DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક હીરા ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા ‘વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બોર્સીસ’ (WFDB) એ કુદરતી હીરાની ઘટતી માંગને ફરી બેઠી કરવા માટે એક માતબર બજેટની ફાળવણી કરી છે.
લેબ-ગ્રોન ડાયમંડ (LGD) ના વધતા પ્રભુત્વ અને બદલાતા આર્થિક સમીકરણો વચ્ચે, કુદરતી હીરાની વિશિષ્ટતા અને ભાવનાત્મક મૂલ્યને સ્થાપિત કરવા WFDB હવે આક્રમક માર્કેટિંગ મોડમાં આવ્યું છે.
યુવા પેઢી પર વિશેષ ધ્યાન
WFDB ના પ્રમુખ યોરમ દ્વાશના જણાવ્યા અનુસાર, આ વર્ષે માર્કેટિંગ વ્યૂહરચનાનો મુખ્ય ઉદ્દેશ્ય મિલેનિયલ્સ અને ‘જનરેશન ઝેડ’ (Gen Z) ગ્રાહકોને કુદરતી હીરા તરફ વાળવાનો છે.
સંસ્થાએ આ માટે ‘મોમેન્ટ્સ’ (Moments) નામનું એક ખાસ સોશિયલ મીડિયા કેમ્પેઈન લોન્ચ કર્યું છે, જેની ટેગલાઈન છે: “ક્રાફ્ટેડ બાય અર્થ, સેલિબ્રેટેડ બાય યુ” (પૃથ્વી દ્વારા નિર્મિત, તમારા દ્વારા ઉજવાયેલ). આ કેમ્પેઈન દ્વારા કુદરતી હીરાને માત્ર એક આભૂષણ નહીં, પરંતુ પેઢી દર પેઢી ચાલતા અતૂટ પ્રેમ અને વારસાના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવશે.
ઉદ્યોગમાં એકતા અને લુઆન્ડા એકોર્ડનો ટેકો
આ માર્કેટિંગ અભિયાનને વધુ મજબૂતી આપવા માટે ‘લુઆન્ડા એકોર્ડ’ અંતર્ગત વિવિધ હીરા ઉત્પાદક દેશો અને ટ્રેડિંગ હબ પણ સાથે આવ્યા છે.
બોત્સ્વાના, અંગોલા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો તેમજ ભારતની GJEPC જેવી સંસ્થાઓએ પણ કુદરતી હીરાના પ્રમોશન માટે સહયોગની ખાતરી આપી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રફ હીરાના વેચાણની આવકનો અમુક હિસ્સો હવે સીધો નેચરલ ડાયમંડ કાઉન્સિલ (NDC) ના પ્રમોશનલ ફંડમાં જશે, જેથી માર્કેટિંગ બજેટ 100 મિલિયન ડોલરને પાર કરી શકે તેવી શક્યતા છે.
બજારમાં રિકવરીના સંકેતો
યોરમ દ્વાશ ઉમેરે છે કે, “તાજેતરમાં રફ હીરાના ભાવમાં થયેલા સુધારા બાદ બજારમાં રિકવરીના પ્રારંભિક સંકેતો દેખાઈ રહ્યા છે. માંગ ધીમે ધીમે વધી રહી છે, જે ઉદ્યોગ માટે પ્રોત્સાહક છે. આ તકનો લાભ લેવા માટે આપણે તૈયાર રહેવું પડશે. કુદરતી હીરા એ અબજો વર્ષો જૂની કુદરતની ભેટ છે, અને તેની આ જ વિરલતા (Rarity) તેને સિન્થેટિક હીરાથી અલગ પાડે છે. અમારો પ્રયાસ એ જ છે કે ગ્રાહકો આ તફાવતને સમજે અને કુદરતી હીરાની અસલી કિંમત પારખે.”
આગામી અઠવાડિયામાં WFDB દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પ્રભાવશાળી વીડિયો અને વાર્તાઓ દ્વારા આ અભિયાનને વેગ આપવામાં આવશે, જે વૈશ્વિક સ્તરે હીરાના વેપારમાં નવી ઉર્જા ફૂંકશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















