DIAMOND CITY NEWS, SURAT
મથાળું વાંચીને તમને થશે કે અમેરિકાના 50 ટકા ટૅરિફની કારણે ચારેકોર અંધકાર દેખાઈ રહ્યો છે. ઉદ્યોગમાં ધંધો ચલાવવાની ચિંતા છે, રોજગારીનું સંકટ મોં ફાડીને ઊભું છે, નિકાસ મોટા પાયે ઘટવાની શંકા છે અને તમે કહો છો કે આશા રાખીએ હીરાઉદ્યોગની દિવાળી સારી જાય.
આ હું એટલા માટે કહું છું કે ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી મંદીનો માહોલ છે, પરંતુ એક HOPEને કારણે આજે પણ હીરાઉદ્યોગ ટકીને ઊભો રહ્યો છે. ઉદ્યોગના લોકો સમજદારીથી એકબીજાની સાથે રહ્યા એટલે હજુ ઉદ્યોગમાં આશા જીવંત છે.
અંધારી રાતના ખોળે,
એક કિરણ ચૂપકે ઝળુંબે,
આશા એ તો જીવનની તાકાત,
જે દરેક મુશ્કેલીને હળવી બનાવે.
હૃદયમાં જ્યારે નિરાશા ઘેરાય,
આશા એ તો સપનાં લઈ આવે,
એક નાનકડો દીવો પ્રગટાવી,
જીવનને નવો રંગ આપે.
ડોનાલ્ડ ટ્રમ્પે 30 જુલાઈ, 2025ના રોજ ભારત પર 25 ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરી હતી, જે 7 ઓગસ્ટ, 2025થી અમલમાં આવી. આ ટૅરિફ ભારતના રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીને લઈને લાદવામાં આવ્યો હતો, જેને અમેરિકા રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ગણાવે છે.
ત્યારબાદ, 6 ઓગસ્ટ, 2025ના રોજ, ટ્રમ્પે વધુ 25 ટકા ટૅરિફ લાદવાનો એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો, જેનાથી ભારત પર કૂલ 50 ટકા ટૅરિફ લાગુ થયો. આ ટૅરિફ 27 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે.
ભારતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ દેશના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભારત વૈશ્વિક સ્તરે ડાયમંડ કટિંગ એન્ડ પોલીશીંગનું કેન્દ્ર છે, જેમાં વિશ્વના 90 ટકાથી વધુ હીરા ભારતમાં કટ એન્ડ પોલિશ્ડ થાય છે.
ગુજરાતના સુરત શહેરને “ડાયમંડ હબ” તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં હજારો નાના-મોટા ઉદ્યોગો અને લાખો કારીગરો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે.
હવે એક વાત સમજવા જેવી છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે ટોટલ 50 ટકા ટૅરિફ નાંખ્યો એટલે આપણા ઉદ્યોગને જે અસર પડવાની છે તે અમેરિકા પુરતી સીમિત છે.
હા, પણ એટલું ખરું કે આપણી અમેરિકા પર નિર્ભરતા ઘણી મોટી છે. એમ કહી શકાય કે, નિકાસના લગભગ 50 ટકા અમેરિકા પર આધારિત છે અને બાકીના 50 ટકા દુનિયાના અન્ય દેશો સાથે નિકાસ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ડાયમંડ ઉદ્યોગકારોને વારંવાર કહેતા હતા કે, તમે ડાયમંડ કટિંગ પોલીશીંગમાં નંબર વન છો, તો પછી તમારા જ ડાયમંડની જ્વેલરી અહીંયાં જ બને એ વિશે કેમ વિચારતાં નથી. તમારા ડાયમંડના ઉપયોગ કરીને વિદેશના લોકો તમારા કરતા વધારે કમાણી કરે છે.
મેં શરૂઆતમાં કીધું તેમ કે આ જ આપણા માટે આશાનું કિરણ છે. ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે અને લગ્નસરાં પણ શરૂ થશે એટલે સ્થાનિક લેવલે મોટી ડિમાન્ડ નિકળશે.
જેમ એન્ડ જ્વલેરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ચૅરમૅન કિરીટ ભણશાળી સાથે જ્યારે અમે વાત કરી તો તેમણે પણ એ જ કહ્યું કે, JCK લાસ વેગાસ અને IIJSના શોમાં જોવા મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ જોતા એવું લાગે છે કે, સ્થાનિક લેવલે સારી ડિમાન્ડ રહેશે.
ભણશાળીએ આગળ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં બ્રિટનની મુલાકાતે ગયા ત્યારે GJEPC ચેરમેન તરીકે મને પણ તક મળેલી અને બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા અને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પરની 4 ટકા ડ્યુટી શૂન્ય થઇ ગઇ. હવે તમે વિચારો કે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે બ્રિટનનું 1 બિલિયન ડોલરનું માર્કેટ છે.
બીજા તરફ પ્રધાનમંત્રી દુનિયાના અનેક દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહ્યા છે એ જોતા દુનિયાના અન્ય દેશોમાં પ્રવેશવાની પણ તક મળવાની છે.
અમેરિકા સિવાય મિડલ ઇસ્ટના દેશોમાં પણ પ્રવેશવાની એક મોટી તક છે. ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટૅરિફનો નિર્ણય ભારતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ ઉપરાંત ટેક્સટાઈલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો પર ગંભીર અસર કરશે. નિકાસ ખર્ચમાં વધારો, માંગમાં ઘટાડો, અને રોજગારીની ખોટ જેવા પડકારો ઊભા થશે.
જોકે, નવા બજારોની શોધ, સ્થાનિક માંગ વધારવી, અને ટેકનોલોજીનો ઉપયોગ જેવી તકો દ્વારા આ પડકારોનો સામનો કરી શકાય છે. ભારત સરકાર અને ઉદ્યોગોએ સાથે મળીને વ્યૂહાત્મક રીતે આગળ વધવું જોઈએ, જેથી આ ઉદ્યોગો વૈશ્વિક સ્પર્ધામાં પોતાનું સ્થાન જાળવી શકે.
હવે પહેલા એ સમજી લઇ કે ટૅરિફને કારણે હીરા અને જ્વેલરી ઉદ્યોગ પર સીધી અસરો કઇ પડશે
1. નિકાસ ખર્ચમાં વધારો
50 ટકા ટૅરિફના કારણે ભારતીય હીરા અને જ્વેલરી ઉત્પાદનો અમેરિકન બજારમાં નોંધપાત્ર રીતે મોંઘા થશે.
આ ટૅરિફનો સીધો અર્થ એ છે કે ભારતમાંથી નિકાસ થતા હીરા અને જ્વેલરી પર 50 ટકા વધારાનો ટેક્સ લાગશે, જેના કારણે આ ઉત્પાદનોની કિંમતો અમેરિકન ગ્રાહકો માટે વધી જશે.
આનાથી ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા ઘટશે, કારણ કે અમેરિકન આયાતકારો અને ગ્રાહકો મોંઘા ઉત્પાદનો ખરીદવાનું ટાળી શકે છે.
2. નિકાસનું પ્રમાણ ઘટવું
અમેરિકા ભારતના હીરા અને જ્વેલરી નિકાસનું આશરે મોટો બજાર હિસ્સો ધરાવે છે. 50 ટકા ટૅરિફના કારણે આ નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે.
નિષ્ણાતોનું માનવું છે કે આ ટૅરિફથી ભારતની હીરા અને જ્વેલરી નિકાસમાં 20-30 ટકાનો ઘટાડો થઈ શકે છે, જેનાથી આ ઉદ્યોગને કરોડો ડોલરનું નુકસાન થઈ શકે છે.
આ ઘટાડો ખાસ કરીને નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (MSMEs)ને વધુ અસર કરશે, જેમની આર્થિક ક્ષમતા મોટી કંપનીઓની તુલનામાં ઓછી હોય છે.
3. રોજગારી પર અસર
હીરા અને જ્વેલરી ઉદ્યોગ ભારતમાં લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે, ખાસ કરીને ગુજરાતના સુરત અને મુંબઈ જેવા શહેરોમાં. ટૅરિફના કારણે નિકાસમાં ઘટાડો થવાથી ઉદ્યોગોની આવક ઘટશે, જેનાથી રોજગારીની તકો ઘટી શકે છે.
નાના કારીગરો અને કામદારો, જેઓ આ ઉદ્યોગ પર નિર્ભર છે, તેમના માટે આ આર્થિક સંકટનું કારણ બની શકે છે. ખાસ કરીને, સુરતના હીરા પોલિશિંગ ઉદ્યોગમાં કામ કરતા લાખો કારીગરોને આની સીધી અસર થશે.
4. સ્પર્ધાત્મક બજારમાં નુકસાન
અમેરિકન બજારમાં ભારતીય હીરા અને જ્વેલરીની સ્પર્ધાત્મકતા ઘટવાથી અન્ય દેશો, જેમ કે ચીન, થાઈલેન્ડ અને વિયેતનામ, આ બજારમાં પોતાનો હિસ્સો વધારી શકે છે.
આ દેશો પર લાદવામાં આવેલા ટૅરિફ ભારતની સરખામણીમાં ઓછા છે (ઉદાહરણ તરીકે, ચીન પર 30 ટકા, વિયેતનામ પર 20 ટકા), જેનાથી આ દેશોના ઉત્પાદનો અમેરિકન બજારમાં વધુ સ્પર્ધાત્મક બની શકે છે. આનાથી ભારતનો બજાર હિસ્સો ઘટવાનું જોખમ છે.
5. ઉત્પાદન ખર્ચ અને નફામાં ઘટાડો
ટૅરિફના કારણે નિકાસ ખર્ચમાં વધારો થવાથી ઉદ્યોગોના નફાના માર્જિન પર અસર પડશે. ઘણી કંપનીઓ આ વધારેલા ખર્ચને ગ્રાહકો પર નાખી શકશે નહીં, કારણ કે તેનાથી ઉત્પાદનોની માંગ ઘટી શકે છે.
પરિણામે, ઉદ્યોગોને ઉત્પાદન ખર્ચ ઘટાડવા અથવા નફો ઘટાડવો પડશે, જે નાના ઉદ્યોગો માટે ખાસ કરીને પડકારજનક હશે.
હવે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે આશાના કિરણ કયા છે તે જોઇ લઇએ
- નવા બજારોની શોધ : ટૅરિફના કારણે અમેરિકન બજારમાં નુકસાન થશે, પરંતુ ભારતીય ઉદ્યોગો યુરોપ, એશિયા અને મધ્ય પૂર્વના બજારોમાં નવી તકો શોધી શકે છે. ઉદાહરણ તરીકે, યુએઈ અને હોંગકોંગ જેવા દેશોમાં નિકાસ વધારવાની તકો છે.
- સ્થાનિક બજારનો વિકાસ : ભારતનું સ્થાનિક બજાર મજબૂત છે, અને ઉદ્યોગો સ્થાનિક ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ઓછા કેરેટના સોનાના દાગીના અને હળવા જ્વેલરીની માંગ વધારીને સ્થાનિક બજારને મજબૂત કરી શકાય છે.
- ટેકનોલોજી અને નવીનતા : ટૅરિફના દબાણથી ઉદ્યોગો ટેકનોલોજી અને નવીનતા પર ધ્યાન આપી શકે છે, જેમ કે ઓછા ખર્ચે ઉત્પાદન પ્રક્રિયાઓ અને ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ.
- વેપાર વૈવિધ્યકરણ : ભારત અન્ય દેશો સાથે વેપાર કરારો કરીને અમેરિકા પરની નિર્ભરતા ઘટાડી શકે છે. ઉદાહરણ તરીકે, ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક (IPEF) હેઠળ વેપાર વૈવિધ્યકરણની તકો શોધી શકાય છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

















