Baselia Jewellery and Watch Fair to Debut in Basel, Switzerland
(સૌજન્ય : શટરસ્ટોક)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક સ્તરે લક્ઝરી ઘડિયાળો અને કિંમતી દાગીનાના શોખીનો તેમજ આ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ માટે એક બહુ જ મોટા અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. વિશ્વભરમાં જ્વેલરી અને વોચ પ્રદર્શનોના હબ તરીકે જાણીતા સ્વિટ્ઝર્લેન્ડના બેસલ (Basel) શહેરમાં એક નવા જમાનાના ભવ્ય પ્રદર્શન ‘બેસિલિયા જ્વેલરી એન્ડ વોચ ફેર’ ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટનું આયોજન આગામી વર્ષે એટલે કે એપ્રિલ ૨૦૨૭ માં કરવામાં આવશે, જે વૈશ્વિક બજારને ફરી એક નવું પ્લેટફોર્મ પૂરું પાડશે.

આ ભવ્ય આયોજન માટે દુનિયાની બે અગ્રણી પ્રદર્શન આયોજક સંસ્થાઓએ હાથ મિલાવ્યા છે. જેમાં ‘જ્વેલરી એન્ડ જેમ વર્લ્ડ હોંગકોંગ’ ની માલિક કંપની ‘ઇન્ફોર્મા માર્કેટ્સ’ અને સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત ‘બેસલવર્લ્ડ’ ના ભૂતપૂર્વ હોસ્ટ ‘MCH ગ્રૂપ’ નો સમાવેશ થાય છે. આ બંને દિગ્ગજોના સંયુક્ત સાહસથી શરૂ થનારો આ મેળો વાર્ષિક ધોરણે યોજાશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સમયની બજારની વાસ્તવિકતાઓ અને લક્ઝરી સેક્ટરની સમકાલીન જરૂરિયાતોને પૂરી કરવાનો છે.

આ પ્રદર્શનની સૌથી ખાસ વાત એ છે કે તેને કોઈ પરંપરાગત પ્રદર્શન હોલ કે પ્રદર્શનની જેમ નહીં, પરંતુ એક આખેઆખા ‘સિટી થીમ’ (City-themed Event) એટલે કે શહેરના મૉડલ પર ડિઝાઇન કરવામાં આવશે. આ અનોખી થીમ વૈશ્વિક જ્વેલરી, કિંમતી રત્નો અને વૈભવી ઘડિયાળ ઉદ્યોગની વિવિધતાને સચોટ રીતે રજૂ કરશે.

આ આંતરરાષ્ટ્રીય મેળામાં વિશ્વભરમાંથી આશરે ૪૦૦ થી વધુ પ્રતિષ્ઠિત પ્રદર્શકો ભાગ લેશે. જેમાં અગ્રણી ઉત્પાદકો, વૈશ્વિક ડિઝાઇનર્સ, પ્રખ્યાત બ્રાન્ડ્સ, રિટેલર્સ, હોલસેલર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ અને સોર્સિંગ નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મથી ઉદ્યોગપતિઓને નવા બિઝનેસ સંબંધો વિકસાવવાની અને વ્યૂહાત્મક ભાગીદારી કરવાની સુવર્ણ તક મળશે.

ભૂતકાળ પર નજર કરીએ તો, MCH ગ્રૂપ દ્વારા આયોજિત થતો પરંપરાગત વોચ શો ‘બેસલવર્લ્ડ’ વૈશ્વિક સ્તરે ખૂબ જ લોકપ્રિય હતો, પરંતુ ૨૦૧૯ માં તેની છેલ્લી આવૃત્તિ યોજાયા બાદ કોવિડ-૧૯ મહામારી અને કેટલીક મોટી બ્રાન્ડ્સના આંતરિક કારણોસર ખસી જવાને લીધે તેને ડિજિટલ પ્લેટફોર્મ પર શિફ્ટ થવું પડ્યું હતું. બીજી તરફ, ઇન્ફોર્મા માર્કેટ્સ કંપનીએ વર્ષ ૨૦૨૩ માં મહામારીના પ્રતિબંધો હટ્યા બાદ હોંગકોંગના પોતાના પ્રખ્યાત શોનું સફળતાપૂર્વક પુનરાગમન કરાવ્યું હતું.

ઇન્ફોર્મા માર્કેટ્સના જ્વેલરી ફેર્સના ડાયરેક્ટર સેલિન લાઉએ આ સોદા અંગે જણાવ્યું હતું કે, “અમે હંમેશાં ત્યાં જઈએ છીએ જ્યાં બજારને અમારી સૌથી વધુ જરૂર હોય અને જ્યાં અમે વાસ્તવિક મૂલ્ય ઊભું કરી શકીએ. હાલના સમયમાં લક્ઝરી ચીજોનું સોર્સિંગ ખૂબ જ જટિલ બન્યું છે. ખરીદદારો હવે એવા વિશ્વસનીય ભાગીદારો શોધી રહ્યા છે જે તેમના પડકારોને સમજી શકે. ‘બેસિલિયા’ ખરીદદારો અને વિશિષ્ટ સપ્લાયર્સ વચ્ચેના આ અંતરને સીધો સેતુ બનીને દૂર કરશે અને બજારને એક નવો દ્રષ્ટિકોણ આપશે.”


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant