DIAMOND CITY NEWS, SURAT
કેનેડાની અગ્રણી હીરા ખાણોમાંની એક એવી ‘એકાટી ડાયમંડ માઇન’ પર મોટું કાનૂની અને પર્યાવરણીય સંકટ તોળાઈ રહ્યું છે. ખાણ વિસ્તારના રેગ્યુલેટરી બોર્ડ દ્વારા બિનઅધિકૃત રીતે ખાણકામનો કચરો અને રસાયણો ઠાલવવાનો આરોપ મૂકાયા બાદ એકાટી માઇનનું વોટર લાયસન્સ મોકૂફ થવાની શક્યતા ઊભી થઈ છે. જો વોટર લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે, તો એકાટી ખાણ ખાતે હાથ ધરાતી તમામ વ્યાપારી અને ઓપરેશનલ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે અટકી જશે.
‘વેકીઝી લેન્ડ એન્ડ વોટર બોર્ડ’ ના જણાવ્યા મુજબ, કોર્ટ દ્વારા નિમાયેલા રિસીવર ‘પ્રાઇસવોટરહાઉસકૂપર્સ’ (PwC) ને સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં, તેમણે ખાણના ‘લોંગ લેક કન્ટેનમેન્ટ ફેસિલીટી’ ખાતે બિનઅધિકૃત સામગ્રી ઠાલવવાનું ચાલુ રાખ્યું હતું. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે PwC ના આ પગલાં ખાણના વોટર લાયસન્સની શરતો અને નિયમોનું સીધું ઉલ્લંઘન છે.
જે સામગ્રીને લઈને વિવાદ ઊભો થયો છે તેને ‘ઈમલ્શન’ તરીકે ઓળખવામાં આવે છે. આ એક એવું પ્રવાહી કેમિકલ છે જે સામાન્ય રીતે માઇનિંગ સાઇટ્સ પર ખડકો તોડવા કે વિસ્ફોટ કરવા માટે વપરાય છે. બીજી તરફ, ‘લોંગ લેક’ એ એકાટી ખાણમાંથી હીરા પ્રોસેસ કર્યા પછી નીકળતા કિંબરલાઇટ કચરાને સંગ્રહિત કરવા માટેની મુખ્ય ફેસિલીટી છે.
નોર્થવેસ્ટ ટેરિટરીઝના પર્યાવરણ મંત્રી જે મેકડોનાલ્ડને લખેલા તાકીદના પત્રમાં, બોર્ડે જણાવ્યું હતું કે તેમણે PwC ને સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે લોંગ લેક ખાતે ઈમલ્શન પ્રવાહીનો નિકાલ કરવાની કોઈ સત્તાવાર મંજૂરી નથી. આમ છતાં, ગયા સપ્તાહે બોર્ડને જાણવા મળ્યું હતું કે મનાઈ હુકમ છતાં આ કેમિકલ ઠાલવવાનું ચાલુ રખાયું હતું. PwC નો દાવો છે કે એક સરકારી ઈન્સ્પેક્ટરે તેમને કામ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી અને જૂન ૨૦૨૫ થી ખાણના અગાઉના માલિક પણ આ જ પદ્ધતિ અપનાવી રહ્યા હોવાથી તેઓ તેને યોગ્ય માનતા હતા.
પરંતુ બોર્ડે PwC દ્વારા તેમના નિર્દેશોની અવગણના કરવામાં આવી તેને ગંભીર બાબત ગણાવી છે. લાયસન્સ સસ્પેન્ડ કરવા ઉપરાંત, બોર્ડ આ સમગ્ર મામલે જાહેર સુનાવણી કરવાનો વિચાર પણ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષની શરૂઆતમાં એકાટી ડાયમંડ માઇન માટે કોઈ યોગ્ય ખરીદદાર ન મળતાં કોર્ટ દ્વારા PwC ની રિસીવર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ અગાઉ મે મહિનામાં એકાટીની પેરેન્ટ કંપની ‘આર્ક્ટિક કેનેડિયન ડાયમંડ’ (બર્ગન્ડીની સબ્સિડિયરી) એ દેવાદાર સંરક્ષણ માટે અરજી કરી હતી. કોર્ટ-એપોઇન્ટેડ રિસીવર તરીકે PwC ની મુખ્ય જવાબદારી એકાટી સાઇટની સુરક્ષા, પર્યાવરણીય રક્ષણ અને મૂળભૂત વ્યવસ્થા જાળવી રાખવાની છે.
બોર્ડે આ મુદ્દે પર્યાવરણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવાની માંગ કરી છે, જેથી ગયા વર્ષથી અત્યાર સુધીમાં કેટલા પ્રમાણમાં આ કેમિકલ ઠાલવવામાં આવ્યું છે અને શું કોઈ સરકારી અફસરે ખરેખર તેની મંજૂરી આપી હતી કે નહીં તેની સત્યતા તપાસી શકાય. મંત્રી જે મેકડોનાલ્ડે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર, બોર્ડ અને PwC વચ્ચે ચર્ચા માટે બેઠકનું આયોજન થઈ રહ્યું છે, અને તે પૂર્ણ ન થાય ત્યાં સુધી વધુ ટિપ્પણી કરવી ઉતાવળ ગણાશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















