Adhi akshar kalpna gandhi article diamond city 425
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

આ કૉલર ટ્યુને ધાર્યું નિશાન પાર પાડ્યું છે.

મારી સ્થિતિ અત્યારે ગંભીરપણે નાજુક છે, હું કોને શું સમજાવું કે મારે કેવી પત્ની જોઈએ છે?! પણ કહેવું તો જોઈએ. કારણ એક, જેથી મારા સ્નેહી-સ્વજનો મારી પસંદ જાણે ને તે મુજબ મારી ઈચ્છા મુજબનું પાત્ર શોધવામાં મારી હેલ્પ કરે ને બીજું, અગર ‘તમે’ કોઈ એવી છોકરીને જાણો-ઓળખો છો તો જરા ધ્યાન દોરજો, હું એ કહીશ જે ખ્વાબ મેં મારી સગી આંખે નજરોનજર નિહાળ્યા છે..!

(નોંધ : આ કોઈ ટીપીકલ સુંદર, સુશીલ, ગોરી પત્ની માટેની એડ આ નથી, એ જસ્ટ તમારી જાણ ખાતર!)

કહું, મેં એને ક્યાં જોઈ છે મારા આંગણામાં ઉઘડતી સવાર સાથે ખીલતા ફૂલો વચ્ચે મીઠું-મરકતા! મારા મનગમતા કેસરી ગુલાબના છોડ પર લાગેલી માટીને ધોતા! ખૂણામાં ઉભેલા લીમડા પર એણે ઓઢેલી ચુંદડી સૂકવી પછી એ ડાળને મીઠી થતા જોઈ! મેં એને દરિયે જોઈ છે ને તમે નહિ માનો પણ એને ઈશારે ઓટને ભરતીમાં બદલાતા જોઈ છે! એનું ચાલવું એટલે ઋતુઓની રંગત બદલવી, એનું ગાવું એટલે ખુદ ગઝલનું માંડવે બેસવું!

એની ઝુલ્ફો ખુલે એટલે સાંજનું ઢળવું! એવું જોયું, કદી બાઈકની સીટ પર, કદી ઓફ્સિની ચેર પર. પછી એ ભ્રમ રીતસર ભાંગી ગયો કે સૂરજના ઢળવાથી સાંજ પડે છે! એ શરમાય ત્યારે ચાંદને કોઈ સૂરીલો કેફ ચડે છે ને પવન એના પાલવને અડીને મારા હૃદયના તાર રણઝણાવે છે!

તમને લાગે છે કે હું કવિતા કરું છું!? ના ભાઈ ના, હું તો સીધો- સાદો માણસ હતો, હવે જે કંઈ કરાવે છે એ, એ કરાવે છે! મારો રઘવાટ, હણહણાટ, ઘોંઘાટ, મારા દેકારા, પડકારા એવું બધું ક્યારે એની આંખોમાં ઓગળી ગયું ને ક્યારે એક સ્ત્રીને મનગમતો પુરૂષ મારા ભીતર જન્મી ગયો એની તો મનેય ખબર રહી નથી! ખબર છે તો એટલી કે એણે મને હસતો- રમતો કરી દીધો! નાચતો-ગાતો કરી દીધો ! અરે ! આંસુ હૃદયની ભાષા છે, એવું શીખવનાર પણ એ જ ને!

કહું તમને મેં એના સાંનિધ્યમાં મારી વિરહી રાતોના ઠંડાગાર ખાલીપાને લીલા ટહુકામાં રંગાઈને હૂંફાળા થતા જોયા છે! જ્યાં મને લાગ્યું કે હું પાછો વળી જઈશ, ત્યાં તેનો હાથ-મારા હાથમાં વિશ્વાસના પ્રાણ પૂરતો જોયો છે. હું બોલતાં-બોલતાં અટકી ગયો છું, ત્યાં તેને નજરો વાંચી લેતા જોઈ છે, ધબકારા સમજી લેતા જોઈ છે, શ્વાસો મેળવી લેતા જોઈ છે! ‘જિંદગીના યુદ્ધમાં મારી તલવાર એકલી શું કરી લેત, જો એ ઢાલ થઈ ઊભી ન રહી ગઈ હોત!’

પોતાની કવિતામાં એણે મને ગૂંથી લીધો છે કે મારી નવલકથામાં એ વણાઈ ગઈ છે? ખરું પૂછો તો એ કોઈ ઝળહળતી ઉષા છે જે રોજ કોઈ અનંત શક્તિ સાથે ઊગે છે ને રોજ સંધ્યા થઈને મારા સાગરમાં સમાઇ જાય છે!

કહું તમને, હું તો જિંદગીના બળબળતી લૂમાં દાઝેલા મનખાનો જીવ હતો પણ એના સ્પર્શે કોઈ ચંદન કાયામાં મહેકતું જોયું છે. બસ એક નજર એની નજરોમાં ઉતરતી જોઈ ને પાનખરના પ્રદેશોના પ્રદેશો હસતા મુખે ખુદને વટાવ્યે જતા જોયા!

મેં એને તુલસી ક્યારે જળ સીંચતા જોઈ છે, ને જોયા છે તેની પાછળ મરકતા ઊભેલા બા! મેં એને મોટી બાની સેવા કરી આશિષ મેળવતા જોઈ છે. એને મેં જોઈ મારી બહેનો-ભાભીઓ, કાકી-મામી-ફઈ-માસીઓ સાથે હસતા-રમતાં! મહેમાનોની આગતા-સ્વાગતા કરતા, બાળકોને લેસન કરાવતાં, મૌજમાં ગીતો ગણગણતા ને કેટલીય વાર બસ જોતો જ રહી ગયો છું.

કેટલીય વાર એવું બન્યું છે કે, એનું કામ ખોટી થતું હોય છે. ને મેં એનો પાલવ ઝાલી રાખ્યો હોય છે. તમને કહું હું તો તેની હુકમપરસ્તીનો આશિક છું પણ મને ત્યારે તેની પાસે આજીજી કરાવવી કે મને જવા દો, મારે કેટલા કામ પડ્યા છે, આઈ લવ ઈંટ! કેટલીયે વાર એ પોતાની ચૂડી કે ઝુમખી શોધ્યા કરે છે ને હું સંતાડીને તેને પજવ્યે રાખું છું ને પછી બતાવીને પણ આપતો નથી! પાલવ છોડાવતી વખતે થતી ખેંચતાણ, ચૂડીઓનો ખનકાર, વિખરાઈ ગયેલી લટો, શૃંગાર નીતરતી આંખો… ને મારા સપનાને આંબી જતી પાંખો! એ ક્ષણો અમારા દાંપત્ય-જીવનની સોનેરી સૌગાત છે!

મેં એને જોઈ છે કેવી પણ કપરી સ્થિતિને હૅન્ડલ કરતા, ચપટીમાં પ્રોબ્લેમ સોલ્વ કરતા, હસીને ટેન્શનને ટેકલ કરતા, મુશ્કેલીઓને પ્રેમથી ગુડબાય કહેતા, પીડામાં સ્ટાઇલ આપતા! ક્યારેક થાય છે એ ડાહીડમરી વધારે કે ગાંડીઘેલી વધારે! પણ મને તો એના બધા રંગ ગમે છે, બધા રૂપ ગમે છે!

તમને કહું પાસ્તા હોય, પાંવભાજી હોય, પિત્ઝા કે પાણીપુરી એના હાથના સ્વાદનો મુકાબલો કોઈ કરી શકે તેમ નથી. (જોકે, આપણે રોટલાની વાત નથી કરતા!) બે લાખનું દાન આપવાનું હોય કે બે રૂપિયા માટે રિક્ષાવાળા સાથે કચકચ કરવાની હોય એનો જોટો જડે એમ નથી! સ્ત્રી-સ્વાતંત્ર્ય માટે ભાષણ આપવાનું હોય કે દિકરીને સાસરે કેમ રહેવું તેના પાઠ ભણાવવાના હોય, તેની બરાબરી કોઈનાથી ન થઈ શકે! એનું પ્લેન હાઈજેક થાય તો ત્રાસવાદીઓની કુશળતા માટે મારે માનતા રાખવી પડે ને તેને વૃદ્ધાશ્રમમાં મોકલો તો એ તેને સ્વર્ગાશ્રમ બનાવી દે! એને શોકસભામાં મોકલો તો હિટલરનેય હિબકા ભરાવી દે ને દેવદાસ પાસે મોકલો તો એને લાફીંગ ક્લબનો ઓનર બનાવી દે!

કહું તમને, ઉપરવાળાએ ફૂરસદમાં ઘડી હશે કે જે રંગ પહેરે એ રંગીલા થઈ જાય ને જે વસ્ત્ર-પરિધાન કરે એ ગમતીલા થઈ જાય! અને એને કહી દઉં કે તું મને રોજ નવેસરથી પ્રેમમાં પાડી દે છે તો પાણી-પાણી થઈ જાય! બોલો, એવી છોકરી સાથે રોજ નવેસરથી પ્રેમ કેમ ન થઈ જાય!

…પણ એ કરે તો એ જ, જે એને સ્ફૂરે! પણ કહું તમને એની સ્ફૂરણાએ કદિ મારું કે મારા સ્વજનોનું માથું શરમે નથી નમાવ્યું. હા, એની આંતરસૂઝને સલામ કરવાનું મન થયું હોય એવું કેટલીય વાર બન્યું છે ને જ્યારે એવું મન થયું છે, બંદાએ મનની વાત મનમાં રાખ્યા વગર એકાંતમાં કે જાહેરમાં બેધડક સેલ્યુટ લગાવી છે!

એના હાથે મેં તો પાંદડી મૂકી છે, પણ એણે તો બગીચો જ ધરી દીધો છે! કહું તમને મારે એ બગીચો બારેમાસ મહેકતો ને મઘમઘતો રાખવો છે, કિલ્લોલતો ને છલકતો રાખવો છે! આ જાતને દીધેલું વચન છે!

એ લાજવાબ છે કાળજી લેવામાં, સંભાળ લેવામાં, દેખરેખ કરવામાં… હું બિમાર પડું ને એ ચાકરી કરે તો મા બની જાય! પણ જો હું ગુસ્સો કરાવું તો બાપા પણ બની જાય! બસ સોટીને બદલે શબ્દોએ ફટકારે, એટલો જ ફરક! દોસ્તીમાં એ કૃષ્ણ જેવી, દુર્યોધનને પણ અક્ષૌહિણી સેના આપી દે! અને દુશ્મનીમાં પણ કૃષ્ણ જેવી! સાચી હોય ત્યારે સામે ઊભેલા ભીષ્મપિતાને પણ ન છોડે! ને બોલો એને શિખંડી પણ ટાઈમે મળી જાય! તમે નહીં માનો પણ બંદાએ નજરોનજર જોયેલી વાત છે!

હું કેટલી વાત કહું, શું કહું, શું ન કહું, એ ગજબ છોકરી છે! મારી જિંદગીના કેનવાસ પર એનો હાથ સર્વોપરી છે! જ્યાં એણે સાથીયો યે પૂર્યો છે ને દીવોય કર્યો છે ! બાની છબિ પર માળા યે પહેરાવી છે ને છોકરાવના હાથમાં લંચ બોક્સ સાથે દફ્તર પણ દીધેલું છે. જ્યાં એણે ઘર પર ‘ભલે પધાર્યા’ પણ હંમેશ માટે કોતરી દીધું છે ને ચહેરા પર પોતાનું સ્મિત પણ… 

કહું તમને પહેલ-વહેલ અમે પરસ્પર ક્યાં જોયા’તા? જ્યાં આદમ ને ઈવ એકમેક પર મોહ્યા’તા ! ને બસ ત્યારથી અમારું યુગલગાન અકબંધ છે! એ અમે ગાયું છે, રાધા-શ્યામની સાથે વૃંદાવનની ગલીઓમાં ગુલતાન થઈ, જગજિતસિંગની કોન્સર્ટમાં મદહોશ થઈ, હિમ ખડકો પર પુનિત થઈ, ઉદયપુરના જલમહેલમાં એકમેકમાં મશગૂલ થઈ, મોરેશિયસના બીચ પર બેબાક થઈ, ખજૂરાહોના મંદિરો પાસે ગૌરવાન્વિત થઈ, ઘરની બાલ્કની પર એકમેક પર ઝળુંબીને… કેટલું કહું! જ્યાંથી એ ભૂલી, મેં ઉપાડી લીધું. એનાથી છૂટ્યું, મેં સજાવી લીધું! ક્યારેક થાય કે આ સગપણનો મર્મ હું સમજતો તો હોઈશ ને! કદાચ સમજતો જ હોઈશ, નહિતર મારા જેવી ખોપડી સાથે ભવોભવનો સંગાથ સહન થાય જ કેમ!?

હકીકત તો એ છે કે એ મારું સપનું જીવી ગઈ છે. જોકે, પારકા હોય કે પોતાના સારા સપના સજીવન કરવા એ તેની ફેવરીટ હોબી છે. કહું તમને એને હસવાનું વ્રત છે. રોદણા નહીં રડવાની બાધા છે. કોઈને નહીં છેતરવાની માનતા છે. હર્યાભર્યા રહેવાની ટેક છે. આનંદી કાગડો થઈને રહેવું એનો ધર્મ છે. નવાઈ એ વાતની કે એને જાતને ઠપકો દેતા આવડે! ને માફી તો એવી માંગે કે આપણે હિન્દુસ્તાન ધરી દઈએ, આખેઆખું! જોકે, માંગવાની રીત બહુ અઘરી! શરૂ-શરૂમાં તો સમજાતું જ નહિ ! એટલા ગીત, ગઝલ, ભજન, ધૂન, છંદ આવડે કે જે કહેવું હોય ગાઈને કહી દે! જોકે, તે ગમે તેટલી રિસાય, ખીજાય, આપણને ખબર છેલ્લે શું કરાય? ડાઈનીંગ ટેબલ પર પાંચ કેન્ડલ, એક પીંક રોઝ, ને મારા હાથના બનાવેલા એક પ્લેટ બ્રેડ રોલ એટલે પ્રૉબ્લેમ સોલ્વ! ફરી એ જ રણકાર! એ જ શણગાર! ફરી એ જ રીતે ફરજો નિભાવવી જાણે અધિકાર જમાવવા!

લોકો કહે છે કે, સ્ત્રીઓને ‘બેક સીટ ડ્રાઈવિંગ’ ની સારી ફાવટ હોય છે, પણ હું તો ખરેખર તેના સારથિપણાં ૫૨ ફિદા છું. એણે અમારા સંસારની ગાડી એ રીતે ચલાવી છે કે રસ્તો આડો હતો કે અવળો, માર્ગ સાંકડો હતો કે મઝલ લાંબી, પેટ્રોલ ઓછું હતું કે, ટાયરમાં (અથવા મારા મગજમાં) હવા વધારે, ગાડી વગર ખોટવાયે પુરપાટ ઝડપે દોડી છે. સૂરજ ઢળ્યો ત્યાં તેણે ચાંદની રાતોને મનાવી લીધી. પવન પડ્યો ત્યાં પાલવની કિનારી હલાવી લીધી. પણ પાક્કી એટલી કે શીખેલું એ મારા સાસુ પાસે અને જશ પોતાની સાસુને આપતી રહી !

હવે જિંદગીની સાંજ સાવ નીતરી જવામાં છે ને મેં એને જોઈ છે, અમારા ઘરના હિંચકે ઠેસ દઈને ઝુલતી, સંતોષથી હરખાતી, હજુયે એવીને એવી જીવતી-જાગતી… હજુયે એના હૈયે મારે માટે લાલચટ્ટક તાજા-માજા ગુલાબ છે, આ તમારા સવાલનો હું જેટલો આપી શકું તેટલો ટૂંકો-ટચ જવાબ છે ! એટલે કે મારા ખ્વાબોના સિલસિલાનું એડીટ કરેલું ટૂંકુંટચ વર્જન ! તો અગર આપને ઐસી કિસી લડકી કો દેખા હૈ, તો જાન લીજીયેગા ઉસકે હાર્થો મેં મેરે નામકી રેખા હૈ. તો આઈ એમ વેઇટિંગ બિકોઝ અપના ભી ઈસ સાલ શાદી કા ઈરાદા હૈ.

પહેલી નજરે એમ લાગે કે જાણે તરસનું પ્રદર્શન છે, પણ ધીરે-ધીરે સમજાય કે આ તો કોઈ ઝરમરતા વરસાદનું પ્રથમ દર્શન છે! તો છે કોઈ આવી યુવતી તમારી નજરોમાં? તો બાયોડેટા તૈયાર છે રૂડા અક્ષરોમાં!

ગોલ્ડન કી

સૌપ્રથમ ચાર ધામ આવે છે,
એ પછી એનું ગામ આવે છે.

(કાવ્ય પંક્તિઓ : રાજ લખતરવી)

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant