DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે અમેરિકન ગ્રાહકોએ ફરી એકવાર પોતાની ખરીદશક્તિનો પરચો આપ્યો છે.
ફેબ્રુઆરી મહિનામાં યુએસ રિટેલ વેચાણમાં સતત પાંચમા મહિને વૃદ્ધિ નોંધાઈ છે. નેશનલ રિટેલ ફેડરેશન (NRF) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, જાન્યુઆરીની સરખામણીએ વેચાણમાં 0.3% અને વાર્ષિક ધોરણે 6% નો મોટો વધારો જોવા મળ્યો છે.
પ્રતિકૂળ હવામાન છતાં ગ્રાહકોનો ઉત્સાહ અકબંધ
ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાના અનેક ભાગોમાં કડકડતી ઠંડી અને બરફવર્ષા હોવા છતાં ગ્રાહકોએ બજારમાં જઈને મન મૂકીને ખરીદી કરી છે.
NRF ના સીઈઓ મેથ્યુ શે (Matthew Shay) એ આ અંગે જણાવ્યું હતું કે, “કડકડતી ઠંડી છતાં ગ્રાહકોના ખર્ચમાં વધારો થયો છે. આ પાછળનું મુખ્ય કારણ લોકોના પગારમાં થયેલો વધારો અને બેરોજગારીનો નીચો દર છે. લોકો પાસે નાણાંની આવક વધતા તેઓ હવે વધુ આત્મવિશ્વાસ સાથે ખરીદી કરી રહ્યા છે.”
કયા સેગમેન્ટમાં કેટલી તેજી?
NRF દ્વારા ટ્રેક કરવામાં આવતી કુલ 9 કેટેગરીમાંથી 8 કેટેગરીમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ જોવા મળી છે :
- ક્લોધિંગ અને એસેસરીઝ (જ્વેલરી સહિત) : આ ક્ષેત્રમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે તેમાં 11% અને જાન્યુઆરીની સરખામણીએ 0.7% નો વધારો થયો છે. લગ્નસરા અને વેલેન્ટાઈન ડે જેવી સિઝનને કારણે જ્વેલરીની માંગમાં પણ તેજી રહી છે.
- બિલ્ડિંગ અને ગાર્ડન સપ્લાય : આ એકમાત્ર એવી કેટેગરી રહી જેમાં ઘટાડો નોંધાયો છે. ખરાબ હવામાનને કારણે બાંધકામ ક્ષેત્રે મંદી રહેતા વાર્ષિક ધોરણે 6% નો ઘટાડો જોવા મળ્યો છે.
- એકંદર દેખાવ : વર્ષના પ્રથમ બે મહિનામાં (જાન્યુઆરી અને ફેબ્રુઆરી) કુલ વેચાણ ગત વર્ષની સરખામણીએ 6% વધુ રહ્યું છે.
સરકારી આંકડામાં વિલંબ
સામાન્ય રીતે યુએસ સેન્સસ બ્યુરો દ્વારા રિટેલ ડેટા જાહેર કરવામાં આવે છે, પરંતુ ગયા વર્ષે થયેલા બે મહિનાના ‘ગવર્મેન્ટ શટડાઉન’ ને કારણે સરકારી આંકડા જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. આથી, હાલમાં NRF ના ડેટાને બજારની સ્થિતિ સમજવા માટે સૌથી સચોટ માનવામાં આવી રહ્યા છે.
ભારતીય નિકાસકારો માટે સારા સમાચાર
અમેરિકામાં ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી અને કપડાંના વેચાણમાં થયેલો ૧૧%નો વધારો ભારતીય નિકાસકારો માટે ઉત્સાહજનક છે. ભારતથી અમેરિકામાં મોટા પાયે હીરા-ઝવેરાત અને ટેક્સટાઇલની નિકાસ થાય છે, તેથી ત્યાંની વધતી માંગનો સીધો ફાયદો ભારતીય બજારને મળી શકે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















