તમારા માટે તમારો પ્રેમ શું છે?

આપણે જ્યારે પણ પ્રેમ, લવ, મુહબ્બત, ઈશ્ક, ચાહત, ઉલ્ફત જેવા શબ્દો સાંભળીએ છીએ ત્યારે સૈંકડો ગીતો આપણા ચિત્તમાંથી પડખા બદલવા લાગે છે.

Adhi Akshar Kalpna Gandhi Article Diamond City 404
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

પ્રેમ સંસારની સૌથી મોટી શક્તિ છે પણ એ તમને કમજોર બનાવી શકે છે અને તમારી કમજોરી પણ બની શકે. પરંતુ જ્યારે પ્રેમ હિમ્મત આપે છે ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને ઝુકાવી નથી શકતી.

આપણે જ્યારે પણ પ્રેમ, લવ, મુહબ્બત, ઈશ્ક, ચાહત, ઉલ્ફત જેવા શબ્દો સાંભળીએ છીએ ત્યારે સૈંકડો ગીતો આપણા ચિત્તમાંથી પડખા બદલવા લાગે છે. પ્રેમ પર જેટલા ગીતો રચાયા છે, તેટલા ભાગ્યે જ કોઈ વિષય પર રચાયા છે. આપણી ફિલ્મ કથાઓનો મુખ્ય વિષય પણ પ્રેમ જ હોય છે. કદાચ તેનું કારણ એ છે કે આપણા અસ્તિત્વનો તો આધાર જ પ્રેમ છે, વગર પ્રેમે આ જગતની કલ્પના પણ ન થઈ શકે? (પણ માત્ર વૈવાહિક જીવન અને તેમાંથી જન્મ લેતા સંતાનોને કારણે પ્રેમ સિદ્ધ થઈ જતો નથી, જેવું અમુક ડફોળ કોમેડીમાં કહેવાતું હોય છે. એમ તો બળાત્કારને કારણે પણ સંતાન જન્મ લઈ લેતું હોય છે. અહીં વૈવાહિક પ્રેમને ભાંડવાનો આશય નથી, કહેવાનો મુદ્દો એટલો જ છે કે બાળકને જન્મ આપવું એ શારીરિક ઘટનામાંથી પૈદા થતી પ્રક્રિયા છે.)

… તો પ્રેમ શું છે? જુદા-જુદા લેખકો, ચિંતકો, વિદ્વાનો, સંતો, મનીષીઓ, દાર્શનિકો અને અલગ-અલગ વ્યક્તિઓ મુજબ પ્રેમની વ્યાખ્યા બદલાય છે. ગાંધીજી એ કહેલું કે પ્રેમ ક્યારેય દાવો માંડતો નથી, એ તો હંમેશા આપવામાં વિશ્વાસ કરે છે. એ જાતે કષ્ટ સહે છે, ન ક્યારેય ધુંધવાય છે કે ન ક્યારેય બદલો લે છે. ઓશોએ કહેલું પ્રેમ એક દાન છે, ભિક્ષા નહીં. પ્રેમ માંગણી નથી, ભેટ છે. પ્રેમ ભિખારી નહીં, સમ્રાટ છે. પ્રેમ માંગનારને નહીં, વહેંચનારને પ્રેમ મળે છે. ખલીલ જીબ્રાન જણાવે છે કે પ્રેમથી મૃત્યુ વધુ બળવાન છે, મૃત્યુથી જીવન બળવાન છે. આ જાણતા હોવા છતાં માણસ-માણસ વચ્ચે કેટલી સંકુચિત સીમા ખેંચાયેલી છે. બાઈબલ જણાવે છે, જે પ્રેમમાં વાસ કરે છે, તે પરમાત્મામાં વાસ કરે છે. કબીરના મતાનુસાર,

કબીર યહ ઘર પ્રેમકા, ખાલા કા ઘર નાહિં,
સીસ ઉતારે હાથ ધરે,  સો પસે ઘર માહિ.

એટલે કે આ પ્રેમનું ઘર છે, માસીનું ઘર નથી. જે માથુ ઉતારી હાથમાં મૂકી શકે, તે પ્રેમમાં પ્રવેશી શકે. પ્રેમના દસ માધ્યમોની વાત કરતા વિલ સ્મિથ વર્ણાવે છે કે, સાંભળવું (શ્રવણ), બોલવું (કથન), પ્રાર્થના, આપવું (દાન), શેયર કરવું, વિશ્વાસ, ક્ષમા આપવી અને માંગવી, આનંદ તથા જવાબ આપવા આ દસ માધ્યમોથી પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે, અહીં પ્રશંસા કરવી એ મુખ્ય માધ્યમ છે તે વિલ સ્મિથ ચુકી ગયા છે. તો પ્રેમમાં માત ખાયેલાઓ માટે ભવિષ્યની તાકીદ રૂપે ઓરસન વેલૈસનું વક્તવ્ય છે કે આપણે એકલા જન્મ્યાં છીએ, એકલા જ મરી જઈશું.  આપણે એકલા નથી, એ ભ્રમજાળ તો પ્રેમ અને દોસ્તીના માધ્યમ દ્વારા ફેલાવવામાં આવે છે. પણ બાયરન સ્ત્રી-પુરૂષના પ્રેમને જુદા સ્વરૂપે તારવતા વર્ણવે છે કે પુરૂષનો પ્રેમ તેના જીવનનું એક અભિન્ન અંગ છે, જ્યારે સ્ત્રી માટે પ્રેમ જ સમગ્ર જીવન છે. સારાહ હેડનના અનુસાર સાચે પ્રેમ જગ્યા અને સમય જોઈને નથી થતો, એ તો આકસ્મિક રૂપે સ્પંદનશીલ પળમાં ઘટિત થઈ જાય છે. ગોરખ પાંડેય મનોવૈજ્ઞાનિક ઢબે વાત કરતા કહે છે, આપણે વિચારોના સ્તર પર જેની સાથે નફરત કરતા હોઇએ છીએ, ભાવનાઓના સ્તર પર તેની સાથે જ પ્રેમ કરતા હોઇએ છીએ! (છે ને અચરજભરી વાત પણ અમુક કિસ્સાઓમાં તે સાચી પણ હોઈ શકે છે) તો ગજાનન માધવ મુક્તિ બોધ તદ્દન વાસ્તવિકતા વર્ણવે છે કે આજનો પ્રત્યેક સંવેદનશીલ માણસ પ્રેમનો ભૂખ્યો છે, એટલે જ તો કહેવાય છે, ‘શબ્દ પ્યાર સે પરોસિયે, રિશ્તોં કો ભી ભૂખ લગતી હૈ.’ તો હિન્દી સાહિત્યકાર જયશંકર પ્રસાદના અભિપ્રાય મુજબ બે પ્રેમ કરનારા હૃદયો વચ્ચે એક સ્વર્ગીય જ્યોતિ નિવાસ કરતી હોય છે. શ્રીકાંત વર્મા એ તો પ્રેમની આખા સૃષ્ટિને પોતાના મતમાં સમાવી લીધી છે કે પ્રેમમાં ફક્ત મીઠા ચુંબન અને સહવાસ તથા સુખ-શૈયા જ નથી હોતી. આમાં બધુ જ છે, નરક છે, સ્વર્ગ છે, અહંકાર છે, નફરત છે, ક્રોધ છે, ઈર્ષા છે, આનંદ છે, લિપ્સા(વાસના) છે, કુત્સા (નિંદા) છે, ઉલ્લાસ છે, પ્રતીક્ષા છે, કુંઠા (નિરાશા, અતૃપ્તભાવના) છે, હત્યા પણ છે (અન્ય માનવીય લાગણીઓની પણ હોઈ શકે!) પણ રવિન્દ્રનાથ ઠાકુર પ્રેમમય થઈ કહે છે કે પ્રેમને ઉપહારમાં આપી શકાય નહીં, પ્રેમ તો પ્રતીક્ષા કરે છે કે ક્યારે તેનો સ્વીકાર કરવામાં આવે! પ્રેમચંદ તો જાણે પ્રેમને જ જીવનરસ માનતા હોય તેમ એક ઠેકાણે કહે છે કે જેમ શેરડીમાંથી રસ કાઢી લેવામાં આવે પછી ખાલી સાંઠો રહી જાય છે તેમ જો મનુષ્યના હ્રદયમાંથી પ્રેમ નિકળી જાય તો તે માત્ર અસ્થિ-ચર્મનો ઢગલો બનીને રહી જાય છે.

પ્રેમ પોતાનામાં એક પ્રકાશનો અનુભવ હોવા છતાં રાજકમલ ચૌધરીના શબ્દો જાણી રાખવા જેવા છે કે આપણે પ્રેમ કરતા હોવા છતાં એ હકીકતને ભૂલી શકતા નથી કે અહીં ગંદગી છે, અંધકાર છે, પાપ પણ છે…આટલી નોખી-નોખી રજૂઆત પછી પણ સ્પષ્ટ થાય છે કે પ્રેમ શું છે?!

શું છે પ્રેમ? પ્રેમ શબ્દ નથી પણ વગર શબ્દે પણ ક્યાં ચાલે છે પ્રેમને. પ્રેમ સુખ, સુવિધા, સંપન્નતા, સાહયબી, સામર્થ્ય પણ નથી છતાં એ વગર પણ પ્રેમ પાંગળો બની જાય છે. પ્રેમ સ્પર્શ નથી પણ વગર સ્પર્શેય કેટલા સામાન્ય માણસો પ્રેમને નિભાવી શકે છે? પ્રેમ ઉન્માદ નથી, પણ જો દિવાનગી ન હોય તો પ્રેમ પ્રેમ ક્યાં છે? પ્રેમમાં તુચ્છતા, તિરસ્કાર, માનહાનિ નથી તો પ્રેમમાં અમુક લોકો એસિડ અટૈક કે સંહાર જેવી ઘટનાઓ પર કેમ ઉતરી આવે છે? પ્રેમ શરીર નથી છતાં વગર શરીરે પણ પ્રેમ ક્યાં ટકે છે?! હા, પ્રેમકથાઓ અમર બની જાય છે. ક્યાંક વાચેલું, ‘જે લે ત્યાગની શિક્ષા, તે જ આપે પ્યારની પરીક્ષા.’ શું એ સાચું નથી કે પ્રેમની ગાડી ત્યાગના ચક્રો પર ગતિમાન રહે છે.? પ્રેમ પરીક્ષા લે છે કે તમે શું છોડી શકો છો અને શું આપી શકો છો? આ બે કસોટી પર ખરું ઉતરવું, એ બે કિનારા વચ્ચે સેતુ બાંધવો એ પ્રેમની ઊંચાઈ અને પ્રેમનું ઊંડાણ નક્કી કરે છે.

2023માં આવેલી બહુચર્ચિત ફિલ્મ 12th Fail પ્રેમના આવા અનોખા અને ઊંચેરા પરિમાણો લઈને આવી. જ્યાં ન કોઈ શાન-ઓ-શૌકત છે, ન કોઈ ઝાકમઝાળ છે, ન કોઈ પ્રદર્શનકારી વસ્તુ છે, ન કોઈ ગ્લેમરસ વર્ડસ છે, ન ફેન્સી ફેન્ટસી છે.ન રોમેન્ટિક કલ્પનાની ઉડાન છે, ન કોઈ ફેશનેબલ ચીજ છે, ન કોઈ ચાંદ-સિતારા તોડી લાવવાની વાત છે, ન રિમઝિમ વરસાદના મસ્તીભર્યા ગીત છે, ન સ્વિટ્ઝર્લેન્ડની હરિયાળીનું મદમાતું સંગીત છે. અરે!

આજકાલની મુવીમાં જે ચુમ્મા-ચાટી હોય જ એ પણ ગેરહાજર. ન અંગ પ્રદર્શન કરનારા વસ્ત્રો, કોઈ સિનસિનેરી પણ નહીં તો પછી આ પ્રેમના લેખમાં 12th Fail નું શું કામ છે?!

કામ છે! કારણ કે અહીં પ્રેમનો મૂળ પાયો છે અને એ છે સંઘર્ષમાં ભારોભાર સંગાથ નિભાવવાની તૈયારી. સત્ય ઘટના પર આધારિત આ મૂવીમાં નાયક મનોજકુમાર શર્મા પોતાની સાથીને ‘આઈ લવ યુ’ કહે છે ને આગળ જણાવે છે કે હવે તું પણ મને ‘આઈ લવ યુ’ કહી દે પછી જો હું તારા માટે દુનિયા પલટાવી નાખીશ… અને એક સમય એવો આવે છે કે ફિલ્મની નાયિકા શ્રદ્ધા મનોજને અંત:કરણ પૂર્વક કહે છે, તું કહેતો હતો ને કે જો હું ‘આઈ લવ યુ’ કહીશ તો તું દુનિયા પલટાવી નાખીશ તો મેં કહ્યું આઈ લવ યુ, હવે તું પલટાવી નાખ દુનિયા. યુવકમાં UPSC પરીક્ષા ઉત્તીર્ણ કરવાનો ઝઝ્બો કાંઈ નાનો સૂનો ન્હોતો, એ તો તેને હૈયે સળગતો જ હતો પણ શ્રદ્ધાના પ્રેમે તેના અંદરની આ પવિત્ર જ્વાળામાં ઘી રેડ્યું. તેનો આત્મવિશ્વાસ વધતો ચાલ્યો અને શ્રદ્ધાએ પણ તેનો સાથ આપવામાં કોઈ પાછી પાની ન કરી. એ પોતે ડિપ્યુટી કલેક્ટર બની ગઈ હોવા છતાં રાત-દિવસ જોયા વગર સફળતા માટે સંઘર્ષ કરતા મનોજ માટે જ્વલંત પ્રેરણા બનીને અડીખમ બની રહી.

‘સંઘર્ષ’ શબ્દ લખતા, વાંચતા, બોલતા, સાંભળતા અરધી ક્ષણ પણ નથી વીતતી પરંતુ જ્યારે ખરેખરો સંઘર્ષ કરવાનો વખત આવે ત્યારે ભલભલા ચરમબંધીઓની નાની મરી જાય છે. અચ્છે-અચ્છા ખેરખાં પાણીમાં બેસી જાય છે કારણ કે સંઘર્ષ માત્ર એકાદ-બે મુદ્દે કરવાનો નથી હોતો, બધું વણસતું હોય ત્યારે ભાગ્ય વિધાતા પણ બધુ આડું-અવળું ચિતરી મારે છે. બાર સાંધો ને તેરમું ટૂટે તેવી સ્થિતિ હોય ત્યારે માણસ અંદરથી ટૂટવા લાગે છે પણ 12th Failમાં સદ્દનસીબે એવું બનતું નથી.

મનોજને પોતાનો તારક મળી રહે છે. જોકે, એ પોતે પણ દૃઢ ઈચ્છા શક્તિ અને મક્કમ મનોબળવાળો હોય જ છે, એ તો છે જ પરંતુ જ્યારે પોતાની જિંદગીમાં આવા સશક્ત પ્રેરક બળ હોય ત્યારે માણસ ફરી ફિનિક્સ પંખીની જેમ ઊભો થાય છે.

IPS અધિકારી બનવાની આ સફરમાં તેના પ્રયત્નો પ્રામાણિક છે અને નિષ્ઠા અચળ છે ને ઉપર જાતા પ્રેમની શક્તિ ખરેખર પોતાની દુનિયા પલટાવી દે છે. તે ધરતી પરથી ઉડી આસમાન ચૂમી લે છે.

જો પ્રેમ પિંજરુ બનતો હોય, પાંખો તોડી નાખવા આતુર હોય તો એ પ્રેમ નથી, બંધન છે. બંધન મોહ હોઈ શકે પ્રેમ નહિ. ન પ્રેમ લોભ કે લાલચ છે, ન અધધ માંગણીની રજૂઆત…

ફિલ્મના એક દૃશ્યમાં નાયિકા નાયકને એક નાનકડો પત્ર આપતા કહે છે કે આ મારી ગેરહાજરીમાં ખોલી વાંચજે. નાયક UPSCની પ્રીલિમ્સ અને મેન્સ પાસ કરીને ઈન્ટરવ્યૂ માટે જતો હોય છે પણ તેને ત્યાંથી જવા માટે કહી દેવામાં આવે છે.

એ બહાર બેઠો અસમંજસમાં હોય છે, ત્યારે તે પત્ર તેના હાથમાં આવે છે, જેમાં લખ્યું હોય છે કે તું આઈપીએસ અધિકારી બને કે ન બને, હું તારો સાથ નિભાવીશ શું તું મને પરણીશ?! આ શબ્દોમાં જે પ્રમે છે, એ લાખો પ્રેમની વ્યાખ્યાઓમાં પણ હોઈ શકે નહિ…

આ બંને પાત્રની દુનિયા સાવ જ અલગ-અલગ છે. ક્યાં સાધન સંપન્ન પરિવારની એક સોફિસ્ટેક્ટેડ ડે. કલેક્ટર અને ક્યાં સાવ ગામડિયલ અને અસફળ માણસ? છતાં આટલી ત્યાગની ઉદાર ભાવના, મનોજની નસોમાં નવું લોહી પૂરી દે છે અને કેમ નહિ! પડતીમાં સાથે ઊભો રહે એ જ તો પ્રેમ છે! બાકી પાટુ મારવા માટે તો દુનિયા છે જ ને…

પ્રેમ શું શું છે અને શું શું નથી એ ચર્ચાનો વિષય હોઈ શકે પણ એટલું ચોક્કસ કહીશ કે પ્રેમ એ એક સંજીવની બૂટી છે, તેનો સ્પર્શ મડદાલ માણસને બેઠો કરી શકે. જિંદગી આખીને પુષ્પિત, પલ્લવિત અને સુગંધિત કરી શકે… અને સૌ વાંચકોને Happy Valentine’s Day…પ્રેમ તમને પણ આવો જ મળે એવી અપાર શુભકામનાઓ…!

ગોલ્ડન કી

પ્રેમ લૌકિક ઘટના છે પરંતુ તેનામાં એ પ્રબળતા રહેલી છે
કે તે આ માનવીય ભાવનાને અલૌકિક બનાવી શકે છે.
પ્રેમનો અહેસાસ વિશ્વના કોઈપણ અનુભવ કરતાં
વધુ બળવાન છે, વધુ સામર્થ્યવાન છે, વધુ સકારાત્મક છે.
પ્રેમ સ્વર્ગની અનુભૂતિ કરાવી શકે છે… પણ જો
એ પ્રેમ, સંજીવની બુટી જેવો હોય તો!
પ્રેમને નામે થતા ઢોંગ કે છળની અહીં વાત નથી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant