DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક સ્તરે લાંબા સમયથી ચાલી રહેલી મંદીના વાદળો વચ્ચે ભારતીય જ્વેલરી અને હીરા ઉદ્યોગ માટે રાહતના અને આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૬ના એપ્રિલ મહિનામાં નોંધાયેલા ૧૯.૬%ના મોટા ઘટાડા બાદ, મે મહિનામાં જોવા મળેલી હકારાત્મક વૃદ્ધિ (૩.૩%)ને જાળવી રાખતા જૂન મહિનામાં ભારતના કુદરતી તૈયાર હીરાની નિકાસમાં ૮.૭%નો નોંધપાત્ર વધારો થયો છે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરમાં ડેટા અનુસાર, જૂન ૨૦૨૬માં પોલિશ્ડ હીરાની કટ અને પોલિશ્ડ નિકાસ વધીને $૮૪૭ મિલિયન (આશરે ₹૭,૦૦૦ કરોડથી વધુ) પર પહોંચી ગઈ છે.
ભારતીય નિકાસકારો હવે માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ (US) પર નિર્ભર રહેવાને બદલે સંયુક્ત આરબ અમીરાત (UAE), યુનાઇટેડ કિંગડમ (UK) અને યુરોપ જેવા નવા બજારો તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જેના કારણે આ ગ્રોથ શક્ય બન્યો છે.
GJEPCના આંકડા દર્શાવે છે કે, જૂન મહિના દરમિયાન ભારતમાંથી રત્નો અને આભૂષણોની કુલ નિકાસમાં ૨૬.૫%નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. આ વૃદ્ધિ પાછળ ગોલ્ડ જ્વેલરી (સોનાના દાગીના)ની મજબૂત માગ તેમજ કૃત્રિમ એટલે કે લેબ-ગ્રોન ડાયમંડ્સનો મોટો ફાળો રહ્યો છે. જૂન મહિનામાં લેબ-ગ્રોન ડાયમંડ્સની વિદેશી નિકાસ ૫૨%થી પણ વધુ ઉછળીને $૧૦૧.૩૫ મિલિયનની સપાટી વટાવી ગઈ છે.
હીરા ઉદ્યોગના વિશ્લેષકોના જણાવ્યા મુજબ, જૂન મહિનામાં પોલિશ્ડ ડાયમંડના વેચાણમાં આ ટકાવારી ગ્રોથ પાછળ મુખ્યત્વે ‘બેઝ ઇફેક્ટ’ જવાબદાર છે, કારણ કે ગયા વર્ષે જૂન ૨૦૨૫માં નિકાસનું પ્રદર્શન અત્યંત નબળું રહ્યું હતું. જોકે, મે ૨૦૨૬ના $૯૮૦.૭ મિલિયનના વેચાણની સરખામણીએ જૂન મહિનામાં વાસ્તવિક મૂલ્યમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઊંચા વ્યાજદરો, ફુગાવો (મોંઘવારી) અને ખાસ કરીને યુ.એસ. તથા ચીનના બજારોમાં લક્ઝરી વસ્તુઓ પર ખરીદદારોની સાવચેતીને કારણે હીરાની વૈશ્વિક માગ ખૂબ નબળી પડી હતી.
પરિણામે, વિદેશી રિટેલરોએ નવા ઓર્ડર આપવાના બંધ કરીને પોતાના જૂના સ્ટોકમાંથી જ કામ ચલાવ્યું હતું. જોકે, હવે જૂનો સ્ટોક ખાલી થઈ જતાં અને નવી જ્વેલરી માટે ફ્રેશ રફ તથા પોલિશ્ડ માલની જરૂરિયાત ઊભી થતાં ગ્લોબલ બાયર્સ તરફથી નવા ઓર્ડર મળવાના શરૂ થયા છે, જેનાથી ભારતની હીરા નિકાસને નવો વેગ મળી રહ્યો છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















