DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક હીરા ઉદ્યોગ માટે એક મોટા અને આશાદાયક સમાચાર સામે આવ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) ના સત્તાધીશોએ યુરોપિયન મૂળના નેચરલ (કુદરતી) હીરા પર લાદવામાં આવેલા ૧૦% આયાત ટેરિફમાંથી ફરી એકવાર સંપૂર્ણ મુક્તિ આપી દીધી છે. છેલ્લા છ મહિનાથી અમલમાં રહેલા આ વધારાના ટેરિફને દૂર કરવાના નિર્ણયની સત્તાવાર જાહેરાત એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટર (AWDC) દ્વારા કરવામાં આવી છે.
બેકગ્રાઉન્ડ અને લુબિઅંગની સફળતા
આ કસ્ટમ ડ્યુટી મુક્તિ પાછળ AWDC અને યુરોપિયન કમિશનની સતત રજૂઆતો અને ડિપ્લોમેટિક પ્રયાસો જવાબદાર રહ્યા છે :
- અગાઉની મુક્તિ : સૌપ્રથમ સપ્ટેમ્બર ૨૦૨૫ માં આ મુક્તિ આપવામાં આવી હતી, જે ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી અમલમાં રહી હતી.
- ૧૦% સરચાર્જ : ફેબ્રુઆરી ૨૦૨૬ માં યુએસ સુપ્રીમ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના “રેસિપ્રોકલ ટેરિફ” રદ કર્યા બાદ, પ્રમુખના વહીવટીતંત્રે પોતાની સંરક્ષણવાદી (Protectionist) નીતિઓ હેઠળ નવો સામાન્ય ૧૦% આયાત સરચાર્જ રજૂ કર્યો હતો.
- નવો કાનૂની આધાર અને મુક્તિ : આ સામાન્ય ૧૦% આયાત સરચાર્જ ૨૪ જુલાઈ ૨૦૨૬ ના રોજ સમાપ્ત થયો હતો. ત્યારબાદ યુએસ સરકારે કલંકિત વેપાર કે ‘સબ્જેક્ટ ટુ ફોર્સ્ડ લેબર’ (વેઠમજૂરી) જેવા નવા કાનૂની આધારો હેઠળ ફરી ટેરિફ લાદવા પ્રયાસ કર્યો હતો. જોકે, AWDC એ સફળતાપૂર્વક સાબિત કર્યું કે નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી જ કડક નિયમો અને પારદર્શિતા છે.
“અમેરિકામાં હીરાનું ખનન કે કટિંગ થતું નથી” – AWDC
AWDC ના સીઈઓ કેરેન રેન્ટમીસ્ટર્સ (Karen Rentmeesters) એ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે : “અમેરિકામાં હવે કોઈ હીરાનું ખનન (Mining) કે કટિંગ થતું નથી. તેથી ત્યાં એવો કોઈ સ્થાનિક ઉદ્યોગ જ નથી જેને યુરોપિયન આયાત સામે રક્ષણ આપવાની જરૂર હોય. છેલ્લા કેટલાક મહિનાઓમાં અમે આ જ દલીલને અમેરિકી સત્તાધીશો સમક્ષ ભારપૂર્વક રજૂ કરી હતી.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે : “અમેરિકી સત્તાવાળાઓએ આખરે અમારી દલીલ સ્વીકારી લીધી છે. પરિણામે યુરોપમાં પ્રોસેસ થયેલા નેચરલ હીરાને ફરીથી આયાત જકાતમાંથી મુક્તિ મળી છે. આ નિર્ણયથી યુરોપના મુખ્ય કટિંગ સેન્ટર તરીકે એન્ટવર્પનું સ્થાન વધુ મજબૂત થશે.”
ઉદ્યોગ પર હકારાત્મક અસર
આ નિર્ણય સાથે જ, હવે યુરોપમાં કટ અને પોલિશ થયેલા કુદરતી હીરા મૂળ મુક્તિ મર્યાદા હેઠળ આવી ગયા છે. અમેરિકી વેપારીઓ અને આયાતકારો હવે કોઈ પણ વધારાની કસ્ટમ ડ્યુટી કે ટેરિફ ચૂકવ્યા વિના યુરોપથી કુદરતી હીરાની સીધી આયાત કરી શકશે, જેનાથી વૈશ્વિક હીરાના વેપારમાં નવો પ્રાણ પૂરાશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















