Smriti Mandhana Becomes the New Brand Ambassador of Candere Jewellery
(સૌજન્ય : GJEPC)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

ભારતની અગ્રણી અને પ્રતિષ્ઠિત કલ્યાણ જ્વેલર્સ ગ્રૂપની જાણીતી લાઈફસ્ટાઈલ જ્વેલરી બ્રાન્ડ ‘કેન્ડેરે’ (Candere) દ્વારા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાની તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન બાદ હવે સ્મૃતિ મંધાના આ બ્રાન્ડનો નવો ચહેરો બનશે. ખાસ કરીને દેશના યુવા વર્ગ અને આધુનિક ગ્રાહકોમાં પોતાની પકડ મજબૂત કરવાના હેતુથી કંપની દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં કેન્ડેરેની વિવિધ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયા ઝુંબેશોમાં સ્મૃતિ મંધાના જ્વેલરીના આકર્ષક કલેક્શનને પ્રમોટ કરતી જોવા મળશે.

કેન્ડેરે હાલમાં ભારતમાં ઝડપથી વિકસતી જ્વેલરી બ્રાન્ડ્સમાંની એક છે, જે રોજિંદા વેર (Everyday Wear) અને સમકાલીન ડિઝાઇનની જ્વેલરી માટે જાણીતી છે. કલ્યાણ જ્વેલર્સના ઓમ્નીચેનલ સપોર્ટ સાથે કેન્ડેરે હાલમાં સમગ્ર ભારતમાં 130 થી વધુ રિટેલ સ્ટોર્સનું વિશાળ નેટવર્ક ધરાવે છે. સ્મૃતિ મંધાનાની લોકપ્રિયતા દેશના ખૂણે-ખૂણે અને ખાસ કરીને યુવા પેઢીમાં ખૂબ જ વધારે છે, જેનો સીધો લાભ કંપનીને તેમના રીટેલ બિઝનેસના વિસ્તરણમાં અને બ્રાન્ડ વેલ્યુ વધારવામાં મળશે.

આ ભાગીદારી અંગે ખુશી વ્યક્ત કરતા કેન્ડેરેના ડાયરેક્ટર રમેશ કલ્યાણરામને જણાવ્યું હતું કે, “સ્મૃતિ મંધાનાનો પ્રભાવ માત્ર ક્રિકેટના મેદાન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આજની એવી આધુનિક પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જે મહત્વાકાંક્ષા, પ્રમાણિકતા અને અડગ આત્મવિશ્વાસમાં માને છે. કેન્ડેરે જે રીતે એક અગ્રણી લાઈફસ્ટાઈલ જ્વેલરી બ્રાન્ડ તરીકે આગળ વધી રહી છે, તેમાં સ્મૃતિનું જોડાણ અમને દેશભરના ગ્રાહકો સાથે વધુ આત્મીયતાથી જોડાવામાં અને અમારો સંબંધ વધુ મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થશે.”

બીજી તરફ, આ નવી સફર અંગે ઉત્સાહ દર્શાવતા ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ જણાવ્યું હતું કે, “કેન્ડેરે બ્રાન્ડ સાથે જોડાતા હું અત્યંત આનંદ અનુભવી રહી છું. આ એક એવી બ્રાન્ડ છે જે આજના ગ્રાહકોની ચોક્કસ શૈલી અને તેમની પસંદગીઓને ખૂબ જ સારી રીતે સમજે છે. મારા માટે, જ્વેલરી એ માત્ર કોઈ ખાસ પ્રસંગો કે તહેવારો પૂરતી મર્યાદિત વસ્તુ નથી, પરંતુ હું તેને રોજિંદા જીવનમાં નિયમિતપણે પહેરવાનું પસંદ કરું છું. કેન્ડેરેની આધુનિક અને ટ્રેન્ડી ડિઝાઇન્સ મારી આ વિચારસરણી સાથે બિલકુલ સુસંગત છે અને દરેક આઉટફિટ સાથે સરળતાથી મેચ થઈ જાય છે.”

ઉલ્લેખનીય છે કે, કેન્ડેરે બ્રાન્ડ દ્વારા લાઈટવેઈટ જ્વેલરી, ડાયમંડ રિંગ્સ, પ્લેટિનમ આભૂષણો અને કસ્ટમાઈઝ્ડ ડિઝાઈન પૂરું પાડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ભારતીય મહિલા ક્રિકેટની સુપરસ્ટાર અને લાખો યુવાનોની આઈકોન સ્મૃતિ મંધાનાના જોડાણથી બ્રાન્ડ આગામી તહેવારોની સિઝનમાં ગ્રાહકોને આકર્ષવા માટે બજારમાં નવા કલેક્શન્સ લોન્ચ કરવાની પૂરજોશ તૈયારીઓ કરી રહી છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant