“આપણા ભયનું મૂળ ભવિષ્યની દુર્ઘટનાઓમાં નથી, પરંતુ ઈગો દ્વારા ઊભા કરાયેલા ‘સાયકોલોજીકલ ટાઈમ’ અને આપણી ડિજિટલ ઓળખ પ્રત્યેના આંધળા આકર્ષણમાં છે. ઈગો પોતે નાશવંત અને ડરેલો હોવાથી તે આપણને સતત કાલ્પનિક ચિંતાઓથી ડરાવે છે. આ આંતરિક અશાંતિમાંથી મુક્તિનો એકમાત્ર માર્ગ વિચારોના ન્યાયાધીશ બનવાને બદલે માત્ર સાક્ષી બનીને ‘વર્તમાન ક્ષણ’ (Now) માં જીવવાનો અને પોતાના શાશ્વત આંતરિક સ્વ પર ભરોસો રાખવાનો છે.”
DIAMOND CITY NEWS, SURAT
આજના આ ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાની ચમક-દમક, નોટિફિકેશન્સનો સતત ઘોંઘાટ અને દરેક ક્ષણે વિશ્વ સાથે કનેક્ટેડ રહેવાની ઘેલછા વચ્ચે માણસ અંદરથી વધુ ને વધુ અસુરક્ષિત અને એકલો પડી રહ્યો છે. બહારથી આપણું જીવન જેટલું સુસજ્જ અને ગ્લેમરસ દેખાય છે, આંતરિક જગતમાં એટલી જ અશાંતિ અને કંગાળપણાનો અનુભવ થાય છે. આ આધુનિક દોડધામ વચ્ચે આપણી સમક્ષ દરરોજ એક અદ્રશ્ય પરંતુ અત્યંત શક્તિશાળી પરિબળ આવીને ઊભું રહે છે, જેને મનોવિજ્ઞાન અને અગમ્ય દર્શનમાં ‘સાયકોલોજીકલ ટાઈમ’ કહેવામાં આવે છે. આ કોઈ ઘડિયાળના કાંટા કે કૅલેન્ડરની તારીખોથી ચાલતો સમય નથી, પરંતુ આ મનનો એક એવો કાલ્પનિક સમય છે જેનો કોઈ વરતારો નથી હોતો.
જ્યારે તમે સોશિયલ મીડિયા પર કોઈના અકસ્માત કે ગંભીર બીમારીની રીલ જુઓ છો અને અચાનક અંદરથી ધ્રાસકો પડે છે કે જો મારી સાથે પણ આવું બનશે તો? અથવા જ્યારે કોઈ સ્ટાર્ટઅપ કે આર્થિક ભંગાણના સમાચાર વાંચીને મનમાં ચિંતાની સ્વીચ દબાઈ જાય છે કે કાલે મારી જોબ કે બિઝનેસમાં આવી સ્થિતિ સર્જાશે તો? હજુ જે દુર્ઘટના વર્તમાનમાં બની જ નથી, નજીકના ભવિષ્યમાં બનવાની સંભાવના પણ નહિવત છે, છતાં ‘કદાચ બની શકે’ તેવા કાલ્પનિક ભયમાં સળગવું એ જ સાયકોલોજીકલ ટાઈમ છે. દાર્શનિક એકહાર્ટ ટોલ જેને ‘એંગ્ઝાઈટી ગેપ’ કહે છે તે આ જ સ્થિતિ છે, જ્યાં માણસનું શરીર વર્તમાનમાં રહે છે પરંતુ એનું મન ભવિષ્યના કાલ્પનિક ભયાવહ ચહેરા સામે ભીંસાઈ રહ્યું હોય છે.
આ ભય અને ચિંતા પાછળનું સાચું કારણ સમજવું હોય તો ફીઅર ફેક્ટર અને ઈગો ફેક્ટર વચ્ચેનો નાતો સમજવો પડે. આપણું મન આપણને સતત ડરાવે છે કારણ કે એનું સંચાલન ઈગો એટલે કે અહંકાર કરે છે. ઈગો એ આપણું સાચું કે વાસ્તવિક અસ્તિત્વ નથી, પરંતુ સમાજ, હોદ્દા, સંપત્તિ અને સોશિયલ મીડિયાના બનાવટી ઈમેજ દ્વારા ઊભું થયેલું એક ‘ફોલ્સ સેલ્ફ’ છે. આ ઈગો સંપૂર્ણપણે નાશવંત છે અને એ વાત ઈગો પોતે પણ સારી રીતે જાણે છે. તેથી જ એ સતત ભયમાં જીવે છે કે રખેને મારું સ્ટેટસ છીનવાઈ જશે, રખેને હું રિજેક્ટ થઈ જઈશ કે રખેને મારું અસ્તિત્વ ભૂંસાઈ જશે. જે પોતે અંદરથી ડરેલો છે, તે જ આખા જીવનને ડરાવે છે. નિષ્ફળતાનો ડર, એકલતાનો ભય, બીમારીનો ફોબિયા કે કોઈ અનિષ્ટ થવાની આશંકા—આ તમામ નાના-મોટા ભયના મૂળમાં આ જ ડરેલો ઈગો છુપાયેલો છે.
આજના Gen Z અને નવી પેઢીના સંદર્ભમાં આ ઈગો ફેક્ટર વધુ જટિલ બની ગયો છે, કારણ કે હવે આપણું તાદાત્મ્ય માત્ર ભૌતિક વસ્તુઓ પૂરતું મર્યાદિત નથી રહ્યું પરંતુ ડિજિટલ પ્રોફાઈલ અને લાઇક્સ સુધી વિસ્તર્યું છે. જ્યારે કોઈ આપણી વાત સાથે અસહમત થાય છે અથવા આપણી ઈમેજ પર કોઈ નાનો સરખો દાગ લાગે છે, ત્યારે આપણો ઈગો તુરંત ઘવાય છે. આપણને એવો ભય સતાવવા લાગે છે કે જો આપણું વર્ચ્યુઅલ કે રિયલ ઈમેજ તૂટી જશે તો આપણું વજૂદ જ ખતમ થઈ જશે. આ અસુરક્ષાની લાગણીમાંથી જ સોશિયલ મીડિયા પર સતત પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરવાની અને વગર કારણે દલીલોમાં ઊતરવાની માનસિક હિંસા જન્મે છે.
માનસિક તણાવનું બીજું એક મોટું કારણ એ છે કે માણસ પોતાની ધારણાઓ, આગ્રહો અને જૂના વિચારો સાથે એટલો બધો જડ થઈ ગયો છે કે સમય અને સંજોગો બદલાય તો પણ તે બદલાવા તૈયાર નથી. બાહ્ય દુનિયામાં 5G નેટવર્ક, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને આધુનિક સાધનો આવી ગયા હોવાથી આપણને લાગે છે કે મોટો બદલાવ આવી ગયો છે, પરંતુ આ બદલાવ માત્ર લાઈફસ્ટાઈલનો છે. માણસની આંતરિક ચેતના અને વિચારસરણી હજુ પણ એ જ જૂના ડર, ઈર્ષા અને અહંકારના ચક્રવ્યૂહમાં ફસાયેલી છે. ટેકનોલોજીના નવા ઉપકરણો વાપરવાથી આપણું આંતરિક જગત સમૃદ્ધ નથી થઈ જતું, જ્યાં સુધી આપણે આપણા વિચારો સાથેનું આંધળું તાદાત્મ્ય છોડતા નથી.
જ્યારે મનમાં કાલ્પનિક ભય અને અહંકારનો ભાવ જાગે છે ત્યારે શરીર પણ તે મુજબ કેમિકલ રિસ્પોન્સ આપે છે, જેને આપણે ઈમોશન એટલે કે લાગણી કહીએ છીએ. સતત ભય અને ચિંતામાં જીવવાને કારણે શરીર પર તેની ગંભીર અસરો થાય છે અને નર્વસનેસ, એંગ્ઝાઈટી તથા ડીપ્રેશન જેવા માનસિક લક્ષણો ઊભરાવા લાગે છે. મનની અનિયંત્રિત ચાલ શરીરની સ્વસ્થતાને હણી લે છે. જેને આપણે આધુનિક ભાષામાં મેન્ટલ હેલ્થ ઈશ્યુઝ કહીએ છીએ, તે વાસ્તવિકતામાં મન અને ઈગોના આ જ અસંતુલનનું પરિણામ છે, જેને સમજવું આજની પેઢી માટે ખૂબ જરૂરી બન્યું છે.
આજના આધુનિક સમાજમાં ‘FOMO’ (Fear Of Missing Out) એટલે કે કંઈક ચૂકી જવાનો ડર આ જ ઈગો અને સાયકોલોજીકલ ટાઈમનું એક નવું સ્વરૂપ છે. બીજા લોકો ક્યાં ફરે છે, શું ખરીદે છે અને જિંદગીને કેવી રીતે એન્જોય કરી રહ્યા છે તે જોઈને આપણને સતત એવો ડ્રાસકો પડે છે કે આપણે પાછળ રહી ગયા છીએ. આ સરખામણીની વૃત્તિ જ આપણી શાંતિ લૂંટી લે છે. આ ડિજિટલ સ્પર્ધામાં માણસ પોતાની વાસ્તવિક ખુશીઓને ભૂલીને માત્ર બીજાને બતાવવા માટે જીવવા લાગ્યો છે, જે તેના આંતરિક અહંકારને પોષે છે અને બદલામાં અવિરત ચિંતા આપે છે.
આપણે એ પણ સમજવું પડશે કે અહંકાર કે ઈગો માત્ર ક્રોધ કે ઘમંડના રૂપમાં જ નથી હોતો, પરંતુ કેટલીકવાર તે ‘પીડિત’ (Victim) બનવાના નાટકમાં પણ છુપાયેલો હોય છે. મારી સાથે જ અન્યાય થયો, મને જ કોઈ સમજતું નથી, અથવા મારી પરિસ્થિતિ જ સૌથી ખરાબ છે—આવું વિચારવું એ પણ ઈગોનો જ એક સૂક્ષ્મ પ્રકાર છે. આ માનસિકતા માણસને ક્યારેય ભૂતકાળના આઘાતમાંથી બહાર આવવા દેતી નથી અને તે સતત નકારાત્મકતાના ચક્રમાં ફસાયેલો રહે છે. ઈગો જ્યારે પીડિત બને છે ત્યારે તે પોતાના દુઃખને જ પોતાની ઓળખ બનાવી લે છે.
આંતરિક સ્વાતંત્ર્ય મેળવવા માટે સૌથી પહેલું પગલું એ છે કે આપણે આપણા મનમાં ચાલતા વિચારોના ‘સાક્ષી’ બનતા શીખવું પડશે. આપણે એ સ્વીકારવું પડશે કે વિચારો મનમાં અવિરત આવતા-જતા વાદળો જેવા છે, અને આપણે આકાશ જેવા અચળ છીએ. જ્યારે કોઈ નકારાત્મક કે ભયાનક વિચાર મનમાં આવે, ત્યારે તેનાથી ડરી જવાને બદલે અથવા તો તેની સાથે વહી જવાને બદલે માત્ર તટસ્થ રહીને તેને જુઓ. આ ટેકનિક જેને આધુનિક વિજ્ઞાનમાં ‘માઇન્ડફુલનેસ’ કહે છે, તે વાસ્તવમાં આપણી પ્રાચીન ધ્યાન પદ્ધતિનું જ એક અંક છે.
બીજું અગત્યનું કદમ એ છે કે વર્તમાન ક્ષણ એટલે કે ‘Now’ ની તાકાતને ઓળખવી. જીવન હંમેશા અત્યારે જ ઘટિત થઈ રહ્યું છે; ભૂતકાળ માત્ર એક સ્મૃતિ છે અને ભવિષ્ય માત્ર એક કલ્પના. જ્યારે તમે તમારું પૂરેપૂરું ધ્યાન આ ક્ષણે કરી રહેલા કામ પર, તમારા શ્વાસ પર કે તમારી આસપાસના વાતાવરણ પર આપો છો, ત્યારે સાયકોલોજીકલ ટાઈમ તુરંત ગાયબ થઈ જાય છે. વર્તમાનમાં કોઈ ડર નથી હોતો, ડર હંમેશાં કાં તો ભૂતકાળના પસ્તાવામાં હોય છે અથવા ભવિષ્યની આશંકાઓમાં.
સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના આ યુગમાં નિયમિતપણે ‘ડિજિટલ ડિટોક્સ’ કરવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. દિવસનો થોડો સમય સ્ક્રીનથી દૂર રહીને પ્રકૃતિ સાથે, આપ્તજનો સાથે અથવા માત્ર પોતાના મૌન સાથે વિતાવવો જોઈએ. મૌન અને એકાંત ઈગોના ભયને શાંત કરવાનો સૌથી અસરકારક ઉપાય છે. જ્યારે બાહ્ય ઘોંઘાટ ઓછો થાય છે ત્યારે જ માણસ પોતાના આંતરિક ‘સાચા સ્વ’ (Real Self) નો અવાજ સાંભળી શકે છે અને પોતાની વાસ્તવિક શક્તિનો પરિચય મેળવી શકે છે.
આ આંતરિક અશાંતિ અને સતત ચાલતા ઓવરથિંકિંગમાંથી મુક્ત થવાનો એકમાત્ર માર્ગ જાગૃતિ અને મન પ્રત્યેનું ડિટેચમેન્ટ છે. આંતરિક સત્ય એ છે કે માણસ પોતે એના વિચારો નથી, પણ એ વિચારોનેકનાર અને જોનાર સાક્ષી છે. વિચારો તો આકાશમાં તરતા વાદળો જેવા અશાશ્વત છે, જે આવશે અને જશે. ભગવદ્ ગીતા પણ મનના વિચારો સાથેના અનહદ જોડાણને જ બંધન ગણાવે છે. જ્યારે માણસ પોતાના વિચારોનો ન્યાયાધીશ બનવાને બદલે માત્ર સાક્ષીભાવે તેને જોતાં શીખે છે, ત્યારે ઈગોનો ભય શાંત થવા લાગે છે અને મન કાલ્પનિક ભવિષ્યમાંથી પાછું ફરીને સો ટકા વર્તમાન ક્ષણમાં સ્થિર થાય છે.
આખી જિંદગી ‘હું સાચો છું’ એવું સાબિત કરવાની બચકાની રમત છોડીને આંતરિક જાગૃતિ તરફ વળવું એ જ સાચી પરિપક્વતા છે. જેમ નદી કોઈ પૂર્વગ્રહ વગર સહજતાથી સાગર તરફ વહે છે, તેમ આંતરિક જાગૃતિથી જીવતો માણસ પોતાના ‘સાચા સ્વ’ પર ભરોસો રાખીને ક્ષણે ક્ષણનો આનંદ માણી શકે છે. જ્યારે તમે વર્તમાનમાં જીવવાનું શરૂ કરો છો, ત્યારે ભવિષ્યનો ડર આપોઆપ ઓગળી જાય છે. આજના ઝડપી અને ગૂંચવણભર્યા યુગમાં મનની વૈચારિક પકડ છોડીને જાગૃતિના ચમકારે સાચું મોતી પરોવી લેવું એ જ જીવન જીવવાની શ્રેષ્ઠ કળા છે.
ગોલ્ડન કી
આપણને એવું લાગે છે કે નદી સાગરને મળવા તરસી હોય છે, વાસ્તવમાં પ્યાસ બંને તરફ સરખી હોય છે!
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WHATSAPP | YOUTUBE



















