Dubai Diamond Exchange Expands Board with Three Industry Leaders to Strengthen Global Leadership
(સૌજન્ય : GJEPC)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

દુનિયાભરમાં કિંમતી રત્નો અને હીરા ઉદ્યોગના સૌથી મોટા વેપારી હબ તરીકે ઉભરી આવેલા દુબઈ ડાયમંડ એક્સચેન્જે (DDE) પોતાની વૈશ્વિક પકડ, સુશાસન અને રિસ્પોન્સિબલ સોર્સિંગને વધુ સખત બનાવવા માટે પોતાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મોટો વિસ્તાર કર્યો છે.

દુબઈ મલ્ટી કોમોડિટીઝ સેન્ટર (DMCC) ના ભાગ એવા DDE એ હીરા ઉદ્યોગના આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ ત્રણ મહાનુભાવો—નેઇલ વેન્ચુરા, વેઇઝાંગ લિયાંગ અને વફા જાફરીની બોર્ડમાં સત્તાવાર નિમણૂક કરી છે. આ હાઈ-પ્રોફાઈલ નિમણૂકોથી ભારત (ખાસ કરીને સુરત) અને બેલ્જિયમ જેવા મોટા હીરા કેન્દ્રો સાથે દુબઈની સ્પર્ધાત્મક ક્ષમતામાં અનેકગણો વધારો થવાની સંભાવના છે.

આ પાવરફુલ બોર્ડની કમાન હંમેશની જેમ DMCC ના એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અહેમદ બિન સુલેયમના હાથમાં જ રહેશે.

બોર્ડમાં નવા સામેલ થયેલા સભ્યો હીરાના માઇનિંગથી લઇને પોલિશ્ડ માર્કેટિંગ સુધીનો બહોળો અનુભવ ધરાવે છે, જેની વિગત નીચે મુજબ છે :

  • નેઇલ વેન્ચુરા (Neil Ventura) : તેઓ બોર્ડના સભ્ય અને સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળશે. વૈશ્વિક ડાયમંડ જાયન્ટ ‘ડી બિયર્સ’ (De Beers) અને એંગ્લો અમેરિકન જેવી કંપનીઓમાં સિનિયર મેનેજમેન્ટ પદો પર રહી ચૂકેલા નેઇલ વેન્ચુરા પાસે માઇનિંગ, ટ્રેડિંગ અને જ્વેલરી ટેકનોલોજીનો ૩૫ વર્ષથી વધુનો બહોળો અનુભવ છે.
  • વેઇઝાંગ લિયાંગ (Weizhang Liang) : ચીનના હીરા બજારના કિંગમેકર ગણાતા વેઇઝાંગ લિયાંગ ગુઆંગઝુ ડાયમંડ એક્સચેન્જના પૂર્વ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે અને ૧૫ વર્ષથી વધુ સમય સુધી ચીનના કિમ્બર્લી પ્રોસેસના ફોકલ પોઇન્ટ રહ્યા છે. તેમણે વર્ષ ૨૦૨૫ માં યુએઈની કિમ્બર્લી પ્રોસેસ ચેરમેનશીપને મહત્વની સલાહ આપી હતી.
  • વફા જાફરી (Wafa Jaffery) : DMCC ની પ્રેશિયસ સ્ટોન્સ ટીમમાં લાંબા સમયથી સક્રિય વફા જાફરી વર્ષ ૨૦૨૬ માં વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ (WDC) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચૂંટાયા છે. તેઓ કિમ્બર્લી પ્રોસેસ ટાસ્ક ફોર્સ અને રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ (RJC) ના સ્ટાન્ડર્ડ કમિટીના પણ સભ્ય છે.

વૈશ્વિક સપ્લાય ચેઈન અને દુબઈનું સ્થાન

દુબઈ ડાયમંડ એક્સચેન્જ હાલમાં રફ અને પોલિશ્ડ હીરા, રંગીન રત્નો અને મોતી માટે વિશ્વની સૌથી મોટી હરાજી (ટેન્ડર) સુવિધા પૂરી પાડે છે. તે ખાણ માલિકો (માઇનર્સ), ઉત્પાદકો (જેમ કે સુરતના ડાયમંડ મેન્યુફેક્ચરર્સ), વેપારીઓ અને રિટેલર્સને એક જ પ્લેટફોર્મ પર જોડે છે. વિશ્વમાં રફ હીરાના વેપારમાં બેલ્જિયમને પછાડીને દુબઈ મોખરે નીકળી ગયું છે, ત્યારે આ નવી ટીમ દુબઈને પોલિશ્ડ હીરાના વેપારમાં પણ નંબર વન બનાવવાનો લક્ષ્યાંક ધરાવે છે.

નિમણૂકો અંગે ખુશી વ્યક્ત કરતા DDE ના ચેરમેન અહેમદ બિન સુલેયમે જણાવ્યું હતું કે, “દુબઈ ડાયમંડ એક્સચેન્જની તાકાત હંમેશા DMCC ના પ્રેશિયસ સ્ટોન્સ ઇકોસિસ્ટમની અતુલ્ય કુશળતા પર નિર્ભર રહી છે. આ નવી નિમણૂકો એ ઉચ્ચ સ્તરીય નેતૃત્વનું પ્રતિબિંબ છે જે DMCC એ વર્ષોની મહેનતથી ઉભું કર્યું છે. આનાથી હીરા અને કિંમતી રત્નોના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં મુખ્ય વૈશ્વિક કેન્દ્ર તરીકે દુબઈનું સ્થાન વધુ મજબૂત અને અડીખમ બનશે.”

વૈશ્વિક સ્તરે સિન્થેટિક અને નેચરલ હીરાના બદલાતા નિયમો વચ્ચે દુબઈની આ નવી લીડરશિપ આગામી સમયમાં નવી નીતિઓ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant