કિરણ જેમ્સે મુંબઈમાં ફરી ઓફિસ શરૂ કરવાનો નિર્ણય લેતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ

વલ્લભભાઈ લાખાણી સુરતમાં વેપાર ખસેડવાની પોતાની ઈચ્છાને ભૂલી ગયા નથી. બસ સમય સાચવવા માટે હાલ પૂરતી એ યોજનાને થોડી પોસ્ટપોન કરી છે.

Cover Story Diamond City Issue 404
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

એક ડગલું પાછળ લેવામાં કોઈ નાનમ કે શરમ હોવી જોઈ નહીં. કિરણ જેમ્સે મુંબઈમાં ફરી ઓફિસ શરૂ કરવાનો નિર્ણય લીધો તે તો ખરેખર ખૂબ બહાદુરીભર્યો નિર્ણય છે. કિરણ જેમ્સના વલ્લભ લાખાણીએ વેપારના હિતમાં પોતાના ઈગોને કોરાણે મુકી મુંબઈમાં ફરી ઓફિસ શરૂ કરવાનો નિર્ણય લઈ એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.

વળી, તેઓએ સુરતમાં વેપાર ખસેડવાની પોતાની ઈચ્છાને ભૂલી ગયા નથી. બસ સમય સાચવવા માટે હાલ પૂરતી એ યોજનાને થોડી પોસ્ટપોન કરી છે. તે સારી બાબત છે. સુરતમાં જ્યારે વર્લ્ડ લેવલનું બુર્સ બન્યું છે તો એ દિવસો પણ દૂર નથી જ્યારે સુરતમાં વર્લ્ડ ક્લાસ ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય.

સુરતમાંથી આંતરરાષ્ટ્રીય વિમાનો ઉડતા થાય. સુરતમાં દેશ વિદેશના વેપારીઓ માટે ફાઈવ સ્ટાર કક્ષાની હોટલો શરૂ થાય. એ ભૂલવું ન જોઈએ કે સુરત ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે. સુરતના વિકાસ પર દુનિયાની નજર છે. થોડો સમય લાગશે…

સુરતમાં 3600 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ બન્યું. આ બિલ્ડિંગ પેન્ટાગોન કરતાં વિશાળ છે. તે ભવ્ય છે. આધુનિક આર્કિટેક્ચરનો તે બેનમૂન નમૂનો છે. આ બિલ્ડિંગ એવું છે કે બહાર કરતા અંદરનું વાતાવરણ હંમેશા ઠંડું રહે છે. લિફ્ટ પળભરમાં 15માં માળે પહોંચાડી દે છે. સિક્યુરિટી ખૂબ જ કડક છે. આંગળીના વેઢે ન ગણાવી શકાય તેટલી બધી સુવિધાઓ આ બિલ્ડિંગમાં છે.

એક દાયકાની લાંબી મહેનત બાદ આ સુરત ડાયમંડ બુર્સ સાકાર થયું છે. સુરતના હીરાવાળાઓનું સપનું સાકાર થયું છે. દિવાળી બાદ આ બુર્સમાં ઓફિસો શરૂ થઈ છે. ગઈ તા. 17 ડિસેમ્બર 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશ્વકક્ષાના સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યું તેની નોંધ આખી દુનિયાએ લીધી હતી. વડાપ્રધાને મંચ પરથી અનેક મોટી જાહેરાતો કરી હતી. સુરતના વખાણ કર્યા હતા. સુરતના હીરાવાળાના વખાણ કર્યા હતા. સુરતમાં હવે આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ થશે. સુરતના બુર્સમાં વિદેશી ખરીદદારો હીરા ખરીદવા આવશે એવી વાતો થઈ હતી.

આ વાતો અને દાવા હકીકત બને તે આશા સાથે સુરત ડાયમંડ બુર્સના ચૅરમૅન વલ્લભ લાખાણી પોતાની કંપની કિરણ જેમ્સની ઓફિસ મુંબઈથી સુરતમાં ખસેડી દીધી. તેઓએ 1200થી વધુ કર્મચારીઓને સુરતમાં મકાનો આપ્યા અને સુરત લાવવા રાજી કર્યા. સુરતના બુર્સમાં ઓફિસ શરૂ કરી. બધાને એવી જ આશા હતી કે જ્યાં હીરા ઘસાય છે ત્યાંથી જ હવે વેચાશે.

પરંતુ એક જ મહિનામાં આ આશા પર પાણી ફરી વળ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરત ડાયમંડ બુર્સની મોટી ઇમારત ખાલી ભાસતી હોય કિરણ જેમ્સે પણ પોતાની મુંબઈ ઓફિસને ફરી શરૂ કરી છે. સુરતના બુર્સમાં હીરાનું વેચાણ હાલ સરળ નહીં હોય કિરણ જેમ્સે મુંબઈથી વેપાર ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણય સાથે જ સુરતના હીરા ઉદ્યોગમાં હલચલ મચી ગઈ છે. બુર્સની સફળતા પર પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે. સુરતમાં ઈન્ટરનેશનલ એર કનેક્ટિવિટી, ફાઈવ-સેવન સ્ટાર હોટલોનો અભાવ અને લિકરની પરમીશન નહીં હોઈ ઈન્ટરનેશનલ લેવલનો બિઝનેસ શક્ય નહીં હોવાની ચર્ચાઓ ઉઠવા લાગી છે.

સુરતને ડાયમંડનું વર્લ્ડ ટ્રેડિંગ હબ બનાવવાના સપના સાથે એક મહિના અગાઉ મુંબઈ છોડી સુરતમાં શિફ્ટ થયેલી હીરા ઉદ્યોગની સૌથી મોટી કંપની કિરણ જેમ્સના અરમાનો પર એક જ મહિનામાં પાણી ફરી વળ્યા જેવો ઘાટ સર્જાયો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે સુરત ડાયમંડ બુર્સમાંથી વૈશ્વિક સ્તરનો વેપાર કરવો હાલ શક્ય નહીં હોઈ કંપનીએ મુંબઈની ઓફિસોને ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આ મામલે લોકો તરેહ તરેહની ચર્ચાઓ કરે તે સ્વાભાવિક છે, પરંતુ કિરણ જેમ્સનું પગલું કાંઈ ખોટું નથી. સાચા વેપારી હંમેશા ધંધાના હિતમાં સંતુલિત નિર્ણય લેતા હોય છે અને અહીં તો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામના હિતની વાત છે.

સુરત ડાયમંડ બુર્સના સંચાલકો પહેલાથી જ એ સારી પેઠે જાણતા હતા કે કાંઈ રાતોરાત સુરત ડાયમંડ બુર્સમાં હીરાનો વેપાર ધમધમવા લાગવાનો નથી. આંતરરાષ્ટ્રીય વિમાની સેવાની ખોટ સહિત અનેક સમસ્યાઓ મોં ફાડીને ઊભી થશે જ.

વળી તે સમસ્યાનો સામનો કરવાની તૈયારી પણ સુરતના હીરાવાળાઓએ કરી જ રાખી હતી. વળી, એ પણ ન ભૂલવું જોઈએ કે મુંબઈમાં જ્યારે ભારત ડાયમંડ બુર્સ બન્યું ત્યારે તે પણ કાંઈ એક રાતમાં ધમધમતું થઈ ગયું નહોતું. મુંબઈનું જૂનું હીરા બજાર છોડવા વેપારીઓ લાંબો સમય સુધી તૈયાર થયા નહોતા.

બીકેસી દૂર પડે છે. ખૂબ સમય બગડે છે. વેપારને નુકસાન થાય છે આવી અનેક દલીલો થતી હતી, પરંતુ આજે જુઓ બીકેસીમાં બીડીબી ધમધમી રહ્યું છે. એટલું જ નહીં જે લોકો પહેલાં વાંક કાઢતા હતા તે જ બીડીબીના વખાણ કરતા થાકતા નથી. કોઈ પણ નવા કામને સફળતા મળતા વાર લાગે છે.

પહેલાં તો લોકો સ્વીકારે જ નહીં. વાંક ગુના કાઢે અને પછી ધીમે ધીમે માનસિકતા બદલાતી હોય છે.  સુરત ડાયમંડ બુર્સને પણ સફળતા મળશે. એક ડગલું પાછળ લેવામાં કોઈ નાનમ કે શરમ હોવી જોઈ નહીં. કિરણ જેમ્સે મુંબઈમાં ફરી ઓફિસ શરૂ કરવાનો નિર્ણય લીધો તે તો ખરેખર ખૂબ બહાદુરીભર્યો નિર્ણય છે.

નાગજી સાકરિયાના રાજીનામાંથી બીજી કંપનીઓ મુંબઈથી શિફ્ટ થતી અટકી

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના એક અગ્રણીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, કિરણ જેમ્સ દ્વારા “ભારત ડાયમંડ બુર્સમાં તેની ઓફિસ બંધ કરીને સુરતમાં બેઝ શિફ્ટ કરવાનો નિર્ણય લાગણીમાં આવી લેવાયેલો નિર્ણય હતો.

વિદેશી બાયરોને મુંબઈ જે આપી શકે, એ સુરત આપી શકે એમ નથી. મુંબઈ થી સુરત જવા કોઈ ફ્લાઇટ નથી. જે દેશોમાં હીરા, ઝવેરાતનો વેપાર છે ત્યાં જવાની વિકલી ફ્લાઇટનાં ઠેકાણા નથી. વિદેશમાં જવા બધો વેપાર વાયા દુબઈ કે શારજાહ થઈ કરવો ખૂબ ખર્ચાળ છે, જ્યારે મુંબઈથી જવું આવવું સરળ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડાયમંડ બુર્સની સર્વિસ મેનેજમેન્ટ કમિટીના ચૅરમૅન નાગજીભાઈ સાકરીયા પર મુંબઈ ઓફિસ બંધ કરી સુરતથી કારોબાર શરૂ કરવાનું દબાણ વધતાં તેમણે રાજીનામું આપી દીધું હતું. એને લીધે મુંબઈથી સુરત શિફ્ટ થવા માંગતી કંપનીઓ પણ અટકી ગઈ છે. નાગજીભાઈ સાકરિયાના અચાનક રાજીનામાએ આગમાં બળતણ ઉમેર્યું છે, જે આંતરિક વિખવાદ અંગે ચિંતા પેદા કરે છે.

કિરણ જેમ્સના વલ્લભ લાખાણીએ વેપારના હિતમાં પોતાના ઈગોને કોરાણે મુકી મુંબઈમાં ફરી ઓફિસ શરૂ કરવાનો નિર્ણય લઈ એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. વળી, તેઓએ સુરતમાં વેપાર ખસેડવાની પોતાની ઈચ્છાને ભૂલી ગયા નથી. બસ સમય સાચવવા માટે હાલ પૂરતી એ યોજનાને થોડી પોસ્ટપોન કરી છે. તે સારી બાબત છે. સુરતમાં જ્યારે વર્લ્ડ લેવલનું બુર્સ બન્યું છે તો એ દિવસો પણ દૂર નથી જ્યારે સુરતમાં વર્લ્ડ ક્લાસ ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય.  સુરતમાંથી આંતરરાષ્ટ્રીય વિમાનો ઉડતા થાય. સુરતમાં દેશ વિદેશના વેપારીઓ માટે ફાઈવ સ્ટાર કક્ષાની હોટલો શરૂ થાય. એ ભૂલવું ન જોઈએ કે સુરત ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે. સુરતના વિકાસ પર દુનિયાની નજર છે. થોડો સમય લાગશે.

મુંબઈ આવતા વિદેશી બાયર્સ ટ્રેનના પ્રવાસથી કંટાળે છે, કિરણ જેમ્સનાં કર્મચારીઓ મુંબઈ પરત ફરશે…

મુંબઈથી 17,000 કરોડનો વેપાર સમેટી સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શિફ્ટ કરનાર કિરણ જેમ્સનાં વલ્લભભાઈ લાખાણીને બુર્સ કમિટીના સભ્યોએ જ સાથ નહિ આપતા વલ્લભભાઈનો હૃદય ભંગ થયાની ચર્ચાઓ ઉપડી છે. મુંબઈથી કામકાજ બંધ કરી સુરતમાં શરૂ કરવા એકપણ કંપની આગળ નહિ આવતા કિરણ જેમ્સના 1000 કર્મચારીઓ ટૂંક સમયમાં મુંબઈ પરત થશે.

મોટી ડાયમંડ કંપનીઓની નવી પેઢીના સભ્યોને સુરતમાં ફાવતું નથી, તેઓને મુંબઈનું મેટ્રોપોલિટન કલ્ચર છોડવું નથી, એને લીધે પણ ઝઘડાઓ થયા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. બીજી તરફ સરકારે આપેલા વચનો પણ પૂર્ણ કરવામાં આવ્યા નથી. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી અને હોસ્પિટાલિટીનાં વચનો પૂર્ણ ન થાય તો ડાયમંડ બુર્સ તેની ચમક ગુમાવશે એવો ભય ઊભો થયો છે. જાણકારો કહે છે કે, મુંબઈ આવતા વિદેશી બાયર્સ ટ્રેનના પ્રવાસની ભીડથી કંટાળે છે.

કિરણ જેમ્સનાં માલિક અને સુરત ડાયમંડ બુર્સના સ્વપ્નદ્રષ્ટા વલ્લભભાઈ લાખાણી દ્વારા સંચાલિત, નવેમ્બર 2023માં SDBમાં પોતાની ઓફિસ સુરત શિફ્ટ કર્યા પછી કહે છે કે, વેપારમાં પણ વ્યાપક અસર થઈ હતી. કિરણ જેમ્સ દ્વારા મુંબઈના કર્મચારીઓને રાખવા માટે સુરતમાં લક્ઝુરિયસ 1,200 ફ્લેટ બનાવવામાં આવ્યા હતા.

જાણકારો કહે છે કે, સુરત ડાયમંડ બુર્સ કમિટીને સરકારે સુરત થી બેંગકોક વાયા હોંગકોંગની ડેઇલી ફ્લાઇટ, સિંગાપોર, લંડન, ન્યુયોર્ક, બ્રસેલ્સની વિકલી ફ્લાઇટ શરૂ કરવા માટે આપવામાં આવેલું વચન સરકારે પાળ્યું નથી.

માત્ર બે એરલાઇન્સ કંપનીએ દુબઇની બે ફ્લાઇટ જાહેર કરી છે, એમાં પણ એકપણ ફ્લાઇટ ડેઇલી નથી. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના મહાનગરોમાં 70 માળની બિલ્ડિંગ ઊભી કરવાની જાહેરાતો કરનાર સરકારે ઇન્ટરનેશનલ હોટેલની ચેઇનને 30 માળની મંજૂરી આપવા પરવાનગી નહિ આપતા એને લઈને પણ ખોટો મેસેજ ગયો છે. સુરત ડાયમંડ બુર્સ કે એરપોર્ટની નજીક 30 માળની બિલ્ડિંગનું બાંધકામ મળી રહ્યું નથી.

SDBના મીડિયા કન્વીનર દિનેશ નાવડીયાએ સ્પષ્ટતા કરી

સુરત ડાયમંડ બુર્સ છોડી કિરણ જેમ્સ હંમેશ માટે મુંબઈ જતું રહ્યું છે, મુંબઈ વિના હીરાનો આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય નથી. વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સની સફળતા સામે આશંકાઓ ઉભી થવા લાગી છે ત્યારે આ ચર્ચાઓ અને અફવાઓનો જવાબ આપતા આજે સુરત ડાયમંડ બુર્સની મીડિયા કમિટીના કન્વીનર દિનેશ નાવડીયાએ વીડિયો મેસેજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

દિનેશ નાવડીયાએ કહ્યું હતું કે, મે સુધીમાં 80 ટકા ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં શરૂ થશે. હાલ મોટા ભાગની ઓફિસોમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. સંપૂર્ણ ક્ષમતા સાથે બુર્સ કાર્યરત થયું નહીં હોવાથી કિરણ જેમ્સને વેપાર કરવામાં અગવડ પડી રહી છે, તેથી બુર્સની કમિટીની 18 જાન્યુઆરીની મિટિંગમાં સર્વાનુમત્તે નક્કી થયું છે કે થોડા સમય માટે કિરણ જેમ્સ તેની મુંબઈની ઓફિસ ફરી શરૂ કરી ત્યાંથી વેપાર કરે. તેથી આજથી કિરણ જેમ્સ મુંબઈમાં ઓફિસ શરૂ કરી રહી છે. જોકે, સુરતમાં ડાયમંડ બુર્સ ધમધમતું થવા સાથે જ કિરણ જેમ્સ ફરી સુરત શિફ્ટ થઈ જશે. તેથી ચર્ચાઓ અને અફવાઓ પર ધ્યાન આપવું નહીં.

સુરત હીરા બુર્સની કમિટીના સભ્યોએ સર્વાનુમતે તમામની સહી સાથે વલ્લભભાઇ પટેલને એક પત્ર પાઠવીને જણાવ્યું છે કે સ્વાભાવિક છે કે સુરત હીરા બુર્સમાં વિધિવત રીતે મોટાભાગની ઓફિસો શરૂ થાય અને કારોબાર ધમધમે, તેમાં હજુ થોડો સમય નીકળી જાય તેમ છે. આવી સ્થિતિમાં કિરણ જેમ્સને કારોબાર કરવામાં તકલીફ ન પડે તે માટે તમામ મેનેજિંગ કમિટીના સભ્યોએ કિરણ જેમ્સના વલ્લભભાઇ પટેલને સૂચન કર્યું છે કે તેમણે કિરણ જેમ્સનો કારોબાર મુંબઇથી પણ જારી રાખવો જોઇએ.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant