જ્યાં વાદળો પવનને ચુંબન કરે છે,
ત્યાં એક નાનકડો પ્રદેશ છે — મુન્નાર.
જ્યાં વરસાદ પાંખો પહેરીને નૃત્ય કરે છે,
ને પવનમાં ચા-પાંદડીની સુગંધ ઘૂમે છે……
મુન્નાર એવો એક પ્રદેશ છે જ્યાં ધરતી લીલી ઓઢણી ઓઢે છે અને આકાશ એ ઓઢણી માથે મોતી વરસાવે છે. જ્યાં ક્ષિતિજ દેખાતી ચા બાગાનોથી કવિની કલ્પના હરીભરી થઇ જાય છે, અને દરેક વિસામો એ માનવીના આત્મા માટે આરામગૃહ બની રહે છે.
વરસાદી મોસમમાં મુન્નાર એ માત્ર પ્રવાસ નથી, એ તો પ્રેમ છે… જ્યાં હૃદયને મનગમતો સધિયારો મળે છે, બસ એક કંપની એવી હોય જે તમારા મૌનને પણ સમજે તો મુન્નાર સ્વયં એક કહાની બની જાય છે!
મુન્નારનું કુદરતી સૌંદર્ય
વરસાદમાં ઉગેલું એક લીલું સ્વપ્ન
જ્યારે વરસાદની પ્રથમ ટીપાં મુન્નારની પાંદડીઓ સાથે મીઠી વાતો કરે છે, ત્યારે સમગ્ર પ્રદેશ જીવંત થઈ ઊઠે છે. ચા બાગાનના ફેલાયેલા દરિયાની વચ્ચે તાજો વરસાદ એ ગઝલ છે, જે દરેક પર્વતને સંગીતમય બનાવી દે છે. અહીં ખીણો મધુર દુહાઓ ગાય છે અને ઝરણાંઓ રાગની જેમ વહે છે!
એરાવિકુલમ નેશનલ પાર્ક, જ્યાં નિલગિરિ જોવા મળે છે — વરસાદના મોસમમાં ઘાસસદૃશ પહાડીઓ ઝાકળથી ઢંકાય છે.
એટુકડ, લાખમ, અને નીયમકધાર ધોધ — વરસાદ આવતા જ વધુ જળધારા સાથે રાગ ભૈરવીનો નાદ કરે છે. પોત્ટમેડુ વ્યૂ પોઈન્ટ પરથી છાંયાવાદી વાદળોની લહેરો ચા-બગીચાઓ ઉપર ધીમેધીમે તરંગે છે.
વરસાદી મોસમમાં પ્રવાસીઓનો પ્રવાહ ઘટી જાય છે — એચલે ચા બાગાન તમારી સાથે સંવાદ કરવા લાગે છે, રસ્તાઓની શાંતિ તમારા પગની ચંપી કરે છે, અને હોટેલમાં આરામદાયક નિવાસ તમારું સ્વાગત કરે છે.
વાદળોની ગર્જનાઓ અને દિલની ધડકનો મળીને નવો ગરબો રચે છે! જેને જીવંત રસભર્યો રાસ જોઈએ છે, તેમની માટે આ પળો મૂલ્યવાન છે!
ઈતિહાસનો સ્પર્શ
મુન્નારનો ઈતિહાસ બ્રિટિશ સમયથી જોડાયેલો છે, જ્યારે અંગ્રેજો અહીં પહાડો અને ચા માટે આવ્યા હતા. અહીંના ચા બગીચા અને વાસ્કો હાઉસ જેવી ઇમારતો તેનો સાક્ષાત પુરાવો આપે છે.
આજ સુધી ટાટા ટી મ્યુઝિયમમાં એ વિહંગાવલોકન કરી શકાય છે — ચાના બીજથી કપ સુધીની સફર અહીં જોઈ શકાય છે. જે અત્યંત આહલાદક છે, કદી ન ભૂલાય એવી!
મુન્નારની સંસ્કૃતિ – શાંતિથી ભરેલ જીવનશૈલી
મુન્નારના લોકો મુખ્યત્વે મલયાલમ ભાષા બોલે છે. તેમનું જીવન સરળ, ઋતુઓ સાથે સહઅસ્તિત્વમાં છે. અહીં તહેવાર જેમ કે ઓણમ અને વિશ્વુ ધૂમધામથી ઉજવાય છે. પરંપરાગત કલાઓ જેમ કે કથકલી અને મોહિનીયાટ્ટમનું આયોજન કેટલાક રિસોર્ટ્સમાં પણ જોવા મળે છે.
જેમને આજની તકલીફભરી દૌડમાંથી અલગ શાંતિભર્યું જીવન જીવવાનો એહસાસ કરવો છે, તેમને માટે ત્રણ કે પાંચ દિવસની મુન્નારની સફર કોઈ કાલ્પનિક કહાની જેવી બની રહે છે!
આયુર્વેદિક સ્પા અને વેલનેસ તન અને મન માટે અમૃત
મુન્નારના અનેક રિસોર્ટ્સ અને હેલ્થ રિટ્રીટ્સમાં તમે આયુર્વેદિક ટ્રીટમેન્ટથી રીલેક્સ થઈ શકો છો. ખાસ કરીને વરસાદી મોસમ એટલે કે ‘કાયકલ્પ સમય’ માં આયુર્વેદિક સારવાર વધુ અસરકારક બને છે. અહીંના આયુર્વેદિક સ્પાઓમાં શિરોધારાથી લઈને પિંચા સલોહમ સુધી વિવિધ સારવાર મળે છે.
મુન્નારનું હવામાન ઊંડા શ્વાસ માટે પવિત્ર પ્રાણવાયુ છે – મોસમમાં શીતળ પવન, ભીના વાદળ અને હરિયાળું વાતાવરણ. આ છે એ આખું આયુર્વેદને જીવંત બનાવતું દૃશ્યપટ.
અહીં વર્ષામાં શરીરને ડિટોક્સ કરાવવા, મનને શાંત કરવા અને ચેતનાને ઉર્જાવાન કરાવવા માટે માત્ર સારવાર નથી લેવાની પણ જીવનના યથાર્થથી નીકળીને પાછું પોતાની અંદર પ્રવેશવાની ચાવી મેળવવાની છે!
શરીર નહીં, આત્મા સુધી પહોંચતી સ્પર્શ સારવાર
અહીંના આયુર્વેદિક સ્પા માત્ર તેલ લગાડીને મસાજ આપતા નથી, પણ સૂક્ષ્મ નાડીઓ સુધી પોષણ આપતા અષ્ટવિધ ચિકિત્સા પદ્ધતિઓ : પંચકર્મ થેરપી – તન, મન અને આત્માની શુદ્ધિ માટે પ્રાચીન વૈદિક રીત અભ્યંગમ (આયુર્વેદિક ઓઇલ મસાજ), શિરોધારા (મસ્તક પર સતત ટીપું ટીપું પડતું તેલ, જાણે શિવજી પર થતો અભિષેક) પોડિકલ પોટલી મસાજ – એના સ્પર્શથી દુ:ખદાયક યાદો પણ ઓગળી જાય…
મુન્નારના શ્રેષ્ઠ આયુર્વેદિક સ્પા અને વેલનેસ રિસોર્ટ્સ
- SpiceTree Munnar – Holistic Wellness Retreat : પર્વતના ઢોળાવે વસેલું રિસોર્ટ જ્યાં દરેક ઓઇલ મસાજ પહેલાં તબીબી ચેકઅપ થાય છે. અહીંની ‘Ananda Therapy’ એટલી શાંતિકારક છે કે જાણે કોઈ આશીર્વાદ રગ રગમાં વહેતો હોય. સ્પેશિયલ: Couple Wellness Program – પ્રેમીઓ માટે પર્વતની શાંતિ અને આયુર્વેદનો સ્પર્શ મળતો હોય છે.
- The Wind Munnar – Ayurveda & Nature Spa : વરસાદી પર્વતોની વચ્ચે સ્થિત, અહીં એકદમ સ્વચ્છ આયુર્વેદ ચિકિત્સા છે – વિલંબ વગર, ભવ્યતા વગર – માત્ર તમે અને તમારા શ્વાસનું સંગીત… અહીંના શિરોધારા ટ્રિટમેન્ટ માટે દૂર દૂરથી યાત્રીઓ આવે છે – જેથી તણાવ ઓગળી જાય.
- Ragamaya Resort & Spa : “Aranya Ayurveda Spa” માં અનુભવી થેરાપિસ્ટ્સ અને 100% ઓર્ગેનિક તેલથી ચિકિત્સા આપે છે. અહીંનું મન-દેહ થેરાપી પેકેજ છે ખાસ – જેમાં આત્માને પણ શાંતિ મળે.
- The Fog Munnar – Wellness Spa : એક લહેરાતા વાદળ વચ્ચે જ્યારે મૃદુ સંગીત, ઉષ્ણ આયુર્વેદિક તેલ અને trained masseurs તમને સ્પર્શે, ત્યારે લાગણી પણ નવી જન્મે. અહીં Herbal Steam Bath તથા Navarakizhi Therapy ખૂબ લોકપ્રિય છે.
શા માટે વરસાદમાં આયુર્વેદિક થેરાપી વધુ અસરકારક હોય?
પાણીથી ભેજવાળા બનતા વાતાવરણમાં તેલ ત્વચાને સારી રીતે પોષણ આપી શકે. શીતળ અને ભીની હવા શરીરમાં તાપમાન સંતુલન લાવે છે. મન ભીનું હોય ત્યારે સ્પર્શ ઊંડો અસર કરે છે.
આથી વરસાદ એ મુન્નારના આયુર્વેદ માટે કોઈ પૃષ્ઠભૂમિ નહિ, પણ મુખ્ય પાત્ર છે! આવા સ્પા માટે ફાળવેલા સમયની સ્મૃતિ અને શક્તિ લાંબા ગાળા સુધી પર્યટકની સાથે ચાલે છે!
શ્રેષ્ઠ હોટેલ્સ અને રિસોર્ટ્સ
- Blanket Hotel & Spa – અદભુત ધોધની બાજુમાં વસેલી આ લક્ઝરી હોટેલ છે જ્યાંથી વરસાદી દૃશ્ય ઝૂલતા જાય છે.
- Fragrant Nature – વૃક્ષોના કેનોપી વચ્ચે વસેલ સ્પા સાથે પર્સનલાઈઝ્ડ સેવા.
- Windermere Estate – પરંપરાગત હોમસ્ટે જે યુરોપિયન સંગાથી સાથે ભીંજાયેલા ચા વનની મહેક આપે છે.
- Devonshire Greens – પરિવાર સાથે રહેવા માટે ઉત્તમ, બાળકો માટે એક્ટિવિટી સાથે.
મુન્નાર એ માત્ર સ્થળ નથી એ તો એવી લાગણી છે કે જ્યાં પર્વતો શ્વાસ લે છે અને વાદળો તમારી સાથે ભીની વાતો કરે છે.
વરસાદમાં જ્યારે મુન્નારની ગિરિમાળાઓ ઝાંકળ અને હળવા ઝરમર વરસાદથી ઢંકાઈ જાય છે, ત્યારે એવું લાગે છે કે દુનિયા થંભી ગઈ છે અને સમય તંત્ર તેને વહાલથી સ્નાન કરાવે છે. દરેક ટીપું, દરેક પાન પરની ઝાકળ, એવું લાગે કે તમારી હાજરીની રાહ જોઈ રહી છે.
તમે કોઈ ઊંચા વાદળથી ઘેરાયેલા રસ્તે ચાલો કોઈ ચા-બાગાનની કેડીઓ વચ્ચે, અચાનક શાંત નગરના વ્યૂ પોઈન્ટે પહોંચી જાવ એ ક્ષણે, આપનું આખું અસ્તિત્વ તો જાણે એવું કહી ઊઠે કે, “હવે અહીંથી ક્યાંય નથી જવું.”
મુન્નાર એ એવી જગ્યા છે જ્યાં રાત પણ ધીમીધીમી ઊતરે છે, જેમ કોઈ પ્રેમાળ માતા બાળકને થાપ દઈ સૂવરાવે! જ્યાં રાત્રિનું આકાશ કોઈ વિસ્મિત કાવ્ય બને છે, અને જ્યાં એકલતા તમારી શત્રુ નહિ, પણ સહેલી બને છે.
મુન્નાર એ સ્થળ છે જ્યાં તમારું ભીતરનું બાલ મન તાજું થાય છે. જ્યાં વરસાદી ટીપાં તમારા વિચારો ધોઈ નાખે છે અને ફરીથી સ્વચ્છ બનાવે છે. અહીંના ખાન-પાન પણ ભાવ ભીના હોય છે, ચાના કપમાં ભાંગેલું આકાશ હોય છે, અને દર પળ સાક્ષાત્ શાંતિ હોય છે.
જો તમે રોજિંદા જીવનથી કંઇક અનોખો અનુભવ જીવવા માંગતા હોવ તો મુન્નારના વરસાદમાં ભીંજાવાની તૈયારી રાખો… મુન્નાર બે બાંહો ફેલાવી તમારું સ્વાગત કરી રહ્યું છે, જ્યાં તમારું જીવન ફરી ફરી ખીલી ઉઠશે..!
મુન્નારના ખાસ માણવા જેવા સ્થળો
એરાવિકુલમ નૅશનલ પાર્ક : વરસાદમાં ઘાસથી લીલાંછમ પહાડ, વાદળોથી ઢંકાયેલાં માર્ગો અને દુર્લભ પ્રજાતિ નિલગિરિ થારનું નિવાસસ્થાન.
અનમુડી શિખર : દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર – વરસાદમાં અહીં ચઢવું મુશ્કેલ બને છે પણ દૃશ્ય ગજબના હોય છે. જાણે અહીં આપણે સમગ્ર વિશ્વને ભૂલી બસ અહીંના જ થઈ રહીશું !
મેટપેટ્ટી ડેમ અને બોટિંગ : વરસાદી મોસમમાં પાણી પૂરતું ભરાય છે – અને વરસતા વાદળ વચ્ચે નૌકા વિહારનો અનુભવ કોઇ ફિલ્મી વાર્તા જેવો લાગે છે!
ટાટા ટી મ્યુઝિયમ : ચાના ઇતિહાસથી શરૂ કરીને ચા બનાવવાની પ્રક્રિયા સુધી બધું અહીંયાં સમજાવવામાં આવે છે અને એક પીણું ન રહેતા એક કથા બની જાય છે!
ચિન્નાકાનાલ અને પલ્લીવાસલ ધોધ : ખાસ કરીને વરસાદમાં મહોત્સવ જેવી ધ્વનિ સાથે પડતી ધોધોની મધુર શૃંખલા છે આ!
કેવી રીતે પહોંચી શકાય મુન્નાર?
રોડમાર્ગ : મુન્નાર માટે કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ અને ખાનગી બસો દ્વારા જોડાણ ઉપલબ્ધ છે. કોચી, કોટ્ટયમ, અને મધુરાઈથી સીધો રસ્તો છે.
રેલમાર્ગ : નિયરેસ્ટ રેલવે સ્ટેશન અલ્વા (Aluva) છે – આશરે ૧૦૦ કિ.મી.
હવાઈમાર્ગ : સૌથી નજીકનું એરપોર્ટ કોચી (Cochin International Airport) છે – મુન્નારથી અંદાજે ૧૧૦ કિ.મી. દૂર. એરપોર્ટથી ટેક્સી કે પ્રાઇવેટ વાહન લઈ શકાય.
જેમને ભીડભાડ ઓછી પસંદ હોય, તેમનાં માટે વરસાદી મોસમમાં મુન્નાર તો જાણે કોઈ દૈવી સ્વપ્ન છે — જ્યાં પ્રકૃતિની ઘૂંટાતી શાંતિ વચ્ચે તમે પોતાને ફરીથી શોધી શકો છો!
જ્યાં હોય ફક્ત પવનની વાંસળી અને વરસાદના ફોરાંનો સંગાથ હોય. ચા બાગાનના એકાંત રસ્તાઓ પર ચૂપચાપ ચાલતાં, તમે પોતાને એટલી નજીક અનુભવી શકો કે તમારા ભીતરના વાદળ પણ વરસી જાય!
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube



















