Exclusive interview with natu jasani of jvl group diamond city 426-1
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

જીવનમાં ઊર્જાનું મહત્વ ખૂબ જ છે. ભગવાન કૃષ્ણએ ભગવદ ગીતામાં સમજાવ્યું હતું કે ઊર્જા શાશ્વત છે, અને તેનો નાશ કે સર્જન થઈ શકતું નથી. તેઓ કહે છે કે કાર્યો દ્વારા આપણે આપણી ઊર્જાને દિશા આપી શકીએ છીએ, અને જ્ઞાન અને ભક્તિ દ્વારા આપણે આપણી ઊર્જાને દિવ્ય સ્તરે લઈ જઈ શકીએ છીએ. ભગવાન કૃષ્ણ આપણને કહે છે કે આપણે આપણી ઊર્જાનો ઉપયોગ સકારાત્મક દિશામાં કરવો જોઈએ. આપણે પ્રેમ, કરુણા અને દયા જેવા ગુણો વિકસાવવા જોઈએ અને બીજાઓને મદદ કરવી જોઈએ. આમ કરવાથી આપણી ઊર્જા સકારાત્મક બનશે અને આપણે આપણા જીવનને અર્થપૂર્ણ બનાવી શકીશું.

આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે, સુરતમાં એક અનોખા ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગના વેપારી છે. જેમનું માનવું છે કે, નફો ધંધાની બાય પ્રોડક્ટ છે, પરંતુ ધંધાનું સાચું પરિણામ જીવન ઘડતર અને આનંદની અનુભુતિ છે. તેઓ સમય કરતા ઊર્જાને વધારે મહત્ત્વ આપે છે, તેઓ વ્યક્તિ સેટ નથી કરતા પણ શક્તિ સેટ કરે છે. તેમણે બ્રહ્માંડના નિયમો પ્રમાણે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર (SOP) સેટ કરી છે. એક અલગ જ વિચારધારા ધરાવતા ડાયમંડ વેપારી છે.

ભાવનગરના ગામડાના આ માણસે ગરીબીમાંથી કરોડો રૂપિયાની કંપની ઊભી કરી

  • નટુ જસાણી એક સફળ બિઝનેસમેન, લેખક, તત્વચિંતક અને વિચારક પણ છે
  • ખેડૂત પરિવારમાં જન્મ અને પરિવારનું 9મું સંતાન
  • પહેલી આવક 3500 રૂપિયા હતી આજે મોટી કંપની છે
  • આર્થિક રીતે આગળ વધવાને બદલે માનસિક રીતે ઘણા આગળ નિકળી ગયા
  • આજે ઘણા યુવાનોને બિઝનેસ ડેવલપ કરવામાં મદદ કરે છે

ડાયમંડ સિટીની વ્યક્તિ વિશેષ કોલમમાં આ વખતે JVL ગ્રુપના નટુભાઇ જસાણી વિશે વાત કરીશું. તેમની સફળતાની સ્ટોરી અનેક નવયુવાનો અને યંગ એન્ટરપ્રિન્યોર માટે પ્રેરણારૂપ છે.

નટુભાઇની લાઈફ સ્ટોરી વિશે લખતા પહેલા તમને એ જણાવી દઉં કે, મોટે ભાગના સફળ લોકોનું ફોકસ આર્થિક હોય છે, પરંતુ નટુભાઇનું ફોકસ આર્થિક તો  છે જ, પરંતુ તેમણે તેમની જિંદગીના અનુભવોનો નિચોડ હવે બિઝનેસમાં અને લોકો સાથે શેર કરવાનું શરૂ કર્યું છે.એમ કહીએ તો બિલકુલ ખોટું નથી કે નટુભાઇ બિઝનેસની સાથે સમાજ સુધારણાનું મોટું કામ કરી રહ્યા છે.

તમે એમને મળો તો એકદમ સ્ફૂર્તિ અને ઊર્જા સાથે તમારું સ્વાગત કરે, હસમુખ ચહેરો,મગજ પર કોઇ સ્ટ્રેસ નહીં અને જ્ઞાનનું અદભુત ભાથું તેમની પાસે છે. તેઓ ભગવદ ગીતાની વાત કરી  શકે છે, ભગવાન કૃષ્ણ વિશે પણ બોલી શકે છે અને કઇંક નવું કરવાની હમેંશા ખેવના રાખે છે.આપણે આપણા જીવનમાં નિરંતર સુધાર કરી શકીએ છીએ. ભવિષ્ય ક્યારેય અંધકારમય નથી હોતું. તે આખરી શ્વાસ સુધી સંભાવનાઓથી ભરેલું હોય છે. ઉમ્મીદ પર દુનિયા કાયમ છે એ વાત નટુભાઇ પાસેથી શિખવા મળે. ટુંકમાં નટુભાઇ એક મળવા જેવા માણસ છે, જેઓ એક સફળ બિઝનેસમેન, લેખક, તત્વચિંતક અને વિચારક પણ છે.તેમણે એક પુસ્તક લખ્યું છે ‘ઉઠ માણસ ઉઠ, તુ બ્રહ્માંડનો પ્રતિનિધિ છે’

નટુભાઇ જસાણીનો જન્મ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં આવેલા પિપરડી ગામમાં થયો હતો. તે વખતે પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી અને નટુભાઇ તેમના પરિવારનું નવમું સંતાન. તેમને 5 ભાઇઓ અને 4 બહેનોનો બહોળો પરિવાર હતો.તેઓ 7 ધોરણ સુધી પિપરડી ગામમાં જ ભણ્યા અને 8 ધોરણથી 10 ધોરણ સુધી તેમણે રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં શિક્ષણ મેળવ્યુ. 10 ધોરણ પછી શું કરવું તેની કોઇ ખબર નહોતી, કોઇ માર્ગદર્શક કે રાહ ચિંધનારું નહોતું. તેમને PTC કરીને શિક્ષક બનવું હતું, પરંતુ નિયતિ તેમને ડાયમંડ ઉદ્યોગમાં લઇને આવી.

નટુભાઇ કહે છે કે હું નવમું સંતાન હોવાને કારણે મોટા ભાઇ જ પિતા સમાન હતા. આખા પરિવારને મારી માતા અને મોટાભાઇ કંટ્રોલ કરતા. મોટાભાઇ ખેતી કરતા હતા.

નટુભાઇએ તેમના અન્ય એક ભાઇ સાથે ભાવનગરમાં હીરાની દલાલી શરૂ કરી અને 3 વર્ષ કામ કર્યું, પછી 1995માં મુંબઇ ગયા અને ચોકી ડાયમંડનું કામ કર્યું. ભાણેજ અને મિત્ર મુંબઇમાં હતા. નટુભાઇએ મુંબઇ જતા પહેલા પુછેલું કે ત્યાં ભાખરી મળે? તો જ મુંબઇ આવું. મુંબઇમાં તેમણે પૈસાના રોકાણ વગર બિઝનેસ સેટ કર્યો હતો.

એ પછી 2004માં સુરત આવ્યા અને J Varshit ડાયમંડ કંપની શરૂ કરી. કંપંનીને સફળતાના શિખરો પર પહોંચાડીને કરોડો રૂપિયાની કમાણી કરી. તેમણે ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ ઝંપલાવ્યું છે. હવે તેઓ ભાણેજ, ભત્રીજાઓ અને તેમના પુત્રને કંપની સોંપી દીધી છે અને તેઓ માત્ર લીડરશીપ કરી રહ્યા છે અને એક નવી જ વિચારધારા સાથે JVL ગ્રુપ બનાવી રહ્યા છે.

JVL Group એ તત્ત્વો, ગણો, કોષો અને બ્રહ્માંડીય સિધ્ધાંતો પર આધારિત SOP-Managed Energy-Based Business System છે.

નટુભાઇએ કહ્યું કે, મારી ડિક્શનરીમાં હારવા, થાકવા, ડરવા જેવો કોઇ શબ્દ નથી.  આવનારા સમય માટે મેં  JVL ગ્રુપના નેજા હેઠળ SOP-Managed Energy-Based Business System  તૈયાર કરી છે. J ફોર જય V ફોર વિષ્ણુ અને L ફોર લક્ષ્મી એ રીતે JVL ગ્રુપ બનાવ્યું છે. બિઝનેસના દેવ. આ ગ્રુપ હેઠળ અમે વ્યક્તિ સેટ નથી કરતા શક્તિ સેટ કરીએ છીએ. અમે સમય કરતા ઉર્જીને ગુણાત્મક મહત્ત્વ આપીએ છીએ. અમે બ્રહ્માંડના નિયમો અને વ્યવસ્થા પ્રમાણે SOP ડિઝાઈન તૈયાર કરી રહ્યા છીએ. ઊર્જાને સાચી દિશામાં કેવી રીતે વાપરવી.

