DIAMOND CITY NEWS, SURAT
ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને આધુનિક ટેકનોલોજી અને નવીન સંશોધનો સાથે જોડવાના હેતુથી શરૂ કરાયેલી ઇનોવેટિવ પહેલ ‘જ્વેલસ્ટાર્ટ ૨૦૨૬ ઇન્ડસ્ટ્રી ઇનોવેશન ચેલેન્જ’ (JewelStart 2026) હવે તેના બીજા અને અત્યંત મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી ચૂકી છે. દેશની સર્વોચ્ચ સંસ્થા ‘જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GJEPC) અને આઇઆઇટી બોમ્બેના બિઝનેસ ઇન્ક્યુબેટર ‘સાઇન’ (SINE IIT Bombay) દ્વારા સંયુક્ત રીતે શોર્ટલિસ્ટ કરાયેલા ૨૭ શ્રેષ્ઠ ટેક-સ્ટાર્ટઅપ્સના મૂલ્યાંકન માટે ત્રણ દિવસીય વર્ચ્યુઅલ પિચિંગ રાઉન્ડ (૧૫ થી ૧૭ જુલાઈ) નું આયોજન કરવામાં આવ્યું છે.
આ અનોખી સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય હીરા અને ઘરેણાંના મેન્યુફેક્ચરિંગ, રીટેલ માર્કેટિંગ અને ગ્લોબલ સપ્લાય ચેઈન ઓપરેશન્સમાં નડતા જટિલ વ્યવહારિક પડકારોનો ટેકનોલોજી આધારિત કાયમી ઉકેલ શોધવાનો છે. આ અભિયાનની શરૂઆત ઉદ્યોગના અગ્રણી ઉત્પાદકો, છૂટક વિક્રેતાઓ અને સંશોધકો પાસેથી અંદાજે ૯૦ થી વધુ મુખ્ય સમસ્યાઓ (Problem Statements) મેળવીને કરવામાં આવી હતી. ત્યારબાદ, IIT બોમ્બેની ટીમે આ સમસ્યાઓનો ઊંડો અભ્યાસ કરીને તેને ૨૨ મુખ્ય પડકારોમાં વર્ગીકૃત કરી હતી, જેને આધારે આ ચેલેન્જ લોન્ચ કરવામાં આવી હતી.
૧૨૦ થી વધુ અરજીઓમાંથી કડક સ્ક્રિનિંગ
આ નેશનલ ચેલેન્જમાં ભાગ લેવા માટે દેશભરમાંથી ૧૨૦ થી વધુ નવીન વિચાર ધરાવતા સ્ટાર્ટઅપ્સે રસ દાખવ્યો હતો, જેમાંથી ૬૨ સંપૂર્ણ સબમિશન પ્રાપ્ત થયા હતા. પ્રારંભિક સ્ક્રિનિંગ પ્રક્રિયાના અંતે, માત્ર ૨૭ સૌથી સક્ષમ સ્ટાર્ટઅપ્સને જ આગામી વર્ચ્યુઅલ પિચ સ્ટેજ માટે પસંદ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ નિષ્ણાત જ્યુરી સમક્ષ પોતાના સંશોધનો રજૂ કરી રહ્યા છે.
GJEPC ના ઇવેન્ટ્સ ડિરેક્ટર વિક્રાંત પ્રધાને આ સત્રના પ્રારંભે આયોજનની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે: “છ મહિના પહેલાં અમે ઇન્ડસ્ટ્રીની અંદાજે ૫૦ અગ્રણી કંપનીઓનો સંપર્ક કરીને તેમના વાસ્તવિક પડકારો સમજ્યા હતા. IIT બોમ્બે સાથે મળીને અમે સૌથી ગંભીર સમસ્યાઓ તારવી હતી. અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો કે જ્વેલરી ઉદ્યોગ બહારના શ્રેષ્ઠ આઈડિયાને આ ક્ષેત્રમાં લાવીએ જેથી તેઓ આધુનિક સોલ્યુશન્સ વિકસાવી શકે. હાલમાં શોર્ટલિસ્ટ થયેલા ૨૭ સ્ટાર્ટઅપ્સમાંથી આખરી તબક્કામાં માત્ર ૭ વિજેતાઓની જ પસંદગી કરવામાં આવશે.”
વિજેતાઓને ગ્લોબલ મેન્ટરશિપ અને રોકાણની તક
આ સ્પર્ધાના અંતિમ ૭ ફાઇનલિસ્ટ સ્ટાર્ટઅપ્સ આગામી ૮ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ યોજાનારા ‘ડેમો ડે’ દરમિયાન દેશની અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સ, મોટા રોકાણકારો અને ઉદ્યોગના માર્ગદર્શકો સમક્ષ પોતાની ટેકનોલોજીનું જીવંત પ્રદર્શન કરશે. પસંદ કરાયેલા આ વિજેતા સ્ટાર્ટઅપ્સને માત્ર સન્માન જ નહીં, પરંતુ તેમના બિઝનેસ આઇડિયાને વ્યાપારી ધોરણે સફળ બનાવવા માટે ઉદ્યોગ તરફથી મેન્ટરશિપ, ફંડિંગ (રોકાણ સુધી પહોંચ) અને IIT બોમ્બેના ‘SINE’ પ્લેટફોર્મ દ્વારા ઇન્ક્યુબેશન સપોર્ટ પણ પૂરો પાડવામાં આવશે.
SINE IIT બોમ્બેના પ્રોગ્રામ મેનેજર અને કો-ઓર્ડિનેટર દિશા કદમે મૂલ્યાંકનની પદ્ધતિ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, દરેક સ્ટાર્ટઅપને પોતાની રજૂઆત માટે કુલ ૧૫ મિનિટનો સમય આપવામાં આવ્યો છે, જેમાં ૮ મિનિટની પ્રેઝન્ટેશન અને ૭ મિનિટનો જ્યુરી સાથે પ્રશ્નોત્તરી (Q&A) રાઉન્ડ સામેલ છે.
મૂલ્યાંકનના ૫ મુખ્ય માપદંડો (દરેકના ૨૦ ગુણ – કુલ ૧૦૦ માર્ક્સ):
૧. પ્રોડક્ટ અને સોલ્યુશન ઓફરિંગ (Product & Solution Offering)
૨. ઇનોવેશન એટલે કે નવીનતા (Innovation)
૩. ઉદ્યોગની સમસ્યાઓ સાથે સુસંગતતા (Alignment with Industry Problem)
૪. ટીમની કાર્યક્ષમતા અને અમલીકરણ ક્ષમતા (Team Capability to Execute)
૫. ઇન્ક્યુબેશન પ્રોગ્રામ માટેની સજ્જતા (Incubation Readiness)
આ સમગ્ર પ્રક્રિયામાં બે બાબતો પર સૌથી વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે: પહેલું કે આ ટેકનોલોજી જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે કેટલી વ્યવહારુ અને ઉપયોગી છે, અને બીજું કે તે સ્ટાર્ટઅપ ‘જ્વેલસ્ટાર્ટ’ ઇન્ક્યુબેશન પ્રોગ્રામનો લાભ લેવા માટે કેટલું સક્ષમ છે. GJEPC ની આ પહેલ ભારતના જ્વેલરી સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બ્લોકચેઈન અને ઓટોમેશન જેવી અત્યાધુનિક ટેકનોલોજીના વપરાશને ઝડપી બનાવવામાં ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















