DIAMOND CITY NEWS, SURAT
સુરત ડાયમંડ એસોસિએશન અને સમગ્ર હીરા ઉદ્યોગ માટે ૧ મે ૨૦૨૬નો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. સુરત ખાતે આયોજિત ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ૨૦૨૬’ ના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે “સ્પેશિયલ કવર વિથ કેન્સલેશન” નું વિમોચન કરવામાં આવ્યું હતું.
GI ટેગનું ઐતિહાસિક સન્માન
આ વિશેષ કવર દ્વારા સુરત ડાયમંડ એસોસિએશન (SDA) ને તાજેતરમાં પ્રાપ્ત થયેલ “સુરત કટ ડાયમંડ” GI Tag માટે સન્માન અને અભિનંદન વ્યક્ત કરવામાં આવ્યા છે. આ કવરની પ્રથમ પ્રતિ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા રીજયનના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી દિનેશ કુમાર શર્માજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રત્નકલાકારોની અદભૂત કળાની વૈશ્વિક ઓળખ
સુરતના રત્નકલાકારોની કુશળતા અદ્વિતીય છે, માત્ર ૧ કેરેટના કાચા હીરામાંથી ૩૦૦ થી ૧૦૦૦ અથવા તેનાથી પણ વધુ સંખ્યામાં એકસરખા કદ, રંગ અને તેજ ધરાવતા હીરા તૈયાર કરવાની ક્ષમતા સુરતના કલાકારો પાસે છે. આ અનોખી કળાને કારણે જ ‘સુરત કટ ડાયમંડ’ ને વિશ્વસ્તરે બહુમૂલ્ય સ્થાન મળ્યું છે.
મહાનુભાવોની ગૌરવભરી ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં રાજ્ય અને કેન્દ્રના અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા, જેમાં ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી શ્રી હરદીપસિંહ પુરી, જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ, ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વિવિધ દેશોના રાજદૂતો, હાઈ કમિશનર્સ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ.
SDA ની સક્રિય ભૂમિકા
આ સ્પેશિયલ કવરના પ્રસ્તાવ અને વિમોચનમાં સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી જગદીશભાઈ ખુંટ, મંત્રી શ્રી ધીરુભાઈ સવાણી અને અન્ય હોદ્દેદારોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફિલટેલિસ્ટ (ટપાલ ટિકિટ સંગ્રહકો) માટે આ કવર એક અમૂલ્ય વારસો બનશે, જે ‘સુરત કટ ડાયમંડ’ ની ઓળખને સદીઓ સુધી જીવંત રાખશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube























