DIAMOND CITY NEWS, SURAT
ભારતના જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના એક સત્તાવાર વેપારી પ્રતિનિધિમંડળે (Trade Delegation) ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરની સફળ મુલાકાત લીધી છે.
તાજેતરમાં બંને દેશો વચ્ચે સંપન્ન થયેલા મુક્ત વેપાર કરાર (Free Trade Agreement – FTA) ના અમલીકરણ તરફ વધી રહેલા ડગલાં વચ્ચે ભારતથી ન્યૂઝીલેન્ડ ખાતે રત્નો અને આભૂષણોની નિકાસ વધારવા માટે આ દૌરો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો છે.
20 થી 26 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાયેલ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસના ભાગરૂપે આ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ ભારતીય ઉત્પાદકો અને નિકાસકારોને સ્થાનિક બાયર્સ સાથે સીધા જોડવાનો છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્તમાન સમયે પણ જ્વેલરી વેપારમાં મોટો સુધારો નોંધાયો છે. સત્તાવાર આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં ન્યૂઝીલેન્ડ ખાતે ભારતની જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ 16.91 મિલિયન યુએસ ડોલર હતી, જે નાણાકીય વર્ષ 2025-26માં 50.56% ના જંગી ઉછાળા સાથે 25.46 મિલિયન યુએસ ડોલર સુધી પહોંચી ગઈ છે.
કરાર અમલમાં આવ્યા બાદ ન્યૂઝીલેન્ડ સરકારે ભારતીય ઉત્પાદનો માટે તેના 100% ટેરિફ લાઈન્સ પર સંપૂર્ણ ડ્યૂટી-ફ્રી (મુક્ત) પ્રવેશ આપવાની કટિબદ્ધતા દર્શાવી છે.
26 ઓગસ્ટના રોજ, GJEPC ના ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ કન્વીનર અને આ ડેલીગેશનના લીડર વિજય માંગુકિયાએ ઓકલેન્ડ ખાતે ભારતના કોન્સુલ જનરલ ડૉ. મદન મોહન સેઠી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, આ દૌરાનો હેતુ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના ખરીદદારો અને ઉદ્યોગના હોદ્દેદારો સાથે ભારતીય નિકાસકારોના સંબંધો મજબૂત કરવાનો અને નવી વ્યાપારી તકો શોધીને લાંબા ગાળાની ભાગીદારી વિકસાવવાનો છે.
આ પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળે ન્યૂઝીલેન્ડના અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સ જેવા કે માઇકલ હિલ (Michael Hill), વોલેસ બિશપ (Wallace Bishop), હાર્ડી બ્રધર્સ (Hardy Brothers), પ્રાઉડ્સ (Prouds) અને પાર્ટ્રિજ જ્વેલર્સ (Partridge Jewellers) ના આઉટલેટ્સ અને માર્કેટની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, વેન ક્લીફ એન્ડ અર્પેલ્સ, રોબર્ટો કોઈન, મેસિકા અને ફોપ (FOPE) જેવી આંતરરાષ્ટ્રીય લક્ઝરી બ્રાન્ડ્સના માર્કેટ ટ્રેન્ડ્સનું નિરીક્ષણ કર્યું હતું.
નાણાકીય વર્ષ 2025-26માં ન્યૂઝીલેન્ડ ખાતે ભારતીય જ્વેલરીની કેટેગરીવાઈઝ નિકાસ :
- સોનાના દાગીના (Gold Jewellery) : 84% ના વધારા સાથે 17.47 મિલિયન યુએસ ડોલર.
- ચાંદીના દાગીના (Silver Jewellery) : બમણા વધીને 0.91 મિલિયન યુએસ ડોલર.
- કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ (CPD) : 5.76 મિલિયન યુએસ ડોલર.
- લેબ-ગ્રોન ડાયમંડ (LGD) : 2% વધીને 0.63 મિલિયન યુએસ ડોલર.
- ઈમિટેશન જ્વેલરી : 13.16% ના વધારા સાથે 0.43 મિલિયન યુએસ ડોલર.
આ આંકડા સ્પષ્ટ કરે છે કે ન્યૂઝીલેન્ડના બજારમાં તૈયાર દાગીના (Finished Jewellery) ની માંગ ઝડપથી વધી રહી છે. એફટીએ (FTA) ની મદદથી માર્કેટ એક્સેસ સરળ બનતા ભારતના સોના, હીરા, કલર સ્ટોન્સ અને સર્ટિફાઇડ આભૂષણો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નવી તકોના દ્વાર ખુલશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