JVLના 7 તત્વ મંત્રો છે.
  • JVL = હું નહીં, અમે, વ્યક્તિ નહીં, ઊજા | નફો નહીં, તત્ત્વસર્જન.
  • નફો ધધાની બાય પ્રોડક્ટ છે. ધધાના સાચા પરિણામ છે, જીવન ઘડતર, સમદ્ધની વૃદ્ધ, શાંતિનો ર્સ્પશ અને આનદની અનુભૂતિ
  • અમે વ્યક્તિ  નહીં, શક્તિ સેટ કરીએ છીએ.
  • અહમ થી સર્વમ સુધી SOP Managed યાત્રા
  • અમે વ્યવસાય કરીએ છીએ  શ્રેષ્ઠ તત્ત્વોથી શ્રેષ્ઠ પરિણામ માટે
  • અમે સમય કરતા ઊર્જાને ગુણાત્મક મહત્વ આપીએ છીએ.
  • ઊર્જા ન્યૂટ્રલ છે, જેવો ઉપયોગ, એવું પરિણામ.

JVL Group નો હેતુ એ છે ક SOP-Managed Zero Friction System અને Energy Flow પર આધારત એવું ઉદ્યોગ માળખું ઊભું કરવું, જ્યા દરેક વ્યવસાયીક નિર્ણય તત્ત્વો, કોષો અને બ્રહ્માંડીય સિદ્ધાંતો, ઊર્જા સંતુલન પર આધારિત હોય અને ઉદ્યોગ, કુદરત અને માનવ વચ્ચે ઊર્જાનો સમતોલ અને શાશ્વત પ્રવાહ સ્થાપિત થાય.

મનજી રૂડા અને શહીદ ભગત સિંહ મારી જિંદગીના આદર્શ હતા.

નટુભાઇએ કહ્યું, જ્યારે મુંબઇમાં હતો ત્યારે ભવાની જેમ્સના માલિક મનજી ધોળકિયા જેમને લોકો મનજી રૂડાના નામથી ઓળખતા. તેમનું મુંબઈમાં ચોકી ડાયમંડનું મોટું કામ હતું. તેઓ મારા આદર્શ હતા. મનજી રૂડા જ્યારે પ્રસાદ ચેમ્બર્સમાં લિફ્ટમાં જાય તો હું તેમને જોવા માટે ખાસ જતો. મારા બીજા આદર્શ હતા શહીદ ભગતસિંહ. તેમની શૌર્ય ગાથા વાંચીને હું વિચારતો કે આ માણસે દેશ માટે પોતાનું બલિદાન આપી દીધું તો હું જીવતે જીવ મારા પરિવાર માટે પણ કંઇક કરી શકું છું.

મોટાભાઇનું નિધન થયું ત્યારે એવું લાગ્યું કે તેમની બધી ઊર્જા મારામાં આવી ગઇ છે.

નટુભાઈએ કહ્યું કે, અમારો મોટો પરિવાર હતો અને પરિવારમાં કોઇ વધારે ભણ્યું નહોતું એટલે પરિવારને નિભાવવા નોકરી કરવી જરૂરી હતી, પરંતુ સાથે એ પણ સમજાયું કે માત્ર નોકરી કરવાથી પરિવારને પહોંચી શકાય તેમ નથી એટલે બિઝનેસમાં ઝંપલાવ્યું. મારા મોટા ભાઈને મારા માટે વિશેષ લાગણી હતી તેમણે જ મને એક સંતાનની જેમ ઉછેર્યો. એમનો અકસ્માત થયો અને હોસ્પિટલમાં જ્યારે દાખલ કરવામાં આવ્યા હતા. હું તેમને હોસ્પિટલમાં મળવા ગયો ત્યારે તેમના પગ પાસે ઊભો હતો તો મને એવું લાગ્યું કે, તેમની બધી ઊર્જા મારામાં પ્રવેશી રહી છે અને થોડીવારમાં તેમણે જીવ ગુમાવ્યો. ત્યારે જ મેં સંકલ્પ કરી લીધો હતો કે મોટાભાઇના બધા સપના પુરા કરીશ અને પરિવારને એક ઊંચાઈએ પહોંચાડીશ.

Exclusive interview with natu jasani of jvl group diamond city 426-2

એક ગુરુ મળી ગયા અને મારું જીવન સાવ બદલાઈ ગયું

જસાણીએ કહ્યું કે, હું હંમેશા વિચારતો રહેતો અને મારા મનને સવાલો પૂછતો રહેતો કે માનવ જીવન શું કામ છે? મોટા કેવી રીતે થવાય? સાદાઈથી અને પ્રમાણિકતાથી રહું છું છતા આંગળી કેમ ચિંધાઇ છે? ભત્રીજાઓને બિઝનેસ સોંપ્યો છતા શાંતિ કેમ નથી મળતી? પરિવારમાં એકતા કેવી રીતે લાવી શકાય? આવા અનેક વિચારો મનમાં ઘમરોળાયા કરતા હતા. જ્યારે થોડો ડાઉન થઇ જતો તો ડાંગના જંગલમાં ફરવા ચાલ્યો જતો, ક્યાં તો નદી કિનારે અથવા  દરિયા કિનારે 2 થી 4 કલાક એકાંતમાં બેસતો.

આ દરમિયાન એક મિત્રની મદદથી મારાથી નાની ઉંમરના એક ગુરુ મળી ગયા જેમના સાંનિધ્યથી મારુ જીવન સાવ બદલાઈ ગયું.

મારા ગુરુનું નામ રાકેશ કસોદરીયા (ખુશરુ) છે અને સુરતના જ છે. હું અને મારો મિત્ર તેમના શિષ્ય બની ગયા ને દરરોજ સવારે 5-30 થી 7-30 અને સાંજે 6 થી 8 અમે તેમની પાસે જીવન જીવવાની ટ્રેનિંગ લેતા. જેવી રીતે ભગવાન કૃષ્ણએ અર્જૂનને દિવ્ય દ્રષ્ટિ આપેલી તેવી રીતે ગુરુએ અમને ચર્મ ચક્ષુથી  ઊર્જા બેઝ્ડ દિવ્ય શક્તિ પ્રદાન કરી. તેમની ટ્રેનિંગ સામાન્ય વિચારધારાથી સાવ અલગ અને એકદમ સખત ટ્રેનિંગ રહેતી. જેવી રીતે ટીપાયા પછી સોનું બને તેવી રીતે તેમણે મને અઘરી અઘરી તાલીમ આપીને રીયલ ગોલ્ડ જેવા બનાવી દીધો.

તેમણે શિખવ્યું 5 વખત સૂર્ય નમસ્કાર કરવા, ઓફિસે જતા પહેલા પત્નીને હગ કરીને ઓફિસ જવું. તેમણે અનેક વખત અઘરી અઘરી પ્રૅક્ટિકલ પરીક્ષા પણ લીધી અને નિષ્ફળ જતો તો કહેતા કે તું આ ન કરી શકે તો બિઝનેસ કેવી રીતે કરી શકશે?  રાત્રે 3 વાગ્યે પણ ઉઠાડીને તાલીમ આપતા. તેમણે નફરતને મિત્રતામાં ક્રોધને કરૂણામાં  અહમને બ્રહ્મમાં અને હિંસાની વિચારધારાને અહિંસામાં ફેરવી નાંખી તેમણે મારી જિંદગીમાંથી ડર અને લોભને તિલાંજલિ અપાવી. મારો ડર દૂર કરવા મારા ગુરુ તાપી નદીની વચ્ચોવચ લઇ ગયા હતા. આવી કઠોર તાલીમ 6 વર્ષ ચાલી અને જાણે હું કચરામાંથી કંચન બની ગયો.  મારી લોભ વૃત્તિને પણ તેમણે તાલીમ આપીને દૂર કરી. ટૂંકમાં બધી નેગેટિવ ઊર્જાને પોઝિટિવ ઊર્જામાં કન્વર્ટ કરી દીધી.

તેમની પાસેથી એટલું શીખ્યો કે આપણા મનમાં 20 ગલુડીયા છે તમે કયા ગલુડીયાને દૂધ પાવો છો તે મહત્ત્વનું છે. દરેક ગલુડીયાને પોષણ તો આપવું જ પડે. પ્રકૃતિના નિયમો, માનવીય જીવન, જ્ઞાન અને પ્રગતિ, આ ચારે બાબતો એકબીજા સાથે ઊંડી રીતે જોડાયેલી છે. એટલા માટે શોધખોળમાં માણસની પહોંચ અમર્યાદિત છે. આપણી લડાઇ પ્રકૃતિ સાથે છે આપણે વ્યક્તિ સાથે લડતા નથી.

બીજા ગીતા ગુરુ મળ્યા જેમણે સોનામાં સુગંધ ભેળવવાનું કામ કર્યું

મને બીજા ગીતા ગુરુ મળ્યા 72 વર્ષના ડો. બાલુભાઇ શેલડીયા. તેમની પાસેથી ભગવદ  ગીતાનું એટલું જ્ઞાન મળ્યું કે જાણે એવું લાગ્યું સોનામાં સુગંધ મળી ગઇ. ખરેખર આપણા હિંદુ ધર્મના આ મૂલ્ય ગ્રંથ ભગવદ ગીતા વિશે દરેક યુવાનોએ જાણવા જેવું છે. જિંદગી કેવી રીતે જીવાય, જિંદગીનું મેનેજમેન્ટ કેવી રીતે થાય એ બધી જ વાતો ભગવાન કૃષ્ણએ અર્જૂનના માધ્યમથી લોકોને સમજાવી છે. વર્ષો પહેલા કહેલી ગીતા આજના સમયમાં વધારે યથાર્થ છે.

પુત્રવધુ ઘરમાં આવી છે તો જાણે લક્ષ્મી પધાર્યા હોય તેવું લાગે છે

નટુભાઇએ કહ્યું કે મારે એક દીકરી અને એક દીકરો છે. મારી દીકરી જ્યારે માતા બની અને દીકરીને જન્મ આપ્યો ત્યારે પરંપરા મુજબ તે દીકરી સાથે પિયરમાં રહેવા આવી હતી. દીકરીને કારણે પરિવારનો આખો માહોલ ખુશીમય થઇ ગયો હતો. આઠ મહિના પછી જ્યારે મારી દીકરી તેની દીકરીને લઇને સાસરે ગઇ ત્યારે જિંદગીમાં ખાલીપો આવી ગયો હોય તેવું લાગ્યું. પરંતુ કુદરતે એ ખાલીપો તરત જ પુરો કરી દીધો. મારા દીકરાના વેવિશાળ થયા અને પુત્રવધુ ઘરમાં આવી તેની સાથે ફરી પરિવારમાં ખુશીનો માહોલ છવાઇ ગયો. પુત્રવધુ ઘરમાં આવી તો જાણે કે લક્ષ્મી માતા પધાર્યા હોય તેવું લાગ્યું અને અમારા માટે પુત્રવધુ કરતા દીકરી જેવી થઇ ગઇ છે.

Exclusive interview with natu jasani of jvl group diamond city 426-3

દીકરાને બિઝનેસમાં સીધો ન મૂક્યો જિંદગીના પાઠ શિખવાડ્યા

સામાન્ય રીતે એવું જ બને છે કે પિતાનો બિઝનેસ હોય તો સંતાન પિતાનો ધંધો સંભાળવા આવી જાય, પરંતુ નટુભાઇએ એવું ન કર્યું. તેમણે દીકરાને કહ્યું કે, જા, પહેલા મારી ઓળખાણ વગર બીજે નોકરી કર અને થોડી ઠોકર ખા તો સમજાશે કે બિઝનેસ કેવી રીતે થાય છે. દીકરાએ બહાર નોકરી કરી પછી તેને મારા બિઝનેસમાં એન્ટ્રી મળી. તેણે 3 કારખાનાઓમાં હીરા ઘસવાનું કામ શીખ્યું.

નટુભાઇની આ સોનેરી સલાહ દરેક યુવાનોએ જાણવા જેવી છે

નટુભાઇને અમે સવાલ પૂછ્યો કે તમારી જિંદગીના અનુભવોને આધારે આજની નવી પેઢી અને યંગ એન્ટરપ્રિન્યોરને શું મેસેજ આપશો? તેમણે કહ્યું કે, હું આજની પેઢીને કહેવા માંગુ છુ કે યોગ્ય માર્ગદર્શન સાથે જ આગળ વધજો. એટલું સમજી લેજો કે પહેલા જ ધડાકે કશું મળવાનું નથી, ટીપાવું પડશે, શેકાવું પડશે અને પડકારો પણ પાર કરવા પડશે. તમારે પહેલા હજાર વૃત્તિના જવાબ તૈયાર કરવા પડશે અને જિંદગીમાં પ્રૅક્ટિકલ બનવું પડશે. ભુલો થશે તો જ આગળ વધાશે. માણસની સફળતામાં ખોરાક, જીવનશૈલી, ગ્રહોનો મોટો ફાળો હોય છે. દુનિયામાં ભારત જ એવો દેશ છે જેને રૂતુઓ અને પેટા રૂતુઓ મળી છે. આપણા રૂષીઓએ કીધું છે કે, કેરી વૈશાખથી જ ખાવાનું કીધેલું છે, પરંતુ કેટલાંક લોકો પ્રકૃતિની વિરુદ્ધમાં જઇને વૈશાખ પહેલાં જ ફ્રીજમાં રાખીને કેરી ખાય છે. દરેક રૂતુના ફળ નક્કી થયેલા છે. એટલે તમારે પ્રકૃતિએ નક્કી કરેલા નિયમ મુજબ જ ખોરાક ગ્રહણ કરવો જોઇએ જે સફળતા માટે એક જરૂરી વાત છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant