારો માટે ટ્રેનિંગનું પ્લેટફોર્મ બની ગયું. અનેક લોકો તેમની પાસેથી શીખ્યા અને આજે લેબગ્રોન ડાયમંડ માર્કેટમાં બિઝનેસ કરતા થયા છે. બકુલભાઇને કારણે લેબગ્રોન ડાયમંડ બન્યા, મશીનો બન્યા, ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગ થવા માંડ્યા અને નિકાસ થવાને કારણે હુંડિયામણ ઊભું કરવામાં પણ તેમનું યોગદાન રહ્યું.

ઉદ્યોગ ફુલ્યો ફાલ્યો છે અને પ્રગતિના પંથ પર છે અને આગામી દિવસોમાં આ ઉદ્યોગ લાખો લોકોને રોજગારી પુરી પાડવાનો છે, કરોડો રૂપિયાના વિદેશી હુંડિયામણની કમાણી કરવાનો છે અને સાથે સુરતને દુનિયાના નકશામાં એક નવી ઊંચાઇ પુરી પાડવાનો છે. અમે વાત કરી રહ્યા છીએ એ લેબગ્રોન ડાયમંડ માર્કેટની હરણફાળને કારણે માત્ર સુરતને ફાયદો થવાનો નથી, પરંતુ ગુજરાતના શહેરો અને સૌરાષ્ટ્રના નાના નાના ગામડાંઓની પણ આ ઉદ્યોગને કારણે કાયાપલટ થવાની છે.

નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડમાં માત્ર એટલો જ ફરક છે કે કુદરતી હીરા જમીનમાં બને છે જ્યારે લેબગ્રોન ડાયમંડ લેબમાં તૈયાર થાય છે. એ સિવાયની નેચરલ ડાયમંડની જે પ્રોસેસ છે તે બધી લેબગ્રોન ડાયમંડમાં પણ થાય છે. આગામી વર્ષોમાં લેબગ્રોન હીરાની માંગ હજુ પણ વધવાની છે. જેને કારણે લેબગ્રોન ડાયમંડની ક્વાલિટીમાં પણ ઉત્તરોત્તર સુધારો થશે. વિશ્વના માત્ર એક ટકા જેટલા ધનિક લોકો જ નેચરલ ડાયમંડની ખરીદી કરી રહ્યા છે. નેચરલ ડાયમંડની સરખામણીએ લેબગ્રોન હીરા 60 ટકા સુધી સસ્તા હોય છે. જેથી અમેરિકા સહીત વિશ્વના અનેક દેશોમાં આર્થિક રીતે મધ્યમ વર્ગમાં લેબગ્રોન હીરાની ખૂબ જ માંગ છે.

આ ઉદ્યોગ મોટી સંખ્યામાં રોજગારી પુરી પાડશે તો ગુજરાતનો કેટલો મોટો આર્થિક ફાયદો થશે. લોકો કમાણી કરતા થશે તો અર્થતંત્રને પણ વેગ મળશે. જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં લેબગ્રોન ડાયમંડનું યોગદાન એ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2022-23 માટે 52 બિલિયન ડોલરની નિકાસનો અંદાજ રાખ્યો છે, જેને પુરો કરવા માટે લેબગ્રોન ડાયમંડ સેક્ટર ખૂબ મદદરૂપ બનશે.

એલાઇડ માર્કેટ રિસર્ચના એક અહેવાલ મુજબ લેબગ્રોન ડાયમંડનો બિઝનેસ આખી દુનિયામાં વર્ષ 2030 સુધીમાં 49.9 બિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. દર વર્ષે લેબગ્રોન ડાયમંડ બિઝનેસ 9.4 ટકાના દરે વૃદ્ધિ પામશે.

આગામી 25 વર્ષમાં લેબગ્રોન ડાયમંડનો બિઝનેસ અંદાજે 4 લાખ કરોડ રૂપિયાને પાર કરશે અને દુનિયા લેવલે ગુજરાતનું નામ ચમકશે. સુરતમાં તો ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગનું કામ થાય જ છે, પરંતુ અમદાવાદ, રાજકોટ, ભાવનગર અમરેલી જિલ્લાના નાના નાના ગામોમાં પણ લેબગ્રોન ડાયમંડનો બિઝનેસ ડેવલપ થવાનો છે. લેબગ્રોન ડાયમંડની શરૂઆત થઇ ત્યારે ઘણા લોકો તેને સ્વીકારવા તૈયાર નહોતા. પણ અમેરિકાની ફેડરલ ટ્રેડ કમિશન (FTC) લેબગ્રોન ડાયમંડને પરવાનગી આપી પછી આ બિઝનેસ સડસડાટ આગળ વધી રહ્યો છે.

ફેડરલ ટ્રેડ કમિશને તેની જવેલરી માર્ગદર્શિકામાં કેટલાંક ફેરફારો કર્યો છે અને લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલા હીરાને ડાયમંડની વ્યાખ્યામાં સમાવેશ કર્યો છે. સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે તાજેતરમાં દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય અંદાજપત્રમાં લેબગ્રોન ડાયમંડની ટેક્નોલૉજી માટે ફંડ ફાળવવાની જાહેરાત કરી છે અને લેબગ્રોન ડાયમંડ ટેક્નોલૉજી માટે IIT ચેન્નઇને જવાબદારી આપી છે. અમારું માનવું છે કે બકુલભાઇ લિંબાસિયાએ લેબગ્રોન ડાયમંડનો પાયો નાંખ્યો છે અને હજુ આખા દેશને તેનો ફાયદો મળી રહ્યો છે ત્યારે આવા વિરલ વ્યક્તિત્વને પદ્મશ્રીનો ખિતાબ મળવો જોઇએ. તેમણે કરેલું ઇનોવેશન એ દેશનું અમૂલ્ય ભાથું છે.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામે એક વખત કહેલું કે, તમે અત્યારે જે ફળ ખાઇ રહ્યા છો તે કોઇ બીજાએ રોપેલું છે. મતલબ કે આજે આપણે જે સુવિધાઓ મેળવી રહ્યા છીએ, તેની પાછળ કોઇની મહેનતને કારણે શક્ય બન્યું છે. તમે વાહનો ચલાવો છો, શિક્ષણ મેળવો, રેલવેની સુવિધા, ઇલેક્ટ્રિસિટી, ભોજન એવું ઘણું જેનો પાયો કોઇ બીજાએ નાંખ્યો હશે અને આપણે ફળ ખાઇ રહ્યા છીએ. ડૉ. કલામે કહેલું કે હવે આપણું કામ બીજ રોપવાનું છે, જેથી આગામી પેઢી તેના ફળ ખાઇ શકે. આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ, કારણ કે સુરતમાં એક એવા વ્યક્તિ છે, જેઓ માત્ર 4 ચોપડી ભણ્યા છે, પરંતુ તેમણે ભારતમાં લેબગ્રોન ડાયમંડનો પાયો નાંખ્યો હતો. મતલબ કે તેમણે લેબગ્રોન ડાયમંડના બીજ વાવ્યા અને આજે તેના અનેક લોકો ફળ ખાઇ રહ્યા છે…

ડાયમંડ સિટીના ઈશ્યુ 385માં પ્રિન્ટેડ આર્ટીકલ અહીં વાંચી શકો છો.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant