DIAMOND CITY NEWS, SURAT
ગઈ સદીમાં માત્ર એક જ ૨૦૦૦ કેરેટથી વધુ વજનનો હીરો મળ્યો હતો, પરંતુ હવે ટેક્નોલોજીના આગમન સાથે આવા મહાકાય હીરાની શોધમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. નેચરલ ડાયમંડ કાઉન્સિલ (એનડીસી)ના તાજેતરના અહેવાલ ‘રેકોર્ડ-બ્રેકિંગ ડાયમંડ્સ’ અનુસાર, ખાણકામ અને પુનઃપ્રાપ્તિ તકનીકોમાં આવેલા વિકાસથી વિશ્વમાં વધુ મોટા હીરા મળવાની શક્યતા વધી છે.
આ અહેવાલમાં જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં માત્ર ચાર જ રફ હીરા ૨૦૦૦ કેરેટથી વધુ વજનના મળ્યા છે – જેમાંથી બે જેમ ક્વોલિટીના છે, એક નિયર-જેમ અને એક કાર્બોનેડો (કાળો હીરો, જે જેમ ક્વોલિટીનો નથી). આમાંથી બે હીરા છેલ્લા બે વર્ષમાં મળ્યા છે. સૌથી મોટો હીરો ૩,૧૦૬.૭૫ કેરેટનો કુલિનન છે, જે ૧૯૦૫માં દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો. ત્યારબાદ ૨૦૨૪માં બોત્સ્વાનાની કારોવે ખાણમાંથી ૨,૪૮૮ કેરેટનો ‘મોત્સ્વેદી’ હીરો મળ્યો, જે વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો હીરો છે અને જેમ ક્વોલિટીનો છે.
આ પછી ૨૦૨૫માં જુલાઈમાં તે જ ખાણમાંથી ૨,૦૩૬ કેરેટનો નિયર-જેમ ક્વોલિટીનો હીરો મળ્યો છે. આ તમામ મોટા હીરા લુકારા ડાયમંડ કંપનીની કારોવે ખાણમાંથી મળ્યા છે, જે બોત્સ્વાનામાં આવેલી છે અને વિશ્વની સૌથી મોટા હીરા આપનારી ખાણ તરીકે જાણીતી બની છે.
આ મહાકાય હીરાની સુરક્ષિત પુનઃપ્રાપ્તિમાં મુખ્ય ભૂમિકા ભજવી છે એક્સ-રે ટ્રાન્સમિશન (એક્સઆરટી) તકનીકની. આ અદ્યતન તકનીકથી ખાણકામ દરમિયાન સામાન્ય ખડકોમાં છુપાયેલા હીરાને ‘જોઈ’ શકાય છે અને તેને ક્રશર મશીનમાંથી બચાવી શકાય છે. મોત્સ્વેદી હીરો પણ આ જ તકનીકથી મળ્યો હતો. આ તકનીક ૨૦૧૭માં કારોવે ખાણમાં લાગુ કરવામાં આવી હતી, જેના કારણે અહીંથી અનેક મોટા હીરા મળી રહ્યા છે.
એનડીસીના એક્સટર્નલ અફેર્સ હેડ રાલુકા એન્ગેલે જણાવ્યું કે, “અમે સુપરસાઈઝ્ડ હીરાના યુગમાં પ્રવેશી રહ્યા છીએ. ખાણકામ અને પુનઃપ્રાપ્તિમાં દરેક પ્રગતિ સાથે અમે એક રોમાંચક શક્યતા તરફ આગળ વધી રહ્યા છીએ કે પૃથ્વીની અંદર ક્યાંક વધુ મહાન હીરો શોધાવાની રાહ જોઈ રહ્યો છે.”
આ અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે આવા વિશાળ હીરા પૃથ્વીની સપાટીથી ૭૫૦ કિલોમીટર ઊંડાઈએ બને છે અને તેમની શોધ ખાણકામ તકનીકોના વિકાસ પર આધારિત છે. બોત્સ્વાના હવે વિશ્વના મોટા હીરાના મુખ્ય સ્ત્રોત તરીકે ઉભરી રહ્યું છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















