DIAMOND CITY NEWS, SURAT
વિશ્વની અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવતી હોંગકોંગ સ્થિત ‘ચાઉ ટાઇ ફૂક’ (Chow Tai Fook) દ્વારા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1) ના અહેવાલો જાહેર કરવામાં આવ્યા છે. બ્રાન્ડ ટ્રાન્સફોર્મેશન અને મુખ્ય બજારોમાં ગ્રાહકોની મજબૂત માગને કારણે કંપનીના વેચાણમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે.
૩૦ જૂનના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ગ્રૂપની કુલ આવકમાં વાર્ષિક ધોરણે 15% નો વધારો થયો છે. જેમાં મેઇનલેન્ડ ચાઇના ખાતેથી વેચાણમાં 11% નો સુધારો થયો છે, જ્યારે હોંગકોંગ અને મકાઉ ક્ષેત્રે વેચાણમાં 45% નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. ગ્રૂપની કુલ આવકમાં ચીનનો હિસ્સો 84% રહ્યો છે, જ્યારે હોંગકોંગ અને મકાઉનો હિસ્સો 16% નોંધાયો છે.
સેમ-સ્ટોર સેલ્સ અને સોનાના ઘરેણાંનો દબદબો
ઓછામાં ઓછા એક વર્ષથી કાર્યરત હોય તેવા સ્ટોર્સ (સેમ-સ્ટોર સેલ્સ) ના પ્રદર્શન પર નજર કરીએ તો :
- ચીન : સેમ-સ્ટોર સેલ્સમાં 20% નો વધારો નોંધાયો છે. અહીં સોનાની જ્વેલરીના વેચાણમાં 38% નો ઉછાળો આવ્યો છે, જ્યારે ફિક્સ્ડ-પ્રાઇઝ જ્વેલરીના વેચાણમાં 1% નો નજીવો ઘટાડો થયો છે.
- હોંગકોંગ અને મકાઉ : સેમ-સ્ટોર સેલ્સમાં 42% ની જોરદાર વૃદ્ધિ થઈ છે. આ ક્ષેત્રમાં ગોલ્ડ જ્વેલરીનું વેચાણ 64% જેટલું ઉછળ્યું છે અને ફિક્સ્ડ-પ્રાઇઝ જ્વેલરીમાં 13% નો વધારો નોંધાયો છે.
‘ડોન કલેક્શન‘ની ધમાકેદાર સફળતા
કંપનીના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનમાં એપ્રિલ મહિનામાં લોન્ચ કરવામાં આવેલા નવા ‘ડોન કલેક્શન‘ ની મહત્વની ભૂમિકા રહી છે. પોતાની વિશેષ ડિઝાઇન, સ્ટાઇલ, કલર અને બારીક કારીગરી માટે જાણીતી આ સિગ્નેચર જ્વેલરી લાઇનનું વેચાણ ધારણા કરતાં પણ વધુ રહ્યું છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ આ કલેક્શને HKD 870 મિલિયન (આશરે $110.9 મિલિયન/અંદાજે 925 કરોડ રૂપિયા) થી વધુનું વેચાણ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
નેટવર્ક વિસ્તરણ અને વૈશ્વિક વ્યૂહરચના
કંપનીએ પોતાના બિઝનેસ મોડલને વધુ મજબૂત કરવા માટે ચીનમાં નેટ ૨૫૮ સ્ટોર્સ અને હોંગકોંગ-મકાઉમાં ૧ સ્ટોર બંધ કર્યો છે. સ્ટોર્સની સંખ્યાને સુવ્યવસ્થિત કરવાની સાથે સાથે ચો ટાઇ ફૂકે પ્રીમિયમ શોપિંગ મોલ્સમાં તેના ‘લક્ઝરી-ફોર્મેટ’ સ્ટોર્સનો વિસ્તાર કર્યો છે. ચાનશા ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સ્ક્વેર અને નાનજિંગના દેજી પ્લાઝા જેવા હાઇ-એન્ડ લોકેશન પર ૪ નવા લક્ઝરી સ્ટોર્સ શરૂ કરવામાં આવ્યા છે, જેથી ચીનમાં આવા સ્ટોર્સની કુલ સંખ્યા ૧૨ થઈ ગઈ છે.
આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના ચરણચિહ્નો વધારતા કંપનીએ કેનેડાના વેનકુવર સ્થિત વિશ્વસ્તરીય લાઇફસ્ટાઇલ હબ ‘ઓકરિજ પાર્ક’ ખાતે પણ પોતાનો નવો લક્ઝરી-ફોર્મેટ સ્ટોર શરૂ કર્યો છે.
આ અંગે ચાઉ ટાઇ ફૂકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે : “આ ત્રિમાસિક ગાળા દરમિયાન, અમે બ્રાન્ડ ટ્રાન્સફોર્મેશનની અમારી યાત્રાને આગળ વધારી છે. આ પગલાંથી ગ્રૂપની બ્રાન્ડ પોઝિશનિંગ વધુ મજબૂત થઈ છે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત કમાણી મેળવવામાં સફળતા મળી છે.”
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















