ભારતના ઘરોમાં વણવપરાયેલા પડેલા સોનાના વિશાળ ભંડારને દેશના સત્તાવાર નાણાકીય તંત્રમાં લાવવા માટે ‘ગોલ્ડ મોનેટાઈઝેશન’ પ્રક્રિયાને વધુ સરળ, ભરોસાપાત્ર અને અનુકૂળ બનાવવી અનિવાર્ય છે.
મુંબઈ ખાતે બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ‘ઇન્ડિયાઝ ગોલ્ડ રેવલ્યુશન : મોનેટાઈઝેશન, ટોકનાઈઝેશન એન્ડ ફાઇનાન્સિયલ ટ્રાન્સફોર્મેશન’ સેમિનારમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના વેસ્ટર્ન રીજનના રીજનલ ચેરપર્સન અને નેશનલ એક્ઝિબિશનના સભ્ય ખુશ્બૂ રાણાવતે (Khushboo Ranawat) આ મહત્વનું નિવેદન આપ્યું હતું.
સેમિનારમાં “બિલ્ડિંગ ઇન્ડિયાઝ ગોલ્ડ મોનેટાઈઝેશન માર્કેટપ્લેસ” વિષય પર એક ઉચ્ચ સ્તરીય પેનલ ચર્ચા યોજાઈ હતી.
ધ ફેડરલના ફિનટેક પ્લેટફોર્મના એડિટર-ઇન-ચીફ નીલ બોરાટેના સંચાલનમાં યોજાયેલી આ પેનલમાં સેબી (SEBI) ના ચીફ જનરલ મેનેજર રિચા અગ્રવાલ, IFSCA ના જનરલ મેનેજર રામકૃષ્ણન પદ્મનાભન, CDSL ના ચીફ બિઝનેસ ઓફિસર નિલેશ લોડાયા, EY ઇન્ડિયાના ટેક્સ પાર્ટનર રજનીશ ગુપ્તા અને RBI ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગુનવીર સિંહ જેવા ટોચના નિયમનકારો અને નાણાકીય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
આ ચર્ચાનો મુખ્ય હેતુ દેશમાં સોનાની આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો અને સ્થાનિક સોનાને અર્થતંત્રમાં સક્રિય કરવાનો હતો.
ગોલ્ડ લોન જેટલી જ સરળતા મોનેટાઈઝેશનમાં હોવી જરૂરી
ઘરોમાં લોકરમાં પડી રહેલા નિષ્ક્રિય સોનાના પડકાર અંગે વાત કરતા ખુશ્બૂ રણાવતે જણાવ્યું હતું કે, ગ્રાહકોએ પહેલા તો એવા દાગીના ઓળખવા જોઈએ જે વર્ષોથી વપરાયા નથી અને તેને ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ (GMS) અથવા ગોલ્ડ ડિપોઝિટ પ્રોડક્ટ્સ હેઠળ મૂકવા વિચારવું જોઈએ.
તેમણે ઉમેર્યું કે :
“સમસ્યા એ નથી કે ભારતીયો પોતાના સોનાનો નાણાકીય ઉપયોગ કરવા નથી માંગતા. દેશના કરોડો પરિવારો જરૂરિયાત સમયે ગોલ્ડ લોન લેવા માટે સોનું ગીરો મૂકે જ છે. અસલી પડકાર એ છે કે આપણે ગોલ્ડ મોનેટાઈઝેશન પ્રોડક્ટ્સને પણ ગોલ્ડ લોન જેટલી જ સરળ, સુરક્ષિત અને સુલભ બનાવવી પડશે. ગ્રાહકો જ્યારે સોનાને માત્ર લોકરમાં રાખવાની વસ્તુને બદલે વ્યાજ કમાવી આપતી નાણાકીય સંપત્તિ તરીકે જોશે, ત્યારે આ યોજનામાં લોકોની ભાગીદારી આપોઆપ વધી જશે.”
૨૫,૦૦૦ ટનની સામે માત્ર ૩૦ ટન સોનું જ કેમ આવ્યું?
સેમિનારમાં સરકારી ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમની મર્યાદિત સફળતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ ભારતીય પરિવારો પાસે આશરે ૨૫,૦૦૦ ટન સોનાનો સ્ટોક છે, જેની સામે આ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં માત્ર ૩૦ ટન જેટલું નજીવું સોનું જ એકત્ર કરી શકાયું છે.
આ નિષ્ફળતાનું કારણ દર્શાવતા GJEPC ના પ્રતિનિધિએ જણાવ્યું કે, આ સ્કીમ અંતર્ગત સોનાને ઓગાળવાની (Melting) અને તેની શુદ્ધતાની આકરી ચકાસણી (Purity Assessment) કરવાની પ્રક્રિયા રાખવામાં આવી છે.
આ જટિલ પ્રક્રિયાના કારણે લોકો પોતાના પેઢી દર પેઢીથી ચાલ્યા આવતા કૌટુંબિક દાગીના કે વારસામાં મળેલી જ્વેલરી આપતા અચકાય છે, કારણ કે દાગીના ઓગળી જવાનો ડર હોય છે. જોકે, ભારતમાં રોકાણ માટે ખરીદાયેલા સોનાના બિસ્કિટ (Bars) અને સિક્કાઓનો (Coins) મોટો હિસ્સો છે, જેને સરળતાથી મોનેટાઈઝ કરી શકાય તેમ છે.
NBFCs અને બેંકોના નેટવર્કનો ઉપયોગ કરવાની સલાહ
GJEPC એ ભલામણ કરી છે કે જો આપણે ગોલ્ડ લોન સેક્ટરમાંથી પાઠ ભણીને નૉન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs), બેંકો અને સંગઠિત સોનાના વેપારીઓના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરીએ અને ગ્રાહકોને આકર્ષક વ્યાજ કે પ્રોત્સાહન આપીએ, તો ભારતમાં સ્થાનિક સ્તરેથી જ જંગી માત્રામાં સોનું સિસ્ટમમાં લાવી શકાય તેમ છે.
આ એક દિવસીય ગોલ્ડ સમિટમાં ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (EGR), સોનાનું ડિજિટલ ટોકનાઈઝેશન અને આધુનિક ડિજિટલ ગોલ્ડ ઇકોસિસ્ટમના વિકાસ અંગે નીતિગત સુધારાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે MCX ના એમડી અને સીઇઓ પ્રવીણ રાય, સેબીના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રમોદ રાવ સહિત RBI, SEBI, CDSL અને NSDL ના વરિષ્ઠ પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને ભારતમાં ‘ગોલ્ડ રેવલ્યુશન’ લાવવા માટે ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















