DIAMOND CITY NEWS, SURAT
મધ્ય પૂર્વનું સૌથી મોટું અને પ્રતિષ્ઠિત જ્વેલરી પ્રદર્શન ‘જ્વેલરી અરેબિયા ૨૦૨૫’ ૨૫ થી ૨૯ નવેમ્બર દરમિયાન બહરીન ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયું હતું. આ વર્ષે ૨૯ દેશોની આશરે ૭૦૦ બ્રાન્ડ્સ અને ડિઝાઇનર્સે ભાગ લીધો, જેમાં ગલ્ફ દેશોની સાથે વૈશ્વિક જ્વેલરી હાઉસનો પણ સમાવેશ થતો હતો.
આ પ્રદર્શનને પ્રદર્શકોએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ડિઝાઇનર્સ માટે મહત્વનું પ્લેટફોર્મ ગણાવ્યું. બહરીની જાણીતી જ્વેલરી કંપની સિરાત અલ લુલુના માલિક અહમદ મતરે જણાવ્યું, “આ પ્રદર્શન અમને બહરીની કુદરતી મોતીઓની સુંદરતા અને વારસાને વિશ્વ સમક્ષ રજૂ કરવાની અનોખી તક આપે છે. ખાસ કરીને જ્યારે આ મોતીઓને આધુનિક સોના અને કિંમતી પથ્થરોની ડિઝાઇન સાથે જોડીએ ત્યારે તેની ઐતિહાસિક અને સાંસ્કૃતિક કિંમત વધુ ઉજાગર થાય છે.”
ઘણી કંપનીઓએ આ વખતે વિશેષ અને એક્સક્લુઝિવ કલેક્શન રજૂ કર્યા હતા, જેથી સ્થાનિક ઉત્પાદકોની ઓરિજિનાલિટી અને વિશિષ્ટતા દુનિયા સમક્ષ આવે.
ભારતીય પેવેલિયન ફરી ધમાલ મચાવી
ભારતે સતત ૨૨માં વર્ષે સૌથી મોટું ૯૭૨ ચો.મી.નું પેવેલિયન ઊભું કર્યું. જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના નિવેદન મુજબ, આ વખતે ૫૮ ભારતીય પ્રદર્શકોએ ૧૦૮ સ્ટેન્ડ્સ પર હીરાના ઘરેણાં, સોનાના ઘરેણાં અને કિંમતી રત્નોની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરી.
જીજેઈપીસીએ જણાવ્યું, “ભારતીય પેવેલિયન અમારી વૈશ્વિક પહોંચ વધારવાની રણનીતિનો મહત્વનો ભાગ છે. જ્વેલરી અરેબિયા બહરીન, સાઉદી અરેબિયા, કુવૈત, કતાર અને આખા વેસ્ટ એશિયામાંથી વેપારી મુલાકાતીઓને આકર્ષે છે, જે ભારતીય નિકાસકારો માટે આ પ્રદેશમાં પોતાની હાજરી મજબૂત કરવાના મહત્વના દ્વાર બની રહે છે.”
આ ઉપરાંત ગ્રીસ, મોંગોલિયા અને ઇટલીના જ્વેલરી હાઉસે પણ પોતાની રચનાઓ રજૂ કરી, જેમાં સદીઓ જૂની સાંસ્કૃતિક પરંપરાઓને આધુનિક ડિઝાઇન સાથે સુંદર રીતે જોડવામાં આવી હતી.
જ્વેલરી અરેબિયા હવે મધ્ય પૂર્વનું સૌથી મોટું B2B અને B2C જ્વેલરી પ્લેટફોર્મ બની ગયું છે, જે દર વર્ષે હજારો વેપારીઓ, કલેક્ટર્સ અને ગ્રાહકોને એકસાથે લાવે છે. આ વર્ષના પ્રદર્શનથી ફરી એક વખત સાબિત થયું કે ગલ્ફ દેશોમાં લક્ઝરી જ્વેલરીની માંગ સતત વધી રહી છે અને ભારત આ બજારમાં મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહ્યું છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















