ડ્યુટી ચોરી કેસમાં ગુજરાતી ઝવેરીની અમેરિકામાં ધરપકડથી હીરા ઝવેરાત ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો

જ્વેલરીની આયાત માટે ગેરકાયદે રીતે કસ્ટમ ડ્યુટીની ચોરી કરવા અને લાઈસન્સ વિના નાણાં ટ્રાન્સમીટ કરવાના તેમજ બીજા વ્યવસાયો ચલાવવાનાં આરોપ છે.

Arrest of Gujarati jeweller in the US in duty evasion case created stir in diamond jewellery industry
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ફેબ્રુઆરીના છેલ્લાં સપ્તાહમાં અમેરિકાથી હીરા ઝવેરાત ઉદ્યોગ માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા હતા. મૂળ ગુજરાતી ઈન્ડો અમેરિકન જ્વેલરની અમેરિકામાં કસ્ટમ ડ્યુટી ચોરીના કેસમાં ધરપકડ થતા સમગ્ર હીરા ઝવેરાત ઉદ્યોગમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

આ ઝવેરીની ધરપકડ કર્યા બાદ કોર્ટે તેને નજર કેદ રાખવાનો હૂકમ કર્યો હતો. આ ઝવેરી ભારતથી માલ મંગાવતો હોય સુરત-મુંબઈના હીરા ઉદ્યોગકારોની મોટી રકમ ફસાઈ હોવાની ચર્ચા ઉઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર  મુંબઈમાં કંપની ચલાવતા મૂળ બનાસકાંઠાના વતની એવા ભારતીય-અમેરિકન જેમ એન્ડ જવેલરી ઉદ્યોગકાર મોનિશકુમાર કિરણકુમાર દોશી શાહની, અમેરિકામાં જ્વેલરીની આયાત પરની કસ્ટમ ડ્યુટીની ઉચાપત કરવા અને લાઇસન્સ વગરના નાણાં ટ્રાન્સમિટ કરવાના વ્યવસાયો ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

આ વાત સુરત અને મુંબઈના હીરા બજારોમાં વાયુવેગે ફેલાતા દોશીની જેમ એન્ડ જવેલરી કંપની MKore LLC (MKore), MKore USA Inc. (MKore USA) અને Vruman Corp. (Vruman)ને ડાયમંડ અને જોબવર્ક પર જવેલરી બનાવી મોકલનાર સુરત – મુંબઈની કંપનીઓ ચિંતામાં મુકાઈ છે.

મુંબઈ, સુરત, પાલનપુરના રોકાણકારો, ડાયમંડ કંપનીઓની મોટી મૂડી ફસાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે, પણ કોઈ લેણદાર હજુ સુધી ખુલીને બહાર આવ્યો નથી.

મુંબઈ અને ન્યુ જર્સીમાં શોરૂમ ધરાવનાર આ કંપની પર અમેરિકામાં લાખો ડોલરની જ્વેલરીની આયાત માટે ગેરકાયદે રીતે કસ્ટમ ડ્યુટીની ચોરી કરવા અને લાઇસન્સ વિના નાણાં ટ્રાન્સમિટ કરવાના તેમજ બીજા વ્યવસાયો ચલાવવાનાં આરોપ છે. આ કેસમાં જો તેઓ કસૂરવાર ઠરે તો તેમને 20 વર્ષની સજા અથવા 2.50 લાખ મિલિયન અમેરિકન ડોલરનો દંડ થઈ શકે છે.

યુએસ એટર્નીએ ત્યાંના મીડિયાને જણાવ્યું હતું કે, મોનિશકુમાર કિરણકુમાર દોશી શાહ (39 વર્ષ)ની સપ્તાહના અંતે ધરપકડ કરવામાં આવી હતી અને 26 ફેબ્રુઆરીના રોજ નેવાર્ક ફેડરલ કોર્ટમાં યુએસ મેજિસ્ટ્રેટ જજ આન્દ્રે એમ. એસ્પિનોસા સમક્ષ હાજર કરાયો હતો. શાહ ઉર્ફે મોનીશ દોશી શાહને USD 100,000ના બોન્ડ પર, ઘરમાં નજરકેદ રહેવાની શરતે મુક્ત કરવામાં આવ્યો છે.

દસ્તાવેજો અનુસાર, જાન્યુઆરી 2015 થી સપ્ટેમ્બર 2023 સુધી, મોનિશ શાહે તુર્કી અને ભારતથી યુએસમાં જ્વેલરીના શિપમેન્ટ માટે ડ્યૂટી ટાળવાની યોજના બનાવી મોટાપાયે કરચોરી કરી હતી.

આ ટોળકી તુર્કી અથવા ભારતથી માલ અમેરિકા મંગાવતા અને અહીંથી દક્ષિણ કોરિયામાં મોનિશ દોશી- શાહની કંપનીમાંથી સીધા યુએસમાં મોકલી આશરે 5.5 ટકા ઇમ્પોર્ટ ડ્યુટીની ચોરી કરતા હતા.

ફેડરલ પ્રોસિક્યુટર્સે આરોપ મૂક્યો હતો કે દક્ષિણ કોરિયામાં મોનિશના માણસો જ્વેલરી પરના લેબલોને બદલી તુર્કી અથવા ભારતના બદલે દક્ષિણ કોરિયાના છે એવું જણાવી ડ્યુટી ચોરી કરતાં હતાં.

શાહની દક્ષિણ કોરિયાની કંપનીઓ ખરેખર તુર્કી અથવા ભારતથી જ્વેલરી મંગાવી રહી હતી, તે માટે તે તેના ગ્રાહકોને નકલી ઇન્વૉઇસ અને પેકિંગ લિસ્ટ બનાવતા હતા. આ સ્કીમ દરમિયાન મોનિશ દોશીએ દક્ષિણ કોરિયાથી લાખો ડોલરની જ્વેલરી યુએસ મોકલી હતી, એમ ફરિયાદીઓએ આક્ષેપ કર્યો હતો.

જુલાઈ 2020થી નવેમ્બર 2021 સુધી, શાહે ન્યુયોર્ક સિટીના ડાયમંડ ડિસ્ટ્રિક્ટમાં MKore LLC (MKore), MKore USA Inc. (MKore USA) અને Vruman Corp (Vruman) સહિત અસંખ્ય કથિત જ્વેલરી કંપનીઓનું સંચાલન કર્યું હતું.

તેમણે આ સંસ્થાઓનો ઉપયોગ ગ્રાહકો માટે લાખો ડોલરના ગેરકાયદે નાણાકીય વ્યવહારો કરવા માટે કર્યો હતો, જેમાં રોકડને ચેક અથવા વાયર ટ્રાન્સફરમાં રૂપાંતરિત કરવાનો સમાવેશ થાય છે એવું દસ્તાવેજોમાં જણાવાયું છે.

દોશીએ જ્વેલરી કંપનીઓનો ઉપયોગ કરી રોકડને વાયર અથવા ચેકમાં રૂપાંતરિત કરવા માટે કેટલીકવાર, એક જ દિવસમાં એક મિલિયન ડોલરથી વધુ રોકડ ખસેડી હતી. દોશીની કોઈપણ કંપની ન્યૂયોર્ક, ન્યુ જર્સી અથવા ફાઈનાન્સિયલ ક્રાઈમ્સ એન્ફોર્સમેન્ટ નેટવર્ક (FinCEN) સાથે મની ટ્રાન્સમિટિંગ બિઝનેસ તરીકે નોંધાયેલી નથી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant