ડીપફેક : આ અજાણ્યા દુશ્મનથી ડરવાની જરૂર!

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવ માટે માનવ વતી અનેક કાર્યો કરી શકે છે તેમ અનેક નુકસાન પણ કરી શકે છે. તે જ રીતે ડિપફેક પણ જોખમી છે.

Deepfake Fear of this unknown enemy Aaj No Awaj Diamond City 405
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ગુજરાતીમાં કહેવત છે પોષતું તે જ મારતું. કંઈક એવું જ ટેક્નોલૉજી સાથે બની રહ્યું છે. વીતેલા બે દાયકામાં ટેક્નોલૉજીના ક્ષેત્રમાં વિશ્વએ હરણફાળ ભરી છે. 90ના દાયકામાં મોબાઇલ અને કમ્પ્યુટરનું આગમન થયું ત્યારે નવાઈ લાગતી હતી.

આપણે એક રીતે તે જમાનામાં ટેક્નોલૉજીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. કી બોર્ડ પર ટાઈપ કરી કમ્પ્યુટર પર સરળતાથી અઘરા અઘરા કામો થતાં જોવાનું સુખદ આશ્ચર્ય થતું હતું.

કમ્પ્યુટર બાદ મોબાઇલ આવ્યા. એક નંબર ડાયલ કરવાથી દૂર રહેતા મિત્રો, સંબંધીઓ સાથે વાત કરવું શક્ય બન્યું. આ મોબાઇલ પછી સ્માર્ટ ફોન બન્યા. ફોટા ખેંચ્યા, વીડિયો ઉતાર્યા અને હવે વીડિયો કોલ પણ થાય છે.

ધીમે ધીમે સોશિયલ મીડિયા આવ્યું. લોકો સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવતા થયા. પોતાના જીવનની સારી-નરસી ઘટનાના ફોટા, વીડિયો મુકતા થયા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શરૂ થયા ત્યારે કહેવાતું કે હવે વિશ્વ નાનું થયું છે.

લોકો એક ક્લીકમાં જોજનો દૂર લોકો સાથે સંપર્ક સાધી શકે છે. મિત્રતા કેળવી શકે છે. હા, એવું બન્યું. ઘણા લોકો મિત્રો બન્યા, જીવનસાથી બન્યા. ધંધામાં ભાગીદાર બન્યા.

સોશિયલ મીડિયાના પોઝિટિવ પાસાં અનેક છે. તેમાં ના નહીં, પરંતુ જેમ જેમ ટેક્નોલૉજીના ક્ષેત્રમાં માનવી પ્રગતિ સાધી રહ્યો છે તેમ તેમ જોખમોને પણ આમંત્રણ આપી રહ્યો છે.

આવું જ એક નવું જોખમ એઆઈ (AI) અને ડીપફેક બન્યું છે. એઆઈ એટલે કે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવ માટે માનવ વતી અનેક કાર્યો કરી શકે છે તેમ અનેક નુકસાન પણ કરી શકે છે.

તે જ રીતે ડિપફેક પણ જોખમી છે. નામમાં જ ફેક શબ્દનો ઉલ્લેખ છે. આ ડિપફેક કેટલું ભયાનક છે તેનું લેટેસ્ટ ઉદાહરણ હોંગકોંગની કંપની સાથે બનેલી ઘટના છે. હોંગકોંગમાં એક કંપની સાથે બનેલી ઘટનાએ બધાને વિચારતા કરી દીધા છે.

ખાસ કરીને કોઈ પણ ક્ષેત્રમાં વેપાર કરતા ઉદ્યોગકારોએ આ ઘટનાને જાણી સમજી ડિપફેકના દૂષણથી બચવા માટેના પગલાં તાત્કાલિક લેવા જોઈએ. કારણ કે વેપાર ઉદ્યોગમાં મોટા ભાગે વિશ્વાસ પર વ્યવહાર થતાં હોય છે.

વળી, હીરા ઉદ્યોગની વાત કરીએ તો અહીં એક જમાનામાં ચબરખી પર સોદા થતાં હતાં અને હવે વોટ્સએપ તથા વીડિયો કોલ પર સોદા થાય છે. કોરોનામાં જ્યારે લોકડાઉનના પ્રતિબંધો હતા ત્યારે સુરત-મુંબઈના હીરાના વેપારીઓ એન્ટવર્પના વેપારીઓ સાથે વીડિયો કોલ પર વાત કરી, વોટ્સએપ પર ઇમેજ શેર કરી સોદા પાર પાડતા હતા.

હીરા ઉદ્યોગમાં મોટા ભાગના વેપાર ટેક્નોલોજીની મદદથી થવા લાગ્યા છે ત્યારે હોંગકોંગની કંપની સાથે બનેલી ઘટનાએ વેપારી, ઉદ્યોગકારોને વિચારતાં કરી મુકી દીધા છે. ડિપફેકની સમસ્યાથી બચવા માટે વેપારી ઉદ્યોગકારોએ સાવચેત બનવું પડશે. જોકે, પહેલાં સમજીએ કે ડિપફેકની મદદથી કૌભાંડીઓએ હોંગકોંગની કંપની સાથે શું કર્યું.

વાત એમ છે કે એક બહુરાષ્ટ્રીય કંપનીની હોંગકોંગ શાખા ડીપફેકનો શિકાર બની છે. ડીપફેક ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સ્કેમર્સ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે ઊભો થયો છે. આવી મિટિંગ વિડીયો કોન્ફરન્સ કોલ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ ડીપફેકને કારણે, કંપનીની હોંગકોંગ શાખાને $25.6 મિલિયનનું નુકસાન થયું છે. હોંગકોંગમાં આ પ્રકારનો આ પ્રથમ કેસ હોવાનું કહેવાય છે.

સ્કેમર્સે કંપનીની હોંગકોંગ શાખાના કર્મચારીને શિકાર બનાવવા માટે ડીપફેકનો ઉપયોગ કર્યો છે. આ માટે તેણે કંપનીના ચીફ ફાઇનાન્સ ઓફિસર અને અન્ય ઘણા કર્મચારીઓના ડીપફેક વીડિયો બનાવ્યા. આ પછી કંપનીના કર્મચારીઓને વીડિયો કોન્ફરન્સમાં સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં તેને પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું.

હોંગકોંગમાં થયેલી આ છેતરપિંડી અંગે કંપનીના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટે પોલીસને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કૌભાંડનો ભોગ બનેલા કર્મચારીએ કોલ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલા આદેશને અનુસર્યા હતા.

તેણે 5 અલગ-અલગ બેંક ખાતામાં 15 ટ્રાન્ઝેક્શન કરીને 200 મિલિયન હોંગકોંગ ડોલર ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે કર્મચારીએ કંપનીના હેડક્વાર્ટરમાં આ અંગે પૂછપરછ કરી તો તેને ખબર પડી કે આ કૌભાંડ છે.

મામલો સામે આવ્યા બાદ હોંગકોંગ પોલીસે તપાસ શરૂ કરી છે. 2 ફેબ્રુઆરીના રોજ, હોંગકોંગ પોલીસે જણાવ્યું હતું કે એક મીટિંગ દરમિયાન પૈસાની લેવડદેવડનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ફેક વીડિયો કોલમાં માત્ર પીડિતા જ અસલી હતી, ત્યાં હાજર અન્ય તમામ લોકો ડીપફેક હતા. પોલીસે આ કેસને હોંગકોંગમાં આ પ્રકારનો પહેલો મામલો ગણાવ્યો છે.

જોકે પોલીસે કંપનીનું નામ જાહેર કર્યું નથી. કાર્યકારી વરિષ્ઠ સુપ્રિટેન્ડેન્ટ બેરોન ચાન શુન-ચિંગે જણાવ્યું હતું કે અગાઉના કેસોમાં કૌભાંડનો ભોગ બનેલા લોકોને વીડિયો કોલ દ્વારા છેતરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસે કહ્યું કે આ મામલો અલગ છે, કારણ કે આ વીડિયો કોલમાં દેખાતા તમામ માણસો નકલી છે. પોલીસે અત્યાર સુધીમાં આ મામલામાં છ લોકોની ધરપકડ કરી છે.

ડિપફેકની ભયાનક તાકાતનો પરચો ભારતની જનતાને ત્યારે મળ્યો જ્યારે ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે ચોંકાવનારી ઘટના બની હતી. રશ્મિકા મંદાનાનો સેમી ન્યુડ સમાન એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં રશ્મિકાની ક્લીવેજ દેખાઈ રહી છે. રશ્મિકાના ચાહકો આ વીડિયો જોઈ આઘાત પામ્યા હતા. રશ્મિકા પણ વીડિયો જોઈ આઘાતમાં મુકાઈ ગઈ હતી. તેણીએ ખુલાસા કરવા પડ્યા હતા.

જોકે, ખરેખર તો આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝરા પટેલનો હતો, જેને એડિટ કરવામાં આવ્યો હતો અને ઝરા પટેલનો ચહેરો રશ્મિકા મંદન્નાના ચહેરા સાથે બદલવામાં આવ્યો હતો.

આ વીડિયો સામે આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, ડીપફેક વીડિયો એ ખોટી માહિતીનું સૌથી ખતરનાક સ્વરૂપ છે. આવા વીડિયો પર સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી નક્કી થવી જોઈએ. અમિતાભ બચ્ચને પણ આ વીડિયો શેર કર્યો અને કહ્યું કે આના પર કાનૂની કાર્યવાહી થવી જોઈએ.

આ ડિપફેક ઘટનાની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી અને લોકોને ડિપફેકથી ચેતવ્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, તેમનો પણ ગરબા રમતો એક વીડિયો વાયરલ થયો છે. તે પણ ડિપફેક છે. સરકાર ડિપફેકના દૂષણને ડામવા કાયદો પણ ઘડી રહી છે.

ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ડીપફેક શું છે અને તેને ઓળખવાની રીત શું છે?

ડીપફેક શું છે?

ડીપફેક્સ ફોટા અને વિડિયો બંને હોઈ શકે છે. તે ડીપ લર્નિંગ નામના વિશિષ્ટ મશીન લર્નિંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ડીપ લર્નિંગમાં કોમ્પ્યુટરને બે વિડીયો કે ફોટા આપવામાં આવે છે અને તે જોયા બાદ તે આપમેળે વિડીયો કે ફોટા બંનેને એક સરખા બનાવે છે. તે બાળક કંઈક નકલ કરે તેવું જ છે.

આવા ફોટો વીડિયોમાં છુપાયેલા સ્તરો હોય છે જે ફક્ત એડિટિંગ સોફ્ટવેર દ્વારા જ જોઈ શકાય છે. એક લાઇનમાં ડીપફેક એ વાસ્તવિક ફોટા-વિડિયોને વધુ સારા વાસ્તવિક નકલી ફોટા-વિડિયોમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે. ડીપફેક ફોટા અને વીડિયો નકલી હોવા છતાં વાસ્તવિક દેખાય છે.

ખૂબ જ સરળ ભાષામાં કહીએ તો ડીપફેક એ એક એડિટેડ વીડિયો છે જેમાં કોઈ બીજાના ચહેરાને અન્ય કોઈના ચહેરા સાથે બદલવામાં આવે છે. ડીપફેક વીડિયો એટલા સચોટ હોય છે કે તમે તેને સરળતાથી ઓળખી શકતા નથી. તાજેતરના ઉદાહરણ માટે તમે રશ્મિકા મંદાનાનો વીડિયો જોઈ શકો છો.

જો ઝરા પટેલનો અસલી વીડિયો સામે ન આવે તો કોઈ પણ માની લે કે આ વીડિયો રશ્મિકાનો જ છે. કોઈ પણ વ્યક્તિનો ડીપફેક વીડિયો બનાવી શકાય છે. ડીપફેક વીડિયો બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગની પણ મદદ લેવામાં આવે છે.

ડીપફેક કેવી રીતે બનાવાય છે?

ડીપફેક્સ બે નેટવર્કની મદદથી બનાવવામાં આવે છે, એક એન્કોડર અને બીજું ડીકોડર નેટવર્ક. એન્કોડર નેટવર્ક મૂળ વીડિયોનું વિશ્લેષણ કરે છે અને પછી ડીકોડર નેટવર્ક પર ડેટા મોકલે છે.

ત્યાર પછી ફાઈનલ આઉટપુટ બહાર આવે છે જે બિલકુલ અસલી જેવું જ છે પરંતુ વાસ્તવમાં તે નકલી છે. તે માત્ર એક વીડિયો અથવા વીડિયોઝ લે છે. ડીપફેક માટે ઘણી બધી વેબસાઇટ અને એપ્સ છે જ્યાં લોકો ડીપફેક વીડિયો બનાવી રહ્યા છે.

ડીપફેક વીડિયો કેવી રીતે ઓળખવો?

આવા ફોટો-વિડિયોને ઓળખવા સરળ નથી પણ અશક્ય પણ નથી. તેમને ઓળખવા માટે તમારે વિડિયો ખૂબ નજીકથી જોવો પડશે. ચહેરાના હાવભાવ, આંખની હલનચલન અને બોડી લેંગ્વેજ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત તમે તેમને તેમના શરીરના રંગ દ્વારા પણ ઓળખી શકો છો.

સામાન્ય રીતે આવા વીડિયોમાં ચહેરા અને શરીરનો રંગ મેચ થતો નથી. આ સિવાય લિપ સિંકિંગ દ્વારા પણ આવા વીડિયોને ઓળખી શકાય છે. તમે સ્થાન અને વધારાની બ્રાઈટનેસ દ્વારા પણ આવા વીડિયોને ઓળખી શકો છો.

આ સિવાય તમે તમારી પોતાની સમજણથી પણ નક્કી કરી શકો છો કે આ વિડિયો રિયલ છે કે નહીં. ઉદાહરણ તરીકે, બરાક ઓબામાનો ભોજપુરી ગીત પર ડાન્સ કરતો વીડિયો નકલી હોઈ શકે છે.

ડીપફેક વીડિયો બનાવવા બદલ સજા

જો તમે મજાકમાં કોઈના ડીપફેક વીડિયો બનાવો અને શેર કરો છો તો તમારી સામે IPC કલમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. ભારે દંડ પણ થઈ શકે છે. આ સિવાય જો કોઈની ઇમેજ ખરાબ થશે તો તમારી સામે માનહાનિનો કેસ પણ દાખલ કરવામાં આવશે.

આ કિસ્સામાં IT નિયમો હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. ફરિયાદ પછી સોશિયલ મીડિયા કંપનીઓએ 36 કલાકની અંદર તેમના પ્લેટફોર્મ પરથી આવી સામગ્રી દૂર કરવી પડશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant