
DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક હીરા ઉદ્યોગની માંધાતા કંપની ડી બિયર્સ (De Beers) આગામી સપ્તાહે યોજાનારી જુલાઈ સાઇટ (Sight) માં રફ હીરાની સત્તાવાર કિંમતોમાં મોટો ઘટાડો કરવા અથવા વિશેષ ડિસ્કાઉન્ટ ડીલ્સ વધારવા જઈ રહી છે. રાપાપોર્ટ ન્યૂઝ સાથેની વાતચીતમાં અગ્રણી સાઇટહોલ્ડર્સ અને બજારના આંતરિક સૂત્રોએ આ અહેવાલને સમર્થન આપ્યું છે.
ડી બિયર્સનો આ સંભવિત નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કંપનીના સત્તાવાર બુક પ્રાઇસ (ભાવ) વર્તમાન બજાર કિંમતો કરતાં ખૂબ ઊંચા ચાલી રહ્યા છે, જેના કારણે ઉત્પાદકો અને મેન્યુચરર્સ પર મોટું આર્થિક દબાણ હતું.
બજારની કિંમતો કરતાં ડી બિયર્સના ભાવ 30% સુધી ઊંચા
સામાન્ય રીતે ડી બિયર્સની વ્યૂહરચના એવી રહી છે કે જ્યારે બજારમાં માંગ નબળી હોય ત્યારે તે સસ્તા ભાવે રફ હીરા વેચીને સપ્લાય ચેઇનને બગાડવાને બદલે માલનો સ્ટોક રોકી રાખવાનું વધુ પસંદ કરે છે. આ કારણે જ કંપનીના ઓફિશિયલ ભાવ અત્યારે બજાર સ્તર કરતા ઘણા વધારે છે.
- 1 કેરેટથી નાની સાઇઝ (4-grainers): ડી બિયર્સના ભાવ બજાર સ્તર કરતા 20% થી 30% ઊંચા છે.
- મોટી સાઇઝના રફ હીરા: ઓફિશિયલ ભાવ માર્કેટ કરતા 5% થી 15% જેટલા ઊંચા ચાલી રહ્યા છે.
પરંતુ, પાછલા અઠવાડિયે મુંબઈ, દુબઈ અને એન્ટવર્પમાં સાઇટહોલ્ડર્સ સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ડી બિયર્સના ડાયમંડ ટ્રેડિંગના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ પૌલ રોલે અને તેમની ટીમે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કંપની હવે આ નીતિ બદલીને કિંમતોને માર્કેટના વાસ્તવિક સ્તર સાથે સુસંગત (Align) કરવા જઈ રહી છે.
કિંમતો ઘટાડવા માટે ડી બિયર્સ પાસે 3 મુખ્ય વિકલ્પો
બજારના નિષ્ણાતોના મતે, બોત્સ્વાનાના ગેબોરોન ખાતે આગામી સોમવારથી શરૂ થઈ રહેલી આ સાઇટમાં કંપની ત્રણમાંથી કોઈ એક મોડલ અપનાવી શકે છે:
- સત્તાવાર બુક પ્રાઇસમાં સીધો ઘટાડો કરવો (જેની શક્યતા સૌથી વધુ છે).
- ગ્રાહક દીઠ (Client-by-Client) વિશેષ ડિસ્કાઉન્ટ વ્યવસ્થાઓ ગોઠવવી.
- કિંમતમાં ઘટાડો અને ડિસ્કાઉન્ટ બંનેનું મિશ્રણ કરવું.
જોકે, કિંમતોમાં સત્તાવાર ઘટાડો કરવા માટે ડી બિયર્સને તેની માલિક કંપની ‘એંગ્લો અમેરિકન‘ (Anglo American) ની મંજૂરી લેવી પડશે. હાલમાં એંગ્લો અમેરિકન કંપની ડી બિયર્સને વેચવાની પ્રક્રિયા ચલાવી રહી હોવાથી, તે સંભવિત ખરીદદારો માટે આ બિઝનેસને વધુ આકર્ષક બનાવવા તમામ પ્રયાસો કરી રહી છે.
નવા સાઇટહોલ્ડર કોન્ટ્રાક્ટ અને નાની સાઇઝમાં તેજીથી યોગ્ય સમય
ભાવ ઘટાડાનો આ નિર્ણય એવા સમયે લેવાઈ રહ્યો છે જ્યારે આ જ સેલ (વેચાણ) થી કંપનીનો નવો સાઇટહોલ્ડર કોન્ટ્રાક્ટ અમલમાં આવી રહ્યો છે. આ ઉપરાંત, વર્ષ 2025માં જે નાની સાઇઝના હીરાની માંગ સાવ તળિયે બેસી ગઈ હતી, તેમાં વર્ષ 2026ની શરૂઆતથી સારો સુધારો જોવા મળ્યો છે.
એક અગ્રણી સાઇટહોલ્ડર એક્ઝિક્યુટિવે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “હાલમાં હીરાનું બજાર ઘણું મજબૂત છે. તેથી બજારમાં કોઈ નવી નબળાઈ ઊભી કર્યા વિના કિંમતોને વાસ્તવિક સ્તર પર લાવવાની ડી બિયર્સ માટે આ એક ઉત્તમ તક છે.”
હરીફ માઇનિંગ કંપનીઓની સ્પર્ધા નડી
તાજેતરના વર્ષોમાં ડી બિયર્સ માટે ઊંચા ભાવો જાળવી રાખવા મુશ્કેલ બન્યા હતા, કારણ કે જ્યારે ડી બિયર્સ સપ્લાય રોકી રાખતી હતી, ત્યારે વિશ્વની અન્ય માઇનિંગ કંપનીઓ (જેમ કે રશિયાની અલ્રોસા વગેરે) ડિસ્કાઉન્ટ ભાવો સાથે બજારમાં રફ હીરાનું સતત વેચાણ ચાલુ રાખતી હતી.
આગામી સોમવારથી શુક્રવાર સુધી ચાલનારી આ સાઇટમાં સોમવારે જ વેપારીઓને નવા ભાવોની ખબર પડશે. જોકે, વેપારીઓ અપેક્ષા રાખી રહ્યા છે કે ડી બિયર્સ આ વખતે પણ ‘વન-લાઇન ઇન્વોઇસ’ (દરેક આઇટમના ભાવ અલગ દર્શાવ્યા વગરનું સિંગલ બિલ) આપવાની પ્રથા ચાલુ રાખશે. સુરતના હીરા ઉત્પાદકો માટે આ ભાવ ઘટાડો મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















