
DIAMOND CITY NEWS, SURAT
ભારતના જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં નવીનતમ ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા પ્રથમ ‘જ્વેલસ્ટાર્ટ ઇન્ડસ્ટ્રી ઇનોવેશન ચેલેન્જ – ડેમો ડે’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
IIT બોમ્બેની ટેકનોલોજી અને બિઝનેસ ઇન્ક્યુબેટર સંસ્થા SINE (Society for Innovation and Entrepreneurship) ના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં અંતિમ તબક્કામાં પસંદ થયેલા ૭ અગ્રણી સ્ટાર્ટઅપ્સે ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારો સમક્ષ પોતાના ઇનોવેટિવ પ્રોડક્ટ્સ રજૂ કર્યા હતા.
ઉદ્યોગની વાસ્તવિક સમસ્યાઓ અને સ્ટાર્ટઅપ સોલ્યુશન :
આ ઇનિશિયેટિવની શરૂઆત બજેટ કે સ્કીમથી નહીં પરંતુ ઉદ્યોગના વાસ્તવિક પ્રશ્નોથી થઈ હતી. GJEPC એ પોતાના સભ્યો, જ્વેલરી મેન્યુફેક્ચરર્સ અને રિટેલર્સ પાસેથી ઉદ્યોગને નડતી આશરે ૧૦૦ થી વધુ પ્રાયોગિક સમસ્યાઓ એકત્ર કરી હતી, જેને SINE IIT બોમ્બેની મદદથી ૨૨ મુખ્ય પડકારોમાં વર્ગીકૃત કરવામાં આવી હતી.
આ ચેલેન્જ માટે દેશભરમાંથી ૧૨૦ થી વધુ સ્ટાર્ટઅપ્સની અરજીઓ આવી હતી, જેમાંથી ૨૭ સ્ટાર્ટઅપ્સને વર્ચ્યુઅલ પીચ માટે શોર્ટલિસ્ટ કરાયા હતા અને આખરે શ્રેષ્ઠ ૭ સોલ્યુશન્સને ‘ડેમો ડે’ માં સ્થાન મળ્યું હતું.
કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાતાં ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી શ્રી સાકેત કુમારે જણાવ્યુ હતું કે, “પેઢીઓથી પરંપરાગત કારીગરી પર નિર્ભર રહેલા જ્વેલરી ઉદ્યોગે ટેકનોલોજીકલ જવાબો મેળવવા માટે IIT બોમ્બે તરફ પગલું ભર્યું તે ખૂબ જ સરાહનીય છે. સરકારે યુએઈ, ઓસ્ટ્રેલિયા, ઓમાન અને યુકે સાથે મુક્ત વેપાર કરારો (FTA) કરીને વૈશ્વિક બજારો ખોલી આપ્યા છે, પરંતુ તે તકોનો લાભ લેવા માટે ટેકનોલોજી અને પ્રોડક્ટિવિટી અનિવાર્ય છે. સુરત, જયપુર કે કોઇમ્બતુર જેવા વર્કશોપ સુધી આ ટેકનોલોજી પહોંચશે તો તેનો દૂરગામી પ્રભાવ પડશે.”
GJEPC ના ચેરમેન શ્રી કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, “ભારતીય જ્વેલરી ઉદ્યોગે તેની કારીગરીથી વિશ્વભરમાં સ્થાન બનાવ્યું છે. હવે $100 બિલિયન ડોલરના નિકાસ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે પરંપરાગત પ્રણાલીઓથી આગળ વધીને ડિજિટલ-ફર્સ્ટ ઇનોવેશન અપનાવવું જરૂરી છે. જ્વેલસ્ટાર્ટ એ વારસા સમાન કારીગરીને આધુનિક સ્વદેશી ટેકનોલોજી સાથે જોડતો સેતુ છે.”
અગ્રણી હોદ્દેદારોની ઉપસ્થિતિ :
ડેમો ડે દરમિયાન GJEPC ના વાઇસ ચેરમેન શૌનક પરીખ, ડાયમંડ પેનલ કન્વીનર અનૂપ મહેતા, આશિષ બોરડા, મિત્તલ દોશી, જનક મિસ્ત્રી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રોય સહિત દેશના અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સના વડાઓ અને રોકાણકારો હાજર રહ્યા હતા.
જુદા જુદા ક્ષેત્રોમાં ટેકનોલોજીનો ઉપયોગ :
ડેમો ડે માં રજૂ થયેલા ૭ સ્ટાર્ટઅપ્સે નીચે મુજબના ક્ષેત્રોમાં ટેકનોલોજીકલ ઉકેલો પ્રદર્શિત કર્યા હતા :
- સ્માર્ટ ફેક્ટરી મોનિટરિંગ અને કિંમતી ધાતુઓની ઇન્વેન્ટરીનું રિયલ-ટાઇમ ટ્રેકિંગ.
- જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ઓટોમેશન.
- ઝડપી અને ઓછી કિંમતે જ્વેલરી પ્રોટોટાઇપિંગ તથા ડિઝાઇન સપોર્ટ.
- સપ્લાય ચેઇનમાં ટ્રેસેબિલિટી (પારદર્શકતા) અને પ્રોડક્ટિવિટીમાં વધારો.
આ કાર્યક્રમ દ્વારા પસંદ થયેલા સ્ટાર્ટઅપ્સને GJEPC ના વૈશ્વિક પ્લેટફોર્મ્સ, ઉદ્યોગના અનુભવી માર્ગદર્શકો (Mentors) અને ઇન્ક્યુબેશન સપોર્ટ દ્વારા પોતાના આઇડિયાને માર્કેટ-રેડી પ્રોડક્ટમાં બદલવાની તક મળશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















