“તું પ્રગટાવીને પોતાને ઉજાળી દે દિશા સઘળી, તને વધતી જતી આ વેદનાના સમ ભલા માણસ”

જિંદગી સીધે પાટે હો, ગાડી પાટા પરથી ઉતરી ન જાય, જે મંજિલે પહોંચવાનું છે તે સફર, તે યાત્રા માટે મંગલકામનાઓની અભિવ્યક્તિ છે.

Adhi Akshar Kalpna Gandhi Article Diamond City 401
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

આટલા ચોટડૂક અને અસરકારક શીર્ષક પછી પ્રસ્તુત છે આ ગઝલ…

“અરે!  નિરાશ થાતો નહિ આશા સામે મળવાની,
તું બસ કર્મ સારું કર જીવનમાં રંગત ભળવાની.
મુબારક હો સફર તુજને એ દોસ્ત જિંદગાનીની,
મોજ હો તુજને ખૂબ ઘંટી શાને હો દળવાની?
લક્ષ્મી ચાંદલો કરે, શારદા જીભ પર રહે,
દુશ્મન હો નહિ કોઈ ગંધ આવે ન બળવાની.
ઝળહળ દીવા રોજ તારે ઘેર દિવાળીના હો,
મજા આવે તને હર રોજ રંગોમાં પલળવાની.
તબિયત એવી હો સદા કે ખુશહાલ તું રહે,
ના વકીલની ઝંઝટ, ના દવાઓ હો ગળવાની.”

– કલ્પના ગાંધી

માણસ છે, નિરાશ પણ થવાનો… પરંતુ નિરાશા એ કાયરતા પણ છે ને કામચોરી પણ. જેમ અર્જુન વિષાદયોગમાં અર્જુનના ગાત્રો ઢીલા છે, રોમ રોમ સળગે છે, વાચા સૂકાય છે, અને તે અન્યમન્સક થાય છે તેમ માણસ કોઈ ને કોઈ વાર નિરાશ થાય છે, એ પણ જીવનનો એક તબક્કો છે. એ સમય જાણે થોભી જાય છે, આંખો આગળ અંધારા આવી જાય છે ને કાંઈ સૂઝતું નથી. બધુ નશ્વર લાગે છે, પડી ભાંગેલું કે પડી ભાંગશે એવું ભાસે છે. ન કહેવાય છે કોઈને, ન સહેવાય છે ત્યારે કોઈ પોતીકો હાથ, પોતાના હાથમાં લઈ સહિયારો આપે કે નિરાશ થતો નહિ, આશાઓ આવી મળવાની છે, અહીં કશું નિત્ય નથી, સ્થિર નથી, શાશ્વત નથી, બધુ બદલાય છે તો આ દશા પણ બદલાશે. તારે તો બસ એ જોવાનું છે કે તારું કર્મ સારું હોય, સારું ઇન ધ સેન્સ જે સાત્વિક હોય, નૈતિક હોય, પવિત્ર હોય, કોઈને નડતર રૂપ ન હોય, કોઈના દિલને ન દુભવે, એવી નિયત સાથે કરેલું કર્મ આંબાની માફક ઊગી નીકળે છે ને જીવનમાં રંગત ભળે છે, આનંદ અને ઉમંગ ઝળહળે છે.

આ સફર માટે કવિયત્રી પોતાના દોસ્ત અથવા વાચક કે શ્રોતાને મુબારક બાદ આપે છે કે તારી જિંદગીમાં બરકત હો. એવા સમયમાં જ્યારે ‘દોસ્ત દોસ્ત ના રહા’ વર્ષોથી ગવાઈ રહ્યું હોય ત્યારે એવો મિત્ર કે જેના હૃદયમાં તમારે કાજ શુભભાવના હોય તો તેનો જોટો જડવો મુશ્કેલ છે. ત્યારે મિત્રોને શુભકામનાઓ છે કે તમારે ઘંટી દળવાની નથી. ઘંટીના પ્રતીક દ્વારા નામોશી દ્વારા મળેલી સજાઓ ભોગવવાની વાત કરાયેલી છે કે તમારા જીવનમાં સજા ન હો, મજા હો! નકામા અથવા ફાલતુ સંઘર્ષ ન હો, તેવી હસરત વ્યક્ત કરવામાં આવી છે. જિંદગીમાં મૂલ્યનિષ્ઠતા હો, તેવી શુભભાવના પાઠવવામાં આવી છે. જિંદગી સીધે પાટે હો, ગાડી પાટા પરથી ઉતરી ન જાય, જે મંજિલે પહોંચવાનું છે તે સફર, તે યાત્રા માટે મંગલકામનાઓની અભિવ્યક્તિ છે.

માણસને જીવવા માટે ઘણું ઘણું જોઈએ છે, એમાંય લક્ઝુરિયસ લાઈફ જીવવા માટે તો માતા લક્ષ્મીની વિશેષ કૃપા જોઈએ છીએ અહીં કવિયત્રી કહે છે કે મા લક્ષ્મી તમારે કપાળે સ્વયં પોતાના શ્રી હસ્તે ચાંદલો કરે, એટલે કે વૈભવ, ઐશ્વર્ય અને સદ્ સંપતિનો તમારા પર વરસાદ થાય. તમને જીવન-યાત્રામાં સજ્જન માણસો મળે. તમારા નોકર-ચાકર, કર્મચારીઓ, ડ્રાઈવર્સ, લિફ્ટમેન વગેરે પણ સદ્દગુણી મળે. તમને જે લક્ષ્મી મળે તે પણ સાત્વિક હોય. ભગવાન બુદ્ધ વ્યવસાય વિશે કહે છે કે, ‘સમ્યક આજીવિકા’. તમારી આજીવિકાના સાધન વડે કોઈને નુકસાન ન થવું જોઈએ. કોઈનું અહિત ન થવું જોઈએ. કોઈ પીડાવું ન જોઈએ. અહીં કવિયત્રીનો એ જ આશય છે. મા શારદા જીભ પર આવી વસે અર્થાત્ તમારી વાણી સત્યપૂત થાય તમે જે કહો તે ફલીભૂત થાય એટલે કે તમારા વાણી-વર્તન અને વ્યવહારમાં એકરૂપતા સધાય. મા શારદા જેવી શુચિતા તમારા જીવનમાં વ્યાપે. તમે પણ વિદ્યાના ભંડાર બનો, એવી શુભકામનાઓ છે અહીં. જ્યાં દુશ્મન છે, ત્યાં ઈર્ષાના ધૂમાડા થકી કંઈક બળવાની ગંધ આવે જ…અહીં એ શુભકામના છે કે તમને જિંદગીમાં શત્રુ મળે જ નહિ, ને જેથી તમારા જીવનમાં દુર્ગંધ પ્રવેશે નહિ!

આપણે આંગણે દિવાળીએ દીવડા ઝગમગે છે પણ કવિયત્રી પ્રતીક દ્વારા કહે છે કે તમારા જીવનમાં શાંતિ, સહજતા, સરળતા, સફળતા, સામર્થ્ય, સહયોગ, સહ-અસ્તિત્વ, સંપ, સૌહાર્દ, સંતોષ, સદગુણોનો પ્રકાશ હો, જેના થકી તમારું જીવન સરળ બને. એવી સરળતા જ્યારે પ્રત્યેક મનુષ્યમાં આવી મળે ત્યારે સમગ્ર સમાજમાં પરિવર્તન આવે છે. જે સમાજ માટે લાભદાયક હોય છે. વળી, જે જરૂરી હોય છે. કવિયત્રી દિવાળી સાથે હોળી-ધૂળેટી જોડવાનું ભૂલતી નથી, એ કહે છે કે મજા આવે તને હર રોજ રંગોમાં પલળવાની. રંગ જીવનને ઉમંગ આપે છે, એક મિનિટ માટે રંગ વગરની દુનિયાની કલ્પના કરી જૂઓ, ડરી જશો! બધુ બિહામણું લાગશે… વળી, ધૂળેટી-હોળી એ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે, તે પણ અહીં બીટવીન ધ લાઈન્સ લખાયેલું છે! અહીં રંગોમાં પલળવાની, પાણી શબ્દનો ઉલ્લેખ નથી! પાણી સર્વત્ર ઉપલબ્ધ ન પણ કરાવી શકાય પણ રંગોથી તો ક્યાંય પણ પલળી શકાય, એવા અભાવનો ભાવ અહીં ખૂબસુરતીથી વ્યક્ત થયો છે.

માણસ પાસે બધુ હોય, સારા સ્વજનો, અધધ સંપત્તિ, સમાજમાં કીર્તિ, કહ્યાગરા સંતાનો, મનગમતી જીવનસાથી પણ જો સ્વાસ્થય ન હોય તો બધુ નકામું. કહે છે તે પહેલું સુખ તે જાતે નર્યા. જો જાતે નરવા હોવું એ મોટી મિરાત છે, અમીરાત છે, સૌગાત છે. જો તબિયત એવી હોય તો તું ખુશહાલ રહે એવી દુઆ કેટલી મજાની છે! લોકોને કહેતા સાંભળ્યા હશે કે ભગવાન દુશ્મનને પણ વકીલ અને ડૉક્ટરના દાદરા ન ચઢાવે! અહીં એવી જ એક મંગલ કામના છે કે તમારા જીવનમાં ક્યારેય એવું કંઈ જ ન બને કે તમારે વકીલની ઝંઝટમાં પડવું પડે કોર્ટમાં તારીખ પે તારીખ લેવી પડે, એમાંય જ્યારે ભારતીય ન્યાય વ્યવસ્થામાં આથરે 30 કરોડ વ્યક્તિ ન્યાય પ્રણાલીથી અસંતુષ્ટ હોય ત્યારે આ દુઆ એક અત્યંત જરૂરી લાગણીસભર વાત છે ને રહી વાત ડૉક્ટરની, તો એ ભલે ધરતી પરના ભગવાન રહ્યા, પણ તેમનાથી ભગવાન બચાવે. એકવાર કોઈ બિમારી લાગૂ પડી કે દવાઓની નિરંતરતા શરૂ. બસ એક પછી એક નવો રોગ, નવો ડૉક્ટર, નવી દવા…ને સૂચનમાં નવી આબોહવા.. સમય, સંપત્તિ, શક્તિ ને વ્યક્તિ ચારેયનું ધોવાણ એટલે કવિયત્રી કહે છે કે દવાઓ ગળવાનું પણ તારે લલાટે ન લખાયેલું હોય. નથી કહેતા, દવા લે તારા દુશ્મન પણ હું કહું છું.  દુશ્મન પણ શા માટે દવા લે? આપણી ભાવના તો એ છે કે

ॐ सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःख भाग्भवेत्॥
ॐ शान्तिः शान्तिः शान्तिः॥

(યુગોથી આપણે તો આ જ ભાવના સેવતા આવ્યા છીએ.)

નવા વર્ષ પછીનો આ પહેલો અંક છે. તેમાં કવિયત્રી દુઆ દે છે કે તમારું યશોગાન એવું થાઓ કે નામ અમર થઈ જાય. આજે કેટલાય રાજા-રજવાડા ભૂલાઈ ગયા. વ્યાવસાયિકો ભૂલાઈ ગયા પણ સત્સંગ કરનારા સંતો યાદ રહી ગયા. આજેય લોકો તેમને પ્રાત:વંદન ને સ્મરણ કરી દિવસની શુભ શરૂઆત કરે છે. પૈસો તો એક કોલગર્લ પણ કમાવી લે છે પણ યશ કમાવવો મુશ્કેલ છે, તેને માટે ત્યાગ કરવો પડે છે, ભોગ આપવો પડે છે, સમાજના પ્રતિભાશાળી વ્યક્તિઓ તથા વંચિતો માટે કશુક નક્કર કરવું પડે છે, ત્યારે યશ મળે છે. આજે ભામાશા અને મહારાણ પ્રતાપ સૌને યાદ છે પણ તેમની સાથેના સૈંકડો રાજા-મહારાજા ઈતિહાસના પાને દફન થઈ ગયા છે.

કોઈ અમર થતું નથી પણ કોઈ-કોઈની નામના અમર થાય છે. એ માતા ભાગ્યશાળી છે જેમના સંતાનોએ દેશ કાજે પ્રાણોની આહૂતિ આપી. કવિયત્રી આગળ કહે છે જે સૈન્ય ધર્મ સિવાયના છે તેઓ સત્સંગ કરે, પોતાના કામકાજ સુધારે જેથી તેમના પર કોઈ આફત ન આવી પડે.

નવા વર્ષે દુઆ આપીને કવિયત્રી મનોમન ઝંખે છે કે હર નવા વર્ષે આજ દુઆઓ આપે. નવું વર્ષ એક હરખની હેલી છે, માણસને તે અંદરથી થોડો ફૂણો, થોડો ભીનો, થોડો સંવેદનશીલ બનાવે છે. એ વિચાર કરતો થાય છે કે એક વર્ષ ઓછુ થયું…નવા વર્ષ માટે કાંઈક નવા પ્રણ, કાંઈક નવી યોજના, કાંઈક નવા પ્રોજેક્ટ, કાંઈક નવા પ્રોમિસ લેવા/કરવા…

કવિયત્રીની શુભકામનાઓ છે કે તમે સદા પ્રફ્ફુલિત રહો, સદા સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, અનુરક્ત રહો, ભક્ત રહો, હ્રદયથી અભિવ્યક્ત રહો, સશક્ત રહો… હ્રદય હરહંમેશ તમારી પ્રગતિ માટે પ્રાર્થનારત…

ગોલ્ડન કી

કાચનદીને પેલે કાંઠે શબ્દ ઊભો અજવાળા લઈને,
થરથરતા હિમયુગોને છેડે સપનાઓ હૂંફાળા લઈને.
કાચનદીને પેલે કાંઠે કોઈ આપણી રાહ જુએ છે,
ચાલ આંખમાં ભીનાશ લઈને છાતીમાં ગરમાળા લઈને.
કાચનદીને પેલે કાંઠે નામ ધૂંધળું ચહેરા ઝાંખા,
આ કાંઠે ચૂપચાપ ઊભો છું શ્વાસોની જપમાળા લઈને.
કાચનદીને પેલે કાંઠો કોની પહેલી તરસ પહોંચશે,
જલપરીઓની રાણી ઊભી હાથોમાં વરમાળા લઈને.
કાચનદીને પેલે કાંઠે ગણિત બધાંય સાવ નકામા,
તરી ગયા એ શૂન્ય ઊંચકી ડૂબી ગયા સરવાળા લઈને.
કાચનદીને પેલે કાંઠે પાગલ પંખી માળો બાંધે,
ડાહ્યા લોકો ભેટ આપવા આવે કૂંચીતાળા લઈને.

સંદિપ ભાટિયા

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant