DIAMOND CITY NEWS, SURAT
વિશ્વની અગ્રણી ડાયમંડ માઈનિંગ કંપની અલરોસા (ALROSA) એ વર્ષ 2025ના તેના વાર્ષિક અહેવાલમાં ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે.
કંપનીના જણાવ્યા અનુસાર, તેના ‘ડાયમંડ એક્સક્લુઝિવ’ પ્રોગ્રામ હેઠળ ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ પોલિશ્ડ હીરાના વેચાણમાં 2024ની સરખામણીએ 40%નો જંગી વધારો નોંધાયો છે. રશિયાના સ્થાનિક બજારમાં શ્રીમંત ગ્રાહકો હવે સોનાની જેમ હીરાને પણ સુરક્ષિત રોકાણ તરીકે અપનાવી રહ્યા છે.
VAT મુક્ત ખરીદી અને પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન
રશિયન બેંકોના ગ્રાહકો માટે શરૂ કરવામાં આવેલી ખાસ યોજના હેઠળ, રોકાણકારો VAT (વેલ્યુ એડેડ ટેક્સ) ચૂકવ્યા વગર ઉચ્ચ ગુણવત્તાના હીરા ખરીદી શકે છે.
આ રોકાણકારોમાં મુખ્યત્વે 2 કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા રંગહીન (Colorless) હીરા અને દુર્લભ ફેન્સી-કલર હીરાની માંગ સૌથી વધુ છે.
અલરોસાના કોર્પોરેટ ફાઇનાન્સ હેડ સર્જેઈ તાખીવે જણાવ્યું હતું કે, બજારની અનિશ્ચિતતા અને ફુગાવા સામે રક્ષણ મેળવવા માટે સંપત્તિનું વૈવિધ્યકરણ (Diversification) કરવાના ઈરાદાથી લોકો હીરા તરફ વળી રહ્યા છે.
દુર્લભતા અને ભાવવધારાની પ્રબળ શક્યતા
રોકાણ માટે યોગ્ય ગણાતા ઉચ્ચ ગુણવત્તાના હીરાની બજારમાં ભારે અછત વર્તાઈ રહી છે. સર્જેઈ તાખીવે ભારપૂર્વક જણાવ્યું હતું કે: “સમગ્ર વિશ્વમાં હીરાના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે.
ખાસ કરીને 3 કેરેટ કે તેથી વધુ વજનના હીરા, જે રોકાણ માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે, તે કુલ ઉત્પાદનના માત્ર 1% થી 2% જ હોય છે. આ કેટેગરીમાં અછત પહેલેથી જ સર્જાઈ ચુકી છે, જેના કારણે આગામી સમયમાં ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.”
પ્રીમિયમ જ્વેલરી સેક્ટરમાં પણ તેજી
માત્ર છૂટા હીરા જ નહીં, પણ રોકાણ-ગ્રેડના હીરા જડેલી પ્રીમિયમ જ્વેલરીની માંગમાં પણ ગત વર્ષે 30%નો વધારો જોવા મળ્યો છે. આ સેગમેન્ટમાં કંપનીની આવકમાં 28%ની વૃદ્ધિ થઈ છે.
નિષ્ણાતો માને છે કે રશિયા પરના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને વિદેશી ચલણના રોકાણમાં રહેલી મર્યાદાઓને કારણે રશિયન રોકાણકારો હીરા જેવી ભૌતિક સંપત્તિને સૌથી સુરક્ષિત માની રહ્યા છે.
આ ટ્રેન્ડ સૂચવે છે કે હીરા હવે માત્ર શણગારની વસ્તુ નથી રહ્યા, પરંતુ તે શેરબજાર કે રિયલ એસ્ટેટની જેમ જ એક મહત્વપૂર્ણ નાણાકીય સાધન તરીકે ઉભરી આવ્યા છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















