DIAMOND CITY NEWS, SURAT
ક્રિસમસ પહેલાંના અંતિમ શનિવાર – સુપર સેટર્ડે – પર અમેરિકામાં ખરીદીનો નવો રેકોર્ડ બનવાની ધારણા છે. નેશનલ રિટેલ ફેડરેશન (NRF)ના અહેવાલ મુજબ, આ વર્ષે ૧૫.૮૯ કરોડ અમેરિકન ગ્રાહકો ખરીદી કરવાની યોજના ધરાવે છે, જે ૨૦૨૪ કરતાં આશરે ૧૭ લાખ વધુ છે અને ૨૦૨૨ના ૧૫.૮૫ કરોડના જૂના રેકોર્ડને તોડશે.
આ વર્ષે ક્રિસમસથી પાંચ દિવસ પહેલાં આવતા સુપર સેટર્ડેને ગ્રાહકો અને રિટેલર્સ માટે મહત્વપૂર્ણ દિવસ ગણાવ્યો છે, કારણ કે અહીં છેલ્લી ઘડીની હોલિડે ગિફ્ટ્સની ખરીદી ટોચ પર હોય છે. NRFના વાઇસ પ્રેસિડન્ટ કેથરિન કુલેને જણાવ્યું કે, “આ દિવસ લાસ્ટ-મિનિટ ગિફ્ટ્સ માટે આદર્શ છે.”
સર્વેમાં જણાવ્યું છે કે, સુપર સેટર્ડે પર ખરીદી કરનારાઓમાંથી ૪૫% ઓનલાઇન અને ઇન-સ્ટોર બંને રીતે ખરીદી કરશે, ૨૯% માત્ર ફિઝિકલ સ્ટોર્સમાં જશે અને ૨૬% માત્ર ઓનલાઇન ખરીદી કરશે. ડિસેમ્બરની શરૂઆત સુધીમાં મોટા ભાગના ગ્રાહકોએ પોતાની હોલિડે ખરીદીનો અડધો ભાગ પૂરો કરી લીધો હતો. જેઓ હજુ બાકી છે, તેઓ ગિફ્ટ્સ પસંદ કરવામાં અચકાયા છે, અન્ય નાણાકીય પ્રતિબદ્ધતાઓ છે અથવા પારિવારિક સભ્યોની સલાહની રાહ જોઈ રહ્યા છે.
ખરીદી પૂરી કરવા માટે ૪૬% ગ્રાહકો ઓનલાઇન, ૩૩% ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ અને ૨૬% ડિસ્કાઉન્ટ સ્ટોર્સ પસંદ કરશે. અત્યાર સુધીની ખરીદીમાં કપડાં અને એક્સેસરીઝ (જેમાં જ્વેલરીનો સમાવેશ થાય છે) ટોચ પર છે – ૪૮% ગ્રાહકોએ આ કેટેગરીમાંથી વસ્તુઓ ખરીદી છે. ત્યારબાદ રમકડાં (૩૦%) અને ગિફ્ટ કાર્ડ્સ (૨૭%) છે. આનાથી જ્વેલરી ઉદ્યોગને મોટો બુસ્ટ મળવાની આશા છે, ખાસ કરીને કુદરતી હીરા અને અન્ય આભૂષણોની માંગમાં.
ઉલ્લેખનીય છે કે, ૭૦% ગ્રાહકો ક્રિસમસ પછીના સપ્તાહમાં પણ ખરીદી કરવાની યોજના ધરાવે છે, જેમાં સેલ્સ, પ્રમોશન્સ, ગિફ્ટ કાર્ડ્સનો ઉપયોગ અને રિટર્ન/એક્સચેન્જનો સમાવેશ થાય છે.
NRFએ નવેમ્બર-ડિસેમ્બરના હોલિડે વેચાણમાં ૩.૭%થી ૪.૨%ની વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે, જે કુલ ૧ ટ્રિલિયન ડોલરને પાર કરશે. આ અહેવાલ માટે ૧થી ૧૦ ડિસેમ્બર વચ્ચે ૮,૦૦૫ પુખ્ત વયના લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો.
આ વલણ વૈશ્વિક રિટેલ અને જ્વેલરી ઉદ્યોગ માટે આશાસ્પદ છે, જ્યાં છેલ્લી ઘડીની ખરીદીથી વેચાણમાં નોંધપાત્ર વધારો થાય છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















