DIAMOND CITY NEWS, SURAT
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના પ્રોજેક્ટ એવી IIGJ લેબ દ્વારા રત્ન બજારમાં પારદર્શિતા વધારવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. લેબ દ્વારા હવે અત્યંત કિંમતી અને દુર્લભ ગણાતા ‘પરાઈબા ટુરમેલિન‘ (Paraiba Tourmaline) રત્નો માટે ‘ઓરિજિન ડિટર્મિનેશન’ (ઉત્પત્તિ સ્થાનની ઓળખ) સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2025 માં લેબ દ્વારા માણેક (Ruby), પન્ના (Emerald) અને નીલમ (Sapphire) માટે આ સેવા શરૂ કરાયા બાદ હવે કલર જેમસ્ટોન કેટેગરીમાં આ નવો ઉમેરો કરવામાં આવ્યો છે. વૈશ્વિક બજારમાં રત્નો કયા દેશના છે તેની સચોટ માહિતીની વધતી જતી માંગને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે.
શું છે પરાઈબા ટુરમેલિન અને તેનું મહત્વ?
પરાઈબા ટુરમેલિન એ કોપર (તાંબુ) અને મેંગેનીઝના મિશ્રણને કારણે જોવા મળતા ઇલેક્ટ્રિક બ્લુ, નિયોન બ્લુ, વાયોલેટ બ્લુ અને લીલાશ પડતા વાદળી રંગના અત્યંત આકર્ષક રત્નો છે. જોકે આ નામ બ્રાઝિલના ‘પરાઈબા’ રાજ્ય પરથી પડ્યું છે, પરંતુ આજના સમયમાં સમાન રાસાયણિક બંધારણ ધરાવતા નાઈજીરિયા અને મોઝામ્બિકના રત્નો માટે પણ આ જ નામ વપરાય છે. IIGJ લેબ હવે અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપી અને કેમિકલ એનાલિસિસ દ્વારા આ રત્ન કયા દેશનું છે તેની સચોટ પુષ્ટિ કરશે.
નામકરણના કડક નિયમો (Nomenclature Protocols)
લેબ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે માત્ર બ્લુ-થી-ગ્રીન કલર રેન્જ ધરાવતા અને કોપર-મેંગેનીઝથી રંગાયેલા રત્નોને જ ‘Paraiba’ તરીકે ઓળખવામાં આવશે. જો રત્ન ગુલાબી કે જાંબલી રંગનો હશે, તો તેને પરાઈબા નામ આપવામાં આવશે નહીં, પરંતુ તેના રિપોર્ટમાં કોપરની હાજરી અંગેની નોંધ અવશ્ય લખવામાં આવશે.
સર્ટિફિકેશન ફીનું માળખું (GST સાથે)
IIGJ લેબ દ્વારા GJEPC સભ્યો અને બિન-સભ્યો માટે અલગ-અલગ દર જાહેર કરવામાં આવ્યા છે:
૧. સિંગલ સ્ટોન (પ્રતિ નંગ):
- 10 કેરેટ સુધી: ₹3,000 (સભ્યો) / ₹3,500 (બિન-સભ્યો)
- 10 કેરેટથી વધુ: ₹4,000 (સભ્યો) / ₹4,500 (બિન-સભ્યો)
૨. પેકેટ લોટ્સ (જથ્થાબંધ – ન્યૂનતમ 1 કેરેટ):
- 5 થી 15 નંગ: ₹2,500 (સભ્યો) / ₹3,000 (બિન-સભ્યો)
- 16 થી 49 નંગ: ₹2,200 (સભ્યો) / ₹2,700 (બિન-સભ્યો)
- 50 કે તેથી વધુ: ₹1,800 (સભ્યો) / ₹2,300 (બિન-સભ્યો)
૩. મણકાની માળા (Bead Strings – પ્રતિ 10 સેમી):
- ન્યૂનતમ સાઈઝ 4mm માટે ₹15,000 (સભ્યો) અને ₹18,000 (બિન-સભ્યો) ચાર્જ રહેશે. (આમાં 25% સેમ્પલિંગના આધારે પરિણામ અપાશે).
આ નવી સેવાથી સ્થાનિક જ્વેલર્સ અને નિકાસકારોને આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાના રત્નોની અધિકૃતતા સાબિત કરવામાં મોટી મદદ મળશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















