DIAMOND CITY NEWS, SURAT
જાણીતા ગાયિકા રેખા ભારદ્વાજે હમણાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમના ગુરુ ગુલઝાર સાહેબે તેમને એકવાર કહ્યું હતું કે સફળતા પોતાની શરતો પર મેળવવી. પોતાની શરતે સફળતા એટલે પોતે સ્વીકારેલા રસ્તે, પોતાનાં મૂલ્યો, સિદ્ધાંતો, નિયમો અને પ્રાથમિકતાને વળગી રહીને આગળ વધવું તે. પોતાની શરતો પર સફળતા મેળવનાર એક એવા યુવાનની વાત કરવી છે જેમણે નાની ઉંમરે ઇતિહાસ સર્જી દીધો છે. સુરતના ઇતિહાસમાં પહેલીવાર કોઇ સુરતનો યુવાન ટીવીના રિયાલિટી શો શાર્ક ટેંક ઇન્ડિયામાં જજ તરીકે ગયો. સુરત અને ગુજરાત માટે આ ગૌરવની વાત છે અને યુવાને જે કેડી કંડારી છે તે આજના અનેક યુવાનોને પ્રેરણા આપે તેવી છે.
ડાયમંડ સિટી ન્યુઝ પેપરની વ્યક્તિ વિશેષ કોલમમાં આ વખતે સોલાર ઉત્પાદનમાં ભારતની સૌથી મોટી કંપનીઓમાંની એક રેઝોન સોલારના સંસ્થાપક અને ડિરેક્ટર છે…
શાર્ક ટેન્ક ઇન્ડિયામાં ભાગ લેવો એ પોતે જ એક સિદ્ધિ છે પરંતુ ચિરાગ નાકરાણી શાર્ક ટેંક ઇન્ડિયાની સિઝન-4માંજજ સાથે બેઠા આ એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ શોમાં અનુપમ મિત્તલ, અમન ગુપ્તા, નમિતા થાપર, રિતેશ અગ્રવાલ જેવા બિઝનેસના ખેરખાં હતા.
ચિરાગનું મૂળ ગામ અમરેલીનું લિલિયા, પરંતુ તેમના પિતા વર્ષોથી સુરત આવ્યા હતા એટલે ભણતર અને ઉછેર સુરતમાં જ થયો. ચિરાગને ભણવામાં રસ ઓછો હતો, પરંતુ તેમને ટેક્નોલૉજીમાં રસ હતો, તે કેવી રીતે બને છે, તેને અનોખા ઉપકરણોમાં કેવી રીતે વિકસાવવામાં આવે છે, અને તેને કેવી રીતે આગળ વધારી શકાય. જે તેમના બાળપણથી 1990ના દાયકાના ટેક્નોલૉજી બૂમ સુધી તેમનામાં વિકસ્યું.
તેમના પિતા ખેતી છોડીને સુરત આવ્યા ત્યારે આર્થિક સ્થિતિ એટલી સધ્ધર નહોતી, પરંતુ પિતાએ શરૂઆતમાં હીરાઉદ્યોગમાં નસીબ અજમાવ્યું અને પછી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગયા. પિતા રિયલ એસ્ટેટના વ્યવસાયમાં રોકાયેલા હોવાથી, એક વ્યાપારી પરિવારમાં ઉછરેલા ચિરાગને સૌભાગ્યે શિસ્ત, મહેનત અને વ્યવસાય ચલાવવાની પદ્ધતિઓ કેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ચિરાગ કહે છે કે તેમનું મોટાભાગનું પ્રારંભિક શિક્ષણ અને પ્રેરણા તેમના પિતા પાસેથી મળી હતી, જે હંમેશા તેમના આદર્શ રહ્યા છે. ચિરાગ કોલેજ ડ્રોપ આઉટ કરીને બિઝનેસમાં આવ્યા.
શરૂઆતમાં, ચિરાગ પરિવારના રિયલ એસ્ટેટ બિઝનેસમાં સક્રિય રીતે સામેલ હતા, પરંતુ રિયલ એસ્ટેટ બિઝનેસમાં નવીનતા અને સર્જનાત્મકતાના નહોતી જે ચિરાગને જોઇતી હતી. તેઓ પોતાની જાતને આગળ વધારવા માંગતા હતા. ચિરાગ એવું કંઈક બનાવવા માંગતા હતા જે સમાજ માટે ફાયદાકારક હોય. ૨૦૧૭માં, તેમણે તેમના મિત્ર હાર્દિક કોઠિયા સાથે ભાગીદારી કરી અને તેમણે રેઝોન સોલરની સ્થાપના કરી જે આજે 8વર્ષમાં ભારતની સૌથી સોલાર ઉત્પાદક કંપનીઓમાંની એક બની ગઇ છે.
2017માં 1 કરોડ રૂપિયાના રોકાણથી રેઝોન સોલારની શરૂઆત કરી
ચિરાગને સોલાર એનર્જિ ઉદ્યોગમાં બિલકુલ અનુભવ ન હોવા છતાં તેમણે અને અન્ય સભ્યો દરરોજ 100-સોલર-પેનલ-પ્રતિ-દિવસના નાના પાયે ઉત્પાદન એકમ સાથે રેઝોન સોલાર સ્થાપવામાં સફળ રહ્યા. ઉત્પાદનમાં કોઈપણ ટેકનિકલ જ્ઞાન વિના શરૂઆત કરી. કોઇ પણ બિઝનેસને આગળ વધારવામાં પડકારો અને સંઘર્ષો તો આવવાના જ, ચિરાગે પણ ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો, ખાસ કરીને કુશળ ટીમ બનાવવા. ચિરાગ નાકરાણીએ કહ્યું કે, શરૂઆતમાં મેં અને મારા મિત્ર હાર્દિકે એટલી મહેનત કરી કે રાત્રે અમે ફેકટરી પર જ સુઇ જતા, દરેક કામ અમે જાતે કરતા હતા, કારણ કે, કંપનીને આગળ લઇ જવાનું લક્ષ્ય હતું. માત્ર 1 કરોડ રૂપિયાના રોકાણથી શરૂઆત કરી અને આજે 8 વર્ષમાં 2800 કરોડ રૂપિયાની કંપની બની ગઇ. રેઝોન સોલાર કંપની કરંજ, માંડવી રોડ, કિમમાં આવેલી છે.
શાર્ક ટેંકમાં જજ તરીકે 2 કંપનીઓમાં રોકાણ કર્યું…
સુરતનો 31 વર્ષનો એક યુવાન છેલ્લાં ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. ટીવી પર આવતો લોકપ્રિય રિયાલિટી શો શાર્ક ટેંક ઇન્ડિયાની સિઝન-4માં શાર્ક બનવાની તક મળી. આ ગૌરવ લેવા જેવી વાત છે, કારણ કે, સુરતનો કોઇ યુવાન આજ સુધી શાર્ક ટેંક ઇન્ડિયાનો જજ બન્યો નથી. આ યુવાને આ શોમાં જજ બનીને ઇતિહાસ રચી દીધો છે. એકદમ વિનમ્ર, શોબર, દીર્ધદ્રષ્ટિ અને લોંગ ટર્મનું વિઝન આ યુવાન ધરાવે છે. આ યુવાને એવા બિઝનેસમાં ખેડાણ કર્યું, જેનો તેમને બિલકુલ અનુભવ નહોતો, છતા આત્મવિશ્વાસ એટલો હતો કે સફળતાના શિખરો પર ઝડપથી પહોંચી ગયો.
શાર્ક ટેંક ઓફ ઇન્ડિયાના શાર્ક બનવાનો આ રીતે ચાન્સ મળ્યો
ચિરાગ નાકરાણીએ કહ્યું કે, શાર્ક ટેંકમાં ઇકો પ્રીમિયર કરીને એક એપિસોડ આવે છે, જેમાં એ લોકો એવા ચહેરાની શોધ કરી રહ્યા હતા, જે રિન્યૂએબલ એનર્જિ ફિલ્ડમાં હોય. તેમને ક્યાંકથી મારું નામ મળ્યું હશે એટલે મને શોમાં શાર્ક તરીકે આમંત્રણ આપવામાં આવ્યું. 2 એપિસોડમાં શાર્ક બનવાનો મોકો મળ્યો અને મુંબઇના ગોરેગાંવમાં આવેલા ફિલ્મસિટી સ્ટુડીયોમાં શૂટિંગ થયું હતું. શાર્ક દરમિયાન 2 કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. એક ઇકો ઓઇલ, જે બળી ગયેલા તેલને ભેગું કરીને બાયોડીઝલ બનાવે છે અને બીજું ભવિષ્ય પ્લાસ્ટ, તુટેલા ચોખા ભેગા કરીને અલગ અલગ પ્રોડક્ટ બનાવે છે. ચિરાગે કહ્યું કે, આ સૉલ્યુશનની પેટન્ટ પણ મેં લઇ લીધી છે.
આ વર્ષમાં કંપનીમાં મોટી આગ લાગી, પરંતુ ચિરાગ હિંમત ન હાર્યા
આ વર્ષમાં 31 જાન્યુઆરીએ કંપનીના ગોડાઉનમાં મોટી આગ ફાટી નીકળી હતી અને મોટું નુકસાન થયું હતું. કદાચ કોઇક બીજો યુવાન હતે તો ભાંગી પડતે, પરંતુ આ તો કાઠિયાવાડી બચ્ચો અને પાછું સાહસ તો લોહીમાં જ હતું એટલે ચિરાગે રોદણા રડવાને બદલે કંપનીને ફરી ઊભી કરવા મહેનત કરી અને ગાડી લાઇન પર આવી ગઇ.
રેઝોન સોલાર વર્ષે દિવસે 43 કરોડથી વધુ યુનિટ વીજળીનું ઉત્પાદન કરે છે.
નાકરાણીએ કહ્યું કે, રેઝોન સોલાર અત્યારે 6 ગીગાવૉટ (6 અબજ વૉટ) વીજળીનું ઉત્પાદન કરે છે. પ્લસ આ વર્ષે હજુ બીજા 2 ગીગાવૉટની ક્ષમતા ઉમેરીશું, એટલે ટોટલ 8 ગીગાવૉટનું ઉત્પાદન થશે. એક કરોડ પેનલ એક વર્ષમાં વેંચી છે. તેમણે કહ્યું કે, અમારી પેનલથી વર્ષે 43 કરોડથી વધુ યુનિટ વીજળીનું ઉત્પાદન થાય છે.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની ભવિષ્યમાં કેવી અસર પડશે?
ચિરાગ નાકરાણીને અમે સવાલ પૂછ્યો કે, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની ભવિષ્યમાં કેવી અસર પડશે? તો તેમણે કહ્યું કે, કેટલાંક લોકો AI વિશે નેગેટીવ વાત કરશે તો કેટલાંક લોકો પોઝિટીવ વાત કરશે. હું પોતે AIને હકારાત્મક તરીકે જોઉ છું. AI કામ ઘણું આસાન કરી દેશે. એવો ડર કાઢી નાંખવાની જરૂર છે કે AIને કારણે લોકોની જરૂરિયાત નહીં રહે. મારું માનવું છે કે લોકોની જરૂર તો રહેવાની જ. સ્કીલ વર્કરની હંમેશા જરૂરિયાત રહેશે.
ચિરાગ નાકરાણીને ક્રિકેટનો જબરો શોખ છે.
ચિરાગ પોતાના બિઝનેસ ઉપરાંત ક્રિકેટમાં પણ જબરો શોખ ધરાવે છે. સમય મળે ત્યારે ક્રિકેટ રમી લે છે. આ ઉપરાંત તેમને વાંચન અને મુસાફરીનો પણ શોખ છે. તેમણે ઘણી જગ્યાઓની મુલાકાત લીધી છે, જ્યાં તેમને વિશ્વભરની સંસ્કૃતિઓ અને ઉદ્યોગોની વિવિધતાનો લાભ મળ્યો છે. તેમની યાત્રાઓમાં યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, ગ્રીસ અને એશિયાના અન્ય ભાગોનો સમાવેશ થતો હતો, જેનાથી તેમનો વિશ્વ દૃષ્ટિકોણ વ્યાપક બન્યો.
સાચી મહેનત અને વિશ્વાસ તમને સફળતાના રસ્તે લઇ જશે
અમે નાકરાણીને પૂછ્યું કે નવી પેઢીને ખાસ કરીને યંગ એન્ટરપ્રિન્યોરને શું મેસેજ આપશો? તેમણે કહ્યું કે, આજના યુવાનોએ એ વિચારધારા છોડવાની જરૂર છે કે રાતોરાત કઇંક મેળવી લઉં. આવું ક્યારેય શક્ય બનતું નથી. માત્ર સાચી મહેનત અને તમારો આત્મવિશ્વાસ જ તમને સફળતાના રસ્તે લઇ જાય. ધીમી ગતિએ ચાલવું, પરંતુ મક્કમ વિશ્વાસ અને ધીરજ સાથે ચાલવું તો સફળતા ચોક્કસ મળશે. નાકરાણીએ કહ્યું કે જો કોઇ યુવાનની બિઝનેસ પ્રત્યે ધગશ હશે, વિઝન ક્લીયર હશે તો એવા યુવાનોમાં હું પોતે ઇન્વેસ્ટમેન્ટ કરીશ. જો કોઇ યુવાન બદલાવ લાવવા માંગે છે અથવા કઇંક નોખું કરવા માંગે છે તો contact@rayzonenergies.com અથવા info@rayzonenergies.com આ ઇમેલ આઇડી પર મારો સંપર્ક કરી શકે છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel
























