DIAMOND CITY NEWS, SURAT
કેનેડાના થીજી ગયેલા રણ પ્રદેશમાં હીરાની ખાણકામમાં નવો ઇતિહાસ રચનાર રિયો ટિંટોની ‘ડાયવિક ડાયમંડ માઈન’ (Diavik Diamond Mine) એ ૨૩ વર્ષના સફળ સંચાલન બાદ તેના ઉત્પાદન પર પૂર્ણવિરામ મૂક્યું છે.
આ ખાણમાંથી અત્યાર સુધીમાં ૧૫૦ મિલિયન (૧૫ કરોડ) કેરેટથી પણ વધુ રફ હીરાનું ઉત્પાદન મેળવી વિશ્વભરમાં ખ્યાતિ મેળવી હતી. આ સાથે જ કેનેડાના માઈનિંગ ઉદ્યોગના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે.
પડકારજનક વાતાવરણમાં સફળતાની ગાથા
આર્કટિક સર્કલથી ૨૨૦ કિલોમીટર દક્ષિણે આવેલા ‘લેક ડી ગ્રાસ’ (Lac de Gras) ની નીચે ૧૯૯૧માં આ ખાણની શોધ થઈ હતી. વર્ષ ૨૦૦૩થી અહીં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું.
રિયો ટિંટો આયર્ન એન્ડ ટાઇટેનિયમ અને ડાયમંડ્સના મેનેજિંગ ડિરેક્ટર સોફી બર્ગેરોને જણાવ્યું હતું કે, “૪૦ વર્ષ પહેલાં બહુ ઓછા લોકો માનતા હતા કે કેનેડામાં હીરા હશે. થીજી ગયેલા તળાવની નીચે ખાણકામ કરવું એ વિશ્વના સૌથી મુશ્કેલ પડકારોમાંનો એક હતો, જે આજે વિઝન અને દ્રઢ નિશ્ચયને કારણે વાસ્તવિકતા બનીને ઈતિહાસમાં નોંધાયો છે.”
વિશિષ્ટ હીરા અને આધુનિક પદ્ધતિ
ડાયવિક ખાણમાં કુલ ચાર કિંબરલાઇટ પાઇપ્સ (Kimberlite pipes) આવેલી હતી, જ્યાં ઓપન-પિટ અને અંડરગ્રાઉન્ડ બંને પદ્ધતિથી માઈનિંગ કરવામાં આવતું હતું.
અહીંથી મુખ્યત્વે ઉચ્ચ ગુણવત્તાના સફેદ (Gem-quality white diamonds) હીરા અને ક્યારેક અત્યંત દુર્લભ એવા પીળા હીરા પણ મળી આવતા હતા.
ખાણના ચીફ ઓપરેટિંગ ઓફિસર મેથ્યુ બ્રીને આ દિવસને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ આદિવાસી ભાગીદારો અને આધુનિક માઈનિંગ કંપની વચ્ચેના સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ભવિષ્યનું આયોજન અને પુનઃસ્થાપન (Reclamation)
ઉત્પાદન ભલે બંધ થયું હોય, પરંતુ રિયો ટિંટોની જવાબદારી હજુ પૂરી થઈ નથી. ખાણ બંધ કરવાનું આયોજન કામગીરી શરૂ થઈ તે પહેલાં જ કરી લેવામાં આવ્યું હતું.
- લેન્ડ રિક્લેમેશન : વર્ષ ૨૦૨૯ સુધી ખાણ વિસ્તારની જમીનને પુનઃ સ્થાપિત કરવાની પ્રક્રિયા ચાલશે.
- મોનિટરિંગ : ૨૦૨૯ પછી પણ પર્યાવરણ અને જૈવવિવિધતાની સુરક્ષા માટે મોનિટરિંગ ચાલુ રહેશે.
- વેચાણ : ખાણમાંથી નીકળેલા અંતિમ રફ હીરાને પોલિશ કરીને વર્ષ ૨૦૨૬ સુધી રિયો ટિંટોના ગ્લોબલ નેટવર્ક અને ‘સિલેક્ટ ડાયમન્ટેર’ (Select Diamantaires™) દ્વારા વેચવામાં આવશે.
સમાજ અને અર્થતંત્ર પર પ્રભાવ
ડાયવિક ખાણના સમાપન પ્રસંગે આદિવાસી સરકારો અને સરકારી પ્રતિનિધિઓ માટે એક ખાસ સમારોહ યોજાયો હતો. આ ખાણે નોર્થવેસ્ટ ટેરિટરીઝના સામાજિક-આર્થિક વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. ખાણ બંધ થવાથી હજારો રોજગારી પર અસર પડશે, જોકે કંપનીએ વચન આપ્યું છે કે તેઓ સ્થાનિક સમુદાયો અને પર્યાવરણ પ્રત્યેની તેમની જવાબદારીઓ પૂર્ણ કરશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















