સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મે મહિનામાં આકરી ગરમી પડી છે. જોકે, સુરતના હીરાવાળાને ગરમી કરતા વધુ મંદીથી હેરાન થઈ ગયા છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ રહી રહીને યુરોપીયન દેશો અને ખાસ કરીને બેલ્જિયમમાં રશિયન ડાયમંડ પર પ્રતિબંધની હિલચાલના પગલે સુરત-મુંબઈના હીરાવાળાને પોલિશ્ડ ડાયમંડ વેચવામાં મુશ્કેલી પડી રહી છે, જેના લીધે સુરતના હીરાના કારખાનાઓમાં પોલિશ્ડ ડાયમંડના સ્ટોકનો ભરાવો થઈ ગયો છે. તેથી સુરતના હીરાવાળા ધર્મસંકટમાં મુકાઈ ગયા છે. પોલિશ્ડ વેચાતી નથી બીજી તરફ પ્રોડક્શન ચાલુ રહે તો સ્ટૉક વધતો જ રહે તેથી ના છૂટકે આટલા વર્ષોમાં પહેલીવાર સુરતની મોટી ડાયમંડ કંપનીઓએ ઉનાળુ વૅકેશન રજાઓ વધારી દીધી છે, જે દર્શાવે છે કે હીરા ઉદ્યોગમાં મંદી ઘેરી બની રહી છે. આ ચિંતાની વાત છે.
રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક મંદીને લીધે ઘણા વર્ષો પછી સુરતની મોટી ડાયમંડ મેન્યુફેક્ચર્સ કંપનીઓને પણ ફરજિયાત ઉનાળુ વૅકેશન રાખવું પડ્યું છે. આ કંપનીઓ ઉનાળામાં વતન જતા રત્નકલાકારો માટે 7 દિવસ વૅકેશન રાખતી હતી. એને બદલે ચાલુ વર્ષે 15 દિવસનું વેકેશન જાહેર કર્યું છે. મોટી કંપનીઓના મેનેજરોએ રત્નકલાકારોને છૂટ આપી છે કે જો તેઓ 7 જુનથી કામે ચડવા માંગતા હોય તો એવું કરી શકે છે. કંપની 7 દિવસની જ રજાનો પગાર આપશે. મોટી કંપનીઓમાં કિરણ અને શીતલ જેમ્સએ વૅકેશન રાખ્યું નથી. કર્મચારીઓને બોનસમાં વાહનો, જ્વેલરી અને ફ્લૅટ આપનાર કંપનીએ પણ વૅકેશન રાખી બજારની સ્થિતિ કેવી છે, એનો અંદાજ સૂચવી દીધો છે.
જો મોટી કંપનીઓના પાટીયા બેસી ગયા હોય તો નાની કંપનીઓની શું હાલત હશે ?
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, “15% જેટલા નાના અને મધ્યમ હરોળના કારખાનાઓમાં 5 જૂન સુધીનું ફરજિયાત વૅકેશન રાખવામાં આવ્યું છે. આ કારીગરોને વતન જવા અને આવવાનો ખર્ચ જુદો થશે. પણ કારખાનું વેતન નહીં આપે. મંદીને લીધે કારખાનાનો સમય 08:30 થી સાંજે 07:00 ને બદલે સવારે 09:00 થી 04:00 કરી દેવામાં આવ્યો છે. હીરાઉદ્યોગની મંદીના વમળોમાં બે થી પાંચ ઘંટી ચલાવતાં 300 જેટલા કારખાનાઓ બંધ થયા છે. 5 જૂન પછી ઘણા કારખાનાઓ ઉઘડશે કે કેમ એને લઈ કારીગર વર્ગમાં ચિંતા ફેલાઈ છે. વરાછા, માતાવાડી, ઘનશ્યામનગર, કતારગામના નંદુ ડોશીની વાડી, જેરામ મોરાની વાડી, પંડોળમાં કેટલાક ખાતાઓ બંધ થયા છે.”
સુરતમાં જે ડાયમંડ કંપનીઓએ વૅકેશન નથી રાખ્યું તેમણે 20 ટકા વેતનમાં કાપ મૂક્યો છે. અત્યારે સુરતમાં કેટલાક કારખાનાઓ સવારે 9 થી બપોરે 4 વાગ્યા સુધી રત્ન કલાકારોને કામ આપવાનું ચાલુ રાખ્યું છે, પણ મજૂરીના દરમાં 20% કાપ મુકવાની શરતે. સુરતની ટોપ ફાઈવ કંપનીમાં ગણાતી એક કંપનીએ 15 થી 20 દિવસનું વૅકેશન રાખનાર મોટી કંપનીઓના કેટલાક કારીગરોને એ રીતે ટૂંકા સમય માટે રાખી લેતા વિવાદ ઊભો થયો છે.
સુરતમાં આયોજિત રફ ડાયમંડના વ્યુઇંગમાં 30% હીરાનો જથ્થો 22% ઓછા ભાવે વેચાયો
અમેરિકા અને યુરોપના દેશોમાં મંદીનાં માહોલની અસર ભારતના સ્થાનિક બજાર પર પણ દેખાઈ રહી છે. રફનાં ભાવ ખૂબ ઊંચા થયા છે બીજી તરફ કટ એન્ડ પોલિશડ ડાયમંડની વૈશ્વિક બજારમાં માંગ નથી ત્યારે તૈયાર માલનો ભરાવો કરવાને બદલે મોટી ડાયમંડ કંપનીઓને 7 ને બદલે પ્રથમવાર 15 થી 20 દિવસનું ઉનાળુ વૅકેશન રાખવું પડ્યું છે.
સુરતમાં તાજેતરમાં વિદેશી કંપની દ્વારા યોજવામાં આવેલા રફ ડાયમંડના વ્યુઇંગમાં સ્થાનિક કંપનીઓએ નબળો પ્રતિસાદ આપતા મોટી ડાયમંડ માઈનિંગ કંપનીએ 70% રફનું વેચાણ કર્યું ન હતું. જ્યારે રફ ડાયમંડના વ્યુઇંગમાં 30% હીરાનો જથ્થો 22% ઓછા ભાવે વેચાયો હતો. જેથી પ્રદર્શન નિરર્થક ન રહે અને બજારનું સેન્ટિમેન્ટ સુધરે, ઓછા ભાવે રફ હીરાનું વેચાણ થવાથી તૈયાર માલના સ્ટોકમાં વેપારીઓને નુકસાન થશે. વિશ્વના બજારમાં મંદી ચાલતી હોવાથી હીરાની માંગ ઘટી ગઈ છે તેવું હીરા બજારમાંથી જાણવા મળ્યું હતું.
બીજી તરફ જાણીતી માઈનિંગ કંપનીએ મંદીને લીધે આગામી બે સાઈટની હરાજી મોકૂફ રાખવા વિચારણા કરી છે. આવી સ્થિતિ વર્ષ 2008 ની મંદી, અને કોવિડ કાળમાં સર્જાઈ હતી. જાણીતી રફ સપ્લાયર્સ કંપની 5મી અને 6ઠ્ઠી સાઈટની રફની હરાજી મોકૂફ રાખવા વિચારણા કરી રહી છે. તેઓ તારીખ બદલવા પણ તૈયારી કરી રહ્યાં છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM





















