ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ, કેબિનેટ મિનિસ્ટર્સ અને ટોપ સેક્રેટરીએટ્‌સ સાથેનું પ્રતિનિધિ મંડળ બે દિવસ સુરત પધારશે
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના આમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ Honourable General (Retd.) Dr. C.G.D.N. Chiwenga ‘GCZM’, ઝિમ્બાબ્વેના કેબિનેટ મિનિસ્ટર્સ Honourable Mr Raj Modi (Deputy Minister – Minister of Industry and Commerce) અને Honourable Tongai Mafidi Mnangagwa (Deputy Minister – Ministry of Tourism and Hospitality Industry), ઝિમ્બાબ્વેના એમ્બેસેડર H.E. Mrs. Stella Nkomo અને ટોપ સેક્રેટરીએટ્‌સ સાથેનું પ્રતિનિધિ મંડળ તા. રર અને ર૩ ઓગષ્ટ ર૦રપ દરમ્યાન સુરતની મુલાકાતે પધારશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલા, તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ સહિતનું ડેલીગેશન બે દિવસ દરમ્યાન સુરત ખાતે જુદા જુદા ક્ષેત્રોના ઉદ્યોગકારો તથા આગેવાનો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે. ખાસ કરીને એગ્રીકલ્ચર (એપીએમસી), દુધ ઉત્પાદન (સુમુલ), હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, માઇનીંગ સેકટર, શિક્ષણ ક્ષેત્ર અને એનર્જી સેકટર (સોલાર) તથા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનોના હોદ્દેદારો સાથે મિટીંગો કરશે.

તા. રર ઓગષ્ટ ર૦રપના રોજ બપોરે ૧રઃર૦ કલાકે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ સહિતનું ડેલીગેશન ભાટપોર સ્થિત હરેકૃષ્ણા ડાયમંડની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે ૩:૦૦ કલાકે ઐશ્વર્યા ડાઇંગ મિલ્સ પ્રા. લિમિટેડ અને સાંજે ૪:૧૦ કલાકે સુમુલ ડેરીની મુલાકાત લઇ ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠકો કરશે.

બીજા દિવસે તા. ર૩ ઓગષ્ટના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સુરતની એપીએમસી માર્કેટની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે ૧૧:૧૦ કલાકે કતારગામ ખાતે શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ અને બપોરે રઃ૦૦ કલાકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લઇ કૃષિ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ તેમજ શિક્ષણ જગતના શ્રેષ્ઠીઓ સાથે વિચારગોષ્ઠી કરશે.

આ ઉપરાંત સાંજે ૪:૪૦ કલાકે ચેમ્બર ઓફ કોમર્સ સરસાણા ખાતે આયોજિત ઇન્ટરેકટીવ મિટીંગમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્ષ્ટાઇલ્સ, ડાયમંડસ, એગ્રીકલ્ચર, ટુરિઝમ, ફાર્માસ્યુટિકલ, રિન્યુએબલ એનર્જી અને માઇનીંગ ક્ષેત્રના ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન ટુ વન ચર્ચા વિચારણા કરશે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ર૩ ઓગષ્ટના રોજ સાંજે પઃ૦૦ કલાકે ભારતીય સંસ્કૃતિ મુજબ ઢોલ નગારા અને લેઝીમની સાથે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટનું ધામધુમપૂર્વક સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે ધંધાકીય તકોના આદાન – પ્રદાન અને ટુરિઝમ ક્ષેત્રે જોડાણની તકો સંદર્ભે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ચલો ઝિમ્બાબ્વે’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ સુરતના ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ અને પ્રોફેશનલ્સની સાથે સીધો સંવાદ સાધશે.

ઝીમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટની આ મુલાકાત સુરત સહિત દક્ષિણ ગુજરાતના વેપાર અને ઉદ્યોગ માટે નવી તકોનું દ્વાર ખોલશે. ટેક્ષ્ટાઇલ્સ, ડાયમંડસ, ફાર્માસ્યુટિકલ, કૃષિ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં ગુજરાતના ઉદ્યોગોની કુશળતા ઝીમ્બાબ્વેના પ્રાકૃતિક સંસાધનો તથા નવા ઉભરતા બજાર સાથે જોડાય ત્યારે બંને દેશો માટે પરસ્પર ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ મુલાકાતથી ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટ–ઇમ્પોર્ટ, ટેકનોલોજી ટ્રાન્સફર અને સંયુક્ત સાહસો (જોઇન્ટ વેન્ચર્સ) માટે વિશાળ તકો ઉપલબ્ધ થશે.

સુરતના ઉદ્યોગ સાહસિકો સાથે વન–ટુ–વન ચર્ચા વિચારણા દ્વારા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને ઝીમ્બાબ્વેમાં સીધી બિઝનેસ કનેકિટવિટી, નેટવર્કિંગ તથા ઈન્વેસ્ટમેન્ટની તકો મળશે. ખાસ કરીને માઇનીંગ, કૃષિ આધારિત ઉદ્યોગો, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ અને ઈ ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં સહકાર વધવાથી સુરતના વેપાર અને ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક લાભ મળી શકે છે. એકંદરે, આ વિઝીટ દક્ષિણ ગુજરાતના વેપારિક ક્ષેત્રોને નવા વૈશ્વિક બજારો સાથે જોડવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

***

ચેમ્બર દ્વારા શનિવારે પ્લેટિનમ હોલમાં ‘લિગલ કોન્કલેવ – ર૦રપ’ યોજાશે

ગુજરાત હાઇકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ સુશ્રી સુનિતા અગ્રવાલ લિગલ કોન્કલેવમાં મુખ્ય મહેમાન તરીકે પધારશે અને માર્ગદર્શન આપશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ધી સુરત સિટી એડવોકેટ્‌સ એસોસીએશનની સાથે મળીને શનિવાર, તા. ર૩ ઓગષ્ટ ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે લિગલ કોન્કલેવ– ર૦રપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હાઇકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ સુશ્રી સુનિતા અગ્રવાલ પધારશે અને માર્ગદર્શન આપશે.

આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયાધીશો શ્રી પ્રણવ ત્રિવેદી અને શ્રી ડી.એન. રાય મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી સુરતના ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ, વકીલો તથા પ્રોફેશનલ્સને અગત્યનું સંબોધન કરશે. લિગલ કોન્કલેવનો હેતુ કાનૂની મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનો, ઉદ્યોગ–વ્યવસાયમાં આવતી કાનૂની અડચણોને સમજવાનો તેમજ કાયદાકીય બાબતોમાં યોગ્ય માર્ગદર્શન આપવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડવાનો છે.

લિગલ કોન્કલેવમાં કોમર્શિયલ કોર્ટસ એકટ અને આર્બિટ્રેશન એન્ડ કોન્સીલેશન એકટ વિષય પર સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવશે. આ કાયદાઓ સાથે સાથે અલ્ટર્નેટિવ ડિસ્પ્યુટ રિસોલ્યુશન (એડીઆર) જેવી પદ્ધતિઓ – જેમ કે મધ્યસ્થતા, સમાધાન અને આર્બિટ્રેશન અંગે ચર્ચા કરવામાં આવશે. આ પદ્ધતિઓથી લાંબા સમય સુધી ચાલતા કોર્ટ કેસો ટાળી શકાય છે અને વિવાદો ઝડપથી ઉકેલી શકાય છે. તેના પરિણામે સમાજ અને સોસાયટીને સીધો ફાયદો થાય છે. ખર્ચ ઓછો થાય છે, વ્યવસાય અને વ્યક્તિગત સંબંધોમાં વિશ્વાસ જળવાય છે અને ન્યાયિક તંત્ર પરનો ભાર ઘટે છે. આ રીતે આ કાયદા અને વિવાદ ઉકેલવાની વિકલ્પાત્મક પદ્ધતિઓ એક સ્વસ્થ, ન્યાયપૂર્ણ અને પ્રગતિશીલ સમાજ નિર્માણમાં મદદરૂપ બને છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant