જિંદગીના 10 વર્ષના સંઘર્ષમાં જે લોકો અપમાન કરતા હતા તે આજે મને મળવા માટે આતુર હોય છે એ વાતનો મને ગર્વ છે : જશવંત ગાંગાણી

માત્ર 4 ચોપડી ભણેલાં અને 11 વર્ષની ઉંમરથી કવિતા લખવાની શરૂ કરનાર જશવંત ગાંગાણી આજે ગુજરાતી ફિલ્મોમાં ખુબ જ જાણીતું નામ છે. જેનાથી કોઈ અજાણ નથી...

Diamond City-Special-Story-Jaswant-Gangani-Rajesh Shah-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

અમે વાત કરી રહ્યા છીએ ભાવનગર જિલ્લો અને તળાજા તાલુકામાં આવેલા હબુકવડ ગામમાં 20 એપ્રિલે 1962ના દિવસે જન્મેલા અને આજે ગુજરાતી ફિલ્મોમાં લેખક, કવિ, દિગ્દર્શક, ફિલ્મ પ્રોડ્યૂસર જેવા મલ્ટી ટાસ્કીંગ માટે જાણીતા જશવંત ગાંગાણીની. સફળતાના આ શિખરો સુધી જશવંતભાઇ એમનેમ પહોંચ્યા નથી. તેમણે હીરા પણ ઘસ્યા, ગામમાં ગાય ભેશો પણ ચરાવી, હીરાના કારખાના 3 વખત ચલાવ્યા અને નુકશાની જતા બંધ કર્યા. તેમણે હીરા ઘસવાનું કામ તો કર્યું પરંતુ તેમની અંદરનો કલાકાર જીવડો ઉછાળા મારતો હતો. કદાચ ઇશ્વરે તેમને કવિતા રચવાની અને લેખન કરવાની ભેટ આપી હતી.સંજોગો તેમની કલાને આગળ વધતા અટકાવી રહ્યા હતા,પરંતુ સમાજના તાણાં વાણા અને સંજોગોના બંધન ભેદીને જશવંત ગાંગાણી એ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને લખવાનું શરૂ કર્યું અને આજે ગુજરાતી ચલ ચિત્ર જગતમાં એવું જાણીતું નામ કે કોઈ પણ ગુજરાતીને તેના નામનો ગર્વ છે. અફકોર્સ, તેમની આ સફળતાની જર્નીમાં નાનાભાઇ રાજ ગાંગાણી ડગલેને પગલે સાથે રહ્યા, મોટાભાઇને ક્યારેય અટકવા ન દીધા.

તો અમે તમને જશવંત ગાંગણીની ગામમાં ભણવાથી માંડીને, હીરા ઘસવા અને ઢોલીવુડમાં નામના કમાવવાની માંડીને વાત કરીશું. જશવંત ગાંગણીની આગામી દિવસોમાં એક ફિલ્મ આવી રહી છે, ‘માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ’ આ ફિલ્મ વિશે જ્યારે અમને જાણકારી મળી તો અમે તેમની મુલાકાત લેવાનું નક્કી કર્યું. ડાયમંડ સિટીની ‘સ્પેશિયલ સ્ટોરી’ કોલમ માટે અમે જેટલાં મહાનુભાવોને મળ્યા છે તેમની એક ખાસિયત સામે આવી છે કે તેઓ બધા એકદમ સરળ અને ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓ છે. જશવંત ગાંગાણી પણ સાવ સરળ, નિખાલસ અને ડાઉન ટુ અર્થ માણસ. સફળતાનો ઘમંડ એમની વાત કે ચહેરા પર જરાયે દેખાયો નહીં.

જશવંત ગાંગાણી ભાવનગરના હબુકવડ ગામમાં પ્રાથમિક શાળામાં 4 ચોપડી ભણ્યા હતા. એ એવો સમય હતો જ્યારે તેમના પરિવારની આર્થિક હાલત એટલી સારી નહોતી. એવામાં જશવંતભાઇની ઉંમર 10 વર્ષની હતી ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પરિવારમાં 3 ભાઇઓ અને 3 બહેનો જેમાં જશવંતભાઇ સૌથી મોટા. બાળપણથી તેમનામાં સાહિત્યનો જીવ હતો, પરંતુ પરિવારની જવાબદારીને કારણે સાહિત્ય રસને તેમણે દબાવી દીધો. ભણવાનું બંધ કરીને ગાયો ભેંસ ચરાવવાનું કામ તેઓ કરતા, ત્યારે ફરી સાહિત્યનો જીવડો ઉભો થયો. અને માત્ર 11 વર્ષની ઉંમરે તેમણે કવિતા લખવાનું શરૂ કરી દીધું હતું. તેમણે પહેલી કવિતા હિંદી ભાષામાં લખી હતી. તો 11 વર્ષની ઉંમરે જે પહેલી કવિતા જશવંતભાઇએ લખેલી તે આ હતી.

ન મંદિર બના સકા મનકા, ફીર મંદિર જાનેસે ક્યા હોગા,
ન દાગ ધૂલા સકા દામનકાં, ફીર ગંગા પીને સે ક્યા હોગા.”

તેમની આ કવિતા જ્યારે સાંભળી ત્યારે અમે આફરીન પોકારી ગયા. એક 11 વર્ષના બાળકની આ સુંદર રચના હતી.

જશવંત ગાંગાણી એ પોતાની સફરની વાત આગળ વધારતા કહ્યું કે, તે વખતે ગારિયાધારનું પરવડી ગામ એ મીની સુરત તરીકે ઓળખાતું. એ જમાનામાં હીરાઉદ્યોગની શરૂઆત હતી અને અભૂતપૂર્વ ઝળહળાટથી અંજાઇ જવાતું હતું. પરંતુ મારા માટે એ મજબુરી હતી. 11 વર્ષની ઉંમરે પરવડીમાં હીરા ઘસવાનું શરૂ કર્યું. બાળપણથી વાંચવાનો બહુ શોખ હતો.

જશવંત ગાંગાણીએ કહ્યુ કે અમારા ખાનદાનમાં કોઇને પણ લખવાનો શોખ નહોતો. પણ મને કુદરતી બાળપણથી જ બસ, મારી જાત સાથે વાતો કરતો અને કવિતાની રચનામાં ખોવાયેલો રહેતો હતો..

પરવડીમાં હીરા ઘસવાની શરૂઆત કર્યા પછી 1975માં તેઓ સુરત આવ્યા. ત્યારે તેમની ઉંમર 13 વર્ષની હતી. સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા કરતા હીરાનું કારખાનું કર્યું. સમય જતાં નાના ભાઇ રાજ ગાંગાણી પણ સુરત હીરા ઘસવા આવી ગયા હતા. જશવંત ગાંગાણી એ દિવસોને યાદ કરતા કહે છે કે, હું જે મજૂરી મેળવતો તેના કરતા વધારે મજૂરી ભાઇ રાજ મેળવતો અને તેનો પુરો પગાર મને આપી દેતો. એને ખબર હતી કે મોટાભાઇને હીરા ઘસવા કરતા લખવામાં વધારે રસ છે. એટલે તે હંમેશા મને લખવા માટે પ્રોત્સાહિત કરતો રહેતો..

આખરે એક દિવસ નક્કી કર્યું કે ભગવાને જે લખવાની કળા આપી છે તેમાં જ આગળ વધવું છે. ક્યાં જવાનું છે અને ક્યાં પહોંચાશે તેની પરવા કર્યા વગર ફિલ્મ લેખનમાં પગલાં પાડવાની શરૂઆત કરી દીધી.

સંઘર્ષના એ દિવસોની વાત કરતા જશવંત ગંગાણી એ કહ્યુ કે, તે વખતે વડોદરાનાં મુન્નાખાન પઠાણ નામનો વ્યક્તિ ફિલ્મ પ્રોડકશન સાથે સંકળાયેલા હતા. અને મારી એમની સાથે મુલાકાત થઇ. અને એ મુલાકાત દોસ્તીમાં પરિણમી હતી. તે જમાનો 1986નો હતો અને ગુજરાતી ફિલ્મોમાં સૌરાષ્ટ્રની ગાથા અને ઇતિહાસના વિષય પર બનતી ફિલ્મોનો અંત હતો. એ જમાનામાં ઇતિહાસ પર બનતી ફિલ્મોનો યુગ આથમી રહ્યો હતો.

Diamond City-Special-Story-Jaswant-Gangani-Rajesh Shah-2

ગાંગાણીએ કહ્યું કે 1985-86ના વર્ષમાં ફિલ્મની વાર્તાઓ લઇને ફરતો. તે વખતે હાલોલમાં લક્કી ફિલ્મ સ્ટુડીયો હતો. અને સ્ટુડીયો 9 વાગ્યે ખુલતો, પરંતુ બસ તો સવારે 4 વાગ્યે હાલોલ પહોંચાડી દેતી. 4 વાગ્યે પહોંચીને સ્ટુડીયો ખુલવાની રાહ જોઇને બેસી રહેતો. બસ સ્ટેન્ડ પર થોડો સમય પસાર કરીને 8 વાગ્યે સ્ટુડીઓ પર પહોંચી જતો. તે સમયે સ્ટુડીઓનો સિક્યોરીટી ગાર્ડ કહેતો કે, કહાં કહાં સે ચલે આતે હૈ ફિલ્મમેં કામ કરને લિયે. તે હડધૂત કરીને કાઢી મુકતો. આવા અપમાન અનેક વખત સહન કર્યા. પણ લેખક બનવાની જીદે આવા અપમાનોને હાવી ન થવા દીધા. વડોદરાના લક્ષ્મી સ્ટુડીયોમાં પણ જતો, તેઓ વાત સાંભળે, આશ્વાસન આપે પણ કામ ન આપે. એ જમાનાનાં એક જાણીતા પ્રોડયુસર ડિરેકટરે મને કહ્યું કે ઘણાં છોકરાઓ લેખક તરીકેની કારકિર્દી બનાવવા આવે છે. તું જે કામ કરતો હોય તે જ કર, આવા લેખક બેખક બનવાના સપના છોડિ દે. આવા ચક્કરમાં ના પડ. પરંતુ હિમ્મત ન હારતા મહેનત ચાલુ જ રાખી અંતે લેખક તરીકે સ્થાપિત થવામાં મને 15 વર્ષ જેટલો સંઘર્ષ કરવો પડ્યો. પણ, આજે એ વાતથી મારી છાતી ગદગદ ફુલી જાય છે કે જે લોકો મારૂ અપમાન કરતા, જે લોકો મને અવગણતા હતા તે આજે મને મળવા માટે મારી રાહ જોતા હોય છે. મારી જિંદગીની આનાથી વધારે સફળતા બીજી કંઈ હોય શકે? મને એ વાતની ખુશી છે કે ગુજરાતી ફિલ્મોમાં હું એક આગવું સ્થાન ઉભું કરી શક્યો છું. જ્યારે દુરદર્શનના 25 વર્ષ પુરા થયા હતા ત્યારે ગુજરાતી ચલચિત્રમાંથી માત્ર જશવંત ગાંગાણીને શિરોમણી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

Diamond City-Special-Story-Jaswant-Gangani-Rajesh Shah-7

1989માં ફિલ્મ પ્રોડ્યુસર નારસીંગ ચૌહાણે એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. જેમાં સ્ટોરી અને ગીતો લખવાનો મને બ્રેક આપ્યો જે મારી પહેલી ફિલ્મ લેખક તરીકે હતી ‘વીર બાવાવાળો’ એ પછી તો ‘મહેંદી લીલી ને રંગ રાતો’, ‘ભાદરને કાંઠે’, ‘પરભવની પ્રીત’ આવી તો અનેક ફિલ્મોની યાદી લંબાતી ગઇ. જશવંત ગાંગાણીએ અત્યાર સુધીમા અનેક ફિલ્મોની સ્ટોરી અને ગીતો લખ્યા છે. જેમાંથી મોટા ભાગની ફિલ્મો સફળ રહી. આખરે 1998માં પોતાની કંપની “ગાંગાણી ફિલ્મ પ્રોડક્શન”ની સ્થાપના કરી અને તે બેનર હેઠળ પહેલી ફિલ્મ 1999માં બની જેનું નામ હતું “મન સાયબાની મેડીએ” જે સુપર ડુપર હિટ સાબિત થઈ જેમાં હીરો તરીકે નરેશ કનોડિયા અને રોમાં માણેક હતા. અને ત્યાર પછી જશવંત ગાંગાણીએ પ્રોડ્યુસર ડાયરેક્ટ તરીકે “મૈયરમાં મનડું નથી લાગતું” ફિલ્મ આપીને દરેક ગુજરાતી લોકોને એવું તો ઘેલું લગાડ્યું કે આ ફિલ્મ એ જશવંત ગાંગાણીને અમર કરી દીધા… એ પછી તો એક પછી એક “માંડવડા રોપાવો માંણારાજ”, “મેતો પાલવડે બાંધી પ્રીત”, મૈયર માં મનડું નથી લાગતું – પાર્ટ ૨” અને “મારા રુદિયે રંગાણા તમે સાજણા” જેવી અનેક ભાવ લક્ષી સુમધુર સંગીતમય પારિવારિક યાદગાર ફિલ્મો આપી. વર્ષ 2014માં બોલીવુડમાં જંપલાવ્યું અને એક હિંદી ફિલ્મ પણ બનાવેલી જેનું નામ હતું ‘બેજૂબાં ઇશ્ક’, આ ફિલ્મમાં દર્શન જરીવાળા, નિશાંત મલકાની, સ્નેહા ઉલ્લાલ અને મુગ્ધા ગોડસે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેનાં ગીતો “તેરી માસૂમિયત ને હમે બંઝારા બનાદિયા…” મ્યુઝીક આજ પણ ધૂમ મચાવે છે… આમ જુવોતો છેલ્લાં 10 વર્ષમાં 300 જેટલી ગુજરાતી ફિલ્મો બની છે. જશવંત ગાંગાણી એ કહ્યું કે ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’ અને ‘મૈયરમાં મનડું નથી લાગતું’ જેવી ફિલ્મોએ સમાજ પર સારી છાપ છોડી હતી. જશવંત ગાંગાણીએ કહ્યું કે, આજે હું જે કંઇ પણ છુ, જે કંઇ પણ મે સફળતા મેળવી છે તેમાં સૌથી મોટું યોગદાન મારા નાનાભાઇ રાજ ગાંગાણીનું છે. રાજ ગાગાંણી અત્યારે ગાંગાણી મોશન પિક્ચર ફિલ્મનું પ્રોડકશન સંભાળે છે… અત્યાર સુધીમાં જશવંત ગાંગાણીનાં નામે અનેક સુપર હિટ ગુજરાતી ફિલ્મો અને એક હિન્દી ફિલ્મ છે.

હવે આપણે વાત કરીશું એની આવનારી નવી ફિલ્મ “માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ” જે 13 જાન્યુઆરીએ સમગ્ર ગુજરાતમાં રીલિઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મ વિશે વાત કરતાં પહેલાં જાણીતા સાહિત્કાર વૈભવી જોષીની રચના થોડાં ફેરફાર સાથે મમળાવીએ.

આમ તો દુનિયાની નજરમાં દાદા-દાદી ઘણા સક્ષમ લાગે.
પણ આ બે મહાસાગરનું ઋણ ચૂકવવું અશક્ય લાગે.
એમના કપાળની કરચલી સામે તમામ સંપત્તી રાખ લાગે.
એમના ત્યાગ અને પરિશ્રમનાં લીધે જ યશ હાથ લાગે.
માથે એમની છત્રછાયા જો હોય તો બ્રહ્માંડ પણ નાનું લાગે.
ચરણોમાં એમની જઈ ઢળું તો સામે સ્વર્ગ પણ ફિક્કું લાગે.
દાદાની મહેનત સામે જગત આખુંય નતમસ્તક લાગે.

જશવંત ગાંગાણીએ “માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ” ફિલ્મ બનાવવા માટે વરસોની કુનેહ કામે લગાડી છે. આ ફિલ્મમાં તેમણે સમાજની વરવી વાસ્તવિકતા બતાવી છે. જશવંત ગાંગાણીએ કહ્યું કે, હું હમેંશા એવી જ ફિલ્મ બનાવું છું જેમાં કોઇ સંદેશો હોય અને સમાજને કામ લાગે તેવી વિષય વસ્તુ હોય.

આ ફિલ્મમાં વર્તમાન સમયની ગંભીર સમસ્યાનું ચિત્રણ કરવામાં આવ્યું છે. કારકિર્દીની લ્હાયમાં માતા પિતા સંયુકત કુંટબ છોડીને વિભક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરે છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે માતા-પિતા તેમના એકના એક બાળકને એક એવી હકીકતથી વંચિત રાખે છે ને વાતની બાળકને જાણ થતાં એક દસ વરસનો બાળક પોતાના જ માતા-પિતા સામે કોર્ટના દરવાજા ખટખટાવે છે. સંવેદનશીલ વિષય વસ્તુને લઇને આવેલી આ ફિલ્મમાં બાળકની વેદનાને યર્થાથ રીતે દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં ત્રણ પેઢીને આવરી લેતી સ્ટોરી છે. જશવંત ગાંગાણીએ કહ્યું કે એપ્રિલ 2022માં ફિલ્મનું શૂટીંગ શરૂ કરવામાં આવ્યું હતું. દરેક સીનમાં અમે મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. તેથી ફિલ્મની વાર્તા ખુબ જ મજબુત બની અને તેઓ વાત કરતા જણાવે છે. કે આ ફિલ્મ દરેક પ્રેક્ષકોને ચોક્કસ પણે ગમશે એવો એનો આત્મ વિશ્વાસ છે.

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant