67 percent hike in gold hallmarking charges unjustified GJC seeks immediate review
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT 

ઓલ ઈન્ડિયા જેમ્સે એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC) એ સોનાના દાગીના પર હોલમાર્કિંગ ચાર્જમાં કરવામાં આવેલા ધરખમ વધારા સામે સખત વિરોધ નોંધાવ્યો છે. કેન્દ્ર સરકાર અને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા હોલમાર્કિંગ ફી પ્રતિ આર્ટિકલ (દાગીનાની નંગ દીઠ) ₹45 થી વધારીને ₹75 કરવામાં આવી છે.

GJC એ આ નિર્ણયને ગેરવાજબી ગણાવીને તુરંત પ્રભાવથી પાછો ખેંચવા અને સંબંધિત સંગઠનો (હિતધારકો) સાથે વ્યાપક વિચાર-વિમર્શ ન થાય ત્યાં સુધી જૂના દર (₹45) ચાલુ રાખવાની માગ કરી છે.

આ વધારો BIS (હોલમાર્કિંગ) સુધારા નિયમો, 2026 હેઠળ 14 સપ્ટેમ્બર 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ કરવામાં આવ્યો છે. સંશોધિત શિડ્યુલ IV હેઠળ માન્યતા પ્રાપ્ત એસેઇંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર્સ (AHCs) ને જ્વેલર્સ દ્વારા ચૂકવવામાં આવતી ફી એકસાથે 67% વધારી દેવામાં આવી છે.

કાઉન્સિલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગ્રાહક સુરક્ષા અને પારદર્શિતા માટે હોલમાર્કિંગ અને HUID (હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન) ના કડક અમલીકરણના સંપૂર્ણ સમર્થનમાં છે, પરંતુ જ્યારે દેશમાં હોલમાર્કિંગનું વોલ્યુમ (પ્રમાણ) અને ભૌગોલિક વ્યાપ અભૂતપૂર્વ રીતે વધ્યો હોય, ત્યારે આટલો મોટો ખર્ચવધારો વેપારીઓ અને ગ્રાહકો પર લાદવો યોગ્ય નથી.

સરકારી આંકડા (PIB) મુજબ, 1 જુલાઈ 2021 થી 5 માર્ચ 2026 દરમિયાન દેશમાં 60 કરોડથી વધુ ગોલ્ડ આર્ટિકલ્સનું HUID સાથે હોલમાર્કિંગ થઈ ચૂક્યું છે અને માર્ચ 2026 સુધીમાં ફરજિયાત હોલમાર્કિંગ દેશના 380 જિલ્લાઓમાં વિસ્તારી દેવાયું છે.

GJC નું માનવું છે કે જ્યારે આટલા મોટા પાયે કામકાજ વધે ત્યારે ‘ઇકોનોમીઝ ઓફ સ્કેલ’ (સામૂહિક ઉત્પાદન લાભ) ના કારણે પ્રતિ આર્ટિકલ પ્રોસેસિંગ કોસ્ટ ઘટવી જોઈએ અથવા સ્થિર રહેવી જોઈએ. તેના બદલે ફીમાં સીધો જ 67% નો વધારો કરવો તે કોસ્ટ સ્ટ્રક્ચરની પારદર્શિતા સામે સવાલો ઊભા કરે છે.

નકલી હોલમાર્કિંગ અને બજારની ગેરરીતિઓ મોટો પડકાર

GJC એ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે વધારેલા દરો હોલમાર્કિંગ ઇકોસિસ્ટમની મુખ્ય સમસ્યાઓને ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. બજારમાં હોલમાર્કિંગ સેન્ટર્સ વચ્ચે ગેરવાજબી સ્પર્ધા, કમિશન અને ભારે ડિસ્કાઉન્ટિંગ ચાલુ છે. જ્યાં નોટિફાઇડ દર ₹45 પણ યોગ્ય રીતે વસૂલાતો ન હોય, ત્યાં ભાવ ₹75 કરવાથી પારદર્શિતા આવશે નહીં.

આ ઉપરાંત, BIS ની પોતાની કાર્યવાહી દર્શાવે છે કે દેશમાં નકલી અને ગેરકાયદે હોલમાર્કિંગનો કારોબાર ધમધમી રહ્યો છે. તાજેતરમાં જુલાઈ-સપ્ટેમ્બર 2026 દરમિયાન ચેન્નાઈના અંબત્તુર, તામિલનાડુના પનરુટી (5.4 કિલો નકલી દાગીના), હૈદરાબાદ (1.6 કિલો), અમદાવાદ, અસમ (ગુવાહાટી અને ગોઆલપારામાં લેઝર માર્કિંગ મશીનો જપ્ત) અને કન્યાકુમારી ખાતે ગેરકાયદે હોલમાર્કિંગ સેન્ટર્સ અને નકલી BIS લોગો વાળા દાગીના પર દરોડા પાડવામાં આવ્યા હતા. જીજેસી મુજબ, નિયમ પાળતા પ્રમાણિક જ્વેલર્સ પર બોજ વધારવાને બદલે આવા ગેરકાયદે સેન્ટર્સ સામે કડક કાનૂની પગલાં લેવા સરકારી તંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ.

હળવા વજનના (લાઇટવેઇટ) દાગીના પર સૌથી વધુ માર

આ નિર્ણયથી મધ્યમ વર્ગ અને સામાન્ય ગ્રાહકો જે લાઇટવેઇટ (ઓછા વજનના) સોનાના દાગીના ખરીદે છે તેના પર સિંહભોગ પડશે. BIS ના નિયમ મુજબ, દાગીનાનું વજન 1 ગ્રામ હોય કે વધુ, હોલમાર્કિંગ ચાર્જ પ્રતિ નંગ લેવાય છે. તેથી ₹75 નો ચાર્જ હળવા વજનની જ્વેલરીના ઉત્પાદન ખર્ચમાં ટકાવારીની દ્રષ્ટિએ મોટો વધારો કરે છે. સોનાના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે ફિક્સ્ડ કમ્પ્લાયન્સ કોસ્ટ વધવાથી ગ્રાહકો માટે ખરીદી વધુ મોંઘી બનશે. આનાથી સંગઠિત બજારના વેપારીઓ સામે અસંગઠિત (ઈનફોર્મલ) કે ગેરકાયદે વેપાર કરતા તત્વોને આર્થિક ફાયદો મળી શકે છે.

GJC ના ચેરમેન રાજેશ રોકડે જણાવ્યું હતું કે, “જ્વેલરી ઉદ્યોગે હંમેશા હોલમાર્કિંગનું સમર્થન કર્યું છે કારણ કે ગ્રાહકનો વિશ્વાસ અમારા વેપારનો પાયો છે. પરંતુ કમ્પ્લાયન્સ ખર્ચમાં 67% નો વધારો વગર કોઈ ચર્ચાએ સ્વીકારી શકાય નહીં. સરકારે પહેલા નકલી હોલમાર્કિંગ અટકાવવું જોઈએ.”

કાઉન્સિલના વાઇસ ચેરમેન અવિનાશ ગુપ્તાએ ઉમેર્યું કે, “જો અધિકૃત રસ્તો મોંઘો બનશે તો અસંગઠિત ક્ષેત્ર સાથેનું અંતર વધશે. બજારમાં ₹45 ના રેટમાં પણ ડિસ્કાઉન્ટ અપાતું હોય તો પહેલા આર્થિક મોડેલની સમીક્ષા થવી જોઈએ.”

GJC ની મુખ્ય માંગણીઓ :

  • ₹75 નો વધારો તાત્કાલિક સ્થગિત રાખી સમીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી ₹45 નો દર યથાવત રાખવો.
  • એસેઇંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર્સ (AHCs) ના વાસ્તવિક ઓપરેટિંગ ખર્ચ, ક્ષમતા અને નફાકારકતાનો પારદર્શક અભ્યાસ કરવો.
  • નકલી હોલમાર્કિંગ, HUID વગરના દાગીના અને અનઅધિકૃત સેન્ટર્સ સામે એન્ફોર્સમેન્ટ સખત બનાવવું.
  • હળવા વજનની અને ઓછી કિંમતની જ્વેલરી માટે પ્રતિ ગ્રામ કે અલગ તર્કસંગત ચાર્જ પદ્ધતિ વિચારી શકાય.
  • જ્વેલર્સ, ઉત્પાદકો અને AHCs પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યા બાદ જ કમ્પ્લાયન્સ દરોમાં સુધારો કરવો.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant