Forevermark Expands into South India with First Luxury Store in Bengaluru
ચિત્ર : બેંગલુરુમાં ફોરએવરમાર્ક ડાયમંડ જ્વેલરી સ્ટોર. (સૌજન્ય : GJEPC)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વપ્રસિદ્ધ ‘ડી બિયર્સ ગ્રુપ’ ની પ્રીમિયમ ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ‘ફોરેવરમાર્ક’ દ્વારા દક્ષિણ ભારતમાં તેના બિઝનેસના વિસ્તરણ માટે એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. કંપનીએ દક્ષિણ ભારતમાં પોતાનો સૌથી પહેલો એક્સક્લુઝિવ બુટિક સ્ટોર બેંગલુરુના પ્રતિષ્ઠિત અને લક્ઝરી શોપિંગ ડેસ્ટિનેશન ગણાતા ‘ફોનિક્સ મોલ ઓફ એશિયા’ ખાતે સત્તાવાર રીતે ખુલ્લો મૂક્યો છે.

ભારતીય રિટેલ માર્કેટમાં સપ્ટેમ્બર 2025થી આક્રમક રીતે શરૂ કરાયેલા વિસ્તરણ બાદ, દેશભરમાં બ્રાન્ડનો આ 8મો સ્ટોર છે. કંપનીના જણાવ્યા અનુસાર, દક્ષિણ ભારતમાં અને ખાસ કરીને બેંગલુરુમાં કુદરતી હીરા અને લક્ઝરી જ્વેલરી માટે ગ્રાહકોની માંગમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે આ વિસ્તાર એક મહત્વપૂર્ણ લક્ઝરી માર્કેટ તરીકે ઉભરી આવ્યો છે.

આ ભવ્ય લોન્ચિંગ અંગે ખુશી વ્યક્ત કરતા ડી બિયર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ફોરેવરમાર્ક મેનેજિંગ ડિરેક્ટર મલ્લિકાર્જુન રેડ્ડી યારાબોલુ એ જણાવ્યું હતું કે, “બેંગલુરુમાં આ નવા સ્ટોરની શરૂઆત દેશના પ્રમુખ અને સંભવિત બજારોમાં અમારી પકડ મજબૂત કરવાના લક્ષ્યને વધુ વેગ આપે છે. ગ્રાહકો તરફથી મળી રહેલા શાનદાર પ્રતિસાદને જોતા અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે અમારા નક્કી કરેલા રોડમેપ પર આગળ વધી રહ્યા છીએ અને ચાલુ વર્ષના અંત સુધીમાં ભારતમાં અમારા કુલ સ્ટોર્સની સંખ્યા વધારીને 20 સુધી પહોંચાડવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છીએ.”

બેંગલુરુના આ આધુનિક બુટિક સ્ટોરની ખાસિયત એ છે કે ત્યાં ફોરેવરમાર્કના અત્યંત લોકપ્રિય અને વૈશ્વિક સ્તરે વખણાયેલા કુદરતી હીરાના કલેક્શન્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

જેમાં બ્રાન્ડના સિગ્નેચર કલેક્શન જેવા કે ‘આઇકોન’ (Icon), ‘અવાન્તી’ (Avaanti) અને ‘મિલેમોઈ’ (Millemoi) નો સમાવેશ થાય છે. આ સિવાય કાયમી આકર્ષણ ધરાવતા સોલિટેર, લગ્નપ્રસંગો માટેનું ખાસ બ્રાઇડલ કલેક્શન અને રોજિંદા વપરાશ (Everyday wear) માટેની આધુનિક ડિઝાઇન્સ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે.

ગ્રાહકોના શોપિંગ અનુભવને ડિજિટલ યુગ સાથે જોડતા, આ સ્ટોરમાં બ્રાન્ડની અત્યાધુનિક ટેકનોલોજી સુવિધા ‘એન્ડલેસ આઈલ’ (Endless Aisle) પણ રજૂ કરવામાં આવી છે. ફોરેવરમાર્ક નેટવર્કમાં આ સુવિધા ધરાવતો આ પ્રથમ સ્ટોર બન્યો છે.

આ એક એવું અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ છે, જેના માધ્યમથી ગ્રાહકો સ્ટોરની અંદર ડિસ્પ્લેમાં ન હોય તેવી હજારો વૈશ્વિક ડિઝાઇન્સને વર્ચ્યુઅલી બ્રાઉઝ કરી શકશે અને પોતાની મનપસંદ જ્વેલરીનો ઓર્ડર આપી શકશે. હીરાની શુદ્ધતા, કુદરતી ચમક અને આધુનિક ટેકનોલોજીના સંગમ સાથેનો આ સ્ટોર બેંગલુરુના જ્વેલરી પ્રેમીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે તે નક્કી છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant