ચાલ આજ તારો ને મારો સંગમ થાય, એમાં મેઘ મળે તો ત્રિવેણિનું સર્જન થાય

વરસાદ એટલે આંખો બંધ કરવા છતાં ભીતર વસી જતું લીલું-લીલું દૃશ્ય! વરસાદ એટલે મુઠ્ઠી બંધ હોવા છતાં તેમાં ઉતરી જતું મેઘધનુષ્ય!

Diamond City 394 Adhi Akshar Article-Kalpna Gandhi-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

Diamond City 394 Adhi Akshar Article-Kalpna Gandhi-2

વરસાદ… એક વરસાદ સાર્વજનિક હોય છે. એક વરસાદ વ્યક્તિગત હોય છે. જેમાં એક ‘તારો વરસાદ’ હોય છે, એક ‘મારો વરસાદ’ હોય છે! આ ‘હમ-તુમ’વાળો વરસાદ બસ એવા હૈયાઓને જ સમજાય છે, જે પોતે કદી ધોધમાર વરસી શક્યા હોય! વરસાદ વરસે ત્યાં વરસે છે, કોના પર વરસે છે, કોણ સાથે હોય ત્યારે વરસે છે ને કેવી રીતે વરસે છે એ બધું  મળીને નક્કી કરે છે કે વરસાદ એટલે શું? થોડાક ઉત્તરો પીરસું છું, ઝાઝા પ્રશ્નો જગાવી શકે, એવી દુઆ સાથે…

વરસાદ એટલે આંખો બંધ કરવા છતાં ભીતર વસી જતું લીલું-લીલું દૃશ્ય! વરસાદ એટલે મુઠ્ઠી બંધ હોવા છતાં તેમાં ઉતરી જતું મેઘધનુષ્ય! વરસાદ એટલે એક કોમળ અને એક કઠોર હથેળી વચ્ચે પાંખો ફફડાવતું પતંગિયું! વરસાદ એટલે રૂંવાડે લખાતી લિપિ ને હોઠોથી સુંઘાતી ખુશ્બૂ! વરસાદ એટલે બૂંદોની ચાપથી લોહીમાં ઉપડતો કરંટ! વરસાદ એટલે એવું જળ જેનાથી આગ લાગી જાય છે!

વરસાદ એટલે એવું ગાંડપણ જે તમારા શાણપણની શરમ ભરતો નથી! વરસાદ એટલે એવી ગૂફ્તગૂ જ્યાં વાત કરવા માટે હોઠોથી બોલવું પડતું નથી! વરસાદ એટલે એવો કોઈ સંદેશ જેને ફોરર્વડ કરવા એસએમએસ કરવો પડતો નથી! વરસાદ એટલે કુદરતે કરેલી એવી વ્યવસ્થા કે તમે બંને જણા ગમે તેટલા દૂર હોવ, એ તમને એક સાથે ભીંજવી શકે છે!

વરસાદ એટલે એવી પાણીદાર ચાવી જે પટારામાં બંધ સ્મરણોના તાળા ચુટકી બજાવીને ખોલી શકે છે! વરસાદ એટલે એવું આમંત્રણ જેનું નિમંત્રણ તમારું સુખ-ચેન હરી શકે છે, ચાહે સ્વીકારો કે નકારો! વરસાદ એટલે એવી અલ્લહડ-ગુસ્તાખ છોકરી જેને તમારી સાથે રમતાં તમે ચાહીને પણ રોકી શકતા નથી! વરસાદ એટલે ડાહ્યા માણસને પજવતો ગાંડો વરસાદ!

વરસાદ એટલે એવી ભાષા જેમાં કલમ ઝબોળો પછી ગણિત પણ કાવ્યની જેમ લખી શકાય છે! વરસાદ એટલે એવું તીર જે હ્રદયની દિવાલો પર લાલઘૂમ નિશાની મૂકી જાય છે! વરસાદ એટલે એવો સર્જક જે એક છત્રી પકડીને ઊભેલા બે જણાની વીસ આંગળીમાં એક સામટા ફૂલ ખીલવી જાય છે! વરસાદ એટલે કાગડો થઈ ઊડી ગયેલી છત્રીને મનોમન થેંક્યું કહેતાં બે મુગ્ધ તન-મન!

વરસાદ એટલે પવનના પાલવ પર મોતીથી લખાતી ગઝલ અને પછી ઘેઘૂર આંખોમાં ઘેનની ઉગતી ફસલ! વરસાદ એટલે એવા ટકોરા જે રીસના દરવાજા ખોલી નાખે છે! વરસાદ એટલે એવું અનોખું પંખી જે ઉડતું-ઉડતું ઉપરથી નીચે આવે છે ને આવતાં-આવતાં પ્રેમ બની જાય છે! વરસાદ એટલે રચાયેલો એવો તખ્તો જ્યાં પ્રેમ, રાત ને જાગરણ મળે ત્યારબાદ કેવળ શૂન્ય બચી જતું હોય છે.

વરસાદ એટલે એવું વોલપેપર જે દરેક દિલમાં ક્યાંક ને ક્યાંક ડાઉનલોડ થયેલું હોય જ છે! વરસાદ એટલે એવી કવિતા જેના શબ્દો ફક્ત ચાર હોઠો વચ્ચે જ કાંપતા હોય છે! વરસાદ એટલે એવી વાર્તા જેને બે જણાં દિલથી જીવતા હોય છે! વરસાદ એટલે એવું ગીત જે બે પ્રણય મુગ્ધ હૈયામાં ગવાતું હોય છે!

વરસાદ એટલે એવું વરદાન જેને માટે તપ કરવું પડતું નથી! વરસાદ એટલે એવો ઉત્સવ જેને ઉજવવા ઘરને મીણબત્તીથી નહિ પણ મનને મુહબ્બતથી શણગારવાનું હોય છે. વરસાદ એટલે એવી જાહોજલાલી જે પ્રેમમાં હોવ ત્યારે જ પોષાય છે! વરસાદ એટલે એવો નશો જેને પ્રેમના પિયાલામાં ભરી ઘૂંટડે-ઘૂંટડે પીવાય છે! વરસાદ એટલે એવું લખાણ જેને વાંચવા નજરોમાં ભીનાશ જોઈએ! વરસાદ એટલે એવું પતન જેમાં પ્રેમીઓ ઊડી શકતા હોય છે! વરસાદ એટલે એવી પ્રેમકથા જેને વાંચવાની હોંશ હરેક પ્રેમીને હોય છે!

વરસાદ એટલે પ્રેમની ગીતા, પ્રેમનું કુરાન અને પ્રેમનું બાઈબલ! વરસાદ એટલે ધરતીને હસતી-રમતી રાખવા માટે કરાતું આકાશનું રૂદન! વરસાદ એટલે એવું તોરણ જે બસ પરમાત્મા જ બાંધી શકે ને પરમાત્મા જ ઉતારી શકે! વરસાદ એટલે તમને-મને મારી-તમારી લાયકાત વગર રાધા-કૃષ્ણના વિહરી મનની અવસ્થાનું ભાન કરાવનાર આનંદધારા! વરસાદ એટલે એવું કંઈક અસથ્ય પામવાનું સુખ, જેની શોધ કરવાની સમજ પણ આપણામાં નથી હોતી!

વરસાદ એટલે એવો અંધકાર જેનો શણગાર સજી ધરતી નવોઢાની જેમ રોશન-રોશન થઈ જાય છે! વરસાદ એટલે એવી કુરિયર સર્વિસ જેમાં ભગવાન માણસ માટે પ્રેમ અને સત્ય મોકલાવે છે! વરસાદ એટલે એવી યાત્રા જે આકાશ ધરતીને મળવા માટે આદરે છે! વરસાદ એટલે સરિતાને વેગવાન થઈ દોડવા માટે સાગર દ્વારા (વાયા વાદળ) મોકલાવેલા પગ! વરસાદ એટલે અહંકારને ધોઈ નાખવા માટે ઈશ્વરે વરસાવેલું જળ! વરસાદ એટલે એવી મહેક જેની બરાબરી કોઈ અત્તર કરી શકે નહિ! વરસાદ એટલે એવી પૂર્ણતા જે આપણને આપણા અધૂરાપણાની મધૂરતા હળવે-હળવે સમજાવતી રહે છે! વરસાદ એટલે એવો કોલાહલ જે શુષ્ક શાંતિ કરતાં વધુ મનગમતો લાગે છે!

(વરસાદ એટલે એવું ગાંડપણ જે તમારા શાણપણની શરમ ભરતો નથી! વરસાદ એટલે એવી ગૂફ્તગૂ જ્યાં વાત કરવા માટે હોઠોથી બોલવું પડતું નથી! વરસાદ એટલે એવો કોઈ સંદેશ જેને ફોરર્વડ કરવા વોટ્સઅપ કરવો પડતો નથી! વરસાદ એટલે કુદરતે કરેલી એવી વ્યવસ્થા કે તમે બંને જણા ગમે તેટલા દૂર હોવ, એ તમને એક સાથે ભીંજવી શકે છે!)

વરસાદ એટલે એવું પાત્ર જેના વગર કોઈપણ પ્રેમ કહાણી અધૂરી ગણાય! વરસાદ એટલે આકાશ સરેઆમ ધરતી સાથે કરેલો ધોધમાર રોમાન્સ! વરસાદ એટલે નારાજ મનને કશુંક ખાસ યાદ અપાવવા કુદરતે મૂકેલો એલાર્મ! વરસાદ એટલે તમને કોઈ ઝુરનારાએ ઝૂમવા માટે કરેલો સાદ! વરસાદ એટલે બહેકવા, ચહેકવા, ગહેકવા માટે કોઈ વર્કાહોલિક માણસ પર રતિ-કામદેવે છોડેલું બાણ! વરસાદ એટલે ધરતીના બીજ સાથે મળીને વસુંધરાને ગર્ભવતી કરનાર આકાશ-બૂંદ!

વરસાદ એટલે તમારા ભીતરના ઝરણાંને ઝાંઝર પહેરાવવાની અને પત્થરના હોઠો પર અકળ સ્મિત ઉગાડવાની મૌસમ! વરસાદ એટલે દર્દના દીવામાં ગમગીનીનું તેલ પૂરવાની મૌસમ! વરસાદ એટલે સુખનો તડકો દાન કરીને વેદનાનો પુરસ્કાર માંગવાની મૌસમ! વરસાદ એટલે જૂના જખ્મોને ખણીખણીને નવા નક્કોર કરવાની મૌસમ! વરસાદ એટલે ભીંજાઈ-ભીંજાઈને પણ કોરા રહી ગયેલા તન-મનને તરસતું રહી જતા જોવાની મૌસમ! વરસાદ એટલે રડતાં આભ સાથે ભીડમાં એકલા-અટૂલા રડી લેવાની મૌસમ! વરસાદ એટલે વેરીને મલમનો લેપ કરવાની રીકવેસ્ટ મોકલવાની મૌસમ! વરસાદ એટલે કાતિલ પાસે ઉપચાર કરાવવાની મૌસમ! વરસાદ એટલે ચકચૂર થઈ ઝૂરવાની મૌસમ!

વરસાદ એટલે નજરમાં નશો આંજવાની મૌસમ! વરસાદ એટલે બસ એક છાલક મારીને પ્રિયતમાને માથાથી પગલગી તરબતર કરવાની મૌસમ! વરસાદ એટલે સ્પર્શની ભાષા શીખવાની-શીખવવાની મૌસમ! વરસાદ એટલે પોતાના ટેરવાથી એક મખમલી ત્વચા પર શાયરી લખવાની મૌસમ! વરસાદ એટલે ઢળેલા પોપચા પર ઝૂલતી બૂંદોને હોઠોથી ઝીલવાની મૌસમ! વરસાદ એટલે શર્ટના બટન હોલમાં દુપટ્ટાનો છેડો અટવાઈ જવાની મૌસમ! વરસાદ એટલે છત્રીની લાગણીના ખુમારમાં મસ્ત થઈ ઝૂમવાની મૌસમ!

* * *

વરસાદ મિલનનો રચિયતા છે, સર્જનહાર છે! તડકો-છાયામાં ભળી જાય એને વરસાદ કહેવાય છે! આભ ધરતીમાં ઓગળી જાય તેને વરસાદ કહેવાય છે! ઝરણું-દરિયામાં ઉતરી જાય તેને વરસાદ કહેવાય છે. કોઈ મળેલા જીવ એકાકાર થઈ જાય તેને વરસાદ કહેવાય છે; એવામાં જે કાંઠે ઊભા રહી જાય છે એને વાદળ વિયોગ-યોગમાં રડાવે છે. મજા તો જુઓ કે એ વહેતી અશ્રુધારાને પણ વરસાદ કહેવાય છે!!! પણ વરસાદ એટલે ‘તારા’ ને ‘મારા’ રણ પર વરસીને ‘તારા’ ને ‘મારા’ અસ્તિત્વને ધોધમાર કરી જતો વરસાદ!

ગોલ્ડન કી

ભીંજાઈ જવાનું કારણ દર વખતે વરસાદ જ નથી હોતો,

ક્યારેક મનગમતી યાદોનું ઝાપટું પણ પાંપણો પલાળી જાય છે..!!

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant